Recents in Beach

ભાષામાં માનવ જીવનનું સ્થાન, મહત્વ અને કાર્યો જણાવો|Bhasha maanvjivan sthaan karyo

 

ભાષામાં માનવ જીવનનું સ્થાન, મહત્વ અને કાર્યો જણાવો  

 

  ભાષાનું માનવ વ્યવહારમાં સ્થાન અજેય અને અમર છે. કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં પરસ્પરના વિચારોમાં વ્યવહારો કે લાગણી તેમજ ભાવોની અભિવ્યક્તિમાં ભાષાનો ઉપયોગ કરે છે. મિત્રતા કે પ્રેમ સબંધોમાં ભાષા જ કેન્દ્ર સ્થાને છે. મિત્રતા કે દુશ્મન થવાનું કારણ પણ ભાષા જ હોય છે. ભાષાથી જ માનવીનું માનવી સાથે નાતો બંધાય છે.

 


૧. ભાષા એ અવગમન વ્યવહારનું માધ્યમ કે સાધન છે:

  આપણો બધો જ વ્યવહાર ભાષા પર અવલંબે છે. ભાષા માનવી પાસે રહેલા વાક અવયવો દ્વારા ઉત્પન્ન થાય છે. ફેફસાં, શ્વાસનળીઓ, સ્વરતંત્રીઓ, જીભ, દાંત, મુખવિવર, હોઠ જેવા ઉચ્ચારણ અવયવ દ્વારા ભાષા બોલવાનું શક્ય બને છે. ઉચ્ચારણ અવયવો કુદરતી વસ્તુ છે. બધા પ્રાણીઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. દરેક જીવ ગમે તે કારણે વૃતિજન્ય અવાજ તો કરે છે. પરંતુ માનવીની જેમ અવગમન વ્યવહારની રીતે અર્થ સંકોચ પણ એને ઢાળવાની પદ્ધતિ એમની પાસે નથી. એ રીતે ભાષા દ્વારા થતી લાગણી કે વિચારની અભિવ્યક્તિ માનવી કરી શકે છે.

 

  માનવી પાસે જે ભાષા છે. તેના જેવી અર્થોની વ્યવસ્થા સંકેત પક્ષી કે પ્રાણી પાસે નથી. તેથી તેઓ માત્ર જેવિક ક્રિયાઓ પૂરતો જ અવગમન વ્યવહાર કરી શકે છે. જ્યારે માનવી પોતાનો ભૂતકાળ અને ભવિષ્યકાળની બાબતોની વિચારણા કરી શકે છે, અને પરસ્પરના સબંધોમાં વિચાર વિનિમય વ્યવહાર કરી શકે છે.

 

 

  આજના આપણા જ્ઞાન વિસ્ફોટના જગતમાં ટેલીવિઝન, ટેલીફોન, વર્તમાન પત્રો જેવા સમૂહ માધ્યમો દ્વારા અવગમન વ્યવહારની ઘણી સુગમતા થઇ છે. સાહિત્ય કલાના સ્વરૂપો જેવા કે નવલકથા, નાટક વગેરેની અભિવ્યક્તિમાં પણ ઘણી અસરકારક રીતે થઇ શકતી હોવાથી ભાષા સાહિત્ય ક્ષેત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. માનવી પાસે સંકુલ ચિત્ત રચના છે. અને એ ચિત્તમાં ભાષાના માધ્યમ દ્વારા સતત વિચારોની પ્રક્રિયા ચાલ્યા કરે છે. એ ચિત્ત વ્યાપારોની અભિવ્યક્તિ ભાષાથી જ થઇ શકે છે. માનવીના ચિત્ત વ્યાપારોને આકાર આપવામાં ભાષા જ જવાબદાર છે એ રીતે ચિત્ત વિકાસમાં પણ ભાષા મહત્વનું પરિબળ બને છે.

 

 

૨. માનવીની પ્રગતિ ઉત્ક્રાંતિમાં પણ ભાષા છે:-

  ‘કાળા માથાનો માનવી ધારે તે કરી શકે’ એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તે કરી શકવાની અસલ તાકાત તો ભાષામાં છે. કારણ કે ભાષા જ માનવીના ઉત્ક્રાંતિનાં મૂળમાં છે. માનવીને જીવનની સાથે હર પળ નવા નવા અનુભવો થતા જાય છે. અને તે માનવી ભાષા દ્વારા સંચિત કરે છે. અને અન્યને કહી શકે છે. જેથી બધા જ વ્યક્તિઓએ જાત અનુભવ કરવાની જરૂર પડતી નથી. પક્ષી કે પ્રાણીઓ પોતાના અનુભવનો વારસો એમના પછી આવનારી પેઢીને આપી શક્યો નથી એ રીતે જોવા માનવી શિવાયનું જગત ઘણું પાછળ છે. માનવી એ જે પ્રગતી કરી છે તે કેવળ ભાષાને કારણે જ છે.

 

 

૩. ભાષા જ્ઞાન, સંવાદ અને માધ્યમ:-

   જેવી રીતે ભાષા વિચારો વ્યક્ત કરવાનું નોંધપાત્ર ઉપાદાન છે, તેવી જ રીતે એ જ્ઞાન સંપાદનનું માધ્યમ પણ છે. ભાષાની આ તાત્વિક સિદ્ધી છે. જગતના આપણા અનુભવો ભાષા દ્વારા જ સચિત થતા હોય છે. અને તેમાંથી જ જગત વિશેના કેટલાંક સત્યોની શક્તિની તારવણી પણ થાય છે. આ સનાતન  સત્યો તે જ જ્ઞાન છે. આ જ્ઞાનની અભિવ્યક્તિ આપણે પેઢી દર પેઢી સુધી ભાષા દ્વારા જ પહોંચાડી શકીએ છીએ. અને તેમાંથી તત્વો વિચાર અને વૈજ્ઞાનિક વિકાસની અનેક પરંપરાઓ ઉદ્ભવી છે. ધર્મ ક્ષેત્રે કે વિજ્ઞાન ક્ષેત્રે અનંત જ્ઞાનનો વારસો માણસ પાસે છે. અને તેમાં તે વધારો કરતો રહે છે અને તેથી જ તો આપણે જ્ઞાન-વિસ્ફોટ જગતમાં છે. જ્ઞાન સાધના અને તેના વારસા માટે ભાષાનું વધુ શલ્ય યોગદાન છે. ભાષા વિના કશું શક્ય છે? ભાષા વિના કશું શક્ય નથી.

 

 


૪. ભાષા એક અધ્યયન- અધ્યાપનનું સાધન:-

  જ્ઞાનને પેઢી દર પેઢી વારસા રૂપે અથવા જે અધ્યયન - અધ્યાપનની (ભણવાની અને ભણતરની) શિક્ષણની વ્યવસ્થા છે. જેમાં ભાષા પ્રત્યક્ષ રૂપે અને માધ્યમ રૂપે કેન્દ્ર સ્થાને છે. ભાષા વિના આપણે ભણતરની પ્રક્રિયા અટકી જાય. તત્વજ્ઞાન કે તર્કજ્ઞાન, ગણિત કે વિજ્ઞાન, ઈતિહાસ કે ભૂગોળ આપણા બધા જ વિષયોને ભાષા દ્વારા જ ભણાવાય છે. વાંચન-લેખન વગેરેમાં ભાષાનું સ્થાન અનિવાર્ય પણે કેન્દ્રમાં છે.

 

 

૫. ભાષા ઈતિહાસ કે ભૂતકાળને સાચવવાનું સાધન:-

  ભાષાની સોથી મોટી ખૂબી એ છે કે એને લીપી બંધ કરી શકાય છે. લિપી દ્વારા આપણા વિચારોથી માંડીને જ્ઞાનમાર્ગની સર્વ બાબતોને સાચવી શકીએ છીએ. એ રીતે જોતા ભલે આજના બાળકે ભારતની સ્વતંત્રતાની લડાયમાં ભાગ ન લીધો હોય અને ન જોયું હોય પણ ભાષા દ્વારા એ અનુભવ સુધી પહોંચી શકાય છે. સમગ્ર માનવ જાતના ઇતિહાસને સમગ્ર ભૂતકાળને ભાષા દ્વારા પામી શકાય છે. જો માનવી પાસે ભાષા જેવું કોઈ સાધન ન હોય તોયે પોતાના વિશેની કે જગત વિશેની કોઈ પણ બાબતને જાણતો જ ન હોય અને એની પાસે કોઈ ભૂતકાળ કે સંસ્કૃતિ જ ન હોય અને એ અર્થમાં ભાષાને સંસ્કૃતિસાથી તરીકે ઓળખવામાં આવે છે.

 

 

૬. ભાષાએ સાહિત્યકલાનું માધ્યમ:-

  ભાષાને અન્ય વિષયના માધ્યમ તરીકે આપણે જોઈએ છીએ પણ ભાષાને પોતાનું સોંદર્ય શાસ્ત્ર છે. જેને આપણે સાહિત્યકલા તરીકે ઓળખીએ છીએ. શબ્દ અર્થનું સહિત તત્વ તે કાવ્ય જે સર્વ કલાઓમાં શ્રેષ્ઠ છે. તે ભાષા દ્વારા શક્ય છે. અને એ કલાના આનંદને આપણે બ્રહ્માનંદ સમુદાય ગણવામાં આવ્યા છે. એ રીતે ભાષાની સોથી ઉત્તમ કામગિરી તે સાહિત્યની છે.

 

 

  ભાષાના એહિક, દેહિક, ભોતિક, આધ્યાત્મિક વ્યવહાર જગતમાં ધંધા રોજગારમાં એમ દરેક જગ્યાએ અનેક લાભો પ્રાપ્ત થાય છે જે સોની સાથે જીવન સંજીવની રૂપ આનંદ સ્વરૂપ સાહિત્ય દ્વારા થતો લાભ તે અનમોલ વસ્તુ છે.

 

  આ સાહિત્યનાં સ્વરૂપો નવલકથા, નવલિકા, કવિતા, નિબંધ વગેરેમાં સાહિત્યનો સર્જક ભાષાના નાદ લઇ વગેરેનો ઉપયોગ કરી ભાષાનો નવો ઉન્મેશશાળીની રૂપે રજૂ કરે છે. એનાથી લાભ થાય છે. અને તેથી પણ કહેવાય છે કે ભાષાનું માનવ વ્યવહારમાં અનિવાર્ય સ્થાન બની રહે છે.

 

 

  આમ ભાષાનું કાર્ય ક્ષેત્ર માનવીના સર્વ રીતે જોડાયેલું છે. ભાષા વિના માનવી પશુ સમાન થઇ જાય છે. માણસને માનવી ઓળખ ભાષાને કારણે જ મળેલી છે. સાહિત્ય, સંગીત કલાથી માંડીને આજના માહિતી પ્રધાન યુગમાં (ઇન્ફોર્મેશન યુગમાં) પહોંચી શક્ય છીએ. આ ક્રાંતિના મૂળમાં પણ ભાષા જ છે. એટલે એમ કહી શકાય કે શબ્દ વિના જગત શૂન્ય છે.

 ભાષાનું સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં યોગદાન-Click Her


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ