Recents in Beach

લોકકથાની-વાર્તાની કથનશૈલી|Lok-kathani Kathnshaili

 

લોકકથાની-વાર્તાની કથનશૈલી:

 

‘વાતડિયું વગતાળિયું, જણ જણ જુજવિયું;

જેડા જેડા માનવી, એડી એડી વાતડિયું.’

 

 લોકકથા-વાર્તા જેવા જેવા માનવીઓ (શ્રોતાઓ) એવી એવી કહેવામાં આવે છે. લોકકથા કહેવા (કથવા)- સાંભળવાની છે. એક જ વાર્તા હોય છતાં એ વાર્તા કથકે કથકે, જમાને જમાને, શ્રોતાઓ- સાંભળનારા સમાજજૂથ પ્રમાણે રૂપ બદલતી રહે છે. કથકને સોળે કળાએ ખીલવું હોય તો તે તેને તક લોકકથામાં મળે છે. લોકકથાનો કથક વાર્તાના મૂળઘટકને બદલતો નથી પરંતુ સમય, સ્થળ અને શ્રોતાની મન:સ્થિતિ પ્રમાણે ગોણ ઘટકો ઉમેરતો જતો હોય છે. પ્રાચીનકથાને વર્તમાનકાળના વાતાવરણમાં તે ભેળવી શકતો હોય છે.

 

  સુથસોપર નામનો વિદ્વાન લોકકથાની કથનશૈલીને Living art’ જીવંતકળા કહે છે. લોકકથા માત્ર કહેવાની નથી, તે માત્ર ગદ્યકથા નથી, અથથી ઈતિ નિશ્ચિત શબ્દોમાં બંધાયેલી નથી. લોકકથા ગદ્ય-પદ્ય મિશ્રિત હોય છે. દુહા-છંદ-કવિતા સાથે તેની ગાયકી ને તાલ માટે વાદ્ય હોય છે. એટલે આ દ્રશ્ય-શ્રાવ્યકલા છે તેથી તેને Performing પરફોર્મિંગ આર્ટ કહે છે. કથકનો કંઠ, અભિનય, સંવાદ શ્રોતાઓના હ્રદયને સ્પર્શીજાય છે.

 

  લોકકથાની કથનશૈલીનાં વિશિષ્ટ અંગો:-

 

  (૧) પ્રથમ તો લોકકથા-વારતા ક્યાં ને કોને કહેવામાં આવે છે ને તેનો કથક કોણ છે તેના ઉપર મોટો આધાર છે.

 

  દા.ટ. શ્રમિકો કરતા હોય ત્યારે એકધારું એક ને એક કામ હોય તેમાં કંટાળો ન આવે, થાક ન લાગે ને એ કામ સંઘમાં સાથે બેસીને કરવાનું હોય ત્યાં કામ કરતાં કરતાં આ કથા-વારતા કહેવાતી હોય છે તેનો કથક પણ એ શ્રમકાર્ય કરતો હોય છે. એટલે તેમાં તાલ ને વાદ્ય ન હોય. ગાયકી જરૂર આવે છે. આ કથા નાની હોય છે. વચ્ચે વચ્ચે અન્ય વાતો, પ્રશ્નો આવતા રહે છે. આ વાર્તામાં વિનોદ, મનોરંજન, કૂટ પ્રશ્નો, સમસ્યાઓ ને વ્યવહાર બોધ અપાતો હોય છે, જેમકે ડૉ. શાંતિભાઈ આચાર્યની ઉત્તર ગુજરાતની લોકવાર્તા.

 

(૨) લોકકથાઓ પોતપોતાના પરિવારમાં કે નજીકના કુટુંબીઓમાં રાત્રે વાળું (ભોજન) કરીને આંગણામાં ખાટલા ઢળાયા હોય, આખો દિવસ પરિશ્રમ કરીને સ્ત્રી-પુરુષો આરામથી બેઠાં હોય, આ પરિવાર માંહેનો કોઈ પુરુષ કે સ્ત્રી પણ વારતા કહેતી હોય છે. દાદી ને દાદા બાળકોને બાળવાર્તાઓ સંભળાવે તેનાથી આ વાર્તાઓ જુદી હોય છે. પુરાણ સાથે, નીતિ સાથે, ધર્મ સાથે કે દંતકથા સાથે જોડાયેલી આ વાર્તાઓ હોય છે જે એકાદ કલાકમાં સમેટાઈ જાય તેવડી હોય છે.

 

(૩) લોકકથાનું ત્રીજું રૂપ સામાજિક પ્રસંગોએ લોકસમાજ મળે ત્યારે કહેવામાં આવે છે. આ લોકકથાઓનો કથક મોટેભાગે બારોટ, ગઢવી, તૂરી, રાવળ હોય છે. લગ્નપ્રસંગ, કોઈ ઉત્સવપ્રસંગ, મોટી ઉંમરની વ્યક્તિના મૃત્યુ પ્રસંગની વરસી વગેરે. તે સમયે બારોટ, તૂરી શીખ લેવા આવે ને લોકકથા-વાર્તા કહેતા હોય છે. આ કથાઓ મોટેભાગે બિરદાવલી, પ્રશંશા દર્શાવતી હોય છે.

 

 (૪) લોકકથાનું ચોથુંરૂપ વંશાવળીનાં ચોપડા રાખનાર વહિવંચા બારોટ જ્યારે નવાં નામ ચોપડે લખવા આવે ત્યારે ચાર, પાંચ દિવસનો ઉત્સવ ઉજવાય છે. ત્યારે એક જ પરિવારના ભાઈ-ભાંડુઓ ભાર કમાવા ગયા હોય કે રહેવા ગયા હોય તે મૂળગામેં રહેતાં પરિવારને ઘેર આવે છે. સંગાવ્હાલા આવે છે. તેના વિધિ-વિધાન ચાલે છે ને તે સમયે રાત્રે લોક્વારતા મંડાય છે. આ વારતાઓ પ્રણય, શોર્યની વિશેષ હોય છે.

 

 (૫) લોક્ક્થાનું પાંચમું સ્વરૂપ-રૂપ જે આજના ‘લોકડાયરા જેવું છે. આજે આપણી પાસે મનોરંજનનાં અનેક માધ્યમો છે તે પહેલાં ન હતા. તે સમયે મનોરંજન માટે લોકકથાકારો, લોકભવાઈ, નટ, બજાણીયાઓ આવતા. વર્ષમાં એક વખત તો તે જરૂર આવે જ. લોકકથાના કથક ગામડે આવે ત્યારે રાત્રે ચોકમાં સૌ મળે. ગામમાં જુદા જુદા જ્ઞાતિજૂથ હોય ને તે જ્ઞાતિ પ્રમાણેનાં તેમનાં વાર્તાકથકો હોય છતાં સર્વજન સાથે આ વાર્તારસ માણે છે.

 

યજમાનને ઘેર આવે ત્યારે તે બોલતા હોય છે:

‘ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘોડલે લાર, મોતીએ ભંડાર;

કોઠીએ જાર, પુત્ર પરિવાર, જે હોજો, ધણીને ઘણી ખમ્મા.’

 


લોકકથાની-વાર્તાની કથનશૈલી. લોકવારતાનાં કથકોની જાતિઓ:-

 

  હજારો વર્ષોથી લોકકથા-વારતા કહેવાતી આવી છે. પ્રાચીનકાળમાં ઋષિઓ સૂત પાસેથી કથા સાંભળતા હતાં. રામચંદ્રજી મહારાજે લવ-કુશ પાસેથી પોતાની જ કથા સાંભળી હતી. ‘કુશી-લવાનો અર્થ થાય છે કથાકાર, કથા કહેનાર.

 

  ગુજરાતી લોકકથાનો કથક તેની નિશ્ચિત જાતિઓ સાથે જોડાયેલી છે. લોકવારતાનો કથક ચારણ, બારોટ, ગઢવી, મીર, ભાટ, ઢાઢી, તરગાળા, તૂરી જ્ઞાતિનો હોય છે. આ જ્ઞાતિઓનું એક કામ લોકવાર્તા કહેવાનું છે. આ જ્ઞાતિઓ પોતાના સંતાનોને વાર્તાની કથનશૈલી શીખવે છે. આ કળા વંશ વારસાગત આત્મસાત કરેલી હોય છે. કથનશૈલી શીખવતી વિદ્યાલયો પણ ઊભી કરવામાં આવી હતી.

 

 કથકની મુખ્ય બે શૈલીઓ છે:-

૧. ચારણી શૈલી  ૨. બારોટી શૈલી.

 

 

  ચારણ શૈલી રાજપૂત રાજવીઓના યુગમાં વિકાસ પામતી હતી. રાજ દરબારમાં ચારણકવિ વિશેષ પદ્યાત્મક, અભિનય, ગાયન, લોકવાદ્ય સાથે દુહા ને છંદના માધ્યમે લોકવાર્તા કહેવાતી. આ કથા ડાયરાની દરબારીઓની કે ચોરામાં કહેવાતી. ચારણ કથક માટે આ આજીવિકાનું સાધન હતું એટલે વચ્ચે બિરદાવલી આવે. ચારણી લોકકથાઓ આજે લિપિબદ્ધ થઇ છે. સોરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદમેઘાણીએ ચારણીકથાઓ મૂકી છે. ચારણી શૈલી મૂળે રાજસ્થાની શૈલી છે ને એમાં ડિંગળ પિંગળ તાણાવાણાની માફક ગૂંથાય આવે છે.

 

  બારોટી શૈલીની લોકવાર્તાઓ રાજપૂત ગિરાસદારોમાં કહેવામાં આવે તેથી કથન શૈલી બદલીને કાઠી-હાટી સમાજમાં વીરરસ- પ્રગટાવતી કથાઓ કહેવાય છે. કાઠીઓ સુરજદેવના આરાધકો છે એટલે કથક ગાન કરે છે:

 

‘ભલે ઊગા ભાણ, ભાણ તુમ્હારા ભામણા,

મરણ જીઅણ લગ માણ, રાખો કશ્ય રાઉત.’

 

  તે પછી થોડીક કથાની ભૂમિકા બાંધી ચાંપરાજવાળો, વરજાંગ ધાધલ ભોકાવાળો, અલાખાચરની વાત માંડે છે. યુદ્ધવર્ણન, ઘોડાઓની વાતો, કાઠીયાણીનું શબ્દચિત્ર આલેખી આપે છે.

  આવી જ કથકની અલગ શૈલી તરગાળાઓની હોય છે. આદિવાસીઓ પણ પોતાની કથાઓ છે તેમનાં લોક મહાકાવ્યો છે, તેની બોલી, કહેણી, વાદ્યો અલગ જ છે.

 

 

. લોકકથાનો કથક સમય, સ્થળ શ્રોતા પ્રમાણે કથા કહે છે:-  

 

  આપણું લોકસાહિત્ય પ્રકૃતિને ખોળે જન્મ્યું ને પાંગર્યું છે. આ ઋતુવર્ણન લોકસાહિત્યનો એક ભાગ છે જે વાતાવરણ ઊભું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કથક જે સમયે- વર્ષા, શિયાળો, ઉનાળો તો તે ઋતુનું વર્ણન કરી શ્રોતાઓને પ્રવર્તમાન ઋતુ સાથે જોડી આપે છે.

 

  જેમકે- ઝરમર ઝરમર વરસાદ માનવીઓના હૈયાંને ભીંજવી રહ્યો છે. આકાશ ઘનઘોર વાદળોથી છવાયું છે મોરની કેહા ગુંજી રહી છે ને ઓઢાને કચ્છડો યાદ આવ્યો, હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીમાં..... બુકાનીધારી ઘોડેસ્વારો વચ્ચે ફૂલની ચાદર નખશિખ ઓઢેલી યુવતી મંદિરના પગથિયા ચડે છે, કથક સમયને મુઠ્ઠીમાં કરી વાતાવરણ બાંધે છે.

 

  કથક જે સ્થળે કથા કહેતો હોય તે સ્થળની કોઈ ને કોઈ વિશેષતા હોવાની. એ સ્થળ વિશેષના ગુણગાન કરી શ્રોતાઓના દિલને જીતે છે. કથક શ્રોતા કયા સમાજનો છે- રાજપૂત, કાઠી, કોળી, દરિયા-ખેડૂત, ભરવાડ આહીર, મેર, પછાત વર્ગને જોઈ જે સમાજ બેઠો છે તેની વાત કરશે. દરેક જ્ઞાતિને તેની શૂરવીર કથાને બિરદાવલી હોય છે તે મૂકીને તે સમાજ સાથે જોડાયેલી જ કથા કહે છે.

 

 

. લોકકથાની માંડણી:-

 

 લોકકથાના કથકનું પ્રથમ પગથિયું વાર્તાની માંડણી છે. લોકવાર્તાની જમાવટ કરવા માટે તેની ભૂમિકા બાંધવી પડે છે. સામાન્ય રીતે કથક આરંભે સ્તુતિગાન કરે છે, ગણપતિ, વિદ્યાની દેવી સરસ્વતી કે જગદંબાને વંદના. જો સ્થાનીય કોઈ દેવ હોય તો તેને વંદના કરી શ્રોતાઓને એકકાન કરે છે. તે પછી કોઈ કવિતા, છંદ કે દુહાથી કથક પોતાની ગાયકીને તાલવાદ્યથી શ્રોતાઓને હૈયાધારણ આપે છે કે આંજે હું તમને મજા કરાવી શકીશ. તે પછી કથકને જે વારતા કહેવી છે તેની પૂર્વભૂમિકા બાંધે છે. આટલું કર્યું તેને વાર્તાનું કથકે ‘મોડિયું બાંધ્યું કહેવાય છે.

 

  લોકકથાનો કથક શ્રોતાઓનો નાડ પારખું હોય છે. તે નિરીક્ષણથી, અનુભવથી ને કલ્પનાશક્તિથી શ્રોતાને પ્રમાણી તેની સંવેદનાને રસતરબોળ કરવા પ્રથમ કઈ વાત કરવી, કયો છંદ કે દુહો ગાવો ને અહીં કયું કવિત જામશે તેનો સૂક્ષ્મ વિવેક તે જાણતો હોય છે ને તે પ્રમાણેની તે કથનશૈલી અપનાવે છે. શ્રેષ્ઠ આરંભ એ લોકકથાની અડધી સફળતા છે.

 

. લોકકથાનો કથક લોકવાદ્યનો આધાર લે છે:-

 

  લોકકથાનો કથક કોઈ ને કોઈ લોકવાદ્યનાં તાલ, સૂર સાથે વાર્તા કહેતો હોય છે, લોકવાદ્ય વિનાની કથા સૂકી ભઠ્ઠ લાગે છે. સૂરની એક તાકાત હોય છે જે રસ જમાવટમાં ઉપયોગી થાય છે. આપણી લોકકથાના કથક કાનજી ભૂરા બારોટ ‘સિતારી વગાડતાં વગાડતાં કથા કહેતા હતા. સોમાભાઈ મીર વાઘેરોની પરાક્રમકથા, ‘રવાજ સાથે કહેતા. વાંટવદરનાં શાંતિભાઈ બારોટ ‘સિતારી સાથે વાર્તા કહેતા. આમ ‘સુંદરી, ‘વીણા, ‘જંતર, ‘તંબુર, ‘એકતારા સાથે વાર્તા કહેવામાં આવે છે. આજે કથકો આ લોકવાધોનાં વગાડનારા રહ્યાં નથી એટલે ‘હાર્મોનિયમ વગાડતાં વગાડતાં લોકવાર્તા કહે છે.

 

  ઉત્તર ગુજરાતમાં ‘તરગાળા જ્ઞાતિનાં વાર્તાકથકો ‘હાર્મોનિયમ સાથે કથા કહે છે. આદિવાસી લોકવાર્તાકારો વાંસળી ધનુષ્ય, વાદ્ય, એકતારો, ખંજરી વગેરેની સુરાવલીની સાથે કથક વાર્તા કહેતો હોય છે.

 

 

. લોકકથાનો કથક અભિનય પારંગત:-

 

  લોકકથાનો કથક અભિનય કરી જણાતો હોવો જોઈએ. આ Performing art છે. કથા દ્રશ્ય શ્રાવ્ય બનવી જોઈએ. કથક એવો હોવો જોઈએ કે જે કથાનાં પાત્રોને શ્રોતાઓ સામે ઊભાં કરી શકે. કથકનો અભિનય ‘મોનો એક્ટિંગ જેવો બની જવો જોઈએ. લોક વાર્તામાં વિવિધ રસોનું નિર્વહન કરવાનું હોય છે. વીરરસ, હાસ્યરસ, ભય, અદ્ભુત, શૃંગારરસ આવે ત્યારે કથકના મુખભાવ, અંગભાવ ને અભિનય તે પ્રમાણેનો થવો જોઈએ. એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે ગાયકી બદલાય, તાલ બદલાય, દેહનાં ઇન્ગીતો  બદલાય જે શ્રોતાઓને સાદ્ર્શ્ય ચિત્ર ખડું કરી આપે છે. કથકના વાચિક, આંગિક હાવભાવ મહત્વના બને છે. આથી શ્રોતા-ભાવક કથાનાં પાત્રો, પ્રસંગોને કથારસ સાથે તાદાત્મ્ય સાધે છે ને પોતાનું અલગ વ્યક્તિત્વ ઓગાળી નાખે છે ને તેથી જ વાર્તામાં હસે છે, રડે છે, પ્રેમ-શોર્યને માણે છે.

 

 લોક્વાર્તાને કથક નાટ્યાત્મકતા સર્જે છે. કથાના સંવાદો એવી રીતે બોલે શ્રોતા ને સામે જ કથાના પાત્રો બોલતાં હોય તેવું જણાય છે. મુખભાવ, હાવભાવ, આંખભાવ, અવાજનો ધ્રુજારો આ બધું જ કથન શૈલીનો ભાગ છે. વાર્તાકથકના કંઠ, ગાયકીની મીઠાશ મહત્વની હોય છે. વાર્તાની સફળતા તેની ગાયકી સાથે, તાલવાદ્ય સાથે જોડાયેલી છે. કથકમાં જીવંત અભિવ્યક્તિ અનિવાર્ય છે.

 

. લોકકથાનો કથક સર્જનાત્મક શક્તિ ધરાવે છે:-

 

  લોકકથાનો સર્જક કોણ? કોઈ એક વ્યક્તિ નથી. આ વાર્તા ક્યારે કયાં સર્જણી તે પણ નિશ્ચિત નથી. મોખિક પરંપરાએ મૂળ કથા ઘટતી, વધતી ‘મોટિફ જાળવીને વહેતી રહી છે. મૂળકથામાં બે-પાંચ દુહા કે ગીત મળતું હોય તેમાં પ્રસંગો, પાત્રો, ગોઠવાતાં જાયને કથા બની, વારતાનો કથક સમય, સ્થળને શ્રોતા પ્રમાણે મૂળતંતુને બરાબર પકડી રાખીને પોતાના ઉમેરણ કરતો હોય છે. કથા એક કલાકમાં પૂરી થાય તેવી નાની હોય તે વાર્તાને આખી રાત તે વિસ્તારીને કહી શકે તે સર્જનાત્મક શક્તિ- ‘Creative’ શક્તિ તેનામાં હોય છે.

 

  લોકકથાનો કથક પોતાનો અનુભવ, નિરીક્ષણ શક્તિને શ્રોતાના માનસને જોઈ મૂળકથામાં આડકથાઓ ઉમેરે છે, ઓઠાં, સમસ્યાઓ મૂકતો જાય છે. જે તે પ્રદેશના લોકસંસ્કાર, સંસ્કૃતિ ને વિશિષ્ટ ઘટનાઓને તે ઉમેરતો જાય છે ત્યારે મૂળકથાનો તંતુ ક્યાંય ફિસ્સો પડતો નથી. આ તેની સર્જનાત્મક શક્તિ છે.

 

 

. લોકકથાનો કથક લોકચિત્તનો પારખું છે:-

 

  લોકકથાનો કથક સામે બેઠેલાં લોકસમુદાયના ચિત્તને ઓળખી શકતો હોય છે. દ.ત. સામે બાળકો, નિશાળિયા હોય ત્યાં બાળવાર્તા તેના જ રૂપરંગમાં કહેવી પડે છે. શ્રોતા ગ્રામ્યસમાજનો હોય ત્યાં તેને અનુરૂપ કથા કહેવી પડે છે. સામે શિક્ષિત શિષ્ટ સમાજ બેઠો હોય ત્યારે લોકડાયરાનો કથક વાર્તાનું રૂપ બદલતો હોય છે. વર્ષો પહેલાં અમરેલીના આંગણે ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે આયોજક રતુભાઈ અદાણી હતા. શ્રોતાગણમાં સાહિત્યના વિદ્વાનો હતા. તે સમયે કવિ ઉમાશંકરભાઈ શ્રોતાગણમાં બેઠાં હતા તે સમયે કાનજી ભૂરા બારોટે લોકવાર્તા કહેલી તેની કથનશૈલી અલગને છતાં વાર્તા તેના રૂપમાં જે કહેવામાં આવી તેવો કથક હોવો જોઈએ.

 

  લોકકથાનો કથક શબ્દોને રમાડવાની કળા જાણતી હોય છે. જેમ કવિ તેની કવિતામાં ચોક્કસ શબ્દને મૂકે છે ત્યાં બીજો શબ્દ ચાલે નહિ તેવું કથકનું પણ છે. દરેક શબ્દને તેની અર્થછાયા હોય છે, તરંગને લય હોય છે. એ શબ્દ કઈ રીતે બોલાય, તાલમાં કે ગાયકીમાં મુકાય તેને વાર્તાની કથનશૈલી કહે છે.

 

. લોકકથાનો કથક નૈતિક મુલ્યોનો અંગુલીનિર્દેશ કરે છે:-

 

  લોકકથા જનમનરંજન માટે છે. શ્રોતાઓ આનંદ મેળવવા જ આવે છે. તે ઉપદેશ સાંભળવા આવતો નથી. નીતિ, ધર્મની વાતો લોકકથામાં આવે નહિ છતાં સાહિત્યનુ કાર્ય ‘કાન્તા સમિત તાપોપદેશ આપવાનું રહ્યું છે. લોક્વાર્તાના કથકને પોતાની એક ગરિમા હોય છે, સમાજમાં તેનું માનવતું સ્થાન છે. તે પોતાના નિશ્ચિત મૂલ્યો ધરાવતો હોય છે. તે કથનમાં ક્યારેય નીચે ઉતરે નહીં, ભલે તે વિવિધ રસમાં શૃંગારરસને લડાવે પરંતુ તે તેની ગરિમા ચૂકતો નથી. શ્રોતાગણમાં માત્ર યુવાનો-યુવતીઓ નથી, વૃદ્ધો, આગેવાનો ને સાધુ-સંતો પણ હોય છે આ મર્યાદા તે ચૂકતો નથી.

 

  લોકકથા દ્વારા સમાજજીવનનું ઘડતર થાય છે. જીવનમૂલ્યો બંધાય છે. કથામાં વિપત્તિo આવે, અન્યાય થાય પરંતુ અંતે વિજય સત્યનો થાય. આ અંગેના નૈતિક મૂલ્યો સ્થાપવાનું કામ આડકતરી રૂપે કથક વાર્તામાં ગૂંથી લેતો હોય છે.

 

 

. લોકકથાની કથનશૈલી અવગમનક્ષમ હોય છે:-

 

  કોઈ પણ સાહિત્ય એ સાહિત્ય ત્યારે જ બને જયારેCommunicationકોમ્યુનિકેશન- અવગમન- પ્રત્યાયન- સમસંવેદન થાય. અહીં મુળકથા છે, તેનો કથક છે ને તેનો ભાવક શ્રોતા છે. આ ત્રણે વચ્ચે ભાવ અવગમન પામે ત્યારે ભાવકને રસાનુંભૂતી થાય છે. કથક પોતાની કથનશૈલી એવી રાખે કે મુળકથા- વારતા જીવંત બની ભાવકના ચિત્ત સુધી પહોંચે ને તે ક્ષણ પૂરતો તે ભાવક પોતાની જાતને વિસરી જાય ને કથાના પાત્રો, પ્રસંગ સાથે તાદાત્મ્ય સાધે ને તે કથાનાં પાત્રોને થતું દુઃખ કે સુખ અનુભવે તે કક્ષા જ કથકની વાર્તાકથનશૈલી હોવી જોઈએ.

 

 

લોકકથાની કથનશૈલી- ટૂંકમાં નીચેના મુદ્દાઓ દર્શાવી શકાય:-

 

૧. કથક- શ્રોતાને એકતાર કરી શકે તેવી રજૂઆત Porformance જોઈએ.

૨. કથક- શ્રોતાના સાંસ્કૃતિક, સામાજિક પરિવેશથી જાણકાર- Context જોઈએ.

૩. કથાકથન- કથાની ઘટનાઓની કાળક્રમિક માંડણી Narrative જોઈએ.

૪. કથાવસ્તુ- શ્રોતાના સમય, સ્થળ પ્રમાણેની- Story- વાત હોવી જોઈએ.

૫. કથાની સંરચના- સમગ્ર વાર્તાનું પોત, માળખું Structure બંધાવું જોઈએ.

૬. આરંભને અંત- વાર્તાનો આરંભ સહજ થવો જોઈએ. દા.ત. એક સમા (સમય)ની વાત છે. બરાબર આજના જેવો જ સમય હતો....

 ડૉ. શાંતિભાઈ આચાર્ય નોંધે છે કે-

  ‘વાત હું કારે ને ગાળ્ય તું કારે,

  શેતી કરવી હોય તો જોડવું ગાડું

  ને લડાય કરવી હોય તો બોલવું આડું.’

 

  વારતાનો અંત મોટે ભાગે શાંતરસથી થતો હોય છે. ભારતીય સાહિત્યનુ આ લક્ષણ છે. સામાન્ય વાર્તાઓ કથાતી હોય તેમાં અંતે કહે છે:

  ‘ગોખલામાં ગોટી, મારી વાત મોટી,

  આંબે આવ્યાં મોર, વાત માંડશું પોર.’

 

૭. વાર્તાકથક માટે હોકારો, પડકારો જરૂરી છે, જે વાર્તાકથકની પીઠ થાબડે છે. પ્રેક્ષક ક્યાં હોંકારો કરે છે તે મહત્વનું છે. આદિવાસી કથકો તો સાથે હોન્કારીયો રાખે છે. હોંકારો વિના વાર્તા જામે નહિ.’

 

૮. વાર્તાકથક- અભિનય ગાયકી, તાલવાદ્ય વચ્ચે મુકાતી આડકથાઓ, દુહા-છંદ- કવિતાને ક્યાં, કેમ મુકવા તેની આવડત ધરાવતો હોવો જોઈએ. કથામાં મુખ્ય પાત્રો, ગોણપાત્રો, ખલપાત્રોને ન્યાય આપી ક્યાં શ્રોતાને કેન્દ્રિત કરવાના છે તેનો જાણકાર હોવો જોઈએ. લોક્વાર્તાના અનેક ‘મોટિફ હોય છે. તેનો વિનિયોગ કરવાની કળા તેનામાં હોય તે તેની આગવી કથનશૈલી છે.

 

 

If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at. Or (hindilower@gmail.com)

 


Follow બટન પર ક્લિક કરી Follow કરો અમને જેથી તમને નવી માહિતી મળતી રહે. PDF માટે અહીં ક્લિક કરો 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ