Recents in Beach

કોમુદ્દી ગુજરાતી સાહિત્યિક સામાયિક|Komudi Gujarati Samayik

     ગુજરાતના ૧૯૨૩ના દિવાળી અંકથી મુનશી અને વિજયરાય વૈદ્ય વચ્ચે સંપાદન અને વહીવટ અંગે મતભેદ થયો, ઝગડો થયો, તળાખડી થઇ અને વિજયરાય ગુજરાતમાંથી અને સંસદમાંથી છૂટા થયા. પણ સામાયિક ચલાવ્યા વગર વિજયરાય રહી શકે તેમ ન હતા, એટલે ૧૯૨૪ના ઓક્ટોમ્બરથી તેમણે કોમુદી ત્રેયમાસિક શરુ કર્યું.

 

 

૧) કોમુદ્દી સામાયિકનો પ્રારંભ:-

 

  ઈ.સ.૧૯૨૪ના ઓક્ટોમ્બરથી કોમુદ્દી ત્રેયમાસિકનો પ્રારંભ થયો. તેનો પહેલો અંક નવજીવનમાં બચ્ચુભાઈ રાવતે છાપેલો. એ અંગની નકલ ભેટ આપવા વિજયરાય મુનશી પાસે ગયા ત્યારે મુનશીએ તેમને ૧૦૦ રૂપિયાની નોટ આપેલી કોમુદીને મદદ તરીકે.

 

 

૨) કોમુદ્દીનો ઉદ્દેશ:-

 

  આપણી ભાષાના સામાયિકોના ઇતિહાસમાં કોમુદ્દી મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે તે કેવળ સાહિત્ય અને સાહિત્ય વિવેચનને વરેલું એ આપણું પહેલું સામાયિક છે.

 

  કોમુદ્દીના પહેલાં જ અંકમાં વિજયરાય લખે છે: “અન્ય સામાયિકો જાણે બેઠક સાથે સ્પર્ધામાં ઉતરતા હોય તેમ જ્ઞાનના પ્રવેશ માત્રને પોતાનું કાર્યક્ષેત્ર માને છે, એટલી અસાધારણ તો અમારી મહત્વકાંક્ષા નથી પણ શુદ્ધ સાહિત્ય, કલા અને વિવેચનના પૃથક સેવનનો કાળ હવે ગુજરાતમાં આવેલો જણાય છે તેથી એ વિષયને..... છેડવા એવી યોજના છે.”

 


૩) કોમુદ્દીને અસંખ્ય લેખકોનો મળેલો સહકાર:-

 

  નરસિંહરાવ દિવેટિયા, ચંદ્રવદન, ગગન વિહારી મહેતા, મેઘાણી, વિશ્વનાથ ભટ્ટ, રમણલાલ દેસાઈ, ધનસુખલાલ અને જ્યોતીન્દ્ર દવે જેવા લેખકોનો કોમુદ્દીનો સાથ મળ્યો. કોમુદ્દીના અંકો જોતા એ જમાનાના લેખકોનો ખેલદિલીનો પણ ખ્યાલ આવે છે, જે નરસિંહરાવ સામે વિજ્યરાયે ચેતનમાં બંડ પોકારેલો તે જ નરસિંહરાવનો ‘ગુજરાતીમાં સંગીત કાવ્ય’ જેવો મહત્વનો લેખ કોમુદ્દીના પહેલા જ અંકમાં મળે છે. ‘વજો તાંદરીયા’ જેવો જનોઈ વઢ ઘા કરતો કટાક્ષ લેખ લખનાર ચંદ્રવદન મહેતાના દસેક કાવ્યો ઉપરાંત અખો નાટક હપ્તાવાર પ્રગટ થયો છે.

 

 

૪) કોમુદ્દીમાં પ્રગટ થયેલા વિવિધ કાવ્યો:-   

 

  બળવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, રા.વી.પાઠક, ઉમાશંકર, સુંદરમ, દેસળજી પરમાર, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખ વગેરેના કાવ્યો કોમુદ્દીમાં જોવા મળે છે. તેમના ઘણા કાવ્યો ગાંધીયુગની ભાવનાનો પ્રબળ ઉદગાર કરનારા છે અને છતાં વિજયરાયને પૂરો સંતોષ ન હતો. ‘વિનાયકની આત્મકથામાં તેઓ નોંધે છે: “કાવ્યની દ્રષ્ટિએ કોમુદ્દી સહેજ પછાત અને ઝાંખો રહેલો છે.”

 

 

૫) કોમુદ્દીનું વિષય વૈવિધ્ય:-

 

   એ જમાનામાં શુદ્ધ સાહિત્યનુ સામયિક ચલાવવાનું મુશ્કેલીનો જાત અનુભવ થયા પછી પાચમાં વર્ષથી વિજયરાય કોમુદ્દીમાં સાહિત્ય ઉપરાંત ઈતિહાસ, ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન વિશેના લેખો પણ પ્રગટ કરવાનું નક્કી કરે છે.

 

 

૬) કોમુદ્દીમાં પ્રગટ થયેલી વિવિધ વાર્તાઓ:-

 

  કોમુદ્દીમાં ધૂમકેતુ, મેઘાણી, સુંદરમ, ઉમાશંકર, રમણલાલ, ગુલાબદાસ બ્રોકર, ગુણવંતરાય આચાર્યની વાર્તાઓ પ્રગટ થયેલી છે.

 

 

૭) કોમુદ્દીમાં પ્રગટ થયેલી ધારાવાહિક નવલકથાઓ:-

 

  ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી દૂર રહેલા વિજયરાય છટ્ઠા વર્ષથી ધારાવાહિક નવલકથાઓ શરુ કરે છે. આવી બંધ-છોડ કરવા પાછળનું મુખ્ય કારણ કોઈ પણ હિસાબે કોમુદ્દીને ટકાવી રાખવાની ખેવના છે. માણેકલાલ ડોક્ટરના સયાજીવિજય સામાયિક દ્વારા જયંત, શિરીષ અને કોકિલા જેવી ત્રણ નવલકથા પ્રગટ થયા છતાં સાહિત્ય પ્રેમીઓ અને વિવેચકોનું રમણલાલ તરફ બહુ ઓછું ધ્યાન ગયું હતું.  પણ પછી કોમુદ્દીનાં હપ્તાવાર પ્રગટ થયેલી દિવ્યચક્ષુ, ભારેલો અગ્નિ અને ક્ષિતિજ પ્રગટ થતા ગાંધીયુગની નવલકથા પર રમણલાલ છવાઈ ગયા.

 

 
૮) કોમુદ્દી દ્વારા વિજયરાય દ્વારા ચિંધવામાં આવેલી એક નવી દિશા:-

 

  અનેક મહત્વના વિવેચન લેખો કોમુદ્દીમાં પ્રગટ થયા હતા. પુસ્તકોની વાર્ષિક સમીક્ષા પ્રગટ કરીને વિજ્યરાયે એક નવી દિશા ખોલી હતી. ૧૯૩૨, ૧૯૩૩ અને ૧૯૩૪ની વાર્ષિક સમીક્ષા અનુક્રમે વિજયરાય, વિશ્વનાથ ભટ્ટ અને જ્યોતીન્દ્ર દવેએ કરેલી.

 


  કોમુદ્દીને પોતાની રીતે ચાલુ રાખવા વિજયરાયે ઘણા ધમ-પછડા માર્યા પણ છેવટે જે મુનશીથી છૂટા પડ્યા હતા એ જ મુનશીની સાહિત્ય સંસદનાં મુખપત્ર તરીકે કોમુદ્દી પ્રગટ થાય એવી યોજના ન છૂટકે સ્વીકારવી પડી. અને કોમુદ્દીના સાહિત્ય સંસદ તરફથી તંત્રી બન્યા. પણ આ વ્યવસ્થા બહુ લાંબી ન ટકી. મુનશી અને મૂળશંકર ભટ્ટ સાથે વિવાદ અને ઝગડો થયો અને સપ્ટેમ્બર ૧૯૩૫માં કોમુદ્દીને ૨૧૦૦ રૂપિયામાં વેચીને વિજયરાય કાયમને માટે છૂટા થયા. કોમુદ્દીની પ્રભા તે પછી ઓસરતી ગઈ અને છેવટે ૧૯૩૮માં તે બંધ થઇ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ