Recents in Beach

ગુજરાતી સાહિત્યના પ્રકાર|Gujarati Sahityna Prkar

 

ગુજરાતી વિવિધ સાહિત્યસ્વરૂપોની ટૂંકમાં માહિતી

 

ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં જોઈએ તો મુખ્યત્વે બે પ્રકાર છે: ૧. પદ્ય સાહિત્યસ્વરૂપ અને ૨. ગદ્ય સાહિત્યસ્વરૂપ.

 પદ્ય અને ગદ્ય સાહિત્યમાં જોઈએ તો એમાં પણ વિવિધ પ્રકારો આવે છે, તો આજે આપણે એ વિવિધ સાહિત્ય પ્રકારો પદ્ય અને ગદ્યના જોઈશું.


 ગુજરાતી સાહિત્ય સ્વરૂપો 

પદ્ય સાહિત્યસ્વરૂપો/ પદ્યના પ્રકાર/:-

 

. આખ્યાન સાહિત્યસ્વરૂપ:-

   આખ્યાનમાં કોઈ પોરાણિક કથા, અવતારની કથા, પુણ્યસાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથામાં લોક્ભાગ્યે ફેરફારો કરીને કવિ આલેખન કરે છે. એમાં વીર, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે. તેના એક પ્રકરણને ‘કડવું નામ અપાય છે. મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી. તે ‘આખ્યાનનો પિતા કહેવાય છે. ત્યાર બાદ નાકરે તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે તેને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું. પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરી, તાંબાની મોટી માણ પર આ કરડા (વીંટી) વડે સંગીત નિષ્પન્ન કરીને, લોક્વૃંદ સમક્ષ આખ્યાન ગાતા હતા. આખ્યાન સાહિત્યના કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે.

 

. પદ:-

   મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનુ ઊર્મિકાવ્ય એટલે પદ એમ કહેવામાં કંઈ બાધ નથી. એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગંગાસતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો, રાજે વગેરેએ અઢળક પદો રચ્યાં છે. નરસિંહના પદો પ્રભાતિયાં તરીકે વિશેષ જાણીતાં છે.

 

. મધ્યકાળના અન્ય સ્વરૂપો:

   મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરુ કરીને છેક દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે. આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, શામળની પદ્યવાર્તાઓ, ભોજાના ચાબખાઓ, ધીરાની કાફીઓ, દયારામની ગરબીઓ મુખ્ય છે. આ સિવાય રાસ, ધોળ, આરતી વગેરેની રચનાઓ પણ આ સમયે થઈ હતી.

 

. ખંડકાવ્ય:-

   ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. સમગ્ર કથાપ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે. તેમાં છંદોનું પણ વૈવિધ્ય હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિ ‘કાન્ત ‘ખંડકાવ્યના પિતા કહેવાય છે. નરસિંહરાવ દિવેટિયા, કલાપી, ન્હાનાલાલ, ખબરદાર અને બોટાદકર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યાં છે. આધુનિકોમાં રા.વિ. પાઠક, સુન્દરમ્, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખે પણ ખંડકાવ્યો રચ્યાં છે.

 

. સૉનેટ:-

 ઇટાલી દેશમાં ઉદ્ભવેલો આ ઊર્મિકાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે. સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે. શિખરીણી, મંદાક્રાન્તા, હરિણી, સ્ત્રગ્ધરા, પૃથ્વી, શાર્દુલવિક્રીડિત જેવા અક્ષરમેળ છંદોમાં તે રચાય છે. બ.ક. ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સૉનેટ ‘ભણકાર રચ્યું હતું. આજના સમયમાં સૉનેટ બહુ જ ઓછા રચાય છે.

 

. ગઝલ:-

  વિદેશી સાહિત્યપ્રકાર છે. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઊતરી આવી છે. ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય છે. તેના મુખ્ય બે પ્રકાર છે- ‘ઈશ્કેહકીકી એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને ‘ઈશ્કેમિજાજી એટલે પ્રિયતમા તરફનો સ્નેહ. તેની પ્રત્યેક બે પંક્તિ શેર કહેવાય છે. ગઝલનો પહેલો શેર મત્લા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે.

 

. અન્ય:-

  અન્ય પદ્ય સ્વરૂપોમાં જાપાનમાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર હાઈકુ છે. ૫-૭-૫ અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો વિચાર ચિંતનપ્રદ બની રહે છે. ‘સ્નેહરશ્મિ’નું નામ હાઈકુ માટે જાણીતું છે. એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે. બહુ જ મોટો ગોરંભાયેલો વિચાર બે જ  લીટીના શબ્દોમાં જાણે ઠાંસી ઠાંસીને મુક્તકમાં ભરેલો હોય છે. એવું જ બે પંક્તિના દુકામાં હોય છે.

 

 

ગદ્ય સાહિત્યસ્વરૂપ.


ગદ્ય સાહિત્યસ્વરૂપો:-   

 

. નવલકથા:-

  નવલકથામાં અનેક બનાવો અને તેના અનેક ખંડો હોય છે. તેને અંગ્રેજીમાં ‘Novel’ કહે છે. થોડા વધારે વિસ્તારવાળી- લાંબી કથાવાર્તા એટલે નવલકથા એમ કહી શકાય. ઈ.સ.૧૮૬૬માં શ્રી નંદશંકર મહેતાએ ‘કરણઘેલો નવલકથા લખી. તેને પ્રથમ નવલકથાનું માન મળ્યું છે. નવલકથા કલ્પનોત્થ સાહિત્યપ્રકાર છે.

 

. નવલિકા/ટૂંકીવાર્તા:-

  નવલિકા એટલે ટૂંકીવાર્તા. જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તાશેલીએ નીરુપવું તે. આજની ટૂંકીવાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલની ‘ગોવાલણી વાર્તાથી થયો હતો.

 

. નાટક:-

   સાહિત્યમાં બધા જ  સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેમાં તેના સર્જક, અભિનેતાઓ અને પ્રેક્ષકો એમ ત્રણની અપેક્ષા હોય છે. તે મોટેભાગે ભજવવા માટે લખાય છે. નવલકથા જેમ મોટી વાર્તા છે, તેમ નાટકમાં વિસ્તૃત વૃતાંત હોય છે. નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી. સમય અને વૃત્તાંત બંને રીતે તેમાં ટુંકાણ હોય છે.

 

. નિબંધ:-

  નિબંધ એટલે નિ: બંધ. કોઈ પણ પ્રકારના બંધન વિના જે – તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ. કલ્પના, અવલોકન અને મોલિક વિચારો એ નિબંધના લક્ષણો છે. ‘મંડળી મળવાથી થતાં લાભ એ પ્રથમ નિબંધ લખી નર્મદે શુભારંભ કર્યો હતો. વર્તમાનપત્રો અને સામયિકોમાં નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે. નિબંધને પુષ્ટિ આપવા તેમાં ગદ્ય- પદ્ય અવતરણો મૂકવામાં આવે છે, જેનાથી વાચકને પણ આનંદ મળે છે.

 

. જીવનચરિત્ર:-

  વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઈતિહાસ એટલે જીવનચરિત્ર. જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણાં જ જીવનચરિત્રો લખાયાં છે. એક જ વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવનચરિત્રો લખાય છે.

 

. આત્મકથા:-

  વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા. આત્મકથા પૂરી લખી શકાતી નથી. તે જીવનનાં અમુક વર્ષોની કથા જ બની રહે છે. ‘મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો વિશ્વવિખ્યાત બની છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ