Recents in Beach

લોકકથાના પ્રકારો|Lok kathana Prkar

 

લોકકથાના પ્રકારો

  જગતની પ્રત્યેક પ્રજા પાસે પરંપરાગત કથા-વારતાનો ખજાનો પડ્યો છે. આ કથા-વારતાઓ નવલકથા કે નવલિકા જેવી મોલિક નથી, તેના નિશ્ચિત એક સર્જક નથી, તે લિખિત નથી પરંતુ આ વારતાઓ પરંપરાગત પ્રવાહમાં ચલણી બનીને વિવિધ કાળે વિવિધ કથકોથી પરિવર્તન પામેલી, તેમાં ઘણું ઉમેરાતું જાય તો કેટલુંક છૂટતું જાય. આ વારતાઓનો સર્જક કોણ? ખબર નથી એટલે તેનો સર્જક ‘લોક છે.

 

  લોકકથા-વારતાઓ પરંપરાગત લોકસમાજમાં વહેતી આવી છે. કોઈ દેશ, લોકસમાજ કે સંસ્કૃતિ એવી નથી કે જેને પોતાનું લોકસાહિત્ય ન હોય, જેને પોતાની આગવી કથાઓ ન હોય. લોકસાહિત્ય વિશેનો અભ્યાસ છેલ્લા દોઢસો વર્ષથી થતો રહ્યો છે. આ અભ્યાસે લોકસાહિત્યનો તુલનાત્મક અભ્યાસ પણ થયો છે. વિશ્વની લોકવારતાઓ તપાસવામાં આવી છે. લોકવારતાનું નિશ્ચિત માળખું તારવી આપ્યું છે. લોક્વાર્તાના ઘટકતત્વોની ચર્ચા પણ થઇ છે. આ બધા તારણોમાંથી લોક્વાર્તાના પ્રકારો નીચે પ્રમાણે પાડવામાં આવ્યાં છે.

 

લોક્વાર્તાના મુખ્ય ત્રણ પ્રકારોમાં રચાઈ છે.

(૧) પુરાકલ્પ (Myth)

(૨) દંતકથા (Legend)   અને

(૩) કથા (Tale)

 

 વિશ્વની દરેક પ્રજા પાસે પોતાની પરંપરાગત કથાઓનો- વાર્તાઓનો ખજાનો પડેલો છે. આ પરંપરાગત પ્રવાહમાંથી ચલણી બનીને જુદા જુદા સમયે અને જુદા જુદા રૂપે પ્રગટ થતી વાર્તાઓને લોકવાર્તા કહેવામાં આવે છે. લોક્વાર્તાનો રચયિતા કોઈ એક વ્યક્તિ નથી હોતી. તેથી જ લોકકથાઓને એની એક આગવી પરંપરા હોય છે. જગતમાં લોકવિદ્યા અંતર્ગત એક વાણીની કલાના આ પ્રકારના Folk-tale’ (લોકવાર્તા) નામથી ઓળખવામાં આવે છે.

 

લોક્વાર્તાના પેટાપ્રકારો:

 

  લોકવાર્તાઓ કંઠસ્થ લોકસાહિત્યનું ઘણું લોકપ્રિય અને પ્રચલિત સ્વરૂપ છે. લોક્વાર્તામાં સમકાલીન કે નજીકના ભૂતકાળના ગ્રામજીવનની, લોકજીવનની વિવિધ બાજુઓનું સીધી, સરળ, તળપદી બોલીમાં, સંક્ષેપમાં છતાં સચોટતા પૂર્વક નિરૂપણ થાય છે. અને તેથી જ તે આબાલવૃદ્ધ સૌને ગમી જાય તેવિ હોય છે. લોકવાર્તા ગ્રામીણ પરિવેશમાં ગામડામાં વસતી અઢારે વરણમાં માનવી પાત્રો તરીકે રજૂ થાય છે. તેમાં વસ્તુ, પાત્ર, વાતારણ કંઈક વિગતે નિરુપાય છે. સ્વાભાવિક તેમજ સચોટ લાગે તેવા સંવાદો પણ યોજાય છે. વર્ણનમાં જીવંત કથનાત્મક લઢણો, રવાનુકારી શબ્દો અને લઘુ છતાં સુરેખ શબ્દચિત્રો પણ યોજાય છે. મનોરંજન આ લોક્વાર્તાઓનું લક્ષ્ય હોય છે, પણ અનેક વાર પરોક્ષ રૂપમાં તેમાંથી જીવનોપયોગી કશાંક જ્ઞાન-બોધ યા શિખામણ પણ મળતા હોય છે. સારાં મનુષ્યને સુફળ મળે અને નકારને સજા, એવો સૂર ઘણી લોકવાર્તાઓમાંથી સાંભળવા મળે છે. ઘણીખરી લોકવાર્તાઓ હળવી અને સુખાન્ત હોય છે. પણ કેટલીકવાર તે ગંભીર અને કોઈ વાર કરુણાંત પણ હોય છે. કોઈમાં અનુભવજન્ય વ્યવહાર આલેખાય છે. તો કોઈમાં કશીક ચાતુરી દર્શાવાય છે. કોઈમાં રંગીન કલ્પના, તો કોઈમાં કશીક તરંગલીલા, લોક્વાર્તાઓમાં નિરીક્ષણ, કલ્પના, ચાતુરી, તરંગલીલાનું ઓછુંવત્તું સંમિશ્રણ હોય છે.

 

  લોક્વાર્તાના ત્રણ મુખ્ય પ્રકારો પડે છે:

(૧) Legend and Traditions – દંતકથા, ઈતિહાસકથા

(૨) Myths – પુરાકલ્પકથા

(૩) Folk-tales- ઘરગથ્થુ કાહાનીઓ (માનવકથાઓ, પશુ-પ્રાણીકથાઓ, ચાતુરીનીકથાઓ, વ્રતકથાઓ, બોધકથાઓ (Fables), દ્રષ્ટાંતકથાઓ (Parables) અને પરીકથાઓ (Fairy tales) ત્રીજા વિભાગમાં કેટલાંક

ઉપર્યુક્ત વિભાગોને સ્થાને પાંચ મોટા વિભાગો આપે છે:

 

(૧) લિજેન્ડ- Legend- દંતકથા, ઈતિહાસ

(૨) મિથ્સ- Myths- પુરાકલ્પકથાઓ

(૩) ફેરી ટેલ્સ- Fairy tales- પરીકથાઓ

(૪) ફેબલ્સ – Fables- બોધકથાઓ

(૫) પેરેબલ્સ- Parables- દ્રષ્ટાંતકથાઓ

 

બાસ્ક્મ અને રૂથ એ બંને નાં મતે :-

  (૧) ફેરીટેલ્સ

  (૨) ફેબલ્સ

  (૩) પેરેબલ્સ  ને Folk-taleમાં ગણવાનો અભિપ્રાય આપે છે.

 

 ફ્રાંજ બોઆસ Myths અને history એમ બે જ પ્રકારો પાડે છે.

મેલીનોવ્સક મીથ, લીજન્ડ અને ટેલ એમ ત્રણ પ્રકારોની હિમાયત કરે છે.


 
પ્રકારો

 

. બાળ વારતાઓ:-

 

  આપણી સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબપ્રથાને આવકારવામાં આવી છે. વિભક્ત કુટુંબપ્રથા આધુનિક જમાનાની દેન છે. સંયુક્ત કુટુંબમાં બાળઉછેર ને તેનું સંસ્કાર ઘડતરનું કામ દાદા-દાદી પાસે થતું. જીવનમૂલ્યો સંસ્કારો બાળવયે જ રમતાં રમતાં, ગાતાં ગાતાં, વારતા સાંભળતા સાંભળતા શીખવાઈ જતા હતા. રાત્રે બાળકોને સૂતાં પહેલાં દાદા કે દાદીમાં વારતા કહેતાં જે આ બાળવારતાઓ હતી.

 

 બાળવાર્તાઓ બાળકમાં જિજ્ઞાસા, કલ્પના જગાડે છે. આ વાર્તાઓથી બાળકમાં કેટલાંક સંસ્કારો બંધાય છે. દાદીમાંની વાતો જીવનભર યાદ રહે છે. ને એ જે મૂલ્યો બંધાય છે તે બદલાતાં નથી. આ વારતાઓ પ્રમાણમાં નાની, પશુ-પંખીની, જાદુગર, રાજકુમારની હોય છે. સાત પૂછડીવાળા ઉંદરની વાત, ચકાચકીની વાત, હાથીની વાત, ગીજુભાઈ બધેકાની વાતોને બાળવારતામાં મૂકી શકાય.

 

 

. પરીકથાઓ:-

 

  વિશ્વની અત્યંત લોકપ્રિય લોકવારતાઓમાં પરીકથાઓ ગણનાપાત્ર છે. પરીકથાને અંગ્રેજીમાં ‘Fairy Tale’ ફેરી ટેઈલ કહે છે. જર્મન ભાષામાં તેને ‘Marchen’ નાં નામથી ઓળખે છે. આ વારતાઓ બાળકોથી માંડી મોટેરાઓ પણ માણી શકે છે. યુરોપમાં ‘Snow white’ પ્રકારની પરીકથાઓ ખુબ જાણીતી છે.

 

 પરીકથાની વ્યાખ્યા: ડૉ. એ.એચ.ક્રાપે

  ‘પ્રમાણમાં લાંબી એવી વર્ણનાત્મક સળંગ લોકવાર્તા કે જેને આપણે પરીકથા કહીએ છીએ. તે સામાન્ય રીતે ગદ્યમાં હોય છે. ઉપરાંત એમાં કેટલુંક ગંભીર તત્વ કે સમસ્યાનું તત્વ પણ છે. તેમાં એક નાયક કે નાયિકાની આસપાસ કથા ગૂંથાયેલી હોય છે. આ પાત્રો સામાન્યરીતે આરંભે ગરીબ હોય, તે અનેક પ્રકારનાં સાહસો બાદ કે અમાનવીય તત્વોની સહાયથી પોતાનું ધ્યેય સિદ્ધકરી છેલ્લે સુખ પામે છે.

 

 પરીકથાની વ્યાખ્યામાં લક્ષણો આવી જાય છે. પરીકથાની ભાષા સરલ ને લોકભોગ્ય હોય છે. પરીનું વર્ણન ચિત્રાત્મક હોય છે. પરી હસે તો ફૂલ ઝરે, ચાલે તો કંકુના પગલાં પડે, સોનાના વાળ, દેહમાંથી દિવ્ય સુગંધ પ્રસરે એવી કલ્પનાઓ મૂકી પરીને તાદ્રશ્ય કરી આપે છે.

 

  જેમ કે ‘રંગ છે-બારોટમાં ઝવેરચંદ મેઘાણી ‘દરિયાપીરની દીકરીમાં પરીનું વર્ણન કરે છે:

‘લંબવેણી, લજ્જાઘણી, પોંચે પાતળિયા,

આછે સાંયે નીપાવિયાં કો કો કામણીયાં,

(ઓ હો હો! લાંબી વેણી ને વાળ વાણી, લજ્જાળું, હાથને પોંચે પાતળી, આવી સ્ત્રીને ભલા ભગવાને મલકમાં કોઈક કોઈક જ નિપજાવી હોય છે.)

 

પરીકથાનાં વર્ણનો, અલંકારો અને વૈવિધ્યતાભરી ગદ્યછટાઓ અને કલ્પનાનાં નિરૂપણ દ્વારા પરીકથા જિજ્ઞાસાપ્રેરક અને ઉત્સુકતા વધારનારી હોય છે. તેના ગદ્યલયની સળંગતા પણ ગમે તેવી હોય છે. આ કથામાં મંત્ર-તંત્ર, ઊડતાં પહાડ-ઝાડ, રહસ્યમય ચમત્કારો અને તેની પૂરક આડકથાઓથી પરીકથા રસિક અને આનંદ આપનારી બને છે. આનંદ સાથે પરીકથામાં ઉપદેશ-બોધ પ્રાપ્ત થતો હોય છે.

 

 પરીકથાઓ માનવચિત્તની વિકાસદશાની પ્રક્રિયા સમજવામાં ઘણી ઉપયોગી થાય તેવી છે. સાથો સાથ પરીકથાઓમાંથી લોકમાનસ પ્રગટે છે. પરીકથામાં સાવકી માં, સાવકા ભાઈ-બહેન ને તેની ઈર્ષ્યા, દગાખોરી જોવા મળે છે. આ કથાઓમાં ભૂત-પ્રેત, ડાકણ, રાક્ષસને આસુરી તત્વો સામે સદવૃત્તિ ધરાવતાં માનવીય પાત્રોની સંઘર્ષકથા અનુભવાય છે. પરીકથાઓ પ્રેમ-શોર્યની અનેક ઘટનાઓ આવે છે. પરીકથાઓના અભ્યાસી માનવ સંસ્કૃતિ ને માનવમન જાણી શકાય છે.

 

  ભારતીય પરીકથાઓમાં અપ્સરાનું પાત્ર વિશેષ પ્રચલિત છે. આ અપ્સરાઓ સ્વરૂપવાન, ગુણવાન, ચમત્કારો કરી શક્તિ. કેટલીક વખત પાંખોથી ઊડતી દર્શાવી છે. અપ્સરાને સ્વર્ગ-દેવલોકની દર્શાવે જે પૃથ્વી લોકના યુવાનને મોહિત થાય ને તેની સાથે લગ્નથી જોડાય.

ઉર્વશી- પુરુરવા

મેનકા- વિશ્વામિત્ર

હોથલ પદમણી

ઓઢો જામ વગેરે..

 

  કેટલીક પરીકથાઓમાં પરી અનાથ કે ગરીબ કુટુંબની દર્શાવે છે. તેને ભાઈ-ભોજાઇ પીડા આપતાં હોય, તેના લગ્ન રાજકુમાર સાથે થાય, તેમાં દુઃખો પડે ને અંતે સુખ પામે.

 

  ભારતની પરીકથાઓમાં પશુ-પંખી માનવપાત્રોની જેમ વર્તે છે. પરીને દુઃખમાં ચમત્કારિક મદદ મળે છે ને અંતે ખાધું પીધું રાજ કીધું કહી વાર્તાનો અંત આવે છે.

 

 ભારતીય પરીકથાના અભ્યાસે જાણી શકાયું છે કે તેના ‘મોટિફ- કથાબીજ મુખ્ય છે: અપ્સરા-પરી રૂપરૂપનો અંબાર, શૂરવીર રાજકુમાર, રાજકુમારીનો એકદંડિયો રાજમહેલ, આંગણામાં કલ્પવૃક્ષ, પોપટ કે અન્ય કોઈ પક્ષી માનવપાત્રની જેમ વર્તન કરે, સાપસૃષ્ટિ, સુવર્ણ ઓકતું પંખી, અક્ષયપાત્ર, લગ્નપૂર્વેની એવી શરતો હોય કે જો તે તેમાંથી પાર પડે તો રાજકુમારી સાથે લગ્ન થાય ને અડધું રાજપાટ મળે. દા.ટત. (૧)જર્મન પરીકથા- Marchen

        (૨)યુરોપીય પરીકથા- હિમશ્વેતા-Snow whit

 

 

2. પુરાણકથાઓ: Myth- મીથ:-

 

  લોકકથા-વારતાઓનું સૌથી પ્રાચીન સ્વરૂપ પુરાણકથાઓ છે. આથી જ એન્દ્રસેંગ પુરાણકથાની વ્યાખ્યા આપે છે કે : ‘Myths are history of men’s early development’ -પુરાણકથા માણસના પ્રારંભિક વિકાસની કથા છે.”

  આદિમાનવ ભ્રમણશીલ હતો. તે સ્થિર થયો. તેનો સમાજ બંધાયો, તેનો સાંસ્કૃતિક વિકાસ થયો તેની સાથે જ કથાઓનો જન્મ થયો છે.

 

 આરંભે તે પ્રકૃતિ તત્વોથી વિસ્મિત થતો હતો. તેને દેવ માની સ્તુતિ ગાતો, ગુણગાનની વાતો કરતો થયો. તેમાં કલ્પનાઓ ઉમેરતો થયો ને પ્રકૃતિના દેવ વિશેની કલ્પનોત્થ કથાઓમાંથી પુરણકથાઓનો જન્મ થાય છે.

 

 પુરાણકથાઓમાં ધાર્મિક માન્યતાઓ, ક્રિયાકાંડ, અનુષ્ઠાન વિધિઓ, ધાર્મિક શ્રધ્ધાઓ પ્રગટ થાય છે.

 

 ડૉ. સ્ટિથ થોમ્પસન પુરાણકથાઓ વિશે કહે છે કે – ‘માનવીને શિક્ષિત અને શિસ્તમય જીવન તરફ લઇ જવામાં પુરાણકથાઓનું મોટું પ્રદાન છે.’ અર્થાત માનવસમાજને સંસ્કારી બનાવી સંસ્કૃતિનું ઘડતરબળ અ પુરાણકથાઓ બને છે.

 

પુરાણકથાની વ્યાખ્યા:

 

   પુરાણકથા માટે અંગ્રેજીમાં ‘Myth’ મીથ શબ્દ છે. મૂળ એ ગ્રીક શબ્દ ‘Myth’ માઈથોસ ઉપરથી આવ્યો છે. આ ગ્રીક શબ્દનો અર્થ થાય છે. ‘બોલાયેલો શબ્દ કે કથ્ય શબ્દ.’ લોકવારતાનું પ્રાચીનમાં પ્રાચીન સ્વરૂપ પુરાણકથાઓ છે.

 

ડૉ. એ.એચ.ક્રાપે જણાવે છે કે, બે હજાર વર્ષ પૂર્વે પશ્ચિમના દેશોમાં મીથનો અર્થ સામાન્ય કક્ષાની કથા કે વારતા થતો હતો. તેમની વ્યાખ્યા છે: ‘The commion definition of myth is that it is a stary attached to the God’s :અર્થાત દેવોની સાથે સંકળાયેલ કથા કે વારતા તેજ પુરાણકથા.

 

ઓક્સફર્ડ યુનીવર્સીટીના એડવાન્સ લનર્સના શબ્દકોશ પ્રમાણે: ‘પુરાણકથા પ્રાચીનકાળના વારસા રૂપે મળેલ હોવી જોઈએ અને તેમાં કોઈ એક જાતિની પુરાણી શ્રધ્ધાઓ અને માન્યતાઓ પણ હોવી જોઈએ.’

 

જી.ઈ. ડેનિયલ નાં મતે આદિમાનવને ધરતીકંપ, સૂર્યોદય, સુર્યાસ્ત કે સ્વપ્નાઓ એ અચંબામાં નાખી દીધો. આ ઘટનાઓ સામાન્ય હતી છતાં ‘આદિમાનવને પ્રાકૃતિક ઘટનાઓ કલ્પનામાં ગૂંથીને કથી તે પુરાણકથાઓ છે, જેમાં ધાર્મિક ક્રિયાઓ, ધાર્મિક શ્રધ્ધાઓ સંકળાયેલ છે.’

 

કેસિપર: પુરાણકથાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે- ‘મીથ એ ઊંડી આંત:પ્રતીતીમય જ્ઞાનનો આવિષ્કાર છે, તેમાં ચેતનાની કાવ્યાત્મક કેન્દ્રીય અનુભૂતિ છે; એમાં દર્શન છે, એમાં વાર્તાતત્વનો ઉલ્લેખ જ થતો નથી. બીજા ગમે તે એક પ્રકારની કથાનો કલ્પનાવિહાર જોવા મળે છે.

 

ડૉ. દુર્ગા ભાગવત: ‘મીથ શબ્દના જુદા જુદા પારિભાષિક શબ્દો આપે છે.- ‘દૈવતકથા,’ ‘ધર્મકથા, ‘પુરાણકથા,’ ‘પવિત્રકથા, ‘આખ્યાયિકા, - આ શબ્દો વિશે વિચારણા કરી જણાવે છે કે આ પુરાણકથાઓને ધર્મકથા ન કહી શકાય, કારણકે જૈન અને બુદ્ધની ધર્મકથાઓ અલગ જ છે. તેઓ કહે  છે કે – પુરાણકથાઓ અનેક ધર્મ અને ધાર્મિક સમાજરચનામાંથી ઉદ્ભવે છે. પુરાણકથાઓમાંથી વિશ્વની ઉત્પત્તિની, ગ્રહ-ઉપગ્રહ વિશેના મંતવ્યોની કથા છે. ઋગ્વેદમાંથી આવી પુરાણકથાઓ મળે છે.’

  લક્ષણો:

 

  માનવસંસ્કૃતિના પ્રારંભે માનવચિતે અનેક મૂંઝવણો અનુભવી હતી. પ્રકૃતિનાં તત્વો, ગ્રહો, વર્ષા-મેઘધનુષ્ય, કુદરતી આફતો, ઘુવડ રાત્રે જોઈ શકે, ચામાચિડ્યું રાત્રે ઉડી ખોરાક શોધે છે. આવી આશ્ચર્ય કારક બાબતોમાંથી પુરાણકથાઓ જન્મી જે પૂર્વ વૈજ્ઞાનિક યુગનું વિજ્ઞાન હતું. યંત્રયુગ પહેલાનું આ વિશેષ જ્ઞાન હતું, જુએ પુરાણકથા રૂપે પ્રગટે છે.

 

 

  માનવી જ્યારે કુદરતના રહસ્યને જાણી શકતો નથી ત્યારે તેને દૈવીશક્તિ, ઈશ્વર આધીન માણી આ દેવતાઓની કથા તે પુરાણકથાઓ છે. માનવસમાજને સંસ્કારવાનું કાર્ય આ પુરાણકથાઓએ કર્યું છે. પુરાણકથાઓ માનવસંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસનો અભ્યાસ જ્યાં થંભીને ઉભો છે તે ઈતિહાસને સમજવામાં ઉપયોગી થાય છે.

 

  સ્વ. ડોલરરાય માંકડે સોરાષ્ટ્ર, ગુજરાતના રાજવીઓને વંસાવલિઓ તૈયાર કરવામાં આ પુરાણકથાઓની સહાય લીધી હતી.

 

. દંતકથા- ‘Legend’- લીઝેન્ડ:-

 

   દંતકથાઓને કપોળકલ્પિત કથાઓ કહી શકાય. ડૉ. દુર્ગા ભાગવત દંતકથા વિશે કહે છે કે આ શબ્દ સંસ્કૃત, પાલી કે પ્રાકૃતભાષામાં પ્રચલિત નથી. દંતકથામાં મૂળ શબ્દ છે. ‘ઉદંત એટલે ગપ્પા-સપ્પા અથવા ટોળટપ્પાં. આ ‘ઉદંત માંથી કાળાંતરે ‘ઉ ઘસાઈ ગયો ને ‘દંત શબ્દો રહ્યો તેની આગળ કથા શબ્દ લાગી જતાં ‘દંતકથા શબ્દ બન્યો જેને અંગ્રેજીમાં ‘લીઝેન્ડ કહે છે.

 

વ્યાખ્યા:-

  કેથેન અને મેરી ક્લાર્ક દંતકથાની વ્યાખ્યા આપે છે: ‘દંતકથા કાં તો વ્યક્તિલક્ષી, કાં તો સ્થળલક્ષી કે ઘટનાલક્ષી હોય છે. આવી વ્યક્તિ, સ્થળ કે ઘટના વાસ્તવિક સત્ય પણ હોય ને કલ્પિત પણ હોય છે. દંતકથામાં પ્રેમી, બહારવટિયા, સંત, વેપારી, રાજા-રાણીની કથા આંશિક સત્ય કે કાલ્પનિક હોય તેને દંતકથા કહે છે.’

 

જી.ઈ.ડેનિયલ: ‘દંતકથાઓ કલ્પિત કથાઓ નથી, પણ તે ઇતિહાસનું એક અંગ છે.’ અલબત તેમાં કલ્પનાઓનું સંમિશ્રણ હોય છે. દંતકથામાં ઘણી વખત પુરાણકથા ભળી ગઈ હોય છે. તેમ છતાં તેમાં સત્યનો કણ હોય છે.

 

 દંતકથામાં કલ્પનાના રંગો વિશેષ હોય છે. આ દંતકથાઓ વ્યક્તિલક્ષી હોઈ તેમાં મહાન વ્યક્તિના જીવનકર્મને, ફિલસુફીને, સત્ય, જીવનમૂલ્યને પ્રગટ કરે છે. દા.ત. વીર વિક્રમની દંતકથાઓ, અકબરને બીરબલની દંતકથાઓ, તથાગત બુદ્ધ, રાજા ભોજ અને કાલીદાસની દંતકથાઓ જેમાં આંશિક સત્યને વિશેષ કલ્પનાઓ હોય છે.

 

  સ્થળલક્ષી દંતકથાઓમાં સ્થળ વિશેની દંતકથા હોય છે. દા.ત. દ્વારકા સાત વખત સાગરમાં વિલીન થઇ. મૂળ દ્વારકા, બેટદ્વારકા કૃષ્ણ-રુકમણીના લગ્ન થયા તે માધવપુર, મૂળ માધવપુર, માધવવાવ, પાંડવ ગુફાઓ, હિડંબવન આ બધી સ્થળલક્ષી દંતકથાઓ છે.

 

  એવી જ ઘટનાલક્ષી દંતકથાઓ હોય છે. કચ્છ-કેરાકોટમાં ઓઠોજામ ને હોથલ પદમણીની કથા, બરડા ડુંગરની હલામણ જેઠવાની કથા, સોન કંસારીની કથા વગેરે આ ઘટનાપ્રધાન કથાઓમાં ઇતિહાસનો કણ સત્ય ખરું પણ રસ પ્રગટાવવા માટે કલ્પના વિશેષ હોય છે.

-કેટલીક પ્રણયકથાઓ દંતકથાઓનું રૂપ ધારણ કરે છે.

-બહારવટિયાઓ: જોગીદાસ ખુમાણ, મુળુ માણેક, રામવાળો, કાદુ મકરાણી, જેસલ જાડેજા વગેરે સત્યકથાઓ તો છે જ પણ તેમાં કલ્પનાઓનું ઉમેરણ ઘણું થયું છે.

 

-કેટલી કથાઓ સંતો, ભક્તોના જીવન સાથે જોડાયેલી છે જેમકે જલારામ ભગતે સાધુને પોતાની પત્ની દાનમાં આપી. શેઠ સંગાળશાએ સંગાવતીએ સાધુને ટેક પાળવા પોતાના [પુત્રને માર્યો. સંત દેવીદાસની પરખની કથા, સતાધારનાં આપા ગીગાની કથા વગેરે કથાઓમાં સત્ય સાથે ચમત્કારનું તત્વ વિશેષ છે. આ દંતકથાઓ માનવમૂલ્યો સ્થાપી સેવા, સદાવ્રત ચલાવ્યાનો સંદેશો આપી જાય છે.

 

-કેટલીક દંતકથાઓ ધરતીકંપ, જલપ્રલય, છપ્પનિયા દુષ્કાળ સાથે જોડાયેલી છે. તેમાં રંગપુરણી માટે કલ્પનાઓ મૂકી છે. આમ દંતકથાનો વ્યાપ ઘણો મોટો છે.

-દંતકથાઓની ઉદ્ભવભૂમિ ભારત છે. દંતકથાઓમાં એક કરતાં વિશેષ ‘મોટિફ આધારબીજ હોય છે. દંતકથાઓમાં ઉપદેશતત્વ પ્રગટ થતું જોવા મળે છે. તેમાંથી નીતિવચનો, બોધવચનો પણ તારવી શકાય છે.

-આપણી વેદકાલીન સંસ્કૃતિમાંથી પુરાણકથાઓ જન્મી અને મધ્યકાલીન ક્ષત્રિય સંસ્કૃતિમાંથી દંતકથાઓ જન્મી.

 

દંતકથાના પ્રકારો:-

  મુખ્ય બે પ્રકારો :

(૧) પાંખાળી યા સ્થળાંતર કરતી દંતકથાઓ

(૨) સ્થાનીય દંતકથાઓ

 

(૧) પાંખાળી દંતકથાઓ એક સ્થળેથી બીજે સ્થળે ભ્રમણ માટે નીકળતી હોય છે. દા.ત. ઉર્વશી-પુરરવાની કથા, કચ્છમાં ઓઠોને હોથલ પદમણી ની દંતકથા. આ કથાને ‘Migratory Legend’ નામે ઓળખાય છે. જર્મન ભાષામાં તેને ‘Wandersage’ નામે ઓળખે છે.

  આ કથાઓ બે માર્ગે સ્થળાંતર પામી છે.

 

દરિયાવાટે:

  દરિયા ખેડુઓ, દરિયા વેપારીઓ એક દેશમાંથી બીજા દેશમાં વેપાર માટે જાય છે. વસ્તુઓના  આદાન-પ્રદાન સાથે જીવાતી જીવન શૈલી, સંસ્કૃતિ ને સાહિત્યનુ પણ આદાન-પ્રદાન થઇ જતું હોય છે. વિદેશમાં આ લોકો ગયા હોય ત્યારે આપણી કથાઓ ત્યાં કહેતા હોય છે. એ જ કથા ત્યાં સમયાન્તરે તેમનાં વાતાવરણમાં ઢાળી ત્યાંની કથા બની જાય છે.

 

 ધરતી વાટે:

  વણઝરા, સોદાગરો, પ્રવાસીઓ, યાત્રાળુઓ, સાધુ-સંતો અને વિચરતી વિમુક્ત જાતિઓ નટ, બજાણિયા, લુહારીયા વગેરે દેશ-વિદેશમાં હરતા-ફરતા રહે છે. એ જે પ્રદેશમાં ધામા નાખે ત્યાં રાત્રી રોકાણમાં જાગરણ કરતા હોય છે ત્યારે તે લોકગીતો ગાય, નાચે-રમે ને વાતો-વાર્તાઓ કરતા હોય એ વાર્તાઓ હોય ભારતની પણ તે વિદેશમાં પહોંચે છે.

 

  આ પાંખાણી દંતકથાઓનું કથાવસ્તુ, ઘટનાતત્વ, મોટિફ મુળકથા પ્રમાણે જ રહે છે. થોડાં પાત્રો ને ઘટનાઓ ઉમેરાય, વાતાવરણ બદલાય, કલ્પનાઓ ઉમેરાય પણ મુળકથા તો જળવાઈ રહે છે. આવી દંતકથાઓનું મૂળ જન્મસ્થાન કે ઉદ્ભવસ્થાન નિશ્ચિત કરવું કઠીન છે.

 

(૨) સ્થાનીય દંતકથાઓ જે જે તે પ્રદેશના સ્થાન સાથે જોડાયેલી હોય છે. આથી તે કથાનો મહિમા તેના વિસ્તાર પુરતો જ રહે છે.આવી દંતકથાઓ પેઢી દર પેઢી તે સ્થાનીય વિસ્તારમાં મોખિક પરંપરાએ જીવતી રહે છે. બહારના લોકોને આવી કથામાં કઈ રસ હોતો નથી ને સ્થાનિકોમાં તેનો મહિમા હોય છે.

 

  આ સ્થાનીય દંતકથાઓ પુરાણનાં પાત્રો સાથે, ઈતિહાસ સાથે લોક્માન્યતાઓ- ભૂત-પ્રેત દીકરા આપે, બીમારો ને સાજા કરે તેવી માન્યતાઓ ધરાવે છે. આ સ્થાનીય દંતકથાઓ સ્થાનીય ઈતિહાસ, સમાજજીવન અને લોકમાનસને સમજવામાં સહાયક બને છે.

 

. નીતિકથાઓ:-

  ભારતીય સમાજમાં નીતીકથાઓનું સન્માનનીય સ્થાન છે. પ્રાચીન કાળથી ભારતમાં નીતિકથાઓ કહેવાતી આવે છે.

 ડૉ. દુર્ગા ભાગવત નીતિકથાઓને બે વિભાગમાં મૂકે છે;

(૧) કલ્પિત કથાઓ- Fable- ફેબલ્સ

(૨) બોધકથાઓ- Parable- પેરેબલ્સ

 

ડૉ. ક્રાપે તેમાં ત્રીજો પ્રકાર મૂકે છે.

(૩) પશુકથાઓ- Animal tale

 

  ભારતીય નીતિકથાઓ ધર્મ સાથે જોડાયેલી છે, તેમાં પાપ-પુણ્ય, નીતિ-અનીતિ, કર્મ-પુનર્જન્મ, સ્વર્ગ-નર્કના ખ્યાલો જોડાયેલા છે. આ કથાઓને નીચેના ચાર પ્રકારોમાં મૂકી શકાય. (ભારતીય સાહિત્યમાં)

 (૧) જાતક કથાઓ: બુદ્ધ સાથે જોડાયેલી નીતિની કથાઓ.

(૨) ચુર્ણી- જૈનકથાઓ: જૈન ધર્મ સાથે જોડાયેલી નીતિની કથાઓ.

(૩) પંચતંત્ર ને હિતોપદેશની કથાઓ: માનવ ધર્મ સાથે જોડાયેલી કથાઓ.

(૪) સંતકથાઓ: સંતો, ભક્તોના જીવન સાથે જોડાયેલી કથાઓ.

 

  પંચતંત્ર અને હિતોપદેશની કથાઓ માનવ અને પશુ, પક્ષીનાં પાત્રોને માનવ ભાષા બોલતાં, વર્તન કરતાં દર્શાવીને નીતિ ધર્મનો ઉપદેશ અપાયેલો છે. આ પાત્રો દ્વારા માણસની આંતરિક વૃત્તિઓ, ઈર્ષા, વેર, અભિમાન, સ્વાર્થ, ક્રોધ, કામ, લાલસા જેવા દુર્ગુણો દર્શાવી એ જ માણસમાં દયા, પ્રેમ, કરુણા, ક્ષમા, સત્યપાલન જેવા સદગુણોની માવજત થતી જોવા મળે છે. આવી કથાઓ માનવજીવનના મુલ્યોને સ્થાપે છે. તેનું સંસ્કાર ઘડતર કરે છે. સમાજની અચાર સંહિતા ઘડી-બાંધી આપે છે. અંતે નીતિ, સત્યનો વિજય દર્શાવી લોકોમાં નીતિને સત્યનું સ્થાપન કરે છે.

 

  નીતીકથાઓને સારગર્ભિતકથાઓ પણ કહી શકાય. આ કથાઓમાં રહસ્યનું તત્વ હોય છે જે અંતે નીતિ બોધ આપે છે. નાના બાળકોને આવી કથાઓ ખુબ જ ગમે છે. જ્ઞાની, ચતુર ને વડીલોને આ કથાઓ દ્રષ્ટાંતકથાઓ બની નવી વિચારધારા બાંધવાનું બળ પૂરું પાડે છે. સંસ્કૃત સાહિત્યમાં આ પંચતંત્રની કથાઓ પ્રેરણા આપતી પ્રચલિત કથાઓ છે.

 

  જાતક કથાઓમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની બોધકથાઓ છે. બુદ્ધના જન્મ પહેલાં માતાને આવેલાં સ્વપ્નાઓની કથાઓ નીતિને પ્રેરે છે. જૈનધર્મની ચુર્ણીકાઓની કથા જૈનશ્રાવકોને નીતિબોધ આપવા રચાયેલી છે. અન્ય ધર્મોને પણ પોતાની નીતિકથાઓ છે. ઈશુ સાથે જોડાયેલી ‘ઈસપની કથાઓ નીતિકથાઓ છે. સંતો-ભક્તોના જીવન સાથે જોડાયેલી નીતિબોધની કથાઓ અનેક છે. તેમાં સેવા, અન્નદાન, દયા, પ્રેમની કથાઓ હોય છે.

 

. વિરકથાઓ:શોર્યકથાઓ:-

 

  આપણી લોકકથાઓ વીરરસને પોષક રહી છે. આ વિર્કથાઓમાં સાહસ, શોર્ય અસાધારણ પરાક્રમો આવે છે. દશકુમાર ચરિત્રની કથાઓ, વીર વિક્રમની વાતો, બત્રીસ પુતળીની વાર્તા, સુડાબોતેરી, સિહાંસન બત્રીશીની કથાઓમાં શોર્ય છે.

 

  મધ્યકાલીન સમયમાં રાજપુતોનું શોર્ય, શહાદતની અનેક કથાઓ છે. ગામડે ગામડે જે પાળીયાઓ ઉભા છે તે એક એક વીરની શોર્યકથા જ છે. ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્રની રસધાર ની જે કથાઓ લખી છે તે વિરકથાઓ છે. એ જ પ્રમાણે બહારવટિયાઓની કથાઓ- જે ચોર-લુંટારા ન હતા તેમ ને પણ નીતિ ઈમાન હતા. તેમનાં હક્ક અને અધિકારની લડત હતી. બહેન-દીકરી સામે ઉંચી આંખે જોતાં નહિ એવી આ વીરકથાઓ છે.

 

. પ્રણય કથાઓ:-

  જગતનો કોઈપણ માનવ સમાજ પ્રેમ-પ્રણયથી મુક્ત રહી શકે જ નહિ. જીવમાત્રમાં પ્રણય સહજ કુદરતી પ્રક્રિયા છે. સૃષ્ટિનો આરંભ પુરુષ-પ્રકૃતિના મિલનથી થયો છે પછી એ શિવ-શક્તિ હોય કે આદમ-ઈવ હોય, જાતીય આકર્ષણ-પ્રેમ એ પ્રથમ પ્રક્રિયા છે, ને તેથી એમ પણ કહી શકાય કે લોકગીત, લોકકથા-વારતાનો આરંભ આ પ્રણયગીત ને પ્રણયકથાથી થયો છે.

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ