Recents in Beach

રમેશ પારેખના ગીતોમાં પ્રણય-વિરહ


    ‘પ્રણય મનુષ્યહૃદયની સ્વંયભૂ અને સનાતન ઊર્મિ છે. કોઈપણ કવિ એનાથી મુક્ત રહી શક્યો નથી. રતિથી રસ સુધીના ગીતવિકાસમાં મસ્તી-રોમાંચ, રીસામણાં-મનામણાં, વ્યથા-વ્યાકુળતા, વિષાદ-વેદના વગેરે તીવ્ર અનુભૂતિઓ કલ્પનાના રસાયનમાં રસાઈને કાવ્યક્ષમ બને છે.


    મુખ્યત્વે પ્રણયકવિ એવા રમેશ પારેખની કવિપ્રતિભાનો પ્રફુલ્લ આવિર્ભાવ પ્રણયની ઝંખના, વિરહ, ઉલ્લાસ, મસ્તી આલેખતાં તેમનાં ગીતોમાં વિશેષ થયો છે. મિલન-વિરહના વિવિધ ભાવોની નૂતન અને બળવાન અભિવ્યક્તિ કવિની કાવ્યસૃષ્ટિની વિશેષતા છે.


    રમેશ પારેખનાં કાવ્યોની પ્રણયસૃષ્ટિની વસંતથી પ્રફુલ્લિત, રોમાંચથી આનંદિત, શૃંગારથી ઉલ્લાસમય અને નાયિકાના નવલા ભાવ-રૂપથી મહેકતી બની છે, તો ક્યાંક પ્રેમીહેયાની જુદાઈની કથા કે વિરહની વ્યથા ઘેરી બની ઉત્કટ રીતે કાવ્યમાં વાચા પામી છે. એમનાં ગીતોમાં વિરહનો ભાવ મિલન કરતાંયે હૃદયને વિશેષ વલોવનારો અને અસરકારક હોય છે. પ્રણયપાત્રના માર્ગમાં અવરોધ, અશક્યતા, અંતરાય પ્રવેશતા પ્રેમ વિષાદમાં કે વિફળતામાં પરિણમે છે.


   ‘સાત રંગના સરનામે’માં પ્રણય-વિરહ આલેખતાં કાવ્યો- ‘તારું પહેલાં વરસાદ સમું આવવું’, ‘ફાગણના દિવસોમાં...’, ‘તને યાદ છે? મને યાદ છે,’ ‘એક પ્રશ્ન ગીત’, ‘ન મોકલાવ’, ‘વ્હાલબાવરીનું ગીત’ વગેરે.

   

કવિએ પ્રેમની પ્રથમ અનુભૂતિને ‘તારું પહેલા વરસાદ સમું આવવું’ ગીતમાં સુપેરે પ્રગટ કરે છે. આમ પણ વરસાદ એ કવિનું પ્રિય કલ્પન રહ્યું છે. વરસાદના પ્રતિક દ્વારા પ્રણય અનુભવને ઇન્દ્રિયગ્રાહ્ય ગતિશીલ અભિવ્યક્તિ આપે છે. ગીતનો ઉપાડ જ જુઓને-

  “ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલાં વરસાદ સમું આવવું,

   હવે આંખોને કેમ રે ભુલાવવું.”



   સાવ એકલવાયા જીવનમાં પ્રેમીનો પ્રવેશ થતાં મન, હ્રદય કેવું ભર્યું ભર્યું થઇ જાય છે ! સાનભાન ભુલાઈ જાય છે. પહેલી નજરના મિલનથી પ્રેમના પૂર ચઢે છે. આ ભીંજાયેલી નીતરતી પ્રેમની અવસ્થા ક્યાં સુધી જળવાશે ? અંતમાં કવિ સહજ ઉદ્ગારે છે-

  “ લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?”


  ફાગણના ખાખરા જેના લોચનમાં મ્હોર્યા છે એવી નાયિકાની એકલતા, વાંઝણી ઝંખના, વ્યાકુળતા ‘ફાગણના દિવસોમાં...’ વ્યક્ત થઇ છે:

  “ફાગણના દિવસોમાં ફળીયે તો ઠીક,

     મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા.”


    નાયિકાના રોમેરોમમાં આકરા તડકા ફૂટી નીકળ્યા છે તે પણ આથમતી સાંજે.... શુષ્કતા, શૂન્યતા પણ કેવી વીંધી નાખે છે !


   “લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય,

    હું તો પગલે પગલે રે સાવ તૂટું,

    કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય

    હવે એવા દિવસો કે હું જ ફૂટું,

    આથમણી મેર ડૂબે સૂરજ છતાં ય મારે,

    રોમ રોમ તડકાઓ આકરા.”



   ‘એક પ્રશ્નગીત’માં વિરહની સમગ્રતાને સ્પર્શતા નાયકના હ્રદયઉદગારને ઉખાણા શેલીમાં નીરુપ્યો છે. આ ગીતની પ્રારંભની પંક્તિઓ જુઓ :

  “ દરિયામાં હોય એને મોતી કહેવાય છે, 

     તો આંખોમાં હોય તેનું શું?

    અમે પૂછ્યું: લે બોલ હવે તું.....”


    વિરહીઓની વેદના, વેરાનતા, પ્રતીક્ષા, શૂન્યતા, એકલતા જેવી ભાવદશાને કોઈ અભિવ્યક્તિ નથી અને તેને વ્યક્ત કરી શકાય એવી ભાષા, વાણી કે નામ નથી. આવી લાચારીને આ ગીતમાં કવિએ માર્મિક રીતે વ્યક્ત કરી છે.


    ‘વ્હાલબાવરીનું ગીત’માં વ્હાલમના પ્રેમમાં ભીંજાતી નાયિકાના રોમેરોમ ફરકી ઊઠે છે. મન મ્હેકી ઊઠે છે. ખોબો માંગે તો દરિયો દઈ દે એવા સાંવરિયાના વ્હાલમાં લથબથ ભીંજાતી નાયિકા કહે છે-

  “મને પૂછો કે ઘર મારું કેવડું,

   મારા વાલમજી બાથ ભારે એવડું.”


  નાયકે ખાલી ઘડામાં ટહુકો ભર્યો એટલે નાયિકા પ્રેમમાં બાવરી બની જાય છે. કવિ વ્હાલબાવરી નાયિકાની મુગ્ધ, તરલ ભાવ્દ્શાને ગતિશીલ લયમાં સંવેદે છે.  





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ