Recents in Beach

સુમન શાહની વાર્તાસૃષ્ટિમાં રચનારીતિ|Suman Shaah Vaarta srushti

 

સુમન શાહની વાર્તાસૃષ્ટિમાં રચનારીતિની વિશેષતા.

(ટેક્નિક) Technique (રચનારીતી)

 

   

    રચનારીતિ સંજ્ઞા વિશે અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાનાં સર્વજ્ઞાનકોશ અને શબ્દકોષમાંથી પ્રાપ્ત થતી માહિતી અને તેના કરેલાં વિવરણના આધારે- (૧) રચનારીતિ એટલે કાર્ય કરવાની રીત, કોશલ્ય પૂર્વકની યોજના કે કલાત્મક કાર્ય સાથે સંકળાયેલ યાંત્રિક ભાગની પ્રત્યેક વસ્તુ.

(૨) રચનારીતિ એટલે અમુક રીતે ગોઠવી કાઢવાનો કસબ.

(૩) લેખકનાં અનુભવોના પ્રસ્તુતિકરણનો તરીકો એટલે રચનારીતિ.

(૪) રચનારીતિનો સાદો અર્થ છે પદ્ધતિ, ઢબ, રીત, છટા.

 

  ટૂંકમાં રચનારીતિ પોતે કળારૂપ નથી પણ કળારૂપ સિદ્ધ કરી આપતું સર્જકનું કોશલ છે.

 

 ગુજરાતી વિવેચન સાહિત્યમાં જેને ટેક્નિક તરીકે ઓળખવામાં આવે છે તેના વિવિધ પર્યાયો પ્રાપ્ત થાય છે. ટેકનીકના ૧૭ જેટલાં પર્યાય શબ્દો પ્રાપ્ત થાય છે. જેમાં પ્રવિધિ તંત્ર, રીતિ, શિલ્પ, પ્રક્રિયા, પ્રણાલી, ઢંગ, તરીકો, આયોજન, અઠોટી, કલાવિધાન, સંવિધાન, કસબ, કારીગરી, રચનાકળા, રચના વિધાન, રચના પ્રયુક્તિ, સંવિધાન શિલ્પ વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

 

 

  સુમનશાહે રચના રીતિ સંજ્ઞા વિશે સમજાવતા કહ્યું “સંવિધાન” એવો એનો પર્યાય છે. જેને કાજે(માટે) પ્રયોજીએ છીએ તે અંગ્રેજી શબ્દ Technique નો યોગિક અર્થ એટલે કલાકારીગીરી. આગળ કહે છે રચનારીતિ એટલે શબ્દ યોજના. ટેક્નિક એટલે શબ્દ યોજના જ નહી પરંતુ ઘટનાને પ્રયોજવાની રૂપાંતર કરવાની શોધ-વ્યવહાર જગતમાં યોજવાની રીત. તેમનાં મતે રચનારીતી એ આધુનિક સાહિત્ય માટે આવશ્યક જ નહિ પણ અનિવાર્ય તત્વ બની રહે છે.

 

  આધુનિક વાર્તામાં ઘટના કે બનાવનું સંકુલ રૂપ પ્રગટ કરવા માટે નુતન રચના પદ્ધતિનો- ટેક્નિકનો સર્જનાત્મક વિનિયોગ કરવામાં આવે છે. કથન-વર્ણન ઉપરાંત સંનિધિકરણ (Flash Back) આંતર ચેતના પ્રવાહ, આંતર એકીક્તિ, સમસંયોજન, સન્નિપાત, પ્રતિક, કલ્પન, પુરાકલ્પન, સ્વપ્ન વગેરે નિરૂપણ વિશેષો દ્વારા વ્યવહાર જીવનની ઘટના વાર્તાની ઘટના બનતાં તેનું પાસાદાર રૂપ જન્મે છે.

 

  ટૂંકીવાર્તા એ લાઘવ (સંક્ષિપ્ત)નું સ્વરૂપ છે. અને એની અભિવ્યક્તિમાં સર્જકની શૈલીની વિવિધતાનો એમાં અવકાશ રહેલો છે. મોટે ભાગે આધુનિક અને સાંપ્રત શૈલીના સર્જકોએ કથનરીતિના વિવિધ પ્રયોગો કરીને વાર્તાને કલાત્મક બનાવવાના પ્રયાસો કર્યા છે. એમાં સુરેશ જોશીથી માંડીને સુમનશાહ સુધીના સર્જકો કથનની વિવિધ તરેહો વાર્તા રચનામાં પ્રગટાવે છે. “સુમનશાહની વાર્તાસૃષ્ટિમાં વાર્તા સર્જકે કથન- વર્ણન- સંવાદની ત્રિવિધ રીતિનો (પરંપરાગત રીતિ) વિનિયોગ તો કર્યો જ છે, સાથે સાથે ભાષા અભિવ્યક્તિ અને કથન રીતિની નવીન તરેહોનો પણ વિનિયોગ કર્યો છે.

 

 

  આધુનિક વાર્તા એ ટેક્નિકનો ભારે મહિમા કરેલો. ભાષાકર્મ એ જ સર્જક કર્મ છે. એમ લઢાવીને ભાષા વિધાનને પણ અત્યંત મહત્વનું પાસું ગણવામાં આવેલું. આના સારાં પરિણામ એ આવ્યાં કે ટૂંકીવાર્તા પ્રસંગોના સ્થૂળ ભાર નીચે દબાઈ ગયેલી તે કૈફ મુક્ત બની પ્રતિક, કલ્પન, સંનીધીકરણ, સંકેતાત્મક પરિસ્થિતિ નિર્માણ જેવી નવી ટેક્નિકથી વાર્તા કલાત્મકતા બાબતે નવાં પરિમાણો દાખવે છે. સુમનશાહની ‘દાદરા, ‘ટોયમેં, ‘પબ્લિક પાર્ક ઉર્ફે જેવી વાર્તાઓ ઉપરોક્ત સંદર્ભમાં મહત્વની છે. આ વાર્તાઓમાં લેખકની વાર્તા રચનારીતિ અને અભિવ્યક્તિ કરવા ધારેલા સંવેદના- વેદનાની માવજત ધ્યાનપાત્ર છે.

 

   અવર શુંકેલુંબ જેવું ન-અર્થકારી વિચિત્ર શીર્ષક એમની વાર્તાઓમાં રહેલાં એવાં જ પ્રયોગશીલ વિશ્વને સર્જે છે, એમાં સત્ર-પુરુષના સબંધોનું- છલના- ભ્રાંતિઓનું અરૂઢ આલેખન છે. વાસ્તવ જીવનનાં અનેક રૂપોનું એની ચૈતસિક (માનસિક) ભૂમિકાએ આલેખન એ એમનો વિશેષ છે, સામેનું જીવન- જગત ચિત્તભૂમિમાં જે પ્રતિભાવો ને આકૃતિઓ રચે છે. એનું એવું જ સુક્ષ્મ, સંકુલ કે સાંકેતિક આલેખન ધ્યાન ખેંચે છે. સંગ્રહની ‘દાદરા જેવી વાર્તા એનું ઉ.દા. છે. સ્વપ્નો, દિવાસ્વપ્નો, ઠઠ્ઠા, ભ્રાંતિઓનો પ્રયોગ કરીને પણ આધુનિક માનવનું ચિત્ત તંત્ર આલેખવાનો એમાં સબળ પ્રયાસ છે. ટેક્નિકની દ્રષ્ટિએ જોતાં એમણે મનોવાસ્તવના અનેક  સ્તરોને તાગવા માટે સંકેતો, પ્રતીકો અને કલ્પનો રચ્યાં છે.

 

  સુમનભાઈની ટૂંકીવાર્તાઓમાં  બોધકથારીતિના જે પ્રયોગો કર્યા છે, તે પણ ધ્યાનમાં આવે છે. એમની બોધકથાઓની વાર્તાની કથનરીતિ બાળકોને કહેવાતી બાળવાર્તાની કે લોકશૈલીમાં કહેવાતી લોકકથાની છે. ટૂંકમાં પ્રાચીન બોધકથાની કથનરીતિનો વિનિયોગ છે. પણ એમાં આધાર તો ફેન્ટસીનો છે. કપોળ-કલ્પિતનો અર્થપૂર્ણ વિનિયોગ સુમનશાહની વાર્તામાં સારી પેઠે થયેલો છે. ‘ટેબલની બોધકથા આંતર સંરચનાથી સમૃદ્ધ હોવાથી નવા અર્થોની ગુંજાઇસ ઉભી કરી આપે છે. ‘ટેબલની બોધકથામાં ટેબલો જાણે પંખીઓ છે, માણસો છે એવી કપોળ- કલ્પના રચાતી આવે છે.ટેબલોનું ઘમાસાણ આસ્વાદ્ય છે. કપોળ-કલ્પિત અહીં સજીવારોપણ અલંકાર રૂપે પ્રગટે છે. કેટકેટલાં આકારોને અપાર ગુણધર્મોવાળા ટેબલો આવ્યાં કરે છે જે યંત્ર યુગમાં જીવનનો ઉછાળ ગુમાવી બેઠેલાં એવાં જડતા પૂર્ણ માનવોના પ્રતીકો બની રહે છે. ટેબલોમાં પંખી પર્ણ મૂકીને એમની આંખો, પાંખો, નહોર(નાખ), ચાંચો વગેરે દ્વારા આપણા યુગના માણસની સંવેદન બધિરતા (બેહરો)સૂચવાય છે. આંખો-ચાંચો-પાંખો બધું છે પણ ટેબલોને કંઠ જ નથી! રે..રે..! શું બોલે? પ્રજાને બરબરતા તરફ ધકેલનારા છે. જંગલી જેવા સત્તા લોલુપ માણસ, ખાઉં સત્તાધારીઓ વાર્તામાંથી આ બધું સંકેતો દ્વારા ઉપસી આવે છે.

 

 

  કાકાજીની બોધકથામાં બાળવાર્તા કે પ્રાચીન કથનરીતિનો વિનિયોગ છે તેમ છતાં તેમાં કથાત્મકતા કરતાં વર્ણનરીતિનો વિશેષ વિનિયોગ છે. અહીં કાકાજી ઉર્ફે કાકાકૌઆ છે. જે પોતાની ઓળખ ગુમાવે છે. અહીં શ્રોતાજનોની અપેક્ષા ઉત્થન્ન થાય એવી નેગેટીવ ટેક્નિકની અજમાયસ કરી જીવન અને આધ્યાત્મક્તા સંદર્ભો ટકરાવી જોયા છે.

 

 તો ‘રીંછ વાર્તા લેખકની પ્રારંભિક તબક્કાની વાર્તા હોવા છતાં રચનારીતિ બાબતે નોંધપાત્ર વાર્તા છે. સુકેતુ અને ભાભીના સબંધોને કથન-વર્ણન રીતિથી દર્શાવ્યા છે. રીંછનું પ્રતિક અહીં નોંધપાત્ર બન્યું છે. રીંછનાં પ્રતીકથી પાત્રોના જાતીય સબંધને સુચવાયો છે. ‘એમાં પ્રતિક રચના કેટલાંક પુનરાવર્તનોને લીધે ખુલ્લી પડતી જાય છે ને લેખક બહુ મલાવી- બહેલાવીને કહેતો હોય એથી રચના ચુસ્તી સિથીલ બને છે- એમ પ્રસ્તાવનાકાર મણિલાલ હ. પટેલ કહે છે. તો ‘કાંચની બારી પણ સુમન શાહની ટેકનીકનું પ્રતિનીધિત્વ કરે છે. ઘટના હાસની વાર્તા તરીકે પણ આ કૃતિને પ્રમાણી શકાય. વાર્તામાં નાયક એક તરફ બસમાં મુસાફરી કરે છે તો બીજી તરફ એની મનની મુસાફરી પણ છે. તે અકળામણથી ઘેરાયેલો તે બારીના સફેદ કાંચની ભીસ અનુભવે છે. પછી તો કાંચ-પાણી, લીલો પાંખાળો ઘોડો, ઈયળ, ભાખોડિયા બધું કપોળ-કલ્પિત રૂપે આવે છે. વાર્તામાં આ બધાનો પ્રતીકાત્મક વિનિયોગ ધ્યાન પાત્ર છે. ખાસ તો વાર્તાનાયકની મન:સ્થિતિ, મનોવ્યાપારની ગતિ અને બસની ગતિ સાથેનો સંનીધિકરણ વર્ણ વિષય બન્યો છે. વાર્તામાં પ્રથમ પુરુષ એકવચનની રીતિનો ઉપયોગ થયો છે.

 

  ‘ટોયોટોમાં જેન્તિ-હંસાના દાંપત્ય જીવનની પ્રસન્ન અને સંવાદ, અસંવાદ ભરી સ્થિતિનું આલેખન છે. જેન્તિનું મન શંકાશીલ છે તેના આ સ્વભાવને કારણે તે હંસાનો પ્રેમ પામી શકતો નથી એ જ રીતે ‘છોટુ વાર્તામાં પણ જેન્તિનો હંસા પ્રત્યેનો એવો જ શંકાશીલ સ્વભાવ જોવા મળે છે. આ બંને વાર્તા પ્રથમ પુરુષ એકવચનની  આત્મવૃતાંતની શૈલી એ રજૂ થઇ છે. આ બંને વાર્તામાં ક્યાંક પ્રતિક- કલ્પનની સંકુલતા નથી.

 

 

  ‘સોમપ્રસાદ, મંગળપ્રસાદ, બુદ્ધીપ્રસાદ વાર્તામાં ઘટનાતત્વનો ભરપૂર વિનિયોગ કરી કથાને ફ્લેસબેક પદ્ધતિએ આલેખી છે. ‘ટોયમેન’ એમની એક કોલાજ પ્રકારની વાર્તા છે. જેમાં સંકેતો અને સંદર્ભોના ટુકડાથી એક ચિત્ર નિર્માણ કરવાનો પ્રયત્ન થયો છે. તો ‘અવર શુંકેલુંબ વાર્તામાં આધુનિક માનવીની સંવેદનાને ઉપસાવવા માટે ફેન્ટસીનો વિનિયોગ થયેલો જોવા મળે છે. ‘ઘોડાગાડી વાર્તા પણ એના રચના કોશલ અને અભિવ્યક્તિ રીતિને લીધે ગમેતેવી છે તો ‘પબ્લિક પાર્ક ઉર્ફે બનાવટી વાર્તા વાર્તામાં પણ આછા-પાતળા સંકેતથી વાર્તા તત્વ રચાયેલું છે.

 

 

  ‘જેન્તિ હંસા સિમ્ફની વાર્તા સંગ્રહ પછીની સુમનશાહની વાર્તાઓમાં વાસ્તવ મનની ગતિવિધિઓનું ફેન્ટસી વડે આલેખવાનું વલણ દેખાય છે. ‘ફટફ્ટીયું અને ‘જામફળિયામાં છોકરી આ તબક્કાની ધ્યાનપાત્ર વાર્તાઓ છે. કથન કળાના વડે સફળ થતી આ વાર્તાઓ છે. કથન-કળા વડે સફળ થતી આ વાર્તાઓ ‘લાંબી-ટૂંકી વાર્તા બનવા જાય છે. આધુનિક કાળના માનવોનું વાસ્તવ સાથેનું ‘કનેક્શન અહીં આસ્વાદ્ય બન્યું છે. ‘જામફળિયામાં છોકરી વાર્તા કથન કલાનો ઉત્તમ નમૂનો છે. અહીં પણ કથાનાયક પોતે જ કથા કહે છે. વાર્તા માંડવાની, કહેવાની બહેલાવીને છેક ઊંડે કે ઉંચે લઇ જવાની કલા છે. એવુય પ્રતિત થાય છે. આ સુદીર્ઘ કથા ટૂંકીવાર્તાની સરહદ લોપ્યા વિના પ્રભાવક બને છે. વાર્તા હળવાસન ટોનમાં ચાલે છે. પણ રોજેરોજના જીવનની ભાવસૃષ્ટિને, કોઈક વૃતિરાગને, કશાક હાસ્ય કે ઓથારને માનવ મનને અડતી, સ્પર્શતી આગળ વધે છે.

 

  આમ, સુમન શાહની વાર્તાસૃષ્ટિ સંગ્રહની બધી વાર્તાઓનું આસ્વાદ કરતા જણાય છે કે વાર્તાકારે વિષયનું વૈવિધ્ય બતાવ્યું છે. તેમ અભિવ્યક્તિ રીતિમાં પણ તેમનું કોશલ છુટું થયાવિના રહેતું નથી. એમણે ક્યાંક પણ પુરોગામીઓની અભિવ્યક્તિરીતિનો અનુકરણાત્મક ઉપયોગ કર્યો નથી પરંતુ અન્ય સર્જકોની સર્જનાત્મકતાથી અને ટેકનીકનાં પ્રયોગોથી જુદો ચીલો ચીતરીને ગુજરાતી સાહિત્યમાં પોતીકી ઓળખ ઊભી કરી છે. ૧૯૫૫ પછી સ્વાતંત્ર્યોતર સમયમાં સુરેશ જોશીના આગમનથી સાહિત્યની સમગ્ર વિભાવના જ ધડમૂળથી બદલાઈ ગઈ, ઘણાં સર્જકો આધુનિકતાના પ્રભાવ હેઠળ આવ્યાં. અનુઆધુનિકોત્તર કે સાંપ્રત સમયમાં સુમનશાહ પણ તેમનાં વાર્તાસંગ્રહોની રચનારીતિમાં પોતીકો મિજાજ દાખવે છે. એમની વાર્તાના ક્યાંક ઘટના તત્વો છે, ક્યાંક ઘટનાહાસ પણ છે. એમણે કથન-વર્ણન અને સંવાદ રીતિનો ખપ પુરતો ઉપયોગ કર્યો છે. આધુનિકકાળનાં સર્જકોએ જેમ ભાષાની સર્જનાત્મકતા લેખે લગાડી તેમ તેમણે પણ વિશિષ્ટ ભાષા કર્મથી વિવિધ ટેક્નિકના કોશલથી સૂક્ષ્મ વાર્તાકલા સિદ્ધ કરી છે. એમણે વાર્તાએ વાર્તાએ નવો અને આગવો અભિગમ દર્શાવીને રચનારીતીનું વૈવિધ્ય સર્જ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ