Recents in Beach

ગુજરાતીભાષામાં ભાષા શાસ્ત્રીઓનું પ્રદાન|Bhasha shastrionu gujaratima prdaan

 


 

*નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા:-

 

  પંડિતયુગના જ નહિ પણ સમગ્ર ગુજરાતી ભાષા સાહિત્યના પ્રકાંડ વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર નરસિંહરાવનું ભાષા શાસ્ત્રમાં ડૉ.તેરિસતોરી પછી સિમાચિહ્નરૂપ પ્રદાન રહ્યું છે. નરસિંહરાવે ગુજરાતી સાહિત્ય પરિષદના ઈ.સ.૧૯૦૫માં ભરાયેલા સંમેલનમાં સૌપ્રથમ જોડણી વિશે ૧૦૦ પાનાંથીએ મોટો એક અભ્યાસ લેખ રજુકરીને ભાષા વિષયક શાસ્ત્રીય ચર્ચાના શ્રીગણેશ કર્યા હતા.

 

  ૧૯૧૫-૧૬નાં ગાળામાં નરસિંહરાવે મુંબઈ યુનિવર્સીટીમાં “વિલ્સન ફિલોલોજીકલ લેક્ચર્સ” વિષય ઉપર આપેલાં ભાષા શાસ્ત્રીય વ્યાખ્યાનો બે ગ્રંથ રૂપે પ્રગટ થયાં. એમાં ૧૯૨૧માં ‘ગુજરાતી લેન્ગવેજ’ અને ૧૯૩૨માં ‘ગુજરાતી લીટરેચર’ એ નામથી પ્રગટ થયાં. આ વ્યાખ્યાનોએ તેમની અખિલ ભારત કક્ષાએ ઉત્તમ ભાષા શાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા અપાવી. આ બે ભાગનું ગુજરાતી ભાષાંતર તથા સંક્ષિપ્ત ગુજરાતી આવૃત્તિ પણ થઇ છે. પહેલાં ભાગમાં ગુજરાતીનો ઈતિહાસ અને ધ્વનિ પ્રક્રિયા તો બીજા ભાગમાં ગુજરાતી ભાષાનો વિકાસક્રમ, વિવિધ રૂપ સિદ્ધી અને શબ્દ કોશ વિશેની ઊંડી અને માર્મિક ચર્ચા સમાવિષ્ટ છે. આ ઉપરાંત એમણે ભાષા વિશેના અનેક નિબંધો લખ્યાં છે. એમાંના મહત્વના લેખો ‘મનોમુકુર’માં સંગ્રહાયા છે. કનેયાલાલ મુંશીએ નરસિંહરાવનાં ભાષા અધ્યયનને વર્ષોની-જીવનભરની વિદ્યા-તપસ્યાની સુફળ ગણાવ્યું છે.

 

  ભાષાશાસ્ત્રનાં વિષયમાં નરસિંહરાવના મોલિક નિરીક્ષણ નું મહત્વનું પ્રદાન છે. વિવૃત્ત સ્વરો, લઘુ પ્રયત્ન ‘હ’ અને ‘ય’, અલ્પ પ્રયત્ન ‘અ’, અનુંસ્વર ભેદ, વિવિધ વિભક્તિ પ્રત્યયોના મૂળ આખ્યાનું અને ગુજરાતી ભાષા વિકાસનાં વિવિધ યુગો વગેરે વિશેની એમની ચર્ચા તલ સ્પર્શી અને આગવી છે. તાર્કિક, વ્યવસ્થિત અને ચોક્સાઈ પૂર્વકનું એમનું ભાષા અન્વેષણ ગુજરાતી ભાષાશાસ્ત્રમાં સીમાં ચિહ્નરૂપ છે.

 

  નરસિંહરાવની આ ચર્ચાઓમાં કેટલીક મર્યાદાઓ પણ રહિ છે. તુલનાત્મક ભાષા સમીક્ષણની યુરોપિયન પદ્ધતિને બિલકુલ ત્યાગી નવી પરિભાષા ઉભી કરવા મથતી નરસિંહરાવની પદ્ધતિમાં ગૂંચો રહિ છે એણે લીધે વિવૃત્ત, સંવૃત ‘એ’ અને ‘ઓ’ની ચર્ચાનું ખંડન કરવા જતાં તેઓ વ્યર્થ, વાદ વિવાદમાં પડી જાય છે. લાંબી ચર્ચાને લીધે તાર્કિકતા વીશ્રુન્ખલ થતી જોવા મળે છે. ધ્વનિ ચર્ચા, ધ્વનિ પ્રક્રિયા, રૂપસિદ્ધી, વાક્ય રચના, બોલીઓ વગેરે વિષે તેમણે છૂટક છૂટક ચર્ચા રજૂ કરી છે. આમ છતાં અશુદ્ધ શબ્દ પ્રયોગો, વાક્ય પ્રયોગો જોડણી અંગેની બેદરકારી વગેરે બાબતે તેમણે એક ધારી જેહાદ જગાવી છે. આથી તેમને “ગુજરાતી ભાષાનાં જાગૃત ચોકીદાર તરીકે યોગ્ય રીતે જ ઓળખાવવામાં આવ્યાં છે.” ભાષા શાસ્ત્ર પ્રત્યેનાં એમનાં ઊંડા રસ અને મોલીકતા વિશિષ્ટ પ્રકારનાં મનાયા છે. આચાર્ય આનંદ શંકર કહે છે, તેમ “નરસિંહરાવ કેવળ કવિ નથી વિદ્વાન નથી, સર્વ છે અને સર્વમાં બહુ ઉંચ્ચ સ્થાને છે.” 

હરિવલ્લભ ભાયાણી:-


  ગુજરાતી ભાષાશાસ્ત્રને ક્ષેત્રે આદર ભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર ડૉ.હરિવલ્લભ ભાયાણીએ અનુસ્નાતક કક્ષાએ સંસ્કૃતનાં વિષયમાં ભાષાશાસ્ત્રના સેધાંતિક સ્વરૂપનો પરિચય મેળવ્યો અને મધ્ય ભારતીય આર્ય અથવા પ્રાકૃત અપભ્રંશનાં અધ્યયન પરત્વે પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું.એમનું આરંભકાળનું ‘ભાષા અન્વેષણ’ તે ‘સંદેશ રાસક’ને લગતું હતું. આ ઉપરાંત સ્વ.મધુસુદન મોદી સાથે એમણે “પઉચચિરી ચરિઉ”નું સંપાદન કર્યું. એની પ્રસ્તાવનામાં આકૃતિના ભાષા સ્વરૂપનું નોંધ પાત્ર વિશ્લેષણ એમણે આપ્યું છે.    પ્રાકૃત, અપભ્રંશ ભાષાનાં ધ્વનીઓ અને વ્યાકરણને લગતા અનેક લેખો એમની પાસેથી આપણને મળ્યા છે. ‘હરિ વિલાસ’,પંચસતી બોધ’, ‘ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્ય’ વગેરે કૃતિઓના સંપાદનો સંશોધનો પણ એમણે કર્યા છે. ભાષા વિજ્ઞાનને શિક્ષિતોમાં લોકપ્રિય કરવામાં તથા વ્યુત્પતી શાસ્ત્રમાં એમણે રસ લેતા કરવામાં એમનો મોટો ફાળો છે. ‘વાગ્વ્યાપાર’, ‘શબ્દ કથા’, ‘અનુશીલન’, ‘થોડોક વ્યાકરણ વિચાર’, ‘અનુસંધાન’, ‘ગુજરાતી ભાષાનો કુળ ક્રમ’, ‘શબ્દ પરિશીલન’, ‘વ્યુત્પતી વિચાર’, ‘ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ’ વગેરે પુસ્તકોમાં એમણે વ્યુત્પતીઓ અને વ્યુત્પતી શાસ્ત્ર વિષે બહુ મુલ્ય વિચારણા રજૂ કરી છે, એમાં એમણે ખૂબજ કાળજી પૂર્વક ધ્વનિ પરિવર્તનની પ્રક્રિયા અને નિયમો ખંતથી દર્શાવ્યા છે. કેટલીક બોલીઓનાં સ્વરૂપ લક્ષણોની પણ એમણે ચર્ચા કરી છે. આમ ગુજરાતી ભાષા શાસ્ત્રનાં ક્ષેત્રે એમનું પ્રદાન મહત્વનું રહ્યું છે. એમનાં માર્ગદર્શન હેઠળ અનેક વિદ્વાનો, સંશોધકો તરીકે તેયાર થયા છે.  


 

પ્રબોધ પંડિત (દોશી):-

 

  પંડિત બેચર દાસ દોશીનાં પુત્ર પ્રબોધ પંડિત પિતાનો વિદ્યાવ્યાસંગનો વારસો ધરાવનાર અને ગુજરાતનાં અર્વાચીન ભાષાશાસ્ત્રીઓમાં મોખરાનું સ્થાન પામનાર ભાષા શાસ્ત્રી છે.

 

  ડૉ.ટર્નર અને ડૉ.આલ્ફેડ માસ્તરનાં વિદ્યાર્થી એવા એમણે લંડનની સ્કૂલ ઓફ ઓરીએન્ટલ સ્ટડીઝ દ્વારા તરણ પ્રભના ......... બાલાઉં બોધના સંદર્ભે પ્રાચીન ગુજરાતી ભાષાનું અધ્યયન એ વિષય પર પી.એચ.ડી .ની પદવી પ્રાપ્ત કરનારો મહા નિબંધ લખ્યો છે. લંડન યુનીવર્સીટીના અનેક ભાષા વૈજ્ઞાનિકો પાસેથી એમણે ધ્વનિ વિજ્ઞાનનાં સંદર્ભે માર્ગદર્શન અને તાલીમ પ્રાપ્ત કર્યા છે. Notes on Bhili Dislects of North and East Sabarkantha’ માં એમણે ગુજરાત રિસર્ચ સોસાયટીનાં ઉપક્રમે ગુજરાતનાં સરહદી પ્રદેશોની બોલીઓ ખાસ કરીને ‘ભીલી’ બોલીનું સંશોધન કર્યું છે. આવું જ બીજું સંશોધન ચરોતરી બોલીને લગતું ‘ચરોતર સર્વસંગ્ર’ એમની પાસેથી મળે છે. અમેરિકાની યુનીવર્સીટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે એમણે વર્ણનાત્મક અને સંરચનાત્મક ભાષા વિજ્ઞાનને લગતી અભ્યાસ પદ્ધતિનો પરિચય થયો. અને એનો ઉત્તમ યસસ્વી વિનિયોગ ‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ એ નામનાં ગ્રંથમાં જોવા મળે છે. આ ઉપરાંત ધ્વનિઓનો વિકાસ અને માન્ય ભાષા સાથે ગુજરાતી બોલીઓનો સબંધ પણ એમણે તપાસ્યો છે. મર્મસ્વર ‘ય’,’વ’,’હ’નું અર્ધ સ્વર ગુજરાતી અનુનાસિક અને અનુસ્વાર વગેરેની એમની ચર્ચા લાક્ષણિક છે. ધ્વનિમાં આવતા પરિવર્તનોને એમણે વ્યાકરણની ભૂમિકા સાથે તપાસ્યા. ૧૯૭૩માં :ભાષા વિજ્ઞાનનાં અર્વાચીન અભિગમો’ મુંબઈ યુનીવર્સીટીના ઉપક્રમે આપેલા વ્યાખ્યાનની પુસ્તિકા પણ નોંધ પાત્ર છે. એમનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અનેક વિદ્વાનોએ સંશોધનો કર્યા છે. 

ડૉ. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ, લેખિકા, ભાષા શાસ્ત્રી:-

 

ગુજરાતી ભાષામાં અગ્રણી ભાષા શાસ્ત્રીઓમાના એક ડૉ. ઊર્મિ ઘનશ્યામ દેસાઈને ગણવામાં આવે છે. ‘ભાષા સૂત્ર શું છે.’ જેવા અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ગુજરાતી ભાષાના અંગ સાધક પ્રતિયો, વ્યાકરણ વિમર્શ, ચાલો આપણે ગુજરાતી ભાષાનું સાંગ અને રૂપશાસ્ત્ર-એક પરિચય લખવાનું શીખો તેમણે પ્રબોધ પંડિતના સંશોધન કાર્ય પ્રકૃતિભાષાનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.

 

  ૨૦૧૭માં ગુજરાતી વ્યાકરણના ૨૦૦ વર્ષનાં નિર્ણાયક કાર્ય માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો.

 

  ગુજરાતી ભાષાનાં સ્વરૂપની કાંઈ નહિ તોય માત્ર વર્ણનાત્મક રજૂઆત અને તે પણ ગુજરાતી ભાષાનાં સમાનદંડથી જ જો કરી શકાય તો કેવું ? ગુજરાતી ભાષાનાં સ્વરૂપને તાગવાની મથામણ અને એ મથામણ માટેનો પ્રયત્ન જ ‘વ્યાકરણ વિમર્શ’નાં શબ્દ દેહ રૂપે રજૂ થયો છે. ભાષા શાસ્ત્ર વિષયનાં નવા વિચારોને આધારે ગુજરાતી ભાષાના સ્વરૂપને નાણી જોવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. વ્યાકરણ ભાષા કે ભાષા શુદ્ધિ શીખવાનું નથી. એનો ઉદ્દેશ માત્ર ભાષાના સ્વરૂપ વિશેનો ખ્યાલ આપવાનો છે.

 

  વ્યાકરણ વિમર્શ પુસ્તકમાં ગુજરાતી ભાષાનાં ધ્વનિ શાસ્ત્રની-ધ્વનિ સ્વરૂપની ચર્ચા વિભાગ એકમાં કરવામાં આવી છે. તો વિભાગ ૨ માં રૂપ શાસ્ત્રની ચર્ચા, ધ્વનિશાસ્ત્રની સંજ્ઞાઓમાં જ કરાતી હોવાને લીધે ધ્વનિ શાસ્ત્રની ચર્ચા કરવામાં આવી છે. અને અંતે વાક્ય વિન્યાસ શાસ્ત્રની ચર્ચા વિભાગ ત્રણમાં કરવામાં આવી છે. આમ ડૉ.ઊર્મિ ઘનશ્યામ દેસાઈએ અર્વાચીન ભાષાશાસ્ત્રની દ્રષ્ટિથી ગુજરાતી ભાષાનાં બંધારણનો પરિચય મેળવવાનો તથા તેનો અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. 

કે.કા.શાસ્ત્રી- કેશવરામ કાશિરામ શાસ્ત્રી :-


   પ્રાચીન પદ્ધતિએ ભાષાનું અધ્યયન કરનારાઓમાં કે.કા.શાસ્ત્રીનું નામ પ્રથમ હરોળનું છે, તેમને ગુજરાતી ભાષા, વ્યાકરણ અને વૈદિક સાહિત્યનો ‘મોબાઈલ શબ્દ કોશ તરીકે ઓળખવામાં આવતાં હતાં. સંસ્કૃતનું સારું જ્ઞાન પ્રાચીન મધ્યકાલીન સાહિત્યનુ તલ સ્પર્શી અધ્યયન અનુમાન યુક્ત કલ્પના શક્તિ અને વ્યાપક લેખન એ એમની વિશેષતાઓ છે. ‘અક્ષર અને શબ્દ’, ‘ગુજરાતી રૂપ રચના’, ‘ગુજરાતી ભાષાનો ઉદ્ગમ અને વિકાસ’, ‘ભાષા શાસ્ત્ર અને ગુજરાતી ભાષા’, ‘ગુજરાતી માન્યભાષાનું લઘુ વ્યાકરણ’ વગેરે પુસ્તકો દ્વારા એમણે ગુજરાતી ભાષા તેનું વ્યાકરણ વગેરેની માર્મિક ચર્ચા કરી છે. એમનાં માર્ગદર્શન હેઠળ ભાષા શાસ્ત્ર અને વ્યાકરણનાં વિષયમાં અનેક વિદ્યાર્થીઓએ સંશોધન કર્યા છે.અમારા ટેલીગ્રામ ચેનલપર જોડાવા માટે અહીં ક્લિક કરો


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ