Recents in Beach

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા|Gujarati Saahityma Aadhunikta

 

પ્રસ્તાવના:-

  ‘આધુનિકતા’ એટલે શું? એમ પૂછનારને એના એકાધિક ઉત્તરો મળવાનો સંભવ છે. ‘આધુનિક’ સંજ્ઞાન અનેક અર્થો છે. એ અર્થબહુલ સંજ્ઞા છે. આધુનિકતા એક વિભાવના પણ છે. સાહિત્યના અમુક વિશેષ ગાળામાં પ્રવર્તતા ‘વાદ’ કે ‘આંદોલનો’ માટે પણ એ સંજ્ઞા વપરાય છે. એટલે આધુનિકતાની સંપૂર્ણ અને સર્વસ્પર્શી વ્યાખ્યા મળવાનો સંભવ તો નહીવત છે, પણ આધુનિકતા વિશે આપણે સ્પષ્ટ વિચારો વડે સમજણ રજૂ કરી શકીએ.

 

  ‘આધુનિક’ સંજ્ઞા કે શબ્દના મૂળમાં સંસ્કૃત શબ્દ ‘अधुना’ રહેલો છે. અધુના શબ્દનો અર્થ થાય હમણાનું, પણ આ તો સમય પૂરતી વાત છે.

 

   આધુનિકતાનો સબંધ Present and recent time” સાથે રહ્યો છે એમ Oxford English Dictionary કહે છે. ગુજરાતી ‘આધુનિક’ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘अधुना’માં રહેલું છે. ‘अधुना’ એટલે હમણાનું અથવા અત્યારનું. આમ Oxford English Dictionaryમાંની વાત અને ‘अधुना’ શબ્દનો અર્થ બંને આધુનિકતાને સમયતત્ત્વ સાથે સાંકળે છે, પરંતુ સમયનું તત્વ જ માત્ર આધુનિકતા દ્વારા દર્શાવતું નથી. ‘આધુનિક’ સંજ્ઞા કેટલેક અંશે સર્જનાત્મક પરિસ્થિતિને અને સમૃદ્ધિને આવરીલે છે. આધુનિકતા વિષે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે: “આગળ અને આગળ ગતિ કરતી સરિતાના પ્રવાહમાં જેમ વળાંકો આવે છે તેવું સાહિત્યમાં પણ બને છે, સાહિત્યની સરિતા હંમેશા સીધી રેખામાં વહેતી નથી, જ્યારે તેમાં કોઈ અવનવો વળાંક આવે છે ત્યારે આપણે તેને આધુનિક તરીકે ઓળખાવીએ છીએ. આમ ટાગોરે પણ ‘આધુનિક’ શબ્દને સમય વિશેષની વિશિષ્ટ ગતિવિધિ સાથે સાંકળ્યો છે.

 

આધુનિકતામાં ભાવક:

 

  આધુનિકતાની અનુભૂતિ ભાવકની અનુભૂતિ છે અને તેથી આધુનિકતા ભાવક-સાપેક્ષ બની જાય છે. કોઈ ભાવકને અમુક કવિ આધુનિક લાગે તો કોઈને વળી અમુક લેખક આધુનિક લાગે, કોઈને ન પણ લાગે. કોઈ ભાવકને ભૂતકાળમાં થયેલા દાંતે, કાલિદાસ, શેક્સપિયર, નર્મદ, મુનશી અમુક સ્થળે આધુનિક લાગે. આવા પ્રસંગોએ આધુનિકતા એક લાગણી, એક સંવેદન, એક અનુભવ છે. હવે પ્રશ્ન એ આવે છે કે એવો અનુભવ શક્ય બનાવનારાં તત્વો કૃતિમાં કે કર્તામાં ક્યાં છે? એવું શું હોય, જેથી આધુનિકતાનું સંવેદન જન્મે? આમ દેખીતી રીતે ભાવક-સાપેક્ષ લાગતી આ સંજ્ઞા આપણને એની નિરપેક્ષતા ભણી લઇ જાય છે.

 


  ભાવકને અધિકારી ગણવામાં આવ્યો છે. એનું ચિત્ર અનેક કૃતિઓ વડે, એના અભ્યાસ- પરિશીલન વડે મુકુરીભૂત થયેલું મનાય છે, એના અંત:કરણના પ્રમાણ પછી ઈતર પ્રમાણો શોધવાના રહેતા નથી, આધુનિકો ભાવકની આવી ઓથોરીટી અને એક હથ્થુ સત્તાને પડકારે છે. એની સામે વાંધો લે છે. ભાવકના અધિકારો તો સ્વકીય છે, એની પોતાની ભોંય છે. ઘણી વાર આવા ભાવકોમાં આધુનિકતાને તૂત કહીને વખોડી કાઢનારા પણ હોય છે. આની સામે લાલબત્તી ધરતી જોઈએ. એ જ રીતે બીજી તરફ કેટલાક આધુનિકો વિરોધ કરવામાં જ પાવરધા હોય છે. કોઈ આધુનિક કહે છે કે રવીન્દ્રનાથમાં વળી કળા જ ક્યાં છે? ગોવર્ધનરામ કે ઉમાશંકર કળાકાર શેના? આવા પ્રશ્નોમાં અંતિમતા (Extremity) રહેલી છે. દરેક પોતાના અભિગમને અને પ્રતિભાવને બોદ્ધિકતાની ભૂમિકા પર મૂકી આપીને પરંપરા કે પ્રશિષ્ટતાની સામે કે સાથે થવાનું રહે છે. અધિકારી ભાવકો જો નવોન્મેષને ન પ્રમાણે ને નવા આધુનિકો પરંપરાને પ્રમાણી ન શકે- એવું બને. જો આવું બને તો આપણી વિવેચનની ભોંય નબળી છે એમ કહેવું જોઈએ. હકીકતમાં વિવેક અને ઓળખ, સમજ અને તાર્કિકતાથી જ જજમેન્ટ લેવાવું જોઈએ. પરંપરા ઈતિહાસ, ચાલ્યાં આવતા સાહિત્યિક મુલ્યો કે જીવનમૂલ્યો વિશેની અંધશ્રદ્ધામાં આધુનિકતાના માર્ગના મોટામાં મોટા અંતરાયો પડેલા છે. આધુનિકતામાં કશાયના વિશેની શ્રદ્ધાને જીવન મુલ્યો, બદલાતી માનસિકતા, રચનારીતીમાં પ્રયોગશીલતા, બદલાતું દર્શન, કૃતિની સ્વાયતતા અને માધ્યમ સાથેની વિદ્ગતામાં આધુનિકતા રહેલી છે. આ તત્ત્વો જે કર્તા કે કૃતિમાં હોય તે આધુનિક કર્તા કે આધુનિક કૃતિ કહેવાય. એટલે બંને અંતિમો છોડીને આધુનિકતા સાથે સંકળાયેલી પ્રયોગશીલતા અને નુતનતાને પ્રમાણવી જોઈએ.

 

આધુનિકતામાં સર્જક:

  આધુનિકતા માટે તો સર્જકમાં પ્રગટેલો ચેતન્યનો ઉછાળ જ મહત્વનો બને છે. સર્જકની બલિષ્ઠ સક્રિયતાનો પુરસ્કાર કે મહિમા જ આધુનિકતાનો પુરસ્કાર કે મહિમા છે. મૃત, અર્ધમુર્ત, જડ, ટેવજડ જેવી સ્થિતિઓને હઠાવી દેવા આધુનિકો જે વિદ્રોહશીલ પગલું ભરે છે તે ક્રાંતિકારી અવાજ છે. આવા માનવ વર્તનનો મહિમા થવો જ જોઈએ. આધુનિકતા પણ સભર અને સંપન્ન હોય છે. જીવનમાં આધુનિકપણું આવ્યું એ પછી આધુનિક કલાઓ આવી માણસનું આધુનિકીકરણ (Modernization) થયું, એ પછી આધુનિકતાનો આવિર્ભાવ થયો. રેનેસાં (નવજાગૃતિ), વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિઓ, ગઈ સદીની શોધખોળો, આ સદીની પૂર્વાર્ધમાં ખેલાઈ ચુકેલા બબ્બે વિશ્વયુદ્ધો અને આજનું યુદ્ધોતર જગત આ ક્રમમાં વિચારવાથી ખ્યાલ આવશે કે જીવન મનુષ્ય ક્યાં અને કેવી રીતે બદલાય? છેલ્લા પાંચસો વર્ષોમાં મનુષ્યનું વધુ ને વધુ ભાવે આધુનિક મનુષ્યમાં રૂપાંતર થતું આવ્યું છે. ઈશ્વર નામની તેની પરમ આસ્થા ઝુંટવાઈ ગઈ છે અને વિજ્ઞાન ઈશ્વરનો પર્યાય (Synonem) બની શકે એટલી ગુંજાઇશ હજી તો ધરાવતું થયું નથી.


 

  આધુનિક મનુષ્ય અને આધુનિક કલા બેયનું નિર્માણ ક્રિયા- પ્રતિક્રિયાને રૂપે જ થતું રહ્યું છે. આધુનિકતા એ પોતાને ચરિતાર્થ કરનારી જે શેલીઓ શોધી તેમાં અસ્તિત્વવાદ, સરરીયાલીઝમ, દાદાઈઝમ, ફયુચરાલીઝમ, આવાં ગર્દું, એબ્સર્ડ થીયેટર, પ્યોર પોએટ્રી, હેપનીગ વગેરે વાદો/વિચારધારાઓને ગણાવી શકાય. આ દરેક વાદને પોતાની વિશિષ્ટ રીતી છે. વિશિષ્ટ વલણો છે, પરંતુ આ દરેકમાં આધુનિક માનવ આધુનિક જીવન અને જીવનની જુદી જુદી માનસિકતાઓ વિષે જ લખાતું રહ્યું છે. આ બધાં આંદોલનો છે. આધુનિકતાને કદી પૂર્ણવિરામ ન હોય. આધુનિકતા નવા નવા રૂપે, સ્વરૂપે જન્મતી રહેવાની. અહીં જે અપૂર્વ રચાય છે તે છટા, ભંગિ, રચના અને માધ્યમ પરત્વે છે. આધુનિકો ભાવકોની બધી ટેકણ લાકડીઓ ઝુંટવી લે છે. આથી એમની રચનાઓ દુર્બોધ લાગે છે. પ્રત્યાયનના પ્રશ્નો જન્મે છે. આ બધા માટે વિવેચને સજ્જતા કેળવવી પડે. આધુનિક કૃતિનો ભાવક એટલો સજ્જ હોય, સર્જકની કૃતિ એને એટલો સજ્જ કરી મુકે કે એ સહ-સર્જકની કોટિમાં ગણાવા લાગે. આધુનિકો સંક્રમણની ચિંતા એટલે જ કરતા નથી. ગુજરાતી કવિતામાં આધુનિક વલણોની તપાસ કરનાર વિવેચકોએ માટે જ નોધ્યું છે કે આધુનિક કવિતા સ્વ-વાચકની શોધ કરી લેનારી અને સ્વતંત્રનો આગ્રહ રાખનારી છે. આમ આધુનિકતાને અને એના સંકુલ વિભાગને જટા જાળવાળા માળખાને પામવું પ્રયત્નશીલો માટે અઘરું નથી.

 


ગુજરાતી સાહિત્યમાં આધુનિક સર્જન પ્રવાહો 


  

આધુનિકતાનું સર્જન:


 સ્વાતંત્ર્યોતર કાળના પહેલા દશકા પછીનું ગુજરાતી સાહિત્ય એવી સંજ્ઞા પ્રયોજીએ છીએ. જો કે ૧૯૪૦થી આધુનિકતાના લક્ષણો પ્રગટ થવા માંડ્યા હતાં. એ લક્ષણો બંધાતા બંધાતા છેક ૧૯૫૫ સુધીમાં વલણો બનીને વહે છે. આમ આધુનિકતા એ ગુજરાતી સાહિત્યમાં રાતોરાત બની ગયેલી ઘટના નથી. કોઈ પણ સાહિત્ય ‘બદલવાની’ લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. ૧૯૪૦થી ૧૯૫૫ સુધીનો કાળ ગુજરાતી સાહિત્ય માટે સંક્રાંતિનો કાળ છે. આજે લખાતું સાહિત્ય આધુનિક સાહિત્ય છે એમ કહેવામાં આવે છે. જો કે વર્તમાનકાળમાં લખાતા સાહિત્ય માટે ‘સાંપ્રત સાહિત્ય’ શબ્દ પ્રયોગ રૂઢ થયેલો છે. આધુનિક શબ્દ ‘અધુના’ ઉપરથી આવ્યો છે. એનો અર્થ હમણાનું, આજનું એવો થાય છે, પણ આધુનિક સંજ્ઞા એ કાળવાચક છે એ કરતાં તો વિચારોને, વિચારધારાઓને અને યુગચેતનાને, સંવેદનાને ઓળખાવતી સંજ્ઞા વિશેષ છે.


 

  આજે લખાતું સાહિત્ય પરંપરાગત પણ હોઈ શકે. જ્યારે આધુનિક સાહિત્ય એટલે નવી વિચારધારાઓને આજનાં મૂલ્યોનાં સંદર્ભમાં, યુગચેતનાના પરિપ્રેક્ષ્યમાં નીરુપતું સાહિત્ય, આધુનિકતાને સામગ્રીના નાવીન્ય સાથે રજૂઆતની નવીનતા નુતનતા સાથે પણ ગાઢ સબંધ છે. અભિવ્યક્તિની અવનવી ટેકનીકો પણ સાહિત્યને આધુનિક બનાવવામાં અત્યંત મુલ્યવાન ગણાવી જોઈએ. કોઈ પણ જમાનામાને કોઈ પણ દેશની ભાષામાં આધુનિકતાની પહેલી અસર ઝીલવાનું કાર્ય કવિતામાં થયેલું દેખાય છે. ગુજરાતી કવિતાઓ સૌપ્રથમ આધુનિકતાની છબીને આકારવાનું કાર્ય કર્યું છે, સમજદારીથી અને સાહજીકતાથી. એ પછી નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, એકાંકી, નિબંધો અને દ્રઢમૂલ બનતાં ગયા. આ વલણોને અભ્યાસ કરતાં પૂર્વે એની પીઠિકાની ઝલક તપાસવી અભ્યાસીઓ માટે અનિવાર્ય લાગે છે.


 

  સર્જન એ તો સર્જકની ચેતનાનો આવિષ્કાર છે. સર્જન ઈચ્છતાથી થઈ જતું નથી. જીવનનું બળ અને ચિત્તનું વિત્ત એમાં કાર્યશીલ હોય છે. એટલે જીવાતા જીવનમાં, માનવીની વિચારધારામાં જ્યારે જ્યારે પરિવર્તનનાં પડઘાઓ પડે છે ત્યારે જાગૃત કલાકારનું ચિત્ત એને ઝીલ્યા વિના રહી શકતું નથી. પરિણામે આધુનિકતા એ ફેશન નથી, અનુકરણ નથી. દેખાદેખીથી કરેલું મુગ્ધ કાર્ય નથી. એની પાછળ સર્જકની અનિવાર્ય ચેતના અને અભિવ્યક્તિ માટે અચૂક વાપરવી પડતી યુક્તિઓ પડેલી છે. આધુનિકતા આ અર્થમાં પડકાર છે. પરંપરાની સામે એ પ્રયોગ હોય ત્યારે એણે સહન કરવું પડે છે, પણ સર્જકની કલમનું બળ એને પ્રસ્થાપિત કરવામાં વાર લગાડે એવું ભાગ્યે જ બને છે.



  આધુનિકતાના મૂળ પ્રહલાદ પારેખની ‘બારી બહાર’ની કવિતામાં જડે છે. ઉમાશંકર જોશીની ‘શોધ’ અને ‘છિન્ન ભિન્ન છું’ રચનાઓમાં પણ બદલાયેલી ચેતનાનો પડઘો છે, ને એ પોલો નથી, નક્કર છે. કવિ નગરમાં વસંતને માણીશકતા નથી, કારણ કે કવિ પોતાની રામાયણમાં છે, નગરનાં સીમાડાએથી જ વસંત પાછી વળી જાય છે. કોયલનો કેકારવ રેડીયોમાં જ સંભળાય ને ડાયરીમાં જ વસંત પંચમી આવે એ ઉમાશંકર જેવા પ્રકૃતિના કવિને, જનવેદનાથી જખમી કવિને કેમ ગમે? પણ છિન્ન ભિન્નતા સિવાય કશું જ બચ્યું નથી. કવિ ‘કવિતા ક્યાં છે?’ એમ ચિત્કાર કરે છે. એની શોધ કરે છે, પણ સમય જ કેવો વિપરીત છે, ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય’ કવિને મળતો નથી. આ પુષ્પો જ કવિની કવિતા માટે તાજ-બ તાજ શબ્દો હતા. કવિ વેદનામાં ડૂબી જાય છે. કવિની શ્રદ્ધા, વાણી બંને જોખમાય છે. જોખમવાળું તો હવે પળે પળે આવવાનું જ છે. આધુનિક કવિતાની બુનિયાદ નાખવાનું કામ આમ આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના હાથે જ થાય છે.


 

  નિરંજન ભગતની ‘પ્રવાલદ્વીપ’ (‘છંદોલય’માંની) મુંબઈ- વિષયક રચનાઓમાં નગરજીવનની નાટકીયતા, કુરુપલીલા અને વિકૃતિનું સુંદર ભાષામાં કલ્પનસમૃદ્ધ વર્ણન આપણને મળે છે. ‘પ્રવાલદ્વીપ’ની કવિતાને નૂતન કવિતાની નાન્દી કહી શકાય. નગર જીવનના મુલ્યહાસનાં પરિણામે સર્જાયેલી અરાજકતાભરી અંજપ સ્થિતિનું પાત્રોની કવિતામાં વેધક અને વેદનાપૂર્ણ કાવ્યમાં બયાન મળે છે. છંદોલયને પરંપરીત કરીને, એ વેદનાને નિરંજને ઘૂંટી છે, અહીં વેદના એકલી નથી. વેદનાનું કાવ્યમાં રૂપાંતર થાય છે. ‘ગાયત્રી’, ‘ફ્લોરા ફાઉન્ટન’, ‘ફોક્વેન્ડ રોડ’, ‘એપોલો પર ચન્દ્રોદય’, ‘કાફેમાં’, ‘ચર્ચ ગેટથી લોકલમાં’ ઈત્યાદી આ ગુચ્છ્ની કવિતાઓ આધુનિક કાવ્યધારાને સ્થિર કરનારી કૃતિઓ છે. આ જ વિષયોને લઈને ત્યાર પછી પ્રિયકાંત મણિયાર, જયંત પાઠક, ઉશનસ, સિતાંશુ યશચંદ્ર, ગુલામ મોહમદ શેખ, લાભ શંકર ઠાકર, ચિનુ મોદી વગેરે લખે છે. અલબત દરેકની સામગ્રી અને ઉપકરણો જુદાં છે, મોલિક પણ છે. વેદનાના સૂત્રમાં કાવ્યપુષ્પો પરોવીને માલા બનાવવાની દિશાલક્ષ્ય એક જ છે. જયંત પાઠક વતન વિચ્છેદની અને વન-વિચ્છેદની વેદનાં વર્ણવે છે. પાઠાતરે એ નગરજીવનની એક વિધતાની વાત કરે છે. ઉશનસ પ્રકૃતિમાં પુનઃ ચાલ્યા જવાની, એના વિસ્મયો ને રહસ્યોની વાત કરે છે. એની પાછળ નગરજીવનની કૃત્રિમ જિંદગીનો એમનો ઉબકો જ કામ કરવો લાગે છે.


 

પાશ્ચાત્ય સાહિત્યની અસર:

  પાશ્ચાત્ય સાહિત્યની અસરો પણ આ ગાળામાં વ્યાપક પણે ઝીલાય છે. ત્યાં પ્રવર્તેલા ભિન્ન ભિન્ન વાદો પણ આપણે ત્યાં ખેડવા લાગે છે. અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, શૂન્યવાદ, પ્રતિકવાદ, આધુનીકવાદ જેવા વાદો જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં અંશત: અપનાવવામાં આવ્યાના ઉદાહરણો મળે છે. કવિતાએ વધારે સક્રિય રહીને કળાસિદ્ધીની બાબતમાં અને વિષયસમૃદ્ધીની બાબતમાં કામ કર્યું દેખાય છે.


 

  સુરેશ જોશીએ પશ્ચિમના સાહિત્યનો ઘનિષ્ઠ અભ્યાસ કર્યો. અભ્યાસના નીચોડરૂપે એમણે ગુજરાતી સાહિત્યને, સ્વરૂપોને અને વિવેચનાને જાગૃત કરવાનું અગત્યનું કામ કર્યું છે. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તક લખીને એના પ્રાસ્તાવિક લેખમાં એમણે કવિતામાં કવિકર્મની વાત કરી. કાવ્યની કળાપૂર્ણતા શાને આભારી છે તે ચીધ્યું. આમ નવા અભિગમો સાથે કળાની ભૂમિકાઓની તપાસ થવા માંડી, એ નવું વલણ નોંધવા જેવું છે. કવિ કરતાં વિવેચક સુરેશ જોશીનું અર્પણ આ ક્ષેત્રે મુલ્યવાન રહ્યું છે. જો કે એમની દીર્ઘ અને લઘુ કવિતાઓ આધુનિકતાના નિદર્શન માટેનો નમુના બને એવી છે. પ્રેમ, નારી અને જીવનની સંકુલતાને આ સર્જકે વારે વારે સ્વરૂપાંતરે તાગી છે, તારવી છે, અને કલાકૃતિઓ રચવાની સૂઝ દાખવી છે.


 

   રાવજી પટેલ જેવા કવિઓ એ ટૂંકી જિંદગીમાં કૃષિ કવિની હેસિયતથી કલ્પનાવલીઓ વડે નૂતન તાજગીવાળી વેદનાસભર કવિતા (‘અંગત’) રચીને ગુજરાતી કવિતામાં એક આગવું પ્રકરણ રચ્યું છે. મણીલાલને પણ એવો જ કવિ (‘રાનેરી’) ગણવો પડે. ગુલામ મોહમ્મદ શેખે વિષાદ, વિરતીને, ઈશ્વરની જડતાને, શ્રદ્ધાની ખોખલાશને ચિત્ર કલ્પનો વડે વ્યક્ત કર્યા છે. રંગો અને ગંધની વાતથી એણે કાવ્યમાં ઇન્દ્રિય વ્યત્યય સાધ્યો. અર્થવિલંબનથી કવિતાને વિદગ્ધો માટે કોર્નર કરવાનું કામ કર્યું. ‘જેસલમેર’નાં કાવ્યોમાં એની ચિત્રકારશક્તિ કવિત્વમાં પરિણમી છે.


 

  ડો. સિતાંશુ યશચંદ્ર મહેતા (‘ઓડીસ્યુસનું હલેસું’) એસ રીયલ કવિતા કરી, ભાષાને જ સાધ્ય ગણીને વેદનાને, વ્યથાને, બાળકથાના ઉપકરણોને એકમાત્ર કવિ બે દાયકાની કવિતાનો અગ્રણી પણ છે. લાભશંકર ઠાકરે ‘માણસની વાત’ નામના દીર્ઘ કાવ્યમાં આધુનિક યુગચેતનાને એના સંદર્ભો સાથે અને કાવ્યના સર્વ અધ્યાસો સાથે મૂર્ત કરી છે. ‘માણસની વાત’માં અછાંદસ અને વિવિધ લોકલયોને પ્રયોજ્યા. માણસની નિ:સહાય લાચારીને આલેખી. એ પછીના બે સંગ્રહોમાં લાભશંકરે ભાષા વડે ભાષા ઉપર જ કાવ્યો કર્યા. પ્રાસની લઢણોથી બળ તાગ્યું અને ભાષાની નિર્બળતા ઉપર ભાષા વડે જ ઘા કર્યા.



ગીત-ગઝલ કવિતા:

   ડો.ચિનુ મોદીએ સર્વ પ્રકારો સાથે કામ કર્યું. તેમને મધ્યમ સફળતા મળી, એમ કહી શકાય. ચિનુ મોદી, મનહર મોદી, આદિલ મનસુરી વગેરેએ ગુજરાતીમાં ગઝલને સિદ્ધ કરી. એની દિશાઓ, સંવેદનાઓ, રીતિઓ વગેરેને ગુજરાતી બનાવ્યાં. ગીતના પુનરુદ્વાર વ્યવસ્થાનું કામ રમેશ પારેખ, અનીલ જોશીએ કર્યું. એમણે ગઝલો લખી. અછાંદસ પણ લખ્યું. અનીલ જોશીએ મોટે ભાગે ગીતોમાં જ કામ કર્યું. રમેશ પારેખ (‘ખંડીગ’) પ્રયોગશીલ રહ્યો. ગીત-ગઝલનો એ બાદશાહ ગણાય છે. એ પછી મનોજ ખંડેરીયા, રાજેન્દ્ર શુક્લ, શ્યામ સાધુ જેવા ઘણા નવા કવિઓ લખતા રહ્યા. ગુજરાતી ભાષાની આધુનિક કવિતામાં આ ગાળામાં નવા અને જુના અનેક કવિઓના હાથે એટલું વિસ્તૃત અને નોંધપાત્ર કામ થયું છે કે એ વિષે કેટલાંક પુસ્તકો આધુનિક કવિતા પર જ રચાયાં છે. કવિતાનું વિવેચન પણ અવનવા આધુનિક અભિગમોથી થયું એ પણ એક નોંધવા જેવું વલણ છે. ભાષાવિજ્ઞાનિક અભિગમથી કૃતિનો આસ્વાદ, તુલનાત્મક વિવેચન અને કૃતીનીષ્ઠ વિવેચનાવાદ, કવિતાની તપાસના આ નવા માર્ગો આ જમાનામાં જ વિકસ્યા છે. ડો. ચન્દ્રકાંત ટોપીવાળા, ડો. હરિવલ્લભ ભાયાણી, ડો. યોગેન્દ્ર વ્યાસ, ડો. સુમન શાહ, ડો.ભારતી મોદી, ડો. સુરેશ જોશી, મધુસુદન બક્ષી જેવા અનેક સર્જકો- વિવેચકોએ આ અભિગમથી કામ કર્યું છે. કળા વિશેની વ્યાપક સમજણને પરિસ્કૃત કરવાનું, ઉઘાડવાનું કામ, આપણી કાવ્ય વિવેચનાએ કર્યું છે, એ આધુનિકતાનું પરિણામ છે.


 

  ગદ્ય ક્ષેત્રની વાત પણ ઘણા વિસ્તારથી થઈ શકે એમ છે. નવલકથા અને ટૂંકી વાર્તાએ આધુનિકકાળમાં બતાવેલી કળાસિદ્ધી અત્યંત ઉલ્લેખનીય છે. નવલકથાના સ્વરૂપને આધુનિક બનાવવાનું અને એ દિશામાં પ્રસ્થાન કરનારી બે નોંધપાત્ર કૃતિઓ રચવાનું કામ સુરેશ જોશીએ કર્યું છે. ૧૯૫૫માં એમણે ‘નવલકથાના નાભિશ્વાસ’ની વાત કરી. ચુનીલાલ મડિયા, નિરંજન ભગતે પણ નવલકથાની માંદલી સ્થિતિ વિષે ચિંતા વ્યક્ત કરી. જો કે સુરેશ જોશીની નાભિશ્વાસની વાત ઘણાંને ગમી નહોતી, નવલકથાના સવીધાનની, એની રૂપરચનાની વાત કૃતિઓના ઉદાહરણોને લઈને સુરેશ જોશીએ બરાબર સમજાવી. ગુજરાતી નવલકથાનું નિરાશાજનક સર્વેયું એમણે કાઢી બતાવ્યું. કુશળ યોજક એવા સર્જકની એમણે જરૂર દર્શાવી. તેમણે સ્પષ્ટ કહ્યું ખરું કે, “યોજક: તત્ર દુર્લભ|” ‘છીન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જેવી કૃતિઓ રચીને એમણે ઘટનાલોપની હિમાયત કરી. માત્ર ચેતસિક સંચલનોને આધારે કલાકૃતિની રચના કરી. લઘુનવલનું નવું સ્વરૂપ એમણે સિદ્ધ કર્યું.


 

લઘુ નવલ:-

 

   આધુનિકતાની આબોહવામાં આપણે ત્યાં લઘુનવલકથાનો જન્મ થયો. સામાજિક નવલકથાનો ભેદ ઘટી ગયો. અને ઘટના-પ્રસંગોનું સ્થાન સંવેદનોએ લીધું. કથાનું સંયોજન એ સંવેદનસૃષ્ટિને નીરુપતા કલ્પનોથી રચાયું- બંધાયું. યુગચેતના, એને અનુરૂપ ભાષાયોજના, એકત્વવાળી અસર, પાત્રનું મનોગત અને એના જીવન સંદર્ભની સંકુલસૃષ્ટિનું રૂપાંતર થાય એટલે લઘુનવલ બને. લઘુનવલ કદમાં પણ નાની હોય છતાં એ નાની નવલકથા નથી. આવી અનેક લઘુનવલોએ આધુનિક નવલકથાના સમયને શ્વસતો, વિકસતો રહ્યો છે.


 

  રાવજી પટેલની ‘અશ્રુધર’ દર્દની કથા છે. સેનેટોરિયમનાં રુગ્ણ વાતાવરણમાં આ નરવી કલાકૃતિનો જન્મ થાય છે, જે અનુભૂતિ છે એ કલા બને છે. નવલકથાનો શુદ્ધ કળાના સ્વરૂપ લેખે આવિષ્કાર અહીં થાય છે. સુરેશ જોશીની ‘મરણોત્તર’માં મરણનો ભય નથી. સદા અનુભવાતી એ સૃષ્ટિનાં સંચલનો, ગતિવિધિને લેખક કવિની ભાષા વડે નીરુપે છે. રાવજી કૃષિકવિ સબળ કવિ નવલકથા લખે ત્યારે જેવું પરિણામ આવે એવું ‘અશ્રુધર’માં આવ્યું છે. ‘ઝંઝા’ એની બીજી નવલકથા ડાયરીની શેલીમાં લખાયેલી છે. અહીં પણ ભાષા નોંધપાત્ર માધ્યમરૂપે પ્રગટે છે. ‘અશ્રુધર’માં તો સ્વપ્નનું પોએટીક્સ’ (Dream Poetics) પમાય છે. ઈમેજરીમાંથી પ્રગટતી નાયકની ચેતના એના સુક્ષ્મ સ્તરો અને દર્દનું મુર્તીકરણ એ કૃતિને એ દાયકાની સબળ કૃતિ બનાવે છે.


 

નવલકથા:-

  પ્રો. ચન્દ્રકાંત બક્ષીએ નવી નવલકથાની ભૂમિકા રચી આપી છે. સક્રાંતિકાળનો આ લેખ ઘટનાનો બેતાજ બાદશાહ છે. તેઓ ઘટનાથી જ લખે છે. એની કૃતિઓ ઘટનામાં જીવે છે. આ દ્રષ્ટિએ એમની ‘આકાર’ નવલકથા નોંધપાત્ર ગણાય. એના નાયકો આધુનિક છે, સમાજની રૂઢી સામે બળવો કરે છે, તેઓ વિદ્રોહી છે. માસ-મદિરા અને વેશ્યા એમને મન તદન સાહજિક અને ભોગ્ય છે. તેઓ દર્દ, એકલતા, વેદનામાં જીવે છે. જગત અને જીવન એમને શૂન્ય લાગે છે. અસ્તિત્વવાદની ભૂમિકા બક્ષીમાં બંધાય છે. ડો. રઘુવીર ચૌધરી ‘અમૃતા’માં આગળ વધારીને ત્રણ જ પાત્રો પાસે ૪૫૦ પાનાનું કામ લઈને “વર્તમાન યુગના બુદ્ધિજીવીની ટ્રેજડી” રચે છે. એમની ઘણી નવલકથાઓ ત્યાર બાદ પણ નોંધપાત્ર ઉન્મેશ બની છે. ‘અમૃતા’ પછી એના લેખક ઘટના વિના લખતા નથી, એમણે પરંપરાને સાચવતા રહીને પ્રગતી કરી છે. બદલાયેલો જમાનો અને પરિવેશ એ ઘણી કૃતિઓમાં લાવે છે, એ જુના લાગે પણ એવું નથી. એમનું નાવીન્ય સામા છેડાનું નથી. બાકી મોલીકતા, વિચારણા, રજૂઆત, ઘટના-સંયોજન વગેરે આ લેખકને આધુનિક કથાકાર બનાવે, ઠરાવે એવા સક્ષમ છે.


 

નાટક:-

  નાટકના ક્ષેત્રે આપણી પાસે Long Play ઘણાં ઓછાં છે. જૂનાં નાટકો ભજવવામાં, રૂપાંતરો થાય છે. અનુવાદોથી ચલાવી લેવાય છે. ડો.ચિનુ મોદી, શ્રી સુભાષ શાહ, લાભ શંકર ઠાકર વગેરેએ નાટકોના પ્રયોગો કર્યાં, એબ્સર્ડ (Absurd)ની લગોલગ આવી જાય એવાય પ્રયોગો કર્યાં. નાટક અને રંગભૂમિના Concept બદલાયા. ઓછી સામગ્રી, ઓછાં પાત્રો, ઓછા સાધનો અને કામ અસરકારક. ડો.રઘુવીર ચૌધરીએ પણ આવાં નાટકો લખ્યાં. ડો.સિતાંશુ યશચંદ્રનાં INT (Indian National Theatre) એ ભજવેલા અનુવાદો જાણે મોલિક સર્જનો છે. INT એ નાટકની વિકાસકૂચને પ્રેરણા પૂરી પાડી છે. હજી પણ પાડશે. જો કે હવે પ્રવીણભાઈ નથી. INTમાં પ્રવીણભાઈ વિના પણ કાર્ય થાય છે અને થશે. જો કે પેલો ટેમ્પો ન પણ આવે. બંગાળી, મરાઠી, હિન્દી નાટકો કરતાં ગુજરાતી નાટક હજી ઘણું પાછળ છે. અનુવાદો જ નર્યા કેટલા ચાલે? સાહીત્યક નાટકો ભજવાતાં નથી, ભજવી શકાતાં નથી હોતા એ જૂની ફરિયાદો હજી પણ ચાલુ જ છે. હમણાં હમણાં ઘણી સંસ્થાઓ, સર્જકો કામે લાગેલાં છે. આમ છતાં, આધુનિક નાટકોને ચંદ્રવદન મહેતા કે જશવંત જેવા નાટ્યવિદનું માર્ગદર્શન હવે પછી નહિ મળી શકે, તે સખેદ નોંધવું રહ્યું.


 

નિબંધો:-

  નિબંધોના ક્ષેત્રે આધુનિકતા ક્યાં અને કેવી રીતે આવી તેની તપાસ કરવી જરૂરી છે. નિબંધમાં ‘જ્નાન્તિકે’ દ્વારા ડો. સુરેશ જોશી એં નવી કેડી આંકી આપી. ‘જનાન્તિકે’ એ આધુનિક લલિત નિબંધનું અ-પૂર્વ સ્વરૂપ છે. કાવ્ય સબંધી, ગદ્ય, યાદ્રચ્છીક વિહાર છતાં કહેવાતી વાતમાં આસ્વાદ આવે ને લેખકની અનેક ક્ષેત્રોની જાણકારી કલા-પદાર્થમાં રૂપ પામતી અનુભવાય છે. બાળપણ, વતન, સ્મરણો, સાંપ્રતકાળની વિડંબણાઓ, મુલ્યહાસ, સમાજ પરિવર્તન, વેદના,દર્દ ઈત્યાદિની વાત નિબંધોમાં કલ્પનો, પ્રતીકોથી વણાય છે. કવિ-વિશ્વના, કલાકૃતિ, સર્જકતા, જીવનનું-કળાનું ચિંતન, પ્રકૃતિના વેભવો, મોસમો, પુષ્પો અને પતંગીયા બધું જ સુરેશ જોશીના નિબંધોમાં આવે છે. કલાકૃતિ થઈને આવે છે. લલિત નિબંધનું આ નવું તાજગીપૂર્ણ સ્વરૂપ ગુજરાતી નિબંધ સાહિત્યના ઇતિહાસની અપૂર્વ ઘટના ગણાય છે. એ પછી પણ સુરેશ જોશીએ બે નિબંધ સંગ્રહો લખ્યાં છે. દિગીશ મહેતાના ‘દુરના એ સૂર’, ડો.ભોળાભાઈ પટેલના ‘વિદિશા’નાં પ્રવાસ નિબંધો ભિન્ન ભિન્ન છે. ‘દુરના એ સૂર’માં બાળપણ, પ્રસંગો, ગ્રામ-સંસ્મરણો જીવંત છે. ‘વિદિશા’માં પ્રવાસ વર્ણનો પણ કલાત્મક શેલીમાં ચિત્રાત્મક ઢબે રજૂ થાય છે. એમાં માંડુ (માંડવગઢ, મધ્યપ્રદેશ)નું વર્ણન લેખકની સર્જન-શક્તિનો સુપેરે પરિચય કરાવે છે. સાંસ્કૃતિક, પ્રાકૃતિક, એતિહાસિક સંદર્ભો સાથેની એ સૃષ્ટિ જ વિલક્ષણ છે. ‘સહરાની ભવ્યતા’માં ડો.રઘુવીર ચૌધરીએ માર્મિક શેલીમાં સર્જકો, વિવેચકોના રેખાચિત્રો દોર્યા છે. આ પણ એક રીતે તો અભ્યાસ-લેખો જ ગણાય. એમાંના સંદર્ભો સામાન્ય વાચકને આધુનિક કળાના સાહિત્યથી વાકેફ કરવા પૂરતા છે. ગુણવંત શાહના નિબંધો ‘કાર્ડિયોગ્રામ’, ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’ નોંધપાત્ર સંચયો છે. હજી પણ કેટલાય નિબંધો આવી રહ્યાં છે. આધુનિક કાળમાં નિબંધનું સ્વરૂપ લલિત સાહિત્યની મુદ્રા ધારણ કરે છે. એની માવજત અને લખાવટ ધ્યાનાર્હ છે.


 

ઉપસંહાર:-

 

    ભારતીય સાહિત્ય (Indian Literature) એની પ્રાંતીય ભાષાઓ (Regional Languages)નાં સાહિત્ય સ્ત્રોત-ઉપર આધુનિકતાનો ક્યારે અને કેવો, કેટલો પ્રભાવ પડ્યો એ એક ટૂંકા ઉત્તરમાં સમાવવું અતિ મુશ્કેલ છે. ‘આધુનિકતા’ એ માત્ર સમયદર્શક સંજ્ઞા નથી, એ યુગ-ચેતના-દર્શક નવી વિચારધારા અને અભિવ્યક્તિની નવીન રીતિઓને પણ લક્ષતી સંજ્ઞા છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં આ આધુનિકતા છેક ઓગણીસમી સદીના છેલ્લાં ચરણોમાં ગતિશીલ બની ચુકી હતી. મુખ્યત્વે વીસમી સદીના આરંભથી જ વિશ્વમાં આધુનિકતાનું પ્રવર્તન જોઈ શકાશે.

 


  આધુનિકતા આપણે ત્યાં કેવી રીતે આવી? એની ભૂમિકા શી હતી? વગેરે પ્રશ્નોના ઉકેલ કાઢવો અનિવાર્ય ગણાય. અંગ્રેજોની રાજ્ય જમાવટ પછી દેશમાં કેળવણી-વિષયક જાગૃતિ આવી છે. પરંપરાગત સમાજ જીવન તૂટે છે. સુધારાવાદી વલણો સ્થિર થાય છે. પશ્ચિમની અસરો વ્યાપકપણે બધે જ સ્વીકારવા માંડે છે. ફ્રેંચ, જર્મન અને અંગ્રેજી સાહિત્યના સંપર્કો વધે છે. એ ભાષાઓના સર્જકો, કૃતિઓ, વાદો, વિવેચનો ઇત્યાદિનો અભ્યાસ કરનારા વિદ્વાનો આપણે ત્યાં પાકે છે. ભારતીય ભાષાઓનું સાહિત્ય પ્રાદેશિકતા વાદમાંથી ત્રીસીના કાળમાં મુક્ત થાય છે. એમાં ભારતીયતાની જિકર આઝાદી આંદોલન કાળમાં વધે છે. એ પછી એમાં વૈશ્વિક સંદર્ભો આવે છે, સ્વીકારાય છે. સાહિત્યને સ્થળકાળ નડતા નથી, ને સાહિત્ય તો સર્વનું છે. એ રીતે ભારતીય ભાષાઓમાં વિશ્વ સંદર્ભો આવવા સાથે પરસ્પરનું આદાનપ્રદાન વધે છે. અકાદમી જેવી સંસ્થાઓથી આ કામ વધારે સ્પષ્ટ ને સરળ બને છે. ૧૯૫૦ પછી ભારતી સાહિત્યમાં આધુનિકતા લગભગ બધે જ પ્રભાવક બનીને પરિણામ લાવે છે. એકેય પ્રાદેશિક ભાષા એવી નથી, જેમાં આધુનિકતાનો પડઘો ન પડ્યો હોય !




સંદર્ભ ગ્રંથ:-

૧) ગુજરાતી આધુનિક સાહિત્ય 

૨) ઇન્ટરનેટ 

૩) ગુજરાતી સાહિત્યમાં આધુનિક સર્જન પ્રવાહો 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ