Recents in Beach

યોગ કરતાં સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ?|Yog karti vakhte dhyanma rakhvani babto

 

યોગા કેવીરીતે કરવો 

 

 યોગ કરતી વખતે અમુક બાબતોનો ખાસ ખ્યાલ જરૂરી છે, જેમ કે

૧. રોગનિવારણ માટે યોગાભ્યાસ અનુભવી યોગ શિક્ષકના પ્રત્યક્ષ માર્ગદર્શન સાથે જ કરવો જોઈએ.

૨. અનુશાસન, શ્રદ્ધા, આત્મવિશ્વાસ, પ્રેમ, પ્રયત્ન, પ્રામાણિકતા અને અખૂટ આત્મીયતાની સપ્તપદીના મંડાણ સાથે જ યોગનોઅભ્યાસ નિયમિત અને અસ્ખલિત ભાવ સાથે કરવો જોઈએ.


૩. સવારે દાંત સાફ કરી, જીભની ઉલ ઉતારી, કોગળા કરી અને શોચાદી પ્રાત: કર્મથી પરવારીને યોગ-અભ્યાસ કરવો આવશ્યક છે.

૪. આસનોના અભ્યાસ પૂર્વે મળ-મૂત્રનો ત્યાગ કરવો ખુબજ જરૂરી છે.


૫. આસનોના અભ્યાસ પૂર્વે જો કુદરતી હાજત ન આવે તો ગરમ પાણીનો ગ્લાસ, ચાનો એક કપ, કોફી, કોકો કે મિલ્કચોકલેટ વગેરે કઈ પણ ગરમ પીણું પીવાથી પેટ ખાલી થઇ જશે, જો હળવા નાસ્તા પછી યોગાભ્યાસ કરવો હોય તો નાસ્તા પછી આશરે ઓછામાં ઓછા એકાદ કલાકનો ગાળો રાખવો જ જોઈએ. ભોજન પછી ચાર કલાક વીત્યા પહેલાં યોગાભ્યાસ કરવો નહી. યોગાભ્યાસ કર્યા પછી અડધા કલાક પછી જ નાસ્તો કે ભોજન કરવાં.


૬. સ્નાન કર્યા પછી આસનો કરવામાં આવે તો શરીરમાં આવેલી હળવા આસનોના અભ્યાસ માટે ખુબ જ સહાયક બની રહે છે. ગરમીના કારણે યોગાભ્યાસ દરમિયાન પરસેવો થાય તો ફરીથી અભ્યાસના અડધા કલાક પછી શોવર લઇ શકાય. આસનોના અભ્યાસ પૂર્વે અને પછી બંને સમયે શોવર વોશ-બાથ લેવાથી તાજગી, પ્રસન્નતા અને મનની હળવાશ પણ રહે છે.


૭. આસનોનો અભ્યાસ સમયની સગવડતા પ્રમાણે સવારે અથવા સાંજે કોઈ પણ સમયે કરી શકાય.

૮. આસનોનો અભ્યાસ ખુલ્લી હવામાં અથવા તો હવા-ઉજાસવાળી તેમજ જીવજંતુઓ વગરની જગ્યાએ કરવો જોઈએ.


૯. ખુલ્લી જમીન કે અસમતલ જમીન ઉપર યોગ-અભ્યાસ કરવો નહિ. જમીન ઉપર શેતરંજી અને ત્યારબાદ તેના ઉપર ધાબળો પાથરી સંતુલિત જગ્યા ઉપર જ અભ્યાસ કરવો જોઈએ.

૧૦. આસનોના અભ્યાસ દરમિયાન ચશ્માં કે ઘરેણાં પહેરવાં નહીં, તેની સાથે અભ્યાસ કરવાથી કદાચ તેમના તૂટી જવાનો ભય રહે અથવા તો તે પહેરીને અભ્યાસ કરવાથી ઈજા પણ થઇ શકે.


How Yoga can be done?


૧૧. તડકામાં લાંબો સમય ફર્યા પછી તાત્કાલિક આસનોનો અભ્યાસ કરવો નહિ.

૧૨. આસનોના અભ્યાસ દરમિયાન ચહેરાની માંસપેશીઓ પર ખેચાણ ન આવવું જોઈએ, તેમ જ આંખો, કાન કે શ્વાસોચ્છવાસમાં બળજબરી કે દબાણ આવવું જોઈએ નહિ.


૧૩. તમામ આસનોનો અભ્યાસ લયબદ્ધ- કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આકસ્મિક ધક્કા વગર કરવો જોઈએ.

૧૪. આસનોના અભ્યાસ સમયે શારીરિક થાક, માનસિક તનાવ અથવા તો શરીર અક્કડ હોય તે યોગ્ય નથી, માટે તેને નિવારવા જોઈએ.


૧૫. આસનોના અભ્યાસ જો માત્ર યંત્રવત જ કરવામાં આવે તો તે અભ્યાસથી કઈ વિશેષ લાભ મેળવી શકાય નહિ, માટે દરેક સમયે, પ્રત્યેક અભ્યાસ માનસિક સંતુલન, સમજણ અને આસનોની અસરના અનુભવની ભાવના સાથે કરવો જોઈએ.

૧૬. આસનોના અભ્યાસ દરમિયાન અનાવશ્યક વાતચીત કરવી નહિ.


૧૭. આસનોના અભ્યાસ દરમિયાન આરંભમાં આંખો ખુલ્લી રાખવી, કે જેથી તમે જોઈ અને જાણી શકો કે તમે શું અને કેમ કરી રહ્યા છો, તે ખરું છે કે ખોટું તે તમે જાણી શકશો, પછી જ્યારે તમે યોગાભ્યાસમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરી લો; ત્યારે આંખો બંધ રાખો, જેથી શરીરના અનુશાસન અને નિયંત્રણ સાથે જે આસન જે આંતરિક ગ્રંથી કે અવયવોને લાભ પંહોચાડી રહ્યાં છે તેના ઉપર તમે મનને એકાગ્ર કરી શકો.


૧૮. આસનોના અભ્યાસ દરમિયાન શરીર જ કાર્યરત રહેવું જોઈએ. મન શાંત અને પ્રસન્ન રહેવું જોઈએ. જો મન વ્યગ્ર અથવા વિપરીત દિશામાં કાર્યશીલ રહે તો આસનો દરમિયાન થતી ભૂલોને જાણી ન શકાય. મન આસનોમાં સહાયપ્રદ બને તે માટે સદેવ પ્રયત્નશીલ રહેવું.


૧૯. તમામ આસનોના અભ્યાસ દરમિયાન શ્વાસ નાક વડે જ લેવો; મોં વાટે લેવો નહિ. આવી ટેવ માટે સતર્ક રહેવું, અને શ્વાસોચ્છવાસને યોગ-આસનોના આગળ-પાછળના ઝુકાવ સાથે લયબદ્ધ લેવો.


૨૦. બધાં આસનો કર્યા પછી ઓછામાં ઓછું દશથી પંદર મિનીટ સુધી શવાસનનો અભ્યાસ જરૂર કરવો, આમ થવાથી જો કોઈ પણ કારણોસર શરીરના કોઈપણ ભાગમાં શ્રમ થયો હોય તો તે દુર થઈ જશે અને શરીર હળવું ફૂલ અનુભવાશે.


૨૧. બ્લડપ્રેશર વધારે હોય કે ઓછું; બંને અવસ્થામાં આગળ ઝૂકીને કરવાનાં તમામ આસનો મદદરૂપ થઈ શકે છે.

૨૨. જેમના કાનમાં પરુ વહેતું હોય, જેમને આંખો વધુ પડતી નબળી હોય અથવા તો જેમની આંખોની કીકી કે પડદામાં કઈ ખામી હોય તેમણે શીર્ષાસન કે સ્વર્ગાસન અને હલાસન અથવા તો માથું નીચે અને પગ ઉપરની તરફ આવે તેવા કોઈ પણ આસનો કરવાં જોઈએ નહિ.


૨૩. ઉતાવળથી કે ખોટા અથવા વેઠ જેવાં કરવામાં આવતા યોગાભ્યાસની વિપરીત અસર થોડા જ દિવસોમાં જણાઈ આવશે. આનાથી અભ્યાસમાં આવશ્યક સુધારો કરવાનું તરત જ સમજાશે. અને જો તમને તમારી ભૂલ ન સમજાય તો તમારે માટે એ ખુબ જ જરૂરી છે કે તમે કોઈ એવી વ્યક્તિનું માર્ગદર્શન લો કે જે નિયમિત આસન-પ્રાણાયામનો અભ્યાસ કરતી હોય અને જેને યોગવીજ્ઞાનનું વિશદ જ્ઞાન હોય. પોતે જ્ઞાન ધરાવે અને બીજાને શિક્ષણ આપવામાં જેની રુચિ પણ હોય સાથે સાથે જેને શીખવવાનું છે તેની સમજણનાં સ્તરે આવીને શિક્ષણ આપવું જોઈએ.


૨૪. જો પદ્ધતિસર, વૈજ્ઞાનિક રીતે, સરળતાથી, સહજતાથી, રસપૂર્વક યોગાભ્યાસ કરાવવામાં આવે તો મુમુક્ષુને તેના લાભની અસર પણ થોડા જ દિવસોમાં જણાઈ આવે છે. મુમુક્ષને શરીરમાં હળવાશ, મનની પ્રસન્નતા, ચિત્તની ચંચળતાનો અભ્યાસ, ભૂખમાં ઉઘાડ, ખૂલાસબંધ હાજત આવવી, પ્રગાઢ નિંદ્રા આવવી તથા વરસાદ પછી નીકળેલા તડકા જેવા ઉજાસ જેવો તન, મન અને આત્માના અજવાળાનો અનુભવ થશે!


૨૫. યોગનો નિયમિત અભ્યાસ મુમુક્ષની પ્રતિભામાં અસાધારણ ફેરફાર કરે છે. તેના નીજી-વ્યક્તિગત જીવન અને સામાજિક જીવનમાં તે વધુ પ્રમાણિક બનશે. તેના ખાનપાન અને આહાર-વિહારમાં અનેક પ્રકારનું અનુંશાસન જોઈ શકાશે તથા અનુભવી શકાશે. તેને નવજીવનની પ્રાપ્તિ થશે.


૨૬. બારથી ચૌદ વર્ષ સુધીનાં નાનાં બાળકોને યોગના તમામ આસનો શીખવવા નહીં.


૨૭. યોગ-અભ્યાસમાં શ્રદ્ધા રાખવી. મુમુક્ષુ પોતાની જાતને પ્રમાણિક રાખીને યોગનો અભ્યાસ કરે, તો તે મહાન ભયથી પોતાની જાતનું રક્ષણ કરી શકે છે.

   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ