Recents in Beach

કોશનું મહત્વ-ઉપયોગીતા|Gujarati Bhasha Kosh nu mahtva

     શબ્દ કોશનું મહત્વ આપણા માટે માત્ર શબ્દોના અર્થ, વયુત્પતી અને સાચી સમજણ માટે નહિ પણ આપણી ભાષાના શબ્દભંડોળની ક્ષમતાનો પરિચય કરાવે છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતાના ઈતિહાસ લેખોના આધાર છે. કોશની મદદથી જિજ્ઞાસુને શબ્દના અર્થો તથા સૂક્ષ્મ ભેદોની જાણકારી પ્રાપ્ત થાય છે, તદ્દ ઉપરાંત તે ભેદોના આધારે તેને તે શબ્દોના પ્રયોગની માહિતી પણ મળે છે. 

   કોઈ પણ ભાષા અને તેના સાહિત્યના સર્વાંગી વિકાસમાં કોશનું પ્રદાન મહત્વનું હોય છે. કારણ કે ભાષાના પ્રચલિત શબ્દોના સાચા અર્થ આપવાનું કામ કોશ કરે છે. તથા નવા શબ્દની પસંદગી કરીને કોશમાં યોગ્ય સ્થાને, યોગ્ય કામ કોશકાર કરે છે. પ્રત્યેક ભાષાનું શબ્દ ભંડોળ એના ભાષકોના ભૂતકાળની હકીકતનું વૃતાંત વર્તમાન સ્થિતિ અને કંઈક અંશે ભાવી આકાંક્ષાઓનું જે – તે ભાષા બોલનારી પ્રજાના સમગ્ર જીવન અને ચિંતનનું દર્પણ હોય છે. ભોતિક અથવા બોદ્ધિક ક્ષેત્રમાં નવીન સિદ્ધિઓની પ્રાપ્તિ સાથે નવા ફેરફારોને પરિણામ રૂપે કોઈ પણ ભાષાના શબ્દ સંચય સમૃદ્ધ થાય છે. તેમજ જૂના શબ્દો નવા અર્થોમાં વપરાતા ભાષાની સમૃદ્ધિ વધે છે. ‘ભાષાના શબ્દ સંચયનું સર્વાંગી અધ્યયન એટલે બોલનારી પ્રજાએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રાચીન કાળથી લઇ આધુનિક સમય સુધી કરેલા કાર્યો તેના એતિહાસિક સંપર્કનો અને અદ્યતન પ્રવૃતિઓનો એની લાક્ષણિકતાઓ, એની ખૂબી, ખામીઓનો તેમજ ભાષામાં રહેલાં માનવ તત્વનો અભ્યાસ એની ધ્વનિ પ્રક્રિયા કે સ્વર-વ્યંજન પ્રક્રિયા દ્વારા નહિ પણ એના મુખ્યત્વે શબ્દ ભંડોળ દ્વારા જ થઇ શકે છે.’

 


 

  શબ્દભંડોળનાં વિકાસ સાથે જ નવા- નવા શબ્દોની રચના આવશ્યક બને છે. શબ્દભંડોળની, નવા શબ્દરૂપોની કે નવા અર્થોની વૃદ્ધિ એ કોઈ પણ જીવંત ભાષાની લાક્ષણિકતા છે. જગતમાં જેટલી ભાષાઓ બોલાય છે, અથવા બોલાતી હતી તે બધાના જ શબ્દકોશ રચાયા નથી, પરંતુ સામાન્ય જીવન વ્યવહારમાં વિશેષ કોઈ વિદ્યાને લગતું કોઈ પણ પ્રવૃતિઓ કરવા માટે કોશ અત્યંત ઉપયોગી અને આવશ્યક છે. આવી પ્રવૃત્તિઓ જ્યાં-જ્યાં થઇ છે ત્યાં નાના-મોટા કોશ-શબ્દસંગ્રહો તેયાર થયેલા છે.

 


કોશનું મહત્વ-ઉપયોગીતા
  રાજ કોષને શબ્દ કોશ સાથે સરખાવતાં એક સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે કે- ‘રાજાઓની જેમ વિદ્વાનોને કોશનો મહાન ઉપયોગ છે કેમ કે જો કોશ ન હોય તો તેમને કલેશ થાય છે.’ સામાન્ય રૂપમાં આપણે કોશની ઉપયોગીતા શું? એ પ્રશ્નનો વિચાર કરીએ તો તેમાં વયુત્પતી, માન્ય જોડણી, વ્યાકરણીય રૂપ, માન્ય ઉચ્ચારણ, શબ્દનો અર્થ, માન્ય પ્રયોગ, ઓળખ, સમાનાર્થ, અનેકાર્થ તેમજ એક ભાષાના શબ્દનો બીજી ભાષામાં થતો અર્થ વગેરેની દ્રષ્ટિએ કોશની ઉપયોગીતા છે. એટલે કોશનો ઉપયોગ અજ્ઞાતને જ્ઞાત બનાવવા માટે, અડધો જ્ઞાતને પૂર્ણજ્ઞાત બનાવવા માટે અને શંકાઓનાં સમાધાન માટે ઉપયોગમાં લેવાય છે. અલગ-અલગ પ્રકારના કોશોનો અલગ અલગ ઉપયોગ છે. શબ્દકોશનો એક ઉપયોગ તો વિષય કોશનો બીજો ઉપયોગ, વિશ્વકોશનો એક ઉપયોગ તો પ્રયોગ કોશનો બીજો ઉપયોગ. તેવી જ રીતે પારિભાષિત કોશનો ઉપયોગ, પર્યાયી કોશનો ઉઉપયોગ, ઉદાહરણ કોશનો ઉપયોગ, વયુત્પત્તિ કોશનો ઉપયોગ, ઉચ્ચારણ કોશનો ઉપયોગ આમ જુદી જુદી રીતે જુદા- જુદા કોશનો ઉપયોગ થાય છે.

   ‘કોશ’માં વિશેષત: શબ્દકોશ બનાવવો એક કઠીન કામ છે. એનું અનુમાન કોઈ કોશ બનાવનાર જ લગાવી શકે. ૧૬મી ૧૭મી સદીના પ્રસિદ્ધ કોશ કરતાં જે.જે.સ્કેલીગરે લેટીન ભાષામાં એક વિધાન આપ્યું છે કે – “મોટામાં મોટા ગુનેગારને મોટામાં મોટી સજા કરવી હોય તો તેને કોશ નિર્માણ કરવાની સજા દેવી જોઈએ. કારણ કે એ એક જ દંડમાં બધી જ પીડાઓ સમાઈ જાય જે અન્ય દંડમાં સંભવિત નથી.”

 


  ડૉ.સેમ્યુઅલ જોન્સને કોશ કર્તાને કદી ન થાકતો એવો ઉદ્યમશીલ અને મહેનત કરનારો કહ્યો છે. આમ તો એ કોઈનું કશું નુકશાન કરતો નથી પણ કોશકાર નાની એવી ભૂલ અનેક પ્રકારના નુકસાનની જનની હોઈ શકે. જો તે અથાગ પરિશ્રમ કરનાર હોય તો થાકી જવાય તેવું કામ કરી જ શકે. કોશ રચનાનું કામ એટલું મુશ્કેલ છે કે કોશકાર અતિપરિશ્રમ ધેર્યશીલ અને કોશ માટેની લગનીવાળો હોવો જોઈએ તે જ વ્યક્તિ કોશ રચના કરી શકે.    

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ