Recents in Beach

ગુજરાતી નિબંધ સાહિત્ય સ્વરૂપની વિકાશરેખા/Gujarati Nibhand sahity ni vikashrekha



 ૧ જાગૃતિકાળનું નિબંધ સાહિત્ય :-

                                                    જાગૃતિકાળના મોટાભાગના લેખકોએ લોકજાગૃતિ, સમાજસુધારો અને સંસ્કાર વિતરણને નિમિત્તે ગધ્યનું ખેડાણ કર્યું. આ યુગના સુકાનીરૂપ લેખકો બે છે - દલપતરામ અને નર્મદ. દલપતરામનું નિબંધ ક્ષેત્રે અર્પણ જથ્થો અને ગુણવત્તા એમ બંને દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાય એમ છે. દલપતરામએ 'ભૂત નિબંધ', 'જ્ઞાતિ નિબંધ', પુનર્વિવાહ પ્રબંધ', 'બાળલગ્ન નિબંધ', 'શહેર સુધારાઈનો નિબંધ' વગેરે રચનાઓ આપી છે. જેમાં 'ભૂતનિબંધ' અને 'જ્ઞાતિ નિબંધ વડે કવિ દલપતરામએ એમના જમાનમાં સારી એવી પ્ર્સિદ્ધિ મેળવી હતી. 'ભૂત નિબંધ' વિસ્તૃત ફલક પર લખાયેલો કાળ ગણનાની દ્રષ્ટિએ આપણી ભાષાનો પહેલો નિબંધ છે. આ નિબંધનું અંગ્રેજી રૂપાંતર દલપતરામના મિત્ર એલેકઝાડરે કર્યું. આગરાની એક મંડળીએ એનો ઉર્દૂમાં તરજુમો કર્યો અને કોઇકે એને મરાઠીમાં પણ ઉતાર્યો.




                       ગુજરાતી ભાષાના પ્રથમ નિબંધકારનું સ્થાન અને માન સંક્ષિપ્ત શેલીનો સોં પ્રથમ નિબંધ 'મંડળી મળવાથીથતા લાભ'(૧૮૫૦) લખનાર નર્મદને મળે છે. સાહિત્યનાં અન્ય સ્વરૂપની જેમ નિબંધ પણ સભાનપણે ખેડાવવો તેનાથી શરૂ થાય છે. નર્મદનું સાહિત્યક્ષેત્રે ચિરંજીવ પ્રદાન નિબંધનું છે. રૂઢ અને મર્માળ ગધ્યની અને દ્રઢ બંધવાળા સંક્ષિપ્ત નિબંધોની અભિનિવેશપૂર્વકની પહેલ નર્મદ કરે છે. 'મંડળી મળવાથી થતા લાભ', 'મૂઆ પછવાડે રોવા-કૂટવાની ઘેલાય', 'સ્વદેશાભિમાન', 'પુનર્વિવાહ', રણમાં પાછાં પગલાં ન કરવા' વગેરે નર્મદના સામાજિક સુધારણાને લાગતાં નિબંધો છે. 'સુખ', 'સંપ', 'વ્યભિચાર-નિષેધક', 'સ્ત્રી કેળવણી'. 'ઉધયોગ તથા વૃદ્ધિ', 'ભક્તિ અને ધર્મવિચાર', જેવા નિબંધો ધર્મ, નીતિ અને સંસ્કૃતિને સ્પર્શતા છે. 'કવિ અને કવિતા', 'કવિચરિત્ર', 'સજીવારોપાણ' અને ગુજરાતી ભાષાની હાલની સ્થિતિ' વગેરે ભાષા સાહિત્ય વિષયક નિબંધો છે. 'ગુજરાત', 'પ્રાચીન ઈતિહાસનું મહાદર્શન', 'સુરતની ચડતી પડતી' અને 'આર્ય દર્શન' વગેરે ઇતિહાસ તત્ત્વને કેન્દ્રમાં રાખી લખાયેલા નિબંધો છે. 'સિકંદર, સીઝર, મહંમદ, ન્યુટન, કોલંબસ, સૉક્રેટિસ, બેકન, હોમર અને પ્લેટો જેવી વિભૂતિઓ ઉપર ચરિત્રાત્મક નિબંધો લખ્યા છે. 'બેન્ક બાઈનો વિલાપ', 'શેરના કાગળના ક્નકવા', 'કાળું બાવલું', 'લેને ગઈ પૂત- ખો આઈ ખસમ' જેવા પ્રહારાત્મક શેલીના નિબંધોનું લેખન પણ તેમણે 'ડાંડિયા' દ્વારા કર્યું છે.



                     નવલરામ જાગૃતિકાળના એક મહત્વના નિબંધકાર છે. એમનું યશોદયી સર્જન તો સમાજ, શિક્ષણ અને સાહિત્યને લગતા તેમના સુશ્લિસ્ટ અને મિતાક્ષરી નિબંધો છે. તેમના મોટાભાગના નિબંધો  વિવેચનાત્મક નિબંધો છે. આ ઉપરાંત નવલરામે 'મહેતાજીનો ધંધો', 'લગનસરા', 'સ્વભાષાના અભ્યાસનું અગત્ય;,'ખરો દેશાભિમાન','એક લિપિ'અને ઓથોરિયો હડકવા'વગેરે ઘૂંટાયેલ અને ખેસાદાર ગધ્યમાં લખાયેલી શુદ્ધ નિબંધો કહી શકાય તેવી રચનાઓ આપી છે.




                            ગુજરાતી મધુર અને ઓજસ્વિન સમયમુર્તિ તરીકે ઓળખાયેલા અંબાલાલ સાકરલાલ દેસાઇ આ ગાળાના એક બહુશ્રુત, સ્વભાષાનુરાગી, સ્વદેશ ભક્ત, શિક્ષક અને સાહિત્યકાર છે. શિક્ષણ, સાહિત્ય, અર્થ-કારણ, રાજ્યવ્યવસ્થા, સંસ્કાર સુધારણાને લાગતાં ભાષણોમાના કેટલાંક નિબંધની કોટીમાં મૂકી શકાય તે પ્ર્કારના છે.



                      આમ, આ ગાળો ગુજરાતી નિબંધના જન્મનો ગાળો હતો. વિચારને-વિષયને જેવા ને તેવા સાવરૂપે રજૂ કરવાનું એ નિબંધકારોનું લક્ષ્ય હતું. આપણાં લેખકોને લખવાની પ્રેરણા આ સુધારાએ જ આપી. એમાંથી જ નિબંધ આકારવા લાગ્યો.



ગુજરાતી નિબંધ સાહિત્ય સ્વરૂપની વિકાશરેખા





૨.પંડિતયુગનું નિબંધસાહિત્ય:-


                            નર્મદના અવસાન પછી સુધારણાનો એ યુગ અસ્ત પામે છે અને એની જગ્યાએ સંરક્ષણની વૃતિ પ્રબળ બનતાં સંરક્ષક યુગ શરૂ થાય છે. શિષ્ટતા, પ્રોઢિ, પક્વતા અને ચિંતનલક્ષીતાને કારણે આવતું ગોરવ, આ યુગના ગધ્યનાં ધ્યાન ખેંચે તેવા લક્ષણો છે. વિચાર અને ભાષા ઉભય દ્રષ્ટિએ નિબંધના વિકાસ માટે અનુકૂળ ભૂમિકા સર્જાય છે. અને ત્યાંથી નવું સોપાન શરૂ થાય છે.




                          પંડિતયુગના પહેલા નિબંધકાર મન: સુખરામ સૂર્યરામ ત્રિપાઠી છે. તેમના લખાણમાં અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો તલસ્પર્શી અભ્યાસ, પ્રકાંડ વિદવત્તા અને જીવન વિષેનું ઊંડું ચિંતન-મનન જેવા, પંડિતયુગને જન્માવનારાં, વિશિષ્ટ તત્ત્વો સોપ્રથમ જોવા મળે છે. 'વિપત્તિ વિશે નિબંધ', 'અસ્તોદય', 'કાળચક્ર', 'સુખનું મહારહસ્ય', જેવા નિબંધો પ્રાચીન સંસ્કૃતિનો મહિમા દર્શાવે છે. સુખ, દુ:ખ, ઉદય, અસ્ત, નીતિ, સત્ય, વિધ્યા જેવા જીવનને સ્પર્શતા અમૂર્ત અને તાત્ત્વિક વિષયો પર નિબંધો લખ્યાં.




                        પંડિતયુગના સર્વશ્રેષ્ઠ નિબંધકાર મણિલાલ ન. દ્રીવેદી છે. 'પ્રિયવંદા', અને સુદર્શન' માસિકોના તંત્રીપદેથી એમણે ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ, સાહિત્ય અને કેળવણી એમ અનેકવિદ્ધ વિષયો પર નિબંધો લખ્યાં છે. 'બાળવિલાસ' અને 'સુદર્શન ગધ્યાવલી'માં એમના નિબંધો સંગૃહિત થયેલાં છે. 'ઘર', 'ગૃહસ્થશ્ર્મ', 'ધર્મ', 'શ્રદ્ધા', 'જ્ઞાન', 'વાચન' અને સ્વતંત્રતા જેવા નિબંધોમાં સ્ત્રી અને પુરુષનો પ્રેમ આત્મ-ધર્મનો છે. શિષ્ટ, પ્રોઢ, ચિંતનગર્ભ, તેજસ્વી વાક્છટાવાળું સંસ્કારી ગધ્ય પહેલ વહેલું મણિલાલના નિબંધોમાં જોવા મળે છે. વિશેષકરીને કવિ અને ભાષાશાસ્ત્રી તરીકે જાણીતા પંડિત નર્સિહરાવનું ગધ્ય ક્ષેત્રે નોધપાત્ર અર્પણ રહ્યું છે. 'વિવર્તલીલા' માનવી ભાતવાળા લઘુ ચિંતનાત્મક નિબંધો સંગ્રાયેલા ;સ્મરણમુકુર' એ તેમના ચરિત્રાત્મક નિબંધોનો સંગ્રહ છે.




                       ગાંધીજી જેમને ગુજરાતનાં એકમાત્ર સજ્જન કહીને, આનંદશંકર ધ્રુવ જેમને સક્લપુરુષ કહીને અને પ્રિ.રોબર્ટસન જેમને અમદાવાદનાં સંપૂર્ણ સદ્ગ્રુહસ્થ કહીને ઓળખાવે છે તે રમણભાઈ નીલકંઠ પંડિતયુગના સનિષ્ઠ સુધારક અને સમર્થ સાહિત્યકાર હતાં. તેમનો નિબંધકાર તરીકેનો યથાર્થ પરિચય 'ધર્મ અને સમાજ' ભાગ-૧ -૨  માંથી થાય છે. સંસાર સુધારાની પદ્ધતિઓ','બીજી ગુજરાત સંસાર સુધારા પરિષદ નડિયાદ', 'સંસાર સુધારા સમાજ' અને 'બીજી પ્રાંતિક સંસાર સુધારા પરિષદ' જેવા સંસાર સુધારને લાગતાં નિબંધોમાં તેમણે જ્ઞાતિ-બાળલગ્ન, કજોડા, વિધવા, સ્ત્રી કેળવણી, અષ્પૃશ્યતા, પરદેશગમન, મધ્યપાન જેવા અનિષ્ટોની માર્મિક અને બુદ્ધિપૂર્વક ચર્ચા કરી, તેનો સદાચાર, દયા અને નીતિના સંદર્ભમાં વિચાર કરે છે. 'હાસ્યમંદિર' માં કેટલાક નર્મમર્મ શેલીના કટાક્ષયુકત નિબંધો આપનાર અને 'ફોરમ'માં સ્વસ્થ, રોચક શેલીમાં ચરિત્રાત્મક નિબંધો આપનાર વિધ્યાગોરી રમણભાઈ નીલકંઠ છે.




        આ યુગના બીજા ઉચ્ચકોટિના નિબંધકાર આનંદશંકર ધ્રુવ છે. 'કાવ્યતત્ત્વવિચાર', 'દિગ્દર્શન', વિચારમાધુરી' ૧-૨ માં તેમણે સાહિત્ય, સમાજ તેમજ શિક્ષણને લગતા પ્ર્શનોની વિચારણા કરી છે. 'નીતિશિક્ષણ'' 'ધર્મવર્ણન', 'હિન્દુ ધર્મની બાળપોથી'માં હિન્દુ ધર્મની તેમજ અન્ય ધર્મોની આછી રૂપરેખા આપી છે. 'ઈતિહાસનું શિક્ષણ' અને 'ઐતિહાસિક દ્રષ્ટિએ' એ બંને ઇતિહાસ વિષયક સુનિબદ્ધ નિબંધો છે. આ નિબંધકારે પંડિતયુગના ગંભીર નિબંધને, તેનું ગાંભીર્ય જાળવી રાખી, પ્રાસાદિક બનાવવામાં સોથી મહત્ત્વનો ફાળો આપ્યો છે.




                   પંડિતયુગના સમર્થ સાક્ષર બળવંતરાયે નિબંધો પણ લખ્યાં છે. વિષય, શેલી અને નિરૂપણ એમ સર્વ પ્રકારે તેમના નિબંધો આરુઢ અને નિરાળી છાપ ઉપસાવે છે . 'પંચોતેરમે', 'નવીન કવિતા વિશે વ્યાખ્યાનો' અને 'વિવિધ વ્યાખ્યાનો' ગુચ્છ ૧-૨-૩ તેમના વિવેચન, વ્યાખ્યાનો વગેરેના સંગ્રહો છે. તેમાનાં ઘણા લેખો નિબંધનો આકાર ધારણ કરે છે. 'વિવિધ વ્યાખ્યાનો' પહેલાં ભાગના બધા નિબંધો સાક્ષર ગોવર્ધનરામનો સર્જક તરીકેનો પરિચય કરાવે છે. બીજા ભાગમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ, મણિલાલ, રમણભાઈ ઉપરના વ્યાખ્યાનો છે. ત્રીજા ભાગમાં સાહિત્યિક વિષયને સ્પર્શતા ત્રણેક નિબંધો ઉપરાંત સમાજ અને ઇતિહાસ વિષયક રચનાઓ છે. તેમના લાક્ષણિક વ્યક્તિત્ત્વથી અંકિત, તેજસ્વી વિચારસંપત્તિવાળા નિબંધો એની વિલક્ષણ લખાવટને કારણે અને બલિષ્ઠ ગધ્યને કારણે ગુજરાતી નિબંધ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનના અધિકારી બને છે.





૩.ગાંધીયુગનું નિબંધસાહિત્ય:-


                    આ યુગમાં ગુજરાતી ભાષાસહિત દેશની બધી ભાષાઓ અને લેખકોને એક નવી આબોહવા, નવું બળ પ્રાપ્ત થયું બદલાઈગયેલી રાજકીય અને સાંસ્કૃતિક આબોહવાએ સાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ નિબંધ સાહિત્ય ઉપર ઘણી અસર કરી છે. નિબંધકારનું જીવન તરફનું દ્ર્ષ્ટિબિંદુ વધુ ગંભીર બને છે. ગુજરાતી નિબંધ એક નવા વળાંક ઉપર આવીને ઊભો રહે છે. એના વિકાસ માટે આ યુગમાં અનેક ઉજ્જવળ તકો ઉપસ્થિત થતી જણાય છે.



                           ગાંધીયુગમાં ગાંધીજી અપવાદરૂપે 'આત્મકથા' કે 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ને બાદ કરતાં કેવળ નિબંધ લખીને ઉચ્ચ કોટિના નિબંધકાર અને સાહિત્યકાર તરીકેનું સ્થાન અને માન મેળવે છે. 'ધર્મમંથન', 'વ્યાપક ધર્મભાવ', 'કેળવણીનો કોયડો', 'મંગળપ્રભાત', 'આરોગ્યની ચાવી', 'ત્યાગમૂર્તિ અને બીજા લેખો', 'યરવડાના અનુભવ', 'ખરી કેળવણી', 'સર્વોદય' અને 'આશ્ર્મજીવન' જેવા એમના અનેક ગ્રંથોમાં તેમના નિબંધો સંગ્રાયેલા છે. 'મંગળપ્રભાત' સંગર્મા સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, જાતમહેનત, સ્વદેશીવ્રત, વ્રતની આવશ્યકતા જેવા સંક્ષિપ્ત અને રસાળ શેલીમાં લખાયેલા લગભગ ચોદેક નિબંધો છે. ગાંધીજીના નિબંધોની અપૂર્વ વિશિષ્ટ્તા તે એમના વ્યક્તિત્ત્વમાથી પ્ર્ગટેલી અને ગુજરાતી ગધ્યમાં આગવું સ્થાન મેળવતી તેમની ગધ્યશેલી.




                   નિબંધને સાહિત્યનું સર્વોત્કૃષ્ટ અને સમર્થનરૂપ કહી ઓળખાવનાર અને નિબંધસાહિત્ય બધી રીતે શણગારવું જોઈએ' એમ કહી એને કલામય સ્વરૂપે જોવા ઉત્સુક તેમજ જ્ઞાનોપાસનાનું અને પુરુષાર્થનું એક પણ ક્ષેત્ર નિબંધે છોડવું ન જોઈએ' એવિ એ સવરૂપ પાસેથી અપેક્ષા રાખનાર કાકાસાહેબ જન્મે મરાઠી પણ ગુજરાતમાં જ વસી, ગુજરાતી ભાષામાં જ સરજનપ્રવૃતિ આદરી સવાઇ ગુજરાતીનું બિરુદ મેળવનાર આપણી ભાષાના એક ઉતકૃષ્ટ કોટિના નિબંધકારો હળવી છતાં ગાંભીર્યયુક્ત, કલ્પનાપ્રાણિત છતાં કેવળ કાલ્પનિક નહીં અને રસાળતી કલમે લખાયેલી, સર્જક્ના વ્યક્તિત્ત્વને મુદ્રિત કરતી આત્મલક્ષી નિબંધરચનાઓ વિપુલ પ્ર્માણમાં સોપ્રથમ ગુજરાતીમાં કાકાસાહેબના હાથે જ રચાય છે. તેમણે ધર્મ, સમાજ, સંસ્કૃતિ,સાહિત્ય અને રાજકારણ એમ અનેક વિષયો પર મનનાત્મક નિબંધો લખ્યાં છે. 'જીવનસંસ્કૃતિ', 'જીવનવિકાસ', 'જીવાતા તહેવારો', 'જીવન ચિંતન', 'જીવનપ્રદીપ' અને 'પરમસખા મૃત્યુ' વગેરે તેમના ચિંતન- પર્યેષણલસિત નિબંધોના સંગ્રહો ચ્હે. 'રખડવાનો આનંદ' 'જીવનનો આનંદ', જીવનલીલા', 'અને ઓતરાતી દિવાલો'માં સર્જનાનંદમાં લીન કરે તેવા પ્ર્કૃતીસોંદર્યને લગતા હળવા નિબંધો છે. 'હિમાલયનો પ્રવાસ', 'ઉતરાખંડની યાત્રા', 'બ્ર્હમદેશનો પ્રવાસ', ભારત દર્શન' વગેરે પ્રાસાદિક શેલીમાં લખાયેલા પ્રવાસ વર્ણણોના સંગ્રહો છે. આમ, કાકાસાહેબ આપણાં એક ઋષિની માટીના નિબંધકાર છે, એમ કહીએ તો ખોટું નહીં.




                 ગાંધીવિચારના ભાષ્યકાર કિશોરલાલ મશરૂવાળાએ ધર્મ, કેળવણી, તત્ત્વજ્ઞાન અને સમાજ વિશે મોલીક વિચારવાળા લેખો-નિબંધો લખ્યા છે. 'કેળવણીના પાયા', કેળવણીવિવેક' અને 'કેળવણીવિકાસ'માં કેળવણી વિષયને સ્પર્શતા નિબંધો છે, તો 'જીવનસોધન', 'સમૂળી ક્રાંતિ' અને 'સંસાર અને ધર્મ' જેવા સંગ્રહોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતી તેમની મૂલ્યવાન વિચારણાઓ નિબંધરૂપે સંચિત થયેલી છે.




                    ધર્મ, સમાજ અને વિજ્ઞાન જેવા માનવજીવનને લક્ષતા વિષયો પર સ્વામી આનંદે નિબંધો લખ્યાં છે. 'માનવતાના વેરી', 'અનંતકળા', 'નવલા દરશન' અને 'ધરતીનું લૂણ' એ નામે સંગ્રહરૂપે નિબંધો પ્રકાશિત થયાં છે. 



                     આ યુગના અગ્રેસર લેખક છે કનેયાલાલ મુનશી. મુનશી મુખ્યત્વે નવલકથાકાર અને નાટ્યકાર તરીકે જાણીતા છે. તેમ છતાં તેમની કલમે લખાયેલા 'કેટલાક લેખો', 'ગુજરાતનાં જ્યોતિર્ધરો', 'થોડાક રસદર્શનો' અને 'આદિ-વચનો'માં તેમના નિબંધો સંગ્રહાયેલા છે. મુનશીની આજુ બાજુ જામેલા લેખક વૃંદમાંના એક સમર્થ લેખક વિજયરાય વેધ્ય છે. તેમનું  ખરું અર્પણ તો તેમના હળવા, વિનોદપ્રધાન નિબંધો છે. 'નાજુક સવારી', 'પ્ર્ભાતના રંગ', 'ઊડતાં પાન', 'પહેલું પાનું', 'દરયાવની મીઠી લહર' અને 'ખુશ્કી અને તારી' વગેરે હળવા નિબંધોના સંગ્રહો છે.




                       વિવેચક, વાર્તાકાર અને કવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર રામનારાયણ એક નિબંધકાર પણ છે. 'કાવ્યની શક્તિ', 'યુવાન અને કલા', 'સત્યમ શિવમ સુંદરમ', 'કાવ્ય અને સત્ય', 'પ્રેમાનંદની રસસમૃદ્ધિ' જેવા નિબંધો વિચારતત્ત્વને લઈને તેમજ તેની તર્કબદ્ધ સ્વસ્થ, વિશદ અને સુરેખ અભિવ્યક્તિને લઈને વસ્તુનિષ્ઠ લખાણોમાં આગળ તરી આવે છે.




                    ધૂમકેતુએ સાહિત્ય, સમાજ, શિક્ષણ, સંસ્કૃતિ અને ધર્માદિ વિષયો પર તેમના નિબંધોમાં ગંભીરપણે પ્રેરક અને પ્રોત્સાહક વિચારણા કરી છે. 'સર્જન અને ચિંતન', 'રજકણ', પદ્મરેણુ', 'વાતાયન', 'જલબિન્દુ', 'જીવન ચક્ર' અને 'સંસ્કારરેખા' વગેરેમાં ચિંતનાત્મક નિબંધો છે. આનંદદાયક વિચારણા, સંક્ષિપ્ત રસપર્યવસાયી અભિવ્યક્તિ અને વ્યક્તિત્ત્વના સ્પર્શ-વાળું છ્ટાદાર ગધ્ય એ એમના જીવન અને સાહિત્યને લગતા નિબંધોની મુખ્ય વિશેષતા છે.




               શિષ્ટ, સુઘડ નવલકથાઓ લખીને ગુજરાતી પ્રજાને સંસ્કારી સાહિત્ય પીરસનાર 'યુગ મુર્તિ વાર્તાકાર'નું બિરૂદ પામેલ રમણલાલ વ. દેસાઇ એક સારા નિબંધકાર પણ હતાં. 'જીવન અને સાહિત્ય 1-2', 'સાહિત્ય અને ચિંતન', 'ઊર્મિ અને વિચાર', 'ગુલાબ અને કંટક', 'શિક્ષણ અને સંસ્કાર' જેવા ગ્રંથો રમણલાલનો નિબંધકાર તરીકેનો પરિચય કરાવી જાય છે.



                      ગુજરાતી નિબંધસાહિત્યને પોતાની આગવી લાક્ષણિક્તાઓવાળી આકર્ષક શેલીવાળા નિબંધો આપીને સમૃદ્ધ કરવામાં ઝવેરચંદ મેઘાણીનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. 'પરિભ્રમણ'1-2 , 'વેરાનમાં', 'સાંબેલાના સૂર' વગેરે ગ્રંથોમાં સંગૃહીત નિબંધો તેમની પત્રકારત્વની કારકિર્દીના ઉજ્જવલ આવિર્ભાવવો છે.




                   નિબંધકાર તરીકે નવલરામને જશ અપાવે છે તે તો તેમના હળવાં લખાણોના સંગ્રહ 'કેતકીના પુષ્પો' અને 'પરિહાસ. બટુકભાઇ ઉમરવાડીયાએ 'ગુજરાત'માં વિવિધ ક્ષેત્રે નામાંકિત અને નિપુણ વ્યક્તિઓ ઉપર ચમકદાર અને રંગદર્શી શેલીમાં ચરિત્રાત્મક નિબંધોની આખી માળા આપી છે. કિશનસિંહ ચાવડા આપણાં એક કસાયેલા કલમબાજ છે, નિબંધકાર છે. 'અમાસના તારા', 'હિમાલયની પદ યાત્રા', 'સમુદ્રના દ્વીપ' અને તારામેત્રક' જેવા સંગ્રહો નિબંધકાર તરીકેની તેમની સમૃદ્ધ સર્જક્તાનો પરિચય કરાવી શકે છે.




                        કવિ તરીકે સુકીર્તિત સુન્દરમ આ યુગના એક યશસ્વી નિબંધકાર પણ છે. તેમણે વિવેચનાત્મક અને બંને પ્રકારના નિબંધો આપીને આપણાં નિબંધ સાહિત્યને વિભૂષિત કર્યું છે. 'દક્ષિણાયન' અને 'ચિદંબરા'ના રસલક્ષી નિબંધોમાં તેમનું કલ્પનાશીલ માણસ બરોબર ખીલી ઊઠે છે. જયંતિદલાલે 'પગદીવાની પછીતેથી', 'શહેરની શેરી', 'કાયા લાકડાની, માયા લૂગડાની' જેવા સંગ્રહોમાં નિબંધો આપ્યાં છે. 'ગોષ્ઠી' અને 'ઉઘાડી બારી' જેવા કલાત્મક નિબંધોના સંગ્રહો આપી આપણાં સર્જનાત્મક નિબંધોને એક ડગલું આગળ લઈ જવામાં નિબંધકાર ઉમાશંકરનો ફાળો નોંધપાત્ર બની રહે છે.




                      આ ઉપરાંત શ્રી યશોધર મહેતા, શ્રી ઈશ્વર પેટલીકર, ઇંદુલાલ યાજ્ઞિક, નિરંજન વર્મા, જયમલ્લ પરમાર જેવાં નિબંધકારો ગુ.સા. ને મળ્યા છે. જ્યોતીન્દ્ર દવે હાસ્યને શુદ્ધરૂપે ખીલવીને તે વડે જીવનના અનેક મર્મોને લીલા ઉદ્ઘાટિત કરી આપનાર નિબંધકારોમાં અગ્રિમસ્થાને વિરાજે છે. ધનસુખલાલ મહેતા, શ્રી ગગનવિહારી મહેતા, વગેરેનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આ ઉપરાંત રામપ્રસાદ બક્ષી, વિશ્વનાથ મ. ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ડોલરરાય માંકડ, સુંદરજી બેટાય, મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, અનંતરાય રાવળ જેવાં વિવેચનપ્રધાન નિબંધકારો છે.




૪. આધુનિક નિબંધસાહિત્ય:-


                           અલગ તરી આવતા પ્ર્વાહમાં લખનારા સર્જકોમાં મૂર્ધન્ય સાહિત્યકાર સુરેશ જોશી છે. 'જનાન્તિકે' અને 'ઇદમ સર્વમ' આપીને લલિત નિબંધના ક્ષેત્રે પહેલ કરી છે. એ પછી શ્રી દિગીશ મહેતા કૃત 'દૂરના એ સૂર' નિબંધસંગ્રહ મળે છે. નર્મ નિબંધકારોમાં ચુનીલાલ મડિયાએ 'ચોપાટીને બાંકડેથી' એ સંગ્ર્હમાં નર્મ મર્મ પ્રધાન હળવા નિબંધો આપ્યાં છે. શ્રી બકુલ ત્રિપાઠી વિષયનું નાવીન્ય લઈને આવે છે. 'સચરાચરમાં', અને 'સોમવારની સવારે' જેવાં તેમના સંગ્રહોમાં વિનોદપ્રધાન રચનાઓ આપી છે. ડોં. મધુસૂદન પારેખ 'હૂઁ' શાણી ને શકરાભાઇ', 'સૂડી અને સોપારી' અને 'રવિવારની સવાર' એમ ત્રણેક સંગ્રહો આપ્યાં છે.




                          છેલ્લા દાયકા-દોઢ દાયકનું નિબંધસાહિત્ય અવલોકતાં જણાય છે કે સુરેશ જોશી અને દિગીશ મહેતા જેવાં આધુનિકોએ ગુજરાતી નિબંધને સર્જનાત્મક્તાની દિશામાં એક કદમ આગળ લાવીને મૂક્યો છે. ગુજરાતી ગધ્યનું વિવિધ ભાત ઉપસાવે તે રીતે તેમણે ઘડતર કર્યું છે. બકુલ ત્રિપાઠી આદિ નિબંધકારો નર્મપ્રધાન નિબંધોનું સાતત્ય જાળવી રાખીને તે દિશામાં એને નોંધપાત્ર રીતે આગળ ગતિ કરાવે છે.       
                                                
                   
મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


મિત્રો આમજ બીજી પોસ્ટ માટે subscrib કરજો ..પસંદ આવે આ માહિતી તો તમારા મિત્રો જોડે શેયર કરજો. 

કોમેન્ટ કરી અમને તમારો અભિપ્રાય જરૂર આપજો 

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈