Recents in Beach

લોકસાહિત્યના ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન|Zaverchand Meghani Lok sahity

 

લોકસાહિત્યના સંશોધન અને સંપાદન ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન

 

 

 શ્રી હરગોવિંદ ત્રિવેદીના ‘કાઠિયાવાડની જૂની વાર્તાઓ ભાગ-૧-૨ વાર્તા સંગ્રહની પ્રસિદ્ધી ટાણે તો ઝવેરચંદ મેઘાણીના કાર્યકાળનો આરંભ થઈ ચુક્યો હતો. ત્રીજા અને ચોથા બંને તબક્કાઓમાં હરગોવિંદભાઈ ત્રિવેદી, શ્રી નારાયણજી કરસારકર, શ્રી ધીરસિંહ વેરાલાઈ ગોહેલ, શ્રી સોહલ ને શ્રી એદલજી, શ્રી નારાયણ ઠક્કુર વગેરે. વળી, ગોવર્ધનરામ, નાનાલાલ, બોટાદકર જેવાએ લોકસાહિત્યના ઢાળોનો ને ક્યાંક ઉદાહરણોનો ઉપયોગ કરીને એની શક્તિનો પરિચય પરોક્ષ રીતે કરાવ્યો છે. પણ સાહિત્ય સર્જનની આગવી પ્રતિભાવાળા કોઈ મેઘાવી ઉચ્ચશીક્ષીતે આ ક્ષેત્રને જ પોતાનું જીવનકાર્ય બનાવ્યાનો બનાવ તો ભારતમાં ગુજરાતે બન્યો મેઘાણીનાં કાર્યથી.

“મેઘાણી એટલે વીણા નહીં પણ એક તારો”

 

  લોકસાહિત્ય એ કોઈ પણ જીવનનો-તેની સંસ્કૃતિનો અને તેના ઇતિહાસનો અમૂલ્ય વારસો છે. ગાંધીયુગમાં ગાંધીજીવન પ્રત્યે અને ગ્રામીણજનો પ્રત્યે લોકાભિમુખ દ્રષ્ટિને કારણે લોકોને કે સમાજની આમ વર્ગની વ્યક્તિને મહત્વ મળ્યું તો બીજી બાજુ અશિક્ષિત અને પહાડી વિસ્તારોમાં વસતા નગરજીવન પરિચય વિનાના, ભોતિક સગવડોથી વંચિત, વૈજ્ઞાનિક શોધખોળોની ભૂમિકા વિનાના અનેક લોકો પાસે સંગ્રહાયેલું સાહિત્ય જે કેવળ કંઠસ્થ સ્વરૂપમાં જ હતું તેની પ્રત્યે દ્રષ્ટિ ગઈ ત્યાંથી લોકસાહિત્ય સંશોધનનું આરંભબિંદુ શરુ થયું. ઈ.સ. ૧૦મી સદીના આરંભથી આવા લોકસાહિત્યને પ્રત્યે કેટલાંક જિજ્ઞાસુઓની નજર ગઈ તેમાં આપણે જાણીએ છીએ તેમ રણજીતરામ વાવાભાઈ મહેતાએ ગુજરાતી સાહિત્ય પરીષદમાં લોકકથા અને લોકગીત વિશે બે વ્યાખ્યાનો આપ્યાં અને તેમણે લોકસાહિત્ય પ્રત્યે આદર વ્યક્ત કર્યો. પરિણામે વ્યાપક રૂપે વર્તમાન પત્રોમાં તેમને પ્રસિદ્ધિ મળી અને મુંબઈમાં ઘણા અખબારોએ એ સુનંદા લેખ પ્રસિદ્ધ કરીને તે કામ આગળ વધાર્યું. ત્યાર પછી લોકસાહિત્ય ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણીએ એટલું મહત્વનું કામ કર્યું કે તેઓ લોકસાહિત્યનાં પર્યાય બની રહ્યાં.

 

  શ્રી ઝવેરચંદ મેઘાણીએ જીવનભર લોકસાહિત્યની ઉપાસના કરી છે. ઈ.સ.૧૯૨૦માં ગાંધીજીએ અસહકારનું આંદોલન ઉપાડયું જ્યારે તેઓ કલકત્તામાં સારાં પગારની નોકરીએ હતા પરંતુ વતનનો સાદ સાંભળીને તેઓ સૌરાષ્ટ્રમાં પરત આવ્યાં એ જ સમયે લેખ લખી સોરાષ્ટ્ર સાપ્તાહિકમાં મોકલ્યો. આ લેખથી આકર્ષાઈને એના તંત્રી અમૃતલાલ શેઠે તેમને તંત્રીપદમાં જોડાવા આમત્રણ આપ્યું અને પત્રકાર તરીકે જોડાયા અને એ સમયમાં હડાળના દરબાર વાજ સુરવાળા પાસેથી બહારવટિયાઓની ઘણી વાર્તાઓ સાંભળી એમને આ ક્ષેત્રનો રંગ લાગ્યો અને લોકસાહિત્યની ઉપાસના એ એમનું જીવનકાર્ય બની રહ્યું. આ દરબાર પાસેથી તેમણે ઘણી વાર્તાઓ સાંભળી તેમની મૈત્રી ‘ફળદાયી બની રહી. લોકસાહિત્યના સંશોધન સંપાદનથી તેમને લોકાદર અને લોકસાહિત્ય ક્ષેત્રે ઘણી ઊંચી પ્રતિષ્ઠા મળી છે.લોકસાહિત્યના ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણીનું પ્રદાનલોકવાર્તા-લોકકથા ક્ષેત્રે:-

 

 મેઘાણીને લોકસાહિત્યની લગની લાગી અને એના શોધ માટે સૌરાષ્ટ્રનાં ગામડે- ગામડે, વગડે વગડે, નેસડે નેસડે ફર્યા. તેમાં ચારણો, બારોટો, ભરવાડો, તૂરી તરગાળા, મીર, કોળી, ભરધરી-ખજાનો ભેગો કર્યો અને આ રીતે એકઠી કરેલી લોકકથાઓમાં મીઠી બાળવાર્તાઓ જેવી કે ‘ડોશીમાંની વાર્તા, ‘દાદાજીની વાતો તો બહારવટિયાઓની શોર્યકથાઓમાં સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૬, કેટલીક સુંદર ગીતકથાઓ પણ છે, જેમાં સોરઠી કથાઓનો સમાવેશ થાય છે કેટલીક ભૂતકાળની પ્રેરક દંતકથાઓ પણ છે. જેમાં રંગ છે બારોટ, પુરાતન જયોતનો સમાવેશ થાય છે.

 

લોક કવિતા-લોક ગીત ક્ષેત્રે:-  

  કેટલાંક લોકગીતોમાં સ્ત્રીઓનાં કંઠે ગવાયેલ ગીતકથાઓ અને પ્રાસંગિક ગીત છે. હાલરડાં, બાળગીતો, કાન્હગોપીનાં ગીતો, વિનોદગીત, દાંપત્યગીતો, નોરતાંના ગીતો, રાસડા, પવાડા, શ્લોકો વગેરે તો લોક કવિતાની દસ કૃતિઓ જેવી કે ૧૯૨૫-૨૬ અને ૨૭ માં જ રમતાં ‘રઢિયાળી રાત નાં ભાગ ૧ થી ૪ તો ૧૯૨૮-૨૯માં લગ્નગીતો ‘ચુંદડી’ ભાગ ૧-૨, “હાલરડાં”, ‘ઋતુગીતો તો ભજનોમાં ‘સોરઠી સંતપાદ (સંતવાણી) (૧૯૪૭) અને ‘સોરઠીયા દુહા ઉપરાંત દોહરા, વગેરેનો સમાવેશ થાય છે.

 

 

  શૈલી અને સ્વરૂપમાં કથા-કવિતાની જ સગોત્રી લાગે એવી એમની પ્રવાસ કથામાં વસ્તુ તરીકે પ્રવાસના સ્થળ-કાળ જ નહિ, લોકકથા કાવ્યના સ્મરણો પણ છે. એટલે “સૌરાષ્ટ્રના ખંડેરોમાં” (૧૯૨૮)અને ‘સોરઠને તીરે તીરે’ એ બંનેને સમરી લેવા જોઈએ.

 

   મેઘાણીનું સમગ્ર સાહિત્ય અંત:પ્રેરણાથી પ્રાપ્ત થયેલું છે અને તેમનાં અક્ષર જીવનની મહાન સિદ્ધી રૂપ છે. કહો કે નેસડે નેસડે ફરીને તેમણે કંઠસ્થ સાહિત્યને ગ્રંથસ્થ કર્યું છે. કિંમતી રત્નો સમી લોકવાર્તાઓ અને અનેક લોકગીતોને નાશ પામતા બચાવી લીધા છે. આમ સોરાષ્ટ્રના ખમીરવંતા ઇતિહાસને અને તેની પ્રજાના બળવાન વ્યક્તિત્વને પુન:જીવિત કરવા માટે મેઘાણીએ પણ પોતાનું સમગ્ર જીવન લોકસાહિત્યના ખોળે મૂકી દીધું છે. ખૂબ જ જહેમત ઉઠાવીને તેમણે અનેક ગીતો અને ભજનોના પાઠ બેસાડયા છે. તેમણે સંખ્યાબંધ વાર્તાઓ અને દંતકથા કેટલીક પ્રમાણભૂત છે એની ચકાસણી કરી હતી. ઘણાં વર્ષો સુધી તેમણે લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કરીને એ દિશામાં ઉચ્ચ પ્રણાલી સ્થાપી છે જેની કદર રૂપે ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૨૮માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો.

 

  આમ છતાં નવલકથા, નવલિકા, ચરિત્રનાટકો ઉપરાંત સાહિત્ય વિવેચનના ક્ષેત્રે પણ પોતાની કલમ ચલાવી છે. લોકસાહિત્ય વિવેચનના પાંચ પુસ્તકો; ‘લોકસાહિત્ય(૧૯૩૯), ‘લોકસાહિત્ય પગદંડીનો પંથ(૧૯૪૨), ‘ચારણો અને ચારણી સાહિત્ય(૧૯૪૩), ‘ધરતીનું ધાવણ(૧૯૪૪), ‘લોકસાહિત્યનું સમાલોચન(૧૯૪૬) આ વિષયનાં વિવિધ પાસાં વિશે આપણે ત્યાં હજી કોઈ બીજાએ આવું ને આટલું લખ્યું નથી. ‘પરકમ્મા(૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ (૧૯૪૭) લોકસાહિત્ય ક્ષેત્રે એમણે થયેલ અનુભવોની દૈનંદિનીનો કેટલોક ભાગ છે.

 

  શાંતિનિકેતનમાં આપેલાં વ્યાખ્યાનો, ‘કોમુદી વગેરે સામયિકોની બહાર નહી નીકળી શકેલા લેખો, નોંધો વગેરે કેટલુંક અગ્રંથસ્થ હજી છે.

 

  તેમનાં સર્જનમાં એમનું આંતર વ્યક્તિત્વ અને સંવેદનનો રંગ ઉતરેલો છે. તેમનામાં લોકબોલી, લોકરુચી અને સમગ્ર રીતે લોકજીવનનાં સંસ્કાર પડેલા છે. લોકગીતોના ઢાળ, લોકબોલીની છટા અને લોકજીવનનો સ્પર્શ, લોક સંસ્કાર, લોકજીવનનાં રીવાજ અને રણકાર એમનાં સાહિત્યમાં ઠલવાય છે. કંઠસ્થ અને ગ્રંથસ્થ કવિતા બંનેની સાથે રહીને તેમણે સાહિત્યમાં ટહુકાર કર્યો અને અસ્ત પામતાં લોકસાહિત્યનો પુનરુદ્વાર કર્યો. આ દ્રષ્ટિએ મેઘાણી સૌરાષ્ટ્રની પ્રજાના જ નહિ પણ સમગ્ર ગુજરાતી પ્રજાના સાચા પ્રતિનિધિ છે. તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવેલું છે. લોકસાહિત્યનું સમાલોચના પુસ્તકમાં મુંબઈમાં તેમણે આપેલાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. જેના દ્વારા પણ તેઓ લોકસાહિત્યમાં કેટલાં કાર્યરત રહ્યાં હશે એની સાબિતી મળે છે. આમ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યના જાગૃત ચોકીદાર અને છટાદાર યશકલગી સમાન છે. ગુજરાતી સાહિત્યમાં મેઘાણી આપણા ગુજરાતી લોકસાહિત્યનું અણમોલ ઘરેણું છે. કદાચ ભારતની કોઈ પણ ભાષામાં લોકસાહિત્યને જાણનાર મર્મજ્ઞ ભાગ્યે જ કોઈ થયા હશે.

 

 કોઈ પણ વિવેચન ખમી શકે- મર્યાદાઓની હારમાળા બતાવ્યા પછી પણ ગુણ પક્ષે ઢગલા મોઢે કહેવું પડે એવું-એટલું એમણે આપ્યું છે. તેથી જ લોકસાહિત્ય ક્ષેત્રે તેમણે અપૂર્વ અને અનન્ય કાર્ય કર્યું છે. આમ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યના પુરસ્કર્તા બની રહ્યાં છે.

 

 ટૂંકમાં એમના લોકસાહિત્યના કામને છ વિભાગોમાં વહેંચી – વિચારી શકાય.

 

૧. મેઘાણીનું લોકકથા સંપાદન

૨. લોક-કવિતા સંપાદન

૩. લોક સાહિત્યનુ વિવેચન

૪. લોક સાહિત્ય સંપાદનની અનુભવકથા

૫. લોક સાહીત્યાર્થે કરેલ પ્રવાસની કથા અને

૬. લોક સાહિત્ય વિશેનાં પરચુરણ વ્યાખ્યાનો- લેખો- પત્રો- ચર્ચા.                                

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ