Recents in Beach

માહિમની ખાડીમાં પ્રગટ થતી સર્જકની વિશેષતા અને મર્યાદા|Mahim ni Khadi sarjak vishesta


સર્જકની વિશેષતા અને મર્યાદા


 'માહિમની ખાડી'ને વાસ્તવપ્રધાન નવલકથા તરીકે મૂલ્યાંકન કરો.         અથવા 

'માહિમની ખાડી' નવલકથામાં પ્રગટતી લેખકની જીવન દ્રષ્ટિનો પરિચય કરાવો.



  મરાઠી નવલકથાનો પ્રારંભ ગયા શતકમાં થયો. મરાઠીમાં પહેલી મોલિક નવલકથા ‘યમુના પર્યટન બાબા પદ્મજીએ અઢારસો સત્તાવનની સાલમાં લખી. આ નવલકથા પણ વાસ્તવદર્શી અને સામાજિક સમસ્યા પ્રધાન નવલકથા હતી.

 

 ‘માહિમની ખાડી વાસ્તવિકતાનું નિર્ભીક, સ્પષ્ટ અને ઉગ્ર એવું દર્શન આલેખવા પર ભાર મૂકનાર એવી નવલકથા છે. વાસ્તવિકતા પ્રત્યે વફાદારી રાખતી આ નવલકથાએ શ્લીલ- અશ્લીલના પરંપરાગત રૂઢિ સંકેતોને દૂર હડસેલી લીધા છે, ને વાસ્તવનું નિરૂપણ છે. ‘માહિમની ખાડી આ નવલકથામાં મુંબઈની ઝૂપડપટ્ટીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ચામડીના કોઈક ચેપી રોગની જેમ શહેરોના શરીર પર ફેલાતી જતી ઝૂપડપટ્ટીઓ એ આજની એક ભયાનક સમસ્યા છે. અંહી ઝૂપડપટ્ટીના લોકોના ગતિશૂન્ય જીવનનું ચિત્રણ થયેલું છે. મૂળ વિષયને અનુસંગે વધતી જતી ગુનાખોરી, વેશ્યાવૃત્તિ, દિશાહીન નિરુદેશ જીવન જીવતા તરુણો આર્થિક અને નૈતિક મૂલ્યોની પરસ્પરાવલંબીતા આવા અનેક પ્રશ્નોની ચર્ચા મધુમંગેશ કર્ણિકની ‘માહિમચી ખાડી નવલકથામાં નીરુપાયેલ છે.

 

  મધુ મંગેશ કર્ણિક મરાઠી વાંચકોને મુખ્યત્વે વાર્તાકાર તરીકે વિશેષ પરિચિત છે. છેલ્લા પંદરવીસ વર્ષોમાં મરાઠી વાર્તાકારોની જે નવી પેઢી ઉદય પામી તેમાંના તેઓ એક મુખ્ય અને લોક પ્રિય વાર્તાકાર છે.

 

  ‘દેવકીએ કર્ણિકની પહેલી નવલકથા હતી. આ ઉપરાંત ‘સૂર્યફૂલ, ‘ભાકરી, ‘અર્પણફૂલ, ‘નિરભ્ર વગેરે નવલકથાઓ પણ એમણે લખી છે. પણ મરાઠી નવલકથાકારોની હરોળમાં કર્ણિકને મહત્વનું સ્થાન મળ્યું હોય તો તે તેમની ‘માહિમ ચી ખાડી નવલકથા દ્વારા. આ નવલકથા ૧૯૬૯ની સાલમાં પ્રગટ થઈ અને પ્રગટ થતાં જ વાચકોનું તેમજ વિવેચકોનું બંનેનું ધ્યાન એક સાથે ખેંચ્યું.

 

 ‘માહિમચી ખાડી નવલકથા મુંબઈની એક વિશિષ્ટ ઝૂપડપટ્ટીનું આલેખન કરે છે. આવી અસંખ્ય ઝૂપડપટ્ટીઓ મુંબઈમાં તેમજ મુંબઈ જેવા બીજા નગરોમાં પણ ઠેર ઠેર જોવા મળે છે. એ દ્રષ્ટિએ જોતા ‘માહિમચી ખાડી પ્રતિનિધિ રૂપ બની રહે છે. આ નવલકથા દ્વારા કર્ણિકે એક નાનકડું સ્વયં સંપૂર્ણ વિશ્વ અદભૂત ચેતન્યમય રીતિથી તેમાંની એકદમ ઝીણી ઝીણી વિગતો સાથે આપણી સમક્ષ ખડું કર્યું છે. આ વિશ્વ જેટલું વાસ્તવિક છે. તેટલું જ ઉગ્ર અને ભયાનક પણ છે એ વિશ્વનું દર્શન કરતાં આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે. તો સાથો સાથ આપણને ખિન્ન અને અંતર્મુખ કર્યા શિવાય પણ તે રહેતું નથી.

 

 નવલકથાનાં પાત્રોની વાત કરીએ તો દાદુમિયા અને તેની બીબી સકીના, લંગડો કિશન તેની બૈરી ગંગા ઉંમર લાયક થવાં માંડેલી જ્યા અને ભીખુ, બાળકો જીવતાં ન હોવાથી હતાશ થયેલી યેસુ અને સાળીની પાછળ પડનારો તેનો પતિ કાશિરામ માહિમની ખાડીની તસુએ તસુની માહિતી ધરાવતો સુરજ કોળી, વાયોલીનવાળો, અબ્બાસ, ઘોડું, વાસુ, મ્હામું એની બેટી રોશન, શામુ પેન્ટર, રતન અને સાયબુ, શામુનો દોસ્ત ચંદર, કાશિરામની સાળી મેના, ભીખાનો મિત્ર મંટુ આવા તો અનેક માણસો આ ઝૂપડપટ્ટીમાં આપણને જોવા મળે છે. આ બધા જ પાત્રો પોતપોતાની રીતેવિશિષ્ટતા ધરાવનારા પાત્રો છે.  

 

  આ નવલકથામાં સર્જકની પરિપક્વ દ્રષ્ટિનો આપણને પરિચય થાય છે. “જો આ દુનિયામાં ઈન્સાનિયત એ એક જ ચીજ માણસે સાચવી રાખવી જોઈએ પછી આખી દુનિયા ડૂબી જતી તોય વાંધો નહિ. લેખકે અંહી એ બતાવ્યું છે કે ઝૂપડપટ્ટીના ગંદવાડમાં ભલે રહીએ પણ આપણું દિલ એ ગંદકીમાં ડૂબી જવું ન જોઈએ. આ વાત એમણે દાદુમિયા, સરજુકોળી અને ગંગાના પાત્ર દ્વારા રજૂ કરી છે. સરજુકોળી કહે છે “ તને ખરું કઉં છું દાદુમિયા ! આ આખ્ખી માહિમની ખાડીમાં મને તો એકલો તું જ શરીફ આદમી દેખાય છે. એક તું અને બીજી પેલી ગંગા બાકી બધા સાલા હરામખોર છે...”

 

  આ ખાડીના ગંદવાડમાં સારું તો કશું ટકતું જ નથી, ટકે છે માત્ર ગુનાઓ, અનાચાર, લબાડી અને જીવલેણ સ્પર્ધા, આ આખી સાલી ખાડી જ બેઈમાન છે અહીના માણસો પાણી પીએ છે તે ચોરીનું પેટ માટે ધંધો કરે છે તે ચોરીનો જે મકાનમાં રહે છે તે મકાન પણ ચોરીનું કશું જ પોતાના હક્કનું નથી, અહીના માણસો પાસે પછી ઈમાનદાર લોહી પેદા જ ક્યાંથી થાય? આ ખાડીમાં રહેનાર બધાનાં જ સુંદર સ્વપ્નો નાશ પામે છે. બધાં જ પવિત્ર મૂલ્યો અહીં ખાખ થઈ જાય છે. અહી રહેનાર લોકો છિનાળ, ચોર, લબાડ અને અવળા ધંધા કરવાવાળા જ થઈ જાય છે. એ તો સારું છે કે અંહી મંદિર નથી ને તો આવા લોકોથી કંટાળીને દેવ પણ મંદિર છોડીને ભાગી ગયા હોત. કાશિરામ જેવો વ્યક્તિ સોનાં જેવી પત્ની વસુને મૂકીને સાળી સાથે છાણ ખાતો થયો છે. લંગડો કિશનને એનો દીકરો પેલો ભીખો અવળા જ ધંધા કરે છે. સાલા એક દિ જેલમાં પત્થર ફોડવા જરૂર જશે સાલી આ બધી જાત જ હરામી. માહિમની ખાડીમાં ગામનો આખો ઉકરડો જ ભેગો થયો છે. સરજુ કોળી કહે છે અહીના ભાયડાઓ ઝૂપડપટ્ટીમાં ન હોય ત્યારે પેલા પાઈપ પરના મવાલી છોકરાઓ કોઈના ઘરમાં ઘુસી જઈને બૈરાંની લાજ લેતાં પાછું વળીને જુએ એવા નથી. સાલા ! આ બધાને સામેના કસાઈ ખાનામાં લઇ જઈને બધાની ખસી કરાવી નાંખવી જોઈએ ઈ વગર આ સુધરે એવા નથી. આમ અંહી રહેતા સૌના જીવન આડે અવળે માર્ગે વહી જઈને છેવટે ક્યાંક લૂપ્ત થઈ જાય છે. સુસંસ્કૃત જગતની બધી નીતિરીતી બધી મૂલ્ય પરંપરા અંહી નિરર્થક બની રહે છે. આ નવલકથા મુંબઈ જેવા મહાનગરમાં વસતાં હેતુ શૂન્ય જીવન જીવનારા અને તેથી ગુંડા ગિરિ તરફ વળે છે. ધાડું જેવા પાત્રોનું આલેખન કરી સમાજનું તાદ્રશ્ય ચિત્રણ કર્ણિકે આ નવલકથામાં કર્યું છે.

 

  યેસુનું છોકરું મરી જતાં તેને મળવાગયેલીં ગંગા તેને ધ્રુસકે ધ્રુસકે રડતી જોઇને કહે છે બાઈ આમ રડયા કરીશ તો કેમ ચાલશે? આપણો ભાયડો ભાયડો સારો હોય તો આપણામાં હાથીનું જોર આવી જાય પણ તારા-મારા જેવીનાં નસીબમાં એ સુખ જ નથી આપ્યું ને દેવે, કોણે કહીએ આપણું નસીબ જ ફાટેલું- મારી જ તરફ જો ને મારો ભાયડો પેલા તો કેવો હારો હતો કારખાનામાં પગ કપાઈ ગયો ને જે દિવસથી તે ઘર બેઠો તે દિવસથી મારો દિ રુઠ્યો લોકોને બિચારો લંગડો લાગે છે. પણ ગાંજો પીને આવે ત્યારે તો એવી માર ઝૂડ કરે છે ન પૂછો વાત, મારી જયા કેવી સોનાનાં ટૂકડા જેવી છોકરી હતી પણ મારા ભાયડા એ જ તેને ભગાડી અને પેલા મારા ભીખલાને મવાલી બનાવ્યો તેના બાપે પોતે જ હવે તું જ કહે મને શું સુખ છે?

 

 દુઃખથી પીડિત યેસુ કાશીરામને કહે છે, તું તો હું મરું એની જ રાહ જોઇને બેઠો છે. મને ખબર છે સગી બહેન ઉઠીને મારી શોક્ય થવાં તૈયાર થઈ છે, ત્યારે તને તો બીજું સુઝે જ શું? આ ખાડીમાં બધા જ પવિત્ર મૂલ્યો ખાખ થઈ જાય છે. ચાર જણની વચમાં કમરેથી ઘાઘરો સરી પડતાં શરમની મારી જીવનો પરવા કર્યા વિના ખાડીમાં કૂદી પડનારી રોશન આગળ જતાં ખુલ્લેખુલ્લો વ્યભિચાર કરવા માંડે છે. ભીખાને ફસાવે છે અને પછી છોડી જાય છે. કાશિરામ ભીખાને કહે છે, જો ભીખા આખી જીંદગીમાં આપણા દુશ્મનનો ભરોસો કરવો પણ સ્ત્રીની જાતનો કોઈ દિ ભરોસો કરવો નહિ, સ્ત્રીની જાત જ સાલી હરામી. તારી પેલી છોકરી રોશન દાદુમિયાની ભત્રીજી તને લટુ કરીને ચાલી જ ગઈને પોતાનાં દેશમાં અને કાશિરામ કહે છે, ભીખા તારી બહેન જયા ક્યાં છે હમણાં મને ખબર નથી, કેમરે ભીખા તે જ તો એનો કોન્ટ્રાકટ લીધેલોને એને વૈશ્યા બનાવવા સાલા તું જ તેની આફત માટે જવાબદાર છે. તું ને તારો પેલો લંગડો બાપ કિશન તમે બંનેએ સોનાં જેવી દીકરીનું સત્યાનાશ વાળ્યું અને હવે પેલો શ્યામુ પેન્ટરતો છ મહિના માટે જેલમાં ગયો. હવે તારી બેન જયાનું શું? અને તારી બહેન જયા બે જીવી થઈ છે. કોણ જાણે એના પેટમાં કોનું પાપ હશે? એનું શું થશે. જે જયા શ્યામુ પેન્ટર સાથે ગૃહણી જેવો સુખી સંસાર માંડીને રહેવાનું સ્વપ્ન જોનારી જયા કે જેનો ભાઈ અને બાપ તેમજ તેનો વર જ વૈશ્યા વ્યવસાયમાં ખેંચી જાય છે. આજે નહિતો કાલે સુખી સંસાર જોવાની આશાપર દિવસો વિતાવતી ગંગાને માટે ગુપ્ત રોગથી પીડાતા છોકરાની સારવાર કરવાનું તથા છોકરી વૈશ્યા બની છે કોઈનું પાપ પોતાનાં પેટમાં લઈ આવી છે એ જોવાનું નસીબમાં લખાયું છે. આ ખાડીમાં સારા – નરવા તરુણ છોકરાઓ ગુંડાગિરિ અને મવાલી પણા તરફ વળે છે, તો દેખાવી તરુણી છોકરીઓ પોતાના દેહને પેટભરવા માટેનું એક સાધન બનાવે છે. સૌનાં જીવ આડે અવળે માર્ગે વહી જઈને છેવટે ક્યાંક લુપ્ત થઈ જાય છે. મારા ભીખાએ છાણ ખાધું ( વ્યભિચાર કર્યો) તો એની શી દશા થઈ ? અને એ ભીખો મંટુ ધીમા સાદે કહે છે, જો ભીખા તારો આ રોગ મટાડવો હોય તો એક ઉપાય છે. ખર્ચાળ નથી પણ જરા જોખમ વાળો છે. મારા એક દોસ્તને તારા જેવી બિમારી થઈ હતી તો એણે મેં કહેલો ઈલાજ કરેલો તેનો ઈલાજ એકાદી કુમળી છોકરીને પકડવાની જેને હજી કાંઈ સમજણ પડતી ન હોય એવી નાની છોકરીને પકડવાની અને એની સાથે છાણ ખાવાનું બસ રોગ ખતમ, ભીખાને મંટુનો ઉપાય સહેલો લાગ્યો. અંધારામાં આવી એક છોકરીને પકડી મોંમાં ડૂચો મારીને દૂર લઈ ગયો. ત્યાં કોકનાં પગલાં સંભળાતા ભીખાનો હાથ ઢીલો પડ્યો છોકરી ચીસો પાડવા લાગી માણસો ફટાફટ દોડ્યા બેટરીનો પ્રકાશ જોતાં ત્યાં તો પેન્ટ કાઢીને ઉભો રહેલો ભીખો દેખાયો, બાજુમાં સાત-આંઠ વર્ષની છોકરી રતન- ભીખાની સગી બહેન નીકળી. ભીખો અંધારામાં એને ઓળખી ન શક્યો. આખી ઝૂપડપટ્ટીમાં બૂમાબૂમ થઈ રહી. પાઈપ પર બેઠેલી ગેંગ પણ દોડી આવી. ભીખો બંને હાથે મોઢું છુપાવતો હતો. હાજી મંગલના સમ મેં કાંઈ જ કર્યું નહિ મારી બહેનને મેં ઓળખી જ નહિ, હું ગાંડો થઈ ગયો ભડવા મંટુએ મને પાગલ બનાવ્યો. આ દ્રશ્ય જોઇને લોકો કહે આ ખાડીમાં હવે ખૂબ ખૂબ પાપ એકઠું થઈ ગયું છે. હવે તો હદ થઈ ગઈ સાલું આવું તો કોઈએ સપનામાં પણ જોયું ન હોતું આ તો કળિયુગનો મહિમા ભાઈ ઉઠીને પોતાની સગી બહેનને...... આ વાતની ખબર ભીખા અને રતનનીમાં ગંગાને પડી તે રડતી કકળતી આવે છે. ક્રોધથી અને શરમથી ગાંડા જેવી થઈ, પોતાની ઝુંપડીમાં પાછી ફરે છે, મોં છુપાવીને બેઠી ચોધાર આંસુએ રડવા લાગી ભગવાને મને આવા દિવસો જોવા માટે જ જીવતી રાખી, રતનને દૂર ધકેલી અને પોટલામાં બાંધેલી સાંઈ બાબાની છબી તેણે બહારકાઢી અંધારામાં એક નજર એ છબી તરફ નાંખીને તેણે એ છબિ ક્રોધથી દૂર ઘોડ બંદર રોડ પર ફેંકી દીધી કોઈ ગાંડી સ્ત્રી પત્થર ફેંકે તેમ તરત જ એ છબિ પરથી એક મોટો ખટારો પસાર થઈ ગયો છબિના ટુકડે ટૂકડા થઈ ગયા.

 

   આમ માણસ પાસે જ્યારે એક પછી એક દુઃખ આવ્યા જ કરે ત્યારે એની ઈશ્વર પરની આસ્થા પણ ચાલી જાય છે એ વાત અંહી મધુમંગેશ કર્ણિકે બતાવી છે અને છબિના ટુકડે ટૂકડા એટલે ગંગાના હ્રદયના બંધ તૂટી ગયા તે ભાન ભૂલીને ફરી આક્રંદ કરવા લાગી આમ લેખકે ગંગાનું કરુણ હ્રદય સ્પર્શી ચિત્ર અંકિત કર્યું છે.

 

આમ માહિમચી ખાડી મુંબઈની ઝૂપડપટ્ટીનું આલેખન તેમજ મુંબઈ જેવા બીજા મહાનગરોમાં પણ ઠેર ઠેર જોવા મળતી ઝૂપડપટ્ટીઓ જોતા ‘માહિમચી ખાડી’ પ્રતિનિધિરૂપ નવલકથા બની રહે છે. આ નવલકથા મધુમંગેશ કર્ણિકનાં લેખનમાં તો મહત્ત્વનું સ્થાન ધરાવે છે જ પણ મરાઠી નવલકથાનાં વિકાસ ક્રમમાં પણ આ કલા કૃતિ પોતાનું આગવું અને વૈશિષ્ટય પૂર્ણ સ્થાન ધરાવે છે. આમ, માહિમચી ખાડી’ નવલકથા દ્વારા લેખકે માહિમની ખાડીનું વાસ્તવિક ચિત્રણ કર્યું છે અને એમની નવલકથામાં પ્રગટતી જીવન દ્રષ્ટિનો પરિચય કરાવ્યો છે.

 

 

     

  


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ