Recents in Beach

વિરામચિહ્નો એટલે શું? તેનો ઉપયોગ|What is punctuation in Gujarati

 

વિરામચિહ્નો

વિરામચિહ્નો એ લખાણમાં વપરાતાં એવા ચિહ્નો છે જે લખાણ વાંચતા, કે બોલતા, ક્યાં કેટલી વિશ્રાંતિ લેવી એ દર્શાવે છે. એ ઉપરાંત વિરામચિહ્નો ભાષાનું સંયોજન અને બંધારણ પણ દર્શાવે છે. લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે.

 પરિચ્છેદ તેમાંનાં વાક્યોમાંથી સુંદર લાગે છે, પણ વાક્યના બંધારણમાં વિરામચિહ્નોની પણ મોટી અસર હોય છે. વિરામચિહ્નોની સંખ્યા તો ઘણી મોટી છે, પણ એ બધામાં ‘લઘુરેખા, ‘અલ્પવિરામ, ‘પૂર્ણવિરામ, ‘ઉદ્ગારચિહ્ન, ‘પ્રશ્નચિહ્ન વગેરેનો લખાણમાં સવિશેષ અને વારંવાર ઉપયોગ થાય છે. આ ચિહ્નોના અયોગ્ય વપરાશથી ઘણી વખત વાક્યનો અર્થ પૂરેપૂરો બદલાઈ જાય છે. તો ઘણી વખત વાક્ય ધારી અસર ન ઉપજાવી શકે તેવું પણ બને છે, માટે આ ચિહ્નોનો કાળજીપૂર્વક ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી ગણાય.

૧. બાળકો, ગામ આગળ છે.

૨. બાળકો ગામ આગળ છે.

 

 આ બંને વાક્યોનું પઠન કરી જુઓ. તમને સમજાશે કે પહેલાં વાક્યમાં ગામનું સ્થાન ક્યાં છે, તે બાળકોને સંબોધીને કહેવામાં આવ્યું છે. જ્યારે બીજા વાક્યમાં કોઈને દેખીતા સંબોધન વિના બાળકો ક્યાં છે તે સૂચવવામાં આવ્યું છે. આ બંને વાક્યોના પઠનમાં આરોહ-અવરોહ, લય વગેરે અલગ પડતાં તમે અનુભવી શકશો. માત્ર એક અલ્પવિરામની હાજરી- ગેરહાજરી થતો અર્થભેદ તમારા ધ્યાનમાં આવ્યો હશે.

 

૧. આજે રવિવાર છે.

૨. આજે રવિવાર છે?

૩. આજે રવિવાર છે!


 

વિરામચિહ્નો એટલે શું? તેનો ઉપયોગ


  હવે આ વાક્યોનું પઠન કરો. પ્રથમ વાક્યના પઠનથી એવું અનુભવી શકાશે કે બોલનારને ખ્યાલ જ છે કે આજે કયો વાર છે. પણ વક્તા માત્ર પોતાને જાણ છે તે માહિતી આ વાક્યથી ઉચ્ચારે છે. બીજા વાક્યથી શું સૂચવાય છે? બોલનારને આજે કયો વાર છે? તેની માહિતી નથી એટલે તે પ્રશ્ન પૂછી રહ્યા છે. આ વાક્ય દ્વારા તે માહિતી મેળવવાનો હેતુ ધરાવે છે. આ વાક્ય પ્રશ્નવાકય છે.સ જ્યારે ત્રીજા વાક્યમાં એવું સૂચવાયું કે બોલનારને ‘આજે રવિવાર છે એવું જાણીને નવાઈ લાગે છે. તે આજે કોઈ અન્ય વાર છે એવું સમજતા હતા.આજે રવિવાર હોવો- એ એમના માટે નવાઈની વાત બની છે. તમે નોંધ્યું હશે કે વાક્યોના શબ્દો એના એ જ હોવા છતાં ત્રણેય વાક્યો એકબીજાથી જુદાં પડે છે. ત્રણેય વિરામચિહ્નો વાક્યની ઉચ્ચારવાની લઢણ અને તેના આરોહ-અવરોહ નક્કી કરી આપે છે. આજ પ્રમાણે બે શબ્દોની વચ્ચે મુકાતી લઘુરેખા બંને શબ્દો વચ્ચેનું કોઈ ને કોઈ રીતે સામ્ય-વૈષમ્ય સૂચવે છે.

 

૧. લાંબો-ટૂંકો વિચાર કર્યા વગર જ તેણે જવાબ આપ્યો.

૨. સૌનાં જીવનમાં ચડતી-પડતી તો આવ્યા જ કરવાની.

૩. તેણે બે-ચાર મિનિટ થોડી વાત કરી.

૪. એના સગાં-સબંધીઓ એને બોલાવીને ખવરાવે ખરાં?

૫. પોસ્ટઓફિસ-કદાચ જગતમાં સૌથી રસહીન મકાન-એનું ધર્મસ્થાન-તીર્થસ્થાન બન્યું.

 

  આ વાક્યોમાં તમે જોઈ શક્યાં હશો કે ‘લાંબો-ટૂંકો અને ‘ચડતી-પડતીએ બંને વિરોધી શબ્દોજોડકાં છે. ‘બે-ચાર અને ‘સગાં-સંબધીઓ એ તદ્દન નજીકના બે અર્થો દર્શાવે છે. ‘પોસ્ટ-ઓફિસ – કદાચ જગતમાં સૌથી રસહીન મકાન –‘ એ પોસ્ટ-ઓફિસનો વાર્તાસંદર્ભે પણ વિસ્તૃત અર્થ સમજાવવા માટે શબ્દસમૂહ વાપર્યો છે. આ શબ્દસમૂહની બંને બાજુ લઘુરેખાનો ઉપયોગ કર્યો છે. જે કૌંસની ગરજ સારે છે. આ વાક્યને આ મુજબ પણ લખી શકાય: ‘પોસ્ટઓફિસ ( કદાચ જગતમાં સૌથી રસહીન મકાન) એનું ધર્મસ્થાન-તીર્થસ્થાન બન્યું.’

 

  આવા બીજા નમૂનાઓ તમે વાચન કરતી વખતે ધ્યાને રાખતા જ હશો. અન્ય વિરામચિહ્નો પણ જે-તે સ્થાને કયો અર્થ દર્શાવી જાય છે, એવું માનસિક રીતે નોંધતા જશો.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ