Recents in Beach

સુન્દરમની કાવ્યભાષા અંગેની વિચારણા(મંતવ્યો) સપષ્ટ કરો/kavybhasha ange sundramna mantvyo

 

સુન્દરમની કાવ્યભાષા અંગેની વિચારણા


   કવિતા માનવીને આદિ કાળથી આકર્ષી રહી છે. કવિતા સુક્ષ્મ અને અદભુત છે. તે માનવીના સુખ દુઃખની ઊર્મિને વાચા આપે છે. વાણી ઈશ્વરની માનવ જાતિને મળેલું સર્વોત્તમ વરદાન છે. કવિતા પણ એ જ રીતે માં સરસ્વતી તરફથી મળેલું અદભુત પ્રસાદી છે. કાવ્યમાં શબ્દ અને અર્થનું તત્વ રહેલું છે જે રીતે આદિ શક્તિ અને શિવ પરસ્પર અભિન્ન છે. કવિતા શબ્દ અને અર્થની કલા છે. તેથી જ કાવ્યની ભાષા અંગે હજારો વર્ષથી વિચારતું આવ્યું છે.


   ગ્રીક સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિની પ્રતિનિધિત્વ કરે છે. પ્લેટો, ગ્રીક સંસ્કૃતિના પ્રથમ કવિતા વિચારક છે. આદર્શ નગરની સ્થાપના માટે પ્લેટોએ કવિતાનો વિરોધ કર્યો હતો છતાં કવિતા અને કવિતાનો વિરોધ કર્યો હતો. છતાં કવિતા અને કવિતાની ભાષા અંગેના તેઓ પ્રથમ વિચારક છે એ જ રીતે ભરતમુની ભારતીય સાહિત્યના પ્રથમ વિચારક છે. ભરતમુનીએ નાટ્યશાસ્ત્રની રચના કરીને સાહિત્યમાં પ્રથમ શાસ્ત્ર રચ્યું અને ત્યારથી ભારતમાં કાવ્યની વ્યાખ્યા અંગે સતત વિચારાયું છે.


   ગાંધી યુગના કવિ વિવેચક સુન્દરમ એમના વિવેચન ગ્રંથો ‘અર્વાચીન કવિતા’, ‘અવલોકના’, ‘સાહિત્ય ચિંતન’માં કવિતા તથા કવિતાની ભાષા અંગે પોતાના વિચારો પ્રગટ કરે છે. સુન્દરમના આ વિચારોના પાયામાં ભારતીય તથા પાશ્ચાત્ય વિદ્વાનોનું પ્રભાવ જોવા મળે છે- પાશ્ચાત્ય વિદ્વાનો પ્લેટો, એરીસ્ટોટલ, ઇલિયટ, મેથ્યુ આર્નોલ્ડ વગેરેનો સમાવેશ થાય છે. તો ભારતીય વિદ્ધવાનોમાં આચાર્ય ભરતમુની, અભિનવ ગુપ્ત, ભામહ, દંડી, વામન, મમ્મટ, જગન્નાથ વગેરેના વિચારોનું એમના સાહિત્ય ચિંતન પર પ્રભાવ જોવા મળે છે. કેટલાંક અર્વાચીન વિચારકોનો પણ પ્રભાવ છે, જેમાં નવલરામ, બ.ક.ઠાકોર, રમણભાઈ નીલકંઠ, નર્મદ, આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી મુખ્ય છે.


   ‘અર્વાચીન કવિતામાં’ સુન્દરમની કાવ્યની ભાષા અંગેની વિચારણા પ્રગટ કરતાં કહે છે: “કાવ્યની ભાષામાં પ્રત્યેક શબ્દને અર્થ વ્યંજકતા તેની વિશિષ્ટ વાતાવરણ તેની ઓજસ કે માધુર્ય કે પ્રસાદને વ્યક્ત કરવાનું સંકેત, શક્તિ તથા વર્ણન, ઘટનાએ પછી વધારે છીણવટ ભરેલી ભાષા જ્ઞાન અને રસદ્રષ્ટિએ બંને ઉપર સારી રીતે પ્રતિષ્ઠિત બનેલો એવો અભ્યાસ માંગી લે છે.”


  ઉપરોક્ત વિધાન અનેક સાહિત્યનો ઉલ્લેખ કરે છે. આ વિધાનમાં શબ્દની અર્થ વ્યંજકતા વિશિષ્ટ વાતાવરણ ઓજસ, માધુર્ય અને પ્રસાદ આ ત્રણ ગુણોને વ્યક્ત કરવાની સંકેત શક્તિ દ્વારા કેટલાંક શબ્દો પર ભાર મુક્યો છે.


   શબ્દની અર્થ વ્યંજકતા એટલે ભાષાની વ્યંજના શક્તિ સંસ્કૃત આચાર્યોએ ભાષાની ત્રણ શક્તિ અભિધા, લક્ષણા અને વ્યંજનાની વાત કરી છે. આ ત્રણ સંઘર્ષે શક્તિમાં કવિતા માટે શબ્દની વ્યંજના શક્તિ ઉત્તમ છે. અભિધામાં રચાયેલું કાવ્ય અધમોશાહી એટલે કે નિમ્ન કક્ષાનું ગણાય છે. લક્ષણામાં રચાયેલું કાવ્ય માધ્યમ ગણાય છે. જ્યારે વ્યંજના વડે કાવ્યનું ધ્વનિ, ભાવ કે ઊર્મિને અભિવ્યજીત કરવામાં આવે છે ત્યારે જ ઉત્તમ કાવ્ય બને છે. સુન્દરમે અર્થવ્યંજકતા પર ભાર મુક્યો છે તે આ છે.


   સુન્દરમે કાવ્યના વિશિષ્ટ વાતાવરણ પર એટલો જ ભાર મુક્યો છે. પ્રત્યેક કવિતાને પોતીકું વાતાવરણ પરિવેશ હોય છે. સૂક્ષ્મ અવલોકન શક્તિ સૂક્ષ્મ ગ્રહણ શક્તિ તથા ભાવયીત્રી પ્રતિભા જ સૂક્ષ્મ વાતાવરણ ને સમજી શકે છે. સહ્રદય ભાવક કવિતાના વાતાવરણને તરત જ પકડી પાડી છે. દા.ત.: ‘મેઘદૂત’ના યક્ષની મનોદશા એના પ્રથમ શ્લોક ‘અસાદ્સ્ય પ્રથમા દિવસથી જ પકડાય છે. વરસાદના આગમનનું સંકેત લઈને આવતું વાદળ યક્ષના હ્રદયમાં હિમાલયમાં રહેલી પોતાની પ્રિયતમાને ઝંકૃત કરે છે, અને એની સાથે જ આ ખંડ કાવ્યમાં પ્રથમ વર્ષાના આગમનનું અને વિરહનું વાતાવરણ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે ઉમાશંકર જોશીની કવિતા હું ગુલામ કાવ્યની આ પંક્તિ જુઓ:


   ‘હું ગુલામ,

   સૃષ્ટિ બાગનું અમુલ્ય ફુલ’

આ બે પંક્તિમાં માણસની ‘ગુલામી’ વાતાવરણનું અહેસાસ થાય છે અને સ્વાતંત્ર પ્રાપ્તિ માટેનો ઉત્સાહ જાગે છે.


    સુન્દરમે ઓજસ, માધુર્ય, પ્રસાદ આ ત્રણ ગુણની વાત કરી છે. સંસ્કૃત મીમાંશકો એ કાવ્યમાં આ ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણનું પ્રાધાન્ય હોવું આવશ્યક માન્યું છે. ઓજસમાં વિવિધ રસનું અનુભવ થાય છે. માધુર્યમાં પ્રણય ભાવ જાગે છે, અને પ્રસાદમાં વાત્સલ્ય અનુભવાય છે. કાવ્યની ભાષામાં આ ત્રણ ગુણોનું હોવું અનિવાર્ય છે એવું સુન્દરમ સ્વીકારે છે. આ ત્રણેય ગુણો રસાનુભવી પદ્ધતિથી નહિ પણ એનામાં રહેલી સંકેત શક્તિ વડે પ્રગટ થવા જોઈએ એમ કહ્યું છે. કવિ કલાકાર છે, એક કલાકાર જે રીતે ભિન્ન ભિન્ન ટહુકા ભેગા કરીને સુંદર કલાકૃતિ રજુ કરે છે, તેમ કવિએ પણ આવા ટુકડા ભેગા કરીને સુંદર કવિતા આપવી જોઈએ એમ કહે છે.

  સુન્દરમ વર્ણ ઘટના પર ભાર મૂકે છે. વર્ણ ઘટના એટલે ભિન્ન ભિન્ન અલંકારોની યોજના વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ વગેરેમાં સુન્દરમ શબ્દ માધુર્ય, વર્ણ ધ્વની માધુર્ય ઉત્પન્ન થાય છે એમ માને છે.


‘અવલોકના’માં સુન્દરમના કાવ્ય ભાષા અંગેના વિચારો:-

    આ ગ્રંથમાં સુન્દરમ પોતાના વિચારો પ્રગટ કરતા કહે છે “કાવ્યમાં ભાવ અને ભાષાના સાધ્ય અને સાધન તરીકેના સંબંધનો સ્વીકાર અને સાધ્ય એટલે કે ભાવને સાધવા માટે આ આવશ્યકતા ઉભી થતા સાધકના સ્વરૂપની પલટાતી આવશ્યક્તાનો સ્વીકાર. આથી આગળ જઈને કહી શકાયું કે ભાષા ભાવને સચોટ, સરળતાથી ઉપજાવી આપતી હોય તો જ તે ગમે તેવી હોય તો પણ તેની સામે વાંધો ન લેવાવી જોઈએ. કાવ્યની ભાષાની કસોટી એના સ્થાને એ શબ્દના ભાવ વાહનના સામર્થ્ય પર જ કરવાની હોય છે. ભાવ વહનની અલગ રીતે ભાષાની ચર્ચા કે ગુણવત્તાને કાવ્યમાં સ્થાન છે જ નહિ.’


   સુન્દરમના ઉપરોક્ત વિધાનમાં કાવ્ય ભાષા અંગેના વિચારો વધુ સ્પષ્ટ થાય છે. સુન્દરમના પૂર્વે વિધાનમાં ભારતીય તથા પાશ્ચાત્ય મીમાશકોનો પ્રભાવ હતો, પરંતુ હવે તેઓ પોતાના મોલિક વિચારો પ્રગટ કરે છે. ભાવને સાધવા માટે ભાષાનો સાધન તરીકે ઉપયોગ થાય છે એટલે કે સર્જક પોતાની ઊર્મિ કે વિચારને પ્રગટ કરવા માટે ભાષાને ઉપયોગ કરે છે. સંસ્કૃત કે અંગ્રેજી ભાષા જ શ્રેષ્ઠ છે એમ કહી શકાય નહિ. ગ્રામ્ય, તળપદી, પરપ્રાંતીય કોઈ પણ ભાષા ભાવ વહન માટે ઉપયોગી બને છે. કુશળ સર્જક પોતાની સુઝથી ભાષાનો પ્રયોગ કરે છે. સુન્દરમ કહે છે કે સર્જક જ્યારે સર્જન કરે છે ત્યારે ભાવ વહન ક્ષમતા માટે ઉપયોગી બનતી ભાષાનો પ્રયોગ કરે છે. તેથી યોગ્ય રીતે પ્રયોજાયેલી ભાષાની ગુણવત્તા વિશેની ચર્ચા કરવાની રહેતી નથી.


‘સાહિત્ય ચિંતન’માં સુન્દરમના કાવ્ય ભાષા અંગેના વિચારો:-

   કેટલાંક સર્જકો જે હજુ અપરિપક્વ સાહિત્યિક સર્જનમાં પ્રવેશ કરી ચુક્યા છે. એવા નવોદિ સર્જકો શ્રેષ્ઠ ભાષા રચના માટે મહાન કવિઓ કે સર્જકોની ભાષાનું અનુકરણ કરે છે. અને તેથી એની ભાષામાં કૃત્રિમતા આવે છે. સર્જકની પોતાની ભષા ન રહેતા એ ઊછીની ભાષા બની રહે છે. આવી કૃત્રિમ ભાષા બાવ-વાહન માટે ઉપયોગી બની શક્તિ નથી પરંતુ ફક્ત અનુકરણ બની રહે છે. એ સંદર્ભમાં સુન્દરમ કહે છે “પોતાની દરિદ્રતા છુપાવવા તેને અનેક યુક્તિઓ કરવી પડે છે. અનેક રીતે તે પોતાની આબરૂ જાળવવા માથે છે. પ્રતિભાશાળી લેખકની શેલી તેની શબ્દ સમૃદ્ધી એ ઊછીની લે છે પણ એમાય અતિ પ્રકાશી જવાનું ભય લાગતા તે લખાણમાં આડી અવળી, લપન-છપન પોતાને કહેવાનું હોય તે ઉડાડી દેવાનો પ્રયત્ન દાખલ કરી અને મોટા મોટા શબ્દો મૂકી વિચારમયતાનો ડોળ કરી ભાષાનો સ્વચ્છંદ પ્રયોગ કરી નવીનતાનો સ્વાંગ કરી લખાણમાં જોઈએ તેટલું ‘પિસ્ટપેસન’ કરી ખરાબ વાંચકને તે આંજી નાખવા માથે છે.”


   ઉપરોક્ત વિધાન સુંદરમનું હોવાનું મનાય છે. અહીં ખુબ જ્ઞાનેશ્વરી હોવાનું સ્વાંગ ધરનારા અપરિપક્વ સર્જક ઉપર કટાક્ષ છે. ખાલી ચણો વાગે ઘણો, અધુરો ઘડો છલકાય ઘણો એવા નિર્બળ સર્જકો જેમ વિદ્ધવાન હોવાનો ડોળ કરે છે અને ભાષાનો ખોટો પ્રયોગ કરે છે તેવા સર્જક ઉપર કટાક્ષ કર્યો છે.


   ‘સાહિત્ય ચિંતન’માં એક અન્ય નિબંધમાં સુન્દરમ ઉપરોક્ત વિધાનને વધુ સ્પષ્ટ કરે છે. પાંડિત્ય ભાષા કે તળપદી ભાષા બંનેનો સમજ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, ફક્ત વાક્ય બનાવવા માટે જ ભાષાનો પ્રયોગ થાય તો તે ઇષ્ટ નથી. ઉમાશંકર જોશીએ કાવ્ય ભાષા અંગે કહ્યું હતું ‘કોશિયો પણ સમજે તે કવિતા’ સુન્દરમ ઉમાશંકર જોશીના આ વિધાનના સમર્થક છે. ભાષાનું શબ્દ ચાતુર્ય કે વ્યંગ્યપણું બતાવવા ભાવ વહન થતું નથી. વાચકને આંજી નાખવાનો પ્રયત્ન કરવાથી વિદ્ધવાન થવાતું નથી. ભાવ સાધ્ય છે, ભાષા સાધન છે. સુન્દરમ આ વાતને આ રીતે રજુ કરે છે: “લેખકે અર્થને ગમ્ય કરવામાં વિધ્ન કરતી ક્લિષ્ટતા અને અસ્પષ્ટતા ત્યજવી જોઈએ. ભાષા અઘરી કે સહેલી છે તે વિષય કે વાચકના અધિકાર પર અવલંબે છે. દરેક ઠેકાણે તળપદી ભાષાનો કે પાંડિત્ય ભાષાનો પ્રયોગ ઇષ્ટ બની ન શકે. તેમાં માત્ર વિષયની જ આરાધના હોય. પોતાનો શબ્દ ચાતુર્ય કે વાક્ય તત્વ દર્શાવવાનું ન હોય.”

 

[સંદર્ભ ગ્રંથ :]

૧) વિવેચનનું વિવેચન- જયંત કોઠારી ગુર્જર પ્રકાશન

૨) વાત આપણા વિવેચનની- શિરીષ પંચાલ- પાશ્વ પ્રકાશન

૩) ગુજરાતી સાહિત્ય વિવેચન પ્રમાદ કુમાર પટેલ

૪) સુન્દરમ્ સં. શિરીષ પંચાલ

૫) આપણું વિવેચન સાહિત્ય હીરાબેન પાઠક 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ