Recents in Beach

લોકકથામાં મોટીફ|Story-motif in Gujarati

 

 

લોકકથામાં મોટીફ

 

  લોકસાહિત્યમાં મોટોભાગ લોકકથા અને લોકગીતોનો હોય છે. જે કથા પરંપરાથી પ્રવાહમાં તરતી રહે અને જેનું કથાનક કોઈ એક નિશ્ચિત વ્યક્તિની કલ્પનામાંથી ન જન્મ્યું હોય તેને લોકકથા કહે છે. લોકકથાનું સર્જનાર-ઘડનાર, ચલાવનાર ને પ્રસારનાર પરીબળ લોકમાનસ- લોકપરંપરા હોય છે.

 

  વિવિધ ધોરણે અને દ્રષ્ટિબિંદુએ લોકકથાના રસાશ્રયી, કથાશ્રયી હેતુની દ્રષ્ટિએ, વિષય-પ્રકારની દ્રષ્ટિએ અનેક પ્રકારો છે. આમાં સ્ટિફ ટોમ્સન દંતકથા (Legend), પુરાણકથા (Myth) અને કથા (Tale)- આ ત્રણે પ્રકાર દર્શાવે છે.

 

 અભ્યાસની સરળતા માટે રસ-વિષયની દ્રષ્ટિએ- હાસ્યકથા, શોર્યકથા, પ્રેમકથા, સાહસ-પ્રવાસકથા, જાદુઈ/તિલસ્માતી કથા, સંતજીવન ચરિત્ર જન્મ ચમત્કાર તેમ જ પરચાઓની કથા, વ્યુત્પત્તિકથા, દ્રષ્ટાંતકથા, પશુકથા, પ્રેતકથા, આવું કેમ- Why its so કે આવું કેમ બન્યું- How it happened જેવી ‘કેમ-કથા કે કારણદર્શકકથા, વીરકથા, બહારવટિયા કથા, પરીકથા, બાળકથા, મુર્ખકથા, ચાતુર્યકથા, કામકથા- એવા અનેક પ્રકારો છે.

 

 લોકકથાઓના વૈશ્વિક સ્તરના સામ્યમુલક અભ્યાસમાં ત્રણ પદ્ધતિ મુખ્ય છે.

 

(૧) કથાચક્ર- Story-Cycle

(૨) કથાબિંબ- Story- type

(૩) કથાઘટક- Story- motif (કથામાં પ્રયોજાતો નાનામાં નાનો અને સ્વયપર્યાપ્ત અંશ-ઘટક એટલે કથાઘટક)

 

 કથાચક્રમાં કોઈ એક જ પાત્ર વિશેની જુદાં જુદાં સ્થળે પ્રચલિત લોકકથાઓને સાંકળીને અભ્યાસ થાય છે. વિશ્વનાં વિવિધ દેશોમાં મળતી અનેક કથાઓના કથાનકનું માળખું સમાન હોય તો તેને મુખ્ય કથાનું નામ દર્શાવીને કથાનકના મુખ્ય તબક્કા અને વળાંક ક્રમશઃ દર્શાવીને તે કથાબિંબને નિશ્ચિત ક્રમાંક આપવામાં આવે છે.

 

  કથાબિંબની આવી નિશ્ચિત ક્રમાંકની વ્યવસ્થાને કારણે કઈ કઈ લોકકથાઓને કયા કથાબિંબ સાથે સામ્ય સબંધ છે તે દર્શાવી શકાય છે. એક જ મુખ્ય કથાના કથાનકમાં કેવા- કેટલાં રૂપાંતર થયાં તેનો સ્પષ્ટ નિર્દેશ આ પદ્ધતિ આપે છે. બર્ન દ્વારા ૭૦ જેટલાં કથાબિંબોની યાદી તૈયાર થઈ. ફિનીસ કુળના ક્રોહનના માર્ગદર્શનમાં એન્ટી આર્નેએ વર્ગીકૃત સ્ટોરી -ટાઈપ- ઇન્ડેક્સ ૩૦ જેટલાં ગ્રંથોમાં આપી છે.

 
કથાઘટક: Story-motif

 

  પ્રાચીન-મધ્યકાલીન પરંપરાગત કથા- કથાનકોમાં આવતું પાત્ર, પદાર્થ કે ઘટનાગત બીજરૂપ તત્વ.- આ પર્યાય લોકકથાઓના સામ્યમૂક અભ્યાસમાં સિદ્ધ થયો છે.

 

  કથાઘટકોની શાસ્ત્રીય વિભાવના ‘સ્ટિફ થોમ્પસન નામના લોકવિદ્યા વિદ (Folklorist) દ્વારા પૂર્ણ રૂપ પામી અને એણે છ ગ્રંથોમાં કથાઘટક (Story-motif) ની વર્ગાનુસારી અનુક્રમયાદી (Index) આપી એમાં વિષયાનુસારી કથાઘટકોમાં વિશ્વની વિવિધ લોકકથાઓમાં પ્રયોજાયેલા પાત્ર, પ્રસંગ અને પદાર્થના સંક્ષેપમાં તત્વસાર ચાવીરૂપ વાક્યો દશાંશથી આપ્યાં અને તેમાજ જે જે લોકકથાઓમાં આવા ઘટકનો ઉપયોગ થયો છે. તેના સંદર્ભ પણ આપ્યાં. આથી વિશ્વની કોઈ પણ લોકકથાનો સામ્યમુલક વૈશ્વિક સ્તરનો અભ્યાસ કરવો હોય તો તે માટેની પદ્ધતિ, વર્ગીકૃત યાદી અને કથાઓના સંદર્ભો સ્ટિફ થોમ્પસનની મોટિફ ઇન્ડેક્સની પુસ્તકશ્રેણી છ ભાગમાંથી મળે છે.

 

  એમાં કથા ઘટકોને A થી Z સુધીના અક્ષરોમાં વિષયવાર ગોઠવીને

 

A -માં પુરાકાથાની વ્યક્તિઓ/પાત્રો

B- માં પુરાકાથાના ચમત્કારી પ્રાણીઓ

C- માં નિષેધ (Tabu)

D -માં જાદુઈ ચમત્કારમૂલક પાત્રો, મંત્રો, ઘટનાઓ

E -માં પ્રેતાદી

F- માં પાતાળાદિ

G -માં રાક્ષસાદી

H -માં ઓળખ

I -માં સચ્ચાઈ માટેનાં પારખા-કસોટી

J -માં ચાતુર્ય અને ધૂર્તતા, મૂર્ખતા

K -માં દગાબાજ

L -માં ભાગ્ય

M -માં ભવિષ્યવાણી

N -માં સાહસ અને તક

P -માં સામાજિક સબંધ, શાસન, રીત-રીવાજ

Q- માં પુરસ્કાર અને દંડ

R -માં કેદ અને મુક્તિ

S -માં ક્રૂરતા

T -માં યૌન સબંધ

U -માં જીવનના વિવિધ રૂપ- વિષમતા

V -માં ધર્મ

W -માં પાત્રગત વિશેષતા

X -માં હાસ્ય

Z -માં પ્રકીર્ણ વિષયના કથાઘટકોની યાદી આપી છે.

 

 

   કોઈપણ લોકકથાનો સામ્યમુલક શાસ્ત્રીય પદ્ધતિનો લોકકથાત્મક અભ્યાસ કરવો હોય તો તે કથાના કથાનકનું પૃથકકરણ કરી તેના ઘટકો તારવીને મોટિફ ઇન્ડેક્સને આધારે તે ઘટકો ક્યા ક્યાં, કઈ કઈ કથાઓમાં વિશ્વક્ષેત્રે પ્રયોજાયા છે તે જાણી શકાય છે. અને લોકકથાના કથાનકનું ઘડતર કેમ થાય છે, એના ક્યાં ને કેટલાં રૂપાંતરો થયાં છે અને કથાનું કયા ક્યાં સંપ્રસારણ થયું છે તે જાણી શકાય છે. લોકકથાના એતિહાસિક-ભોગોલિક તથા કથાબિંબ અને કથાચક્રની પદ્ધતિના અભ્યાસમાં કથાઘટકનો અભ્યાસ પાયાનો અને અનિવાર્ય છે.

 

  સાહિત્યકલામાં જે સ્થાન કક્કાના બાવન અક્ષરનું કે સંગીતમાં જે સ્થાન મુખ્ય સાત સૂરનું છે, તે સ્થાન લોકકથામાં કથાઘટકોનું છે. જેમ કક્કાના સ્વર-વ્યંજનથી શબ્દ બને અને શબ્દોથી વાક્ય બને, અર્થ વાહક કે ભાવવાહક વિધાન અસ્તિત્વમાં આવે કે સંગીતના સાત સૂરના વિવિધ ક્રમ અને પ્રકારના અસંખ્ય સંયોજનો- ‘પરમ્યુંટેશન અને ‘કોમ્બિનેશનથી જેમ નિશ્ચિત ભાવવાચક સ્વર એકમ બને અને તેના ઉપયોગથી ઢાળ કે રાગ બને છે. તેમ વિવિધ કથાઘટકોથી જ લોકકથાનું કથાનક ઘડાય છે. સ્ટિફ થોમ્પસન, આથી જ ઘટક ને કથારૂપી ઇમારતને બાંધતી ઈંટના દ્રષ્ટાંત સમજાવે છે અને તેના પાત્ર, પદાર્થ અને પ્રસંગ એટલે કે ઘટના- એવા ત્રણ પ્રકાર જણાવે છે.

 

  ઘટકની વ્યાખ્યા આપતાં સ્ટિફ થોમ્પસન જણાવે છે કે તે કથામાં પ્રયોજાતો નાનામાં નાનો અને સ્વયંપર્યાપ્ત અંશ છે. એનામાં પાત્ર, પદાર્થ કે પ્રસંગ તરીકે કશુંક અસાધારણ એવું તત્વ હોય છે અને તેની આ સાધારણતા જ એને પરંપરામાં લાવે છે અને તેને ટકાવે છે.

 

  પાત્ર, પદાર્થ અને પ્રસંગમાં અસાધારણ તત્વ કેવું હોય છે જે એવા પાત્ર પદાર્થ કે પ્રસંગને ઘટકરૂપ બનાવે છે. તેની સ્પષ્ટતા કરતાં સ્ટિફ થોમ્પસન કહે છે કે માતા સાધારણ પાત્ર છે, પરંતુ અપરમાતા અસાધારણ ઘટકરૂપ છે; કેમકે એનાથી વાર્તાત્મક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ રીતે અસામાન્ય, અસાધારણ, શક્તિદ્રષ્ટિ ધરાવતાં માનવો માનવેતર એવાં દેવ, અપ્સરા, ભૂત-પ્રેત, રાક્ષસ, ડાકણ, ચુડેલ, યક્ષ, સર્પ વગેરે; અસાધારણ કે માનવીય શક્તિ ધરાવતાં પશુપક્ષીનાં પાત્રો વગેરે ઘટકરૂપ છે. એમનાથી જ વાર્તા બંધાય છે.

 

  શેતરંજી, ઘોડો, પાવડી વગેરે સામાન્ય પદાર્થો છે જેમાંથી વાર્તા બનાવાનો સીધો અવકાશ પેદા થતો નથી. પરંતુ ઊડતી શેતરંજી, ઊડતો ઘોડો, પવન પાવડી જેવા પદાર્થો અસામાન્ય અને અસાધારણ શક્તિ ધરાવતાં પદાર્થ રૂપે ઘટકરૂપ છે. એમાંથી વાર્તા બંધાય, નિશ્ચિત એવો વળાંક આવે, કોઈ ગૂંચ પડે તો કોઈ વળી ઉકેલાય.

 

  ઘટનાં કે પ્રસંગ સાધારણ રીતે બનવો જોઈએ એમ ન બનતાં એમાં કશુંક અસાધારણ હોય, ચમત્કૃતિ કરે એવું -Striking હોય તો તેવી ઘટના કે પ્રસંગ ઘટકનું રૂપ લે છે. ચોર ચોરી કરવા જાય અને ચોરી કરી પાછો ફરે તે સાધારણ ઘટના છે, પરંતુ ચોરી કરવા જતાં અંધારામાં ચોકીદારને ઠેબીલે અને ચોકીદાર જાગી જતાં પકડાય અથવા તો કોઈ સુંદરીને જોતાં મંત્રમુગ્ધ થઇ જાય ને ચોરી કરવાનું ભૂલી જાય તો તેવી ઘટના ઘટકરૂપ બની રહે છે. આવી કોઈ અસાધારણ કથા જન્માવે છે.

 

  કથાઘટકાશ્રયી નવી અભ્યાસ પદ્ધતિના મૂળમાં વૈશ્વિક સ્તરનો ભાષા અને સાહિત્યનો સામ્યમુલક અભ્યાસ છે. પશ્ચિમના વિદ્વાનોએ ભારતની સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાઓનો અભ્યાસ કર્યો અને તેમનાં વિવિધ ગ્રંથોના પ્રકાશનો થતાં એમનાં આધારે એમને ધ્યાનમાં આવ્યું કે વૈદિક સંસ્કૃત, પહેલવી, ગ્રીક, લેટિન વગેરે ભાષાઓમાં ઘણું સામ્ય છે. કાળક્રમે ધ્યાનમાં આવ્યું કે આ બધી જ ભાષાઓના સામ્યમુલક અભ્યાસથી જ ભારત અને યુરોપની પ્રાચીન અને મધ્યકાલીન કથાઓના સામ્યમુલક- તુલનાત્મક અભ્યાસનો આરંભ થયો અને યુરોપની કથાઓમાં હોવાનું ધ્યાન આવ્યું. આથી પશ્ચિમમાં ભારતીયવાદ Indianist અભ્યાસીઓએ વિશેષ પ્રકારના સંશોધન-સંપાદનો અને સામ્યમુલક અભ્યાસો હાથ ધર્યા. પંચતંત્રની કથા ભારતમાંથી યુરોપમાં કેવી રીતે અને ક્યારે પંહોચી તેના ઈતિહાસ પર સંશોધનો થયાં. સમાન કુળમૂળની જણાતી ભારતીય અને યુરોપીય કથાઓના વસ્તુ-કથાનકોના સાંગોપાંગ અભ્યાસ માટે તેમનું પૃથક્કરણ કરવાની તેમનાં ઘટકોને જુદા પાડવાની, ચાવીરૂપ વાક્યોમાં સંક્ષેપમાં તેમને રજુકરવાની જરૂર પડી. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, રશિયા, અમેરિકા- એમ અનેક દેશોમાં કાંઠોપકંઠ પ્રચલિત, પરંપરાગત લોકકથાઓને લિપિબદ્ધ કરીને તેમનાં સંપાદનો થવા લાગ્યાં અને આવાં સંપાદનોની સામગ્રી એ જ કથાઓના સામ્યમુલક અભ્યાસનો સુદ્રઢ પાયો નાખ્યો. ફિનલેન્ડ જેવા નાનકડા દેશની ફીનીશ યુનીવર્સીટીમાં જુલિયસ ક્રોહ્ન Julius Krohn અને તેમનાં પુત્ર કાર્લ ક્રોહ્ન- Carle Krohn- દ્વારા તથા એન્ટી આર્ને અને સ્ટિફ થોમ્પસન દ્વારા આ પદ્ધતિનો વિકાસ થયો.

 

  લોકકથાના કથા માળખાને તારવતા જ કથાપ્રકૃતિ કે કથાબિંબ-Story-type, કથાચક્ર-Story-cycle અને Story-motif: કથાઘટકની પદ્ધતિનો વિકાસ થયો.

 

  કથાકથક લોકકથાનો લઘુત્તમ એવો ઘટક છે અને એક ઘટક અનેક કથાઓ ઘડે છે.Follow બટન પર ક્લિક કરી Follow કરો અમને જેથી તમને નવી માહિતી મળતી રહે. 


લોકકથાની-વાર્તાનીકથનશૈલી Click Her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ