Recents in Beach

ગુજરાતી આત્મકથાના સાહિત્ય સ્વરૂપની વિકાસ રેખા|Aatm kathani vikas rekha

Gujarati Aatmkthana saahity svrupni vikaas rekha


    પ્રસ્તાવના:-

       આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ આપણે ત્યાં અન્ય અર્વાચીન સવૃપોની જેમ પશ્ચિમમાંથી આયાત થયેલું છે. ગુજરાતી સાહિત્ય અર્વાચીનમાં અધિક ગણાતા નર્મદના હાથે જ આત્મકથાની સાહિત્ય સ્વરૂપના લેખન-સર્જનનો પ્રારંભ થયેલો છે. માત્ર શેશવના સ્મરણો આલેખાયેલા હોય કે વતન પ્રાપ્તિનું અનુરાગ જેમાં અભિવ્યક્તિ પામેલો હોય તેવી કૃતિને આત્મકથા તરીકે ન સ્વીકારતાં એને ‘શેશવકથા’ કે ‘સ્મરણકથા’ તરીકે ગણવી જોઈએ. પરંતુ આત્મકથાની વિભાવના જમાને – જમાને બદલાતી રહી છે.



     આત્મકથાની વિભાવના સમયે- સમયે બદલાતી રહે છે. શરૂઆતમાં નિખાલસ કબૂલાત અને આત્મકથાની અંતિમ લક્ષ્ય ગણવામાં આવતું. બર્નાડ શો વિવેચક એ કહેલું કે ‘The best biographies are confessions.’ ગુજરાતી સાહિત્યમાં મણીલાલ નભુભાઈ દ્રિવેદી આત્મકથા આ દ્રષ્ટિએ ‘ઉત્તમ આત્મકથા’ કહેવી પડે. રૂસો એ પોતાની આત્મકથાને ‘confessions’ એવું જ નામ આપેલું પણ બર્નાડ શો એ એક બીજી શિસ્થ પામી આત્મકથા માટે રજુ કરેલી છે. ‘Biographies must beartistic, if they art to be readable’ કૃતિમાં સર્જનાત્મકતા કેટલી અને કેવી છે એ પણ જોવાવું જોઈએ. રૂસોની આત્મકથામાં આ બંને તત્વોનું સામ્યક સંયોજન જોવા મળે છે.




   આત્મકથાની ત્યારપછીની બદલાયેલી વિભાવના સત્યને પ્રાધાન્ય આપવામાં આવેલી જ્યારથી ટોલેસ્તોયે પોતાની આત્મકથાના નાયક તરીકે ‘સત્ય’ની સ્થાપના કરી ત્યારથી આત્મકથાને સત્યનો વળગણ રહ્યા કર્યો છે. સત્ય હંમેશા સાપેક્ષ છે. મારી દ્રષ્ટિએ હું છે સત્ય નાનું શું તે કદાચ બીજાની દ્રષ્ટિએ સત્ય ન પણ હોય. ગુજરાતીમાં ‘સત્યના પ્રયોગો’ આત્મકથા એ દ્રષ્ટિએ સ્વરૂપની આ વિભાવનાની ઘણી જ નજીક જાય છે. એમાં સત્યકથન નિખાલસ કબુલાત અને સર્જકતાના ત્રિવેણી સંગમ સાંધવા પામ્યો છે. આત્મકથાની પલટાયેલી વિભાવનાના સમયાંતરે સત્ય પર મુકાયેલો ભાર ઘટતો ચાલ્યો છે. કથાનાયકના આંતર-બાહ્ય વ્યક્તિત્વને ઉપસાવી આપે એવી આત્મકથાને માન્યતા સાંપડે છે. ગુજરાતીની સીમાવર્તી આત્મકથા તરીકે ‘સત્યના પ્રયોગો’ની સ્થાપના અવશ્ય થયેલી છે, પરંતુ ગાંધીજીની આ આત્મકથા કેટલી મર્યાદાઓ ધરાવે છે એટલે એક અખંડ કલામય આત્મકથાના અવતરણની આપણે રાહ જોવાની રહે છે.




વિકાસ રેખા:- 

૧) નર્મદની મારી હકીકત :-

    આત્મકથા લેક્ખાનનો સુભારંભ નર્મદ દ્વારા ઈ.સ.૧૮૪૩થી ઈ.સ.૧૮૪૪ સુધીની ‘માનવ ધર્મસભા’ની તથા બીજી અનેકવિધ પ્રવૃત્તિઓની નોંધ રજુ કરતી દુર્ગારામ મહેતાજીની રોજનીશીને ગુજરાતીની પ્રથમ આત્મકથા તરીકે ગણાવે છે. પરંતુ એનો ઉપદેશ આત્મકથા લેખનનો નથી એટલું જ નહિ એ માત્ર રોજનીશી રૂપ છે. ચરિત્ર સાહિત્ય સર્જવા સારું તેની કિંમત કાચી સામગ્રી તરીકે ભલે ગમે તેટલી ગણાતી હોય એ આત્મકથા ન જ ગણાય.



    નર્મદની ‘મારી હકીકત’(૧૮૬૬) કૃતિને ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા ગણવા પાછળ સબળ કારણ એ છે કે નર્મદે ‘સ્વાન્ત સુખાય’ આ કૃતિ રચી છે. એટલું જ નહિ નર્મદે પોતાની વાત અન્યોને કહેવા સારું સભાનપણે પોતાના વૃતાંત રજુ કર્યો છે. આત્મકથાકાર માટે જરૂરી તમામ ગુણો નર્મદમાં છે. સત્ય કથન કરવાની નર્મદની તીવ્ર અભિલાષા એ માત્ર અભિલાષા રહીને જ અટકી જતી નથી. પોતે નિર્ભીક રીતે સત્ય કથન કરે છે. તે લખે છે: “આ હકીકત લખું છું તે કોઈને માટે નહિ, પણ મારે માટે. મારે માટે પણ તે ઓળખાવાને નહિ. દ્રવ્ય પદવી મેળવવાને નહિ પણ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યા કરે તેને માટે.”(મારી હકીકત)



   નર્મદે ‘મારી હકીકત’માં ત્રીજી સપ્ટેમ્બર ૧૮૩૩ થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૫૬ એમ ત્રેવીસ વર્ષની હકીકત લખીને તેની પાંચ –સાત નકલો ‘નર્મગદ્ય’ પુસ્તકના બીજાના અંક બીજા તરીકે ૧૮૬૬માં છપાવી અને પોતાના મૃત્યુ પછી પોતાના આત્મકથામાં જેમનો ઉલ્લેખ એવી સર્વ વ્યક્તિના અવસાન બાદ પ્રગટ કરવા વિનંતી કરીને પોતાના અમુક વિશ્વાસ પાત્ર સંબંધીઓને એક-એક નકલ આપી મૂકી હતી. ૧૯૩૩માં નર્મદની જન્મ સતાબ્દીની ઉજવણી સમયે ‘ગુજરાતી’ સામાયિકે નર્મદની આ આત્મકથા સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રગટ કરેલી. એ અગાઉ આપણા પ્રસિદ્ધ નવલકથાકાર ક.મા.મુનશીએ ૧૯૨૬માં ‘ગુજરાતી’ સામાયિકમાં થોડીક પ્રગટ કરી.


    નર્મદનું વ્યક્તિત્વ આંતર અને બાહ્ય અત્યંત સુંદર રીતે પ્રગટ થઇ શક્યું છે. આત્મકથા લખવા પછવાડે નર્મદનો ઉદેશ સ્પષ્ટ હતો. તેમણે જણાવેલું છે:


નર્મદના પ્રયોજનો: 

(૧) “પોતાની હકીકત પોતે લખી એવો ચાલ આપણામાં નથી તે નવો દાખલ કરવો.”

(૨) ભાવુદાજી, ભાઈ કરશનદાસ મૂળજી, ભાઈ રૂસ્તમજી ગુસ્તાદજી- તેઓએ અને બીજા ઘણાઓએ મારી હકીકત જાણવાની ઈચ્છા દેખાડી. મને ઘણી વાર કહ્યું છે કે તમારી હકીકત અમને આપો.

(૩) મને પણ માલુમ પડે કે આ ખરું ને તે ખોટું .

(૪) મુવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી.


    આત્મકથા લેખન પાછળની સ્પષ્ટ દ્રષ્ટિનું પરિચય કરાવે છે. આત્મકથાના લેખન પાછળનો નર્મદનો સંકલ્પ એનામાં રહેલી સત્ય નિષ્ઠાનો પરિચય કરાવે છે. તે કહે છે: “હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારી તે તો નહિ જ લખવું, પણ જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે મારા સારું કો કે નાસુબો, લોકને પસંદ પાડો કે ન પડો.”



    આ આત્મકથામાં નર્મદનો સૌથી પહેલો ગુણ જે ઉપસી આવે છે તે છે. નિખાલસ આત્મ પૃથ્થક્કરણનો ગુણ. નર્મદનો જે બીજો ગુણ અહીં પ્રગટ થાય છે તે છે નિર્ભીક સત્ય કથનનો અને ત્રીજો ગુણ છે તટસ્થતાનો. નર્મદ તટસ્થ અને નિર્ભીક બનીને લખે છે: ‘હું ભંગ પીતો, પાત ખાતો(બીજી કાંઈ પણ કેફ કરતો નહિ) અને બેરાઓમાં મહાલતો. એકાંતમાં હું નામ મેળવવા અને પ્રેમસંબંધી વિચારો કરતો.’ આ આત્મકથામાં જન્મ, જ્ઞાતિ, કુટુંબ, માતા-પિતા, શિક્ષણ આદિની અનેક વિકલ્પો નિરુપાય છે. ઉપરાંત નર્મદની યુવાવસ્થા, શિક્ષણનો વ્યવસાય, એનો જીવન સંઘર્ષ, એની સુધારક પ્રવૃત્તિ આદિની વિગતો પણ સંગ્રહિત તહી છે. ‘વીર, સત્ય ને રસિક ટેકી પણ’ જેવા એના ગુણો આ આત્મકથામાં જ પ્રગટ થાય છે. પ્રામાણિકતા અને સાહસિકતા નર્મદના વ્યક્તિત્વમાં બે મજબુત સ્તંભ છે. જાતીયવૃતિ વિષયક વિગતો કોઈ પણ પ્રકારનો પડદો રાખ્યા વિના તે રજુ કરે છે. સાહિત્યને ખાત્ર આજીવન તપસ્યા કરવી, ચારઆનાનો દૂધ-પોવા ખાઈને દિવસો કાઢનારો નર્મદ ખરેખર ‘વીર નર્મદ’ હતો. આ આત્મકથાનો બીજો ભાગ ‘ઉત્તરનર્મદ ચરિત્ર’ સળંગ અને સુગ્રંથિત આત્મકથા નથી, પણ એમાં નર્મદે ‘મારી કવિતા’ વિષે મારા વિચાર દર્શાવ્યા છે. સાહિત્ય વિવેચનના અભ્યાસ માટે ‘ઉત્તર નર્મદ ચરિત્ર’નું મૂલ્ય સવિશેષ છે.



૨) મણિલાલ નભુભાઈ દ્રિવેદીનું આત્મવૃતાંત:-

   પંડિત યુગના અભેદ માર્ગના પ્રવાસીઓ મણિલાલ ન. દ્રિવેદીની આત્મકથા, આત્મવૃતાંત આત્મકથા સાહિત્યની ઉલ્લેખનીય કૃતિ છે. એમાં મણિલાલ ન. દ્રિવેદીએ પોતાના જીવનના ૩૮વર્ષોની કહાની આલેખી છે. આત્મકથા તરીકે મુલ્ય આપવામાં આવે છે. એનું કારણ એ છે કે કોઈ પણ પ્રકારના ઢાંક- પીછોડ વિના પોતાના જાતીય વૃત્તિ વિષયક એકરાર કર્યો છે. આ આત્મકથાની અક્ષમય ત્રુટી એ છે કે મણિલાલ ન. દ્રિવેદી પોતાના દુષકૃત્યનાં બચાવમાં પોતાની પવિત્ર એવી અભેદ માર્ગની ભાવનાને આગળ ધરી છે.


   નર્મદની આત્મકથાની જેમ જ મણિલાલ ન. દ્રિવેદીની આ આત્મકથા પણ નીર્વિકતા, નિખાલસતા અને સત્યકથનની, લાક્ષણિકતાઓ ધરાવે છે. નર્મદની જેમ જ આત્મવૃતાંત લખવા પાછળનો એમનો પણ ઉદેશ્ય આત્મ વિકાસ સાધવાનો હતો.




    મણિલાલ ન. દ્રિવેદી પોતાના આ ‘આત્મવૃતાંતમાં શરૂઆતમાં ૧૯ વર્ષોનું નિરૂપણ સુસબંધ અહેવાલ રૂપે કર્યું છે અને ત્યારપછીના ૮ વર્ષોની નોંધ ત્યાર કરી છે. પોતાના અવસાન સમયે મણિલાલને આ આત્મકથાને હસ્તપ્રદ આનંદ-શંકર ધ્રુવની સુપ્રત કરેલી જે આનંદશંકર ધ્રુવ પાસે ૩૩ વર્ષ સુધી પડી રહી. છેવટે સાહિત્ય રસિકોના આગ્રહને વશ થઇ સ્વ. આનંદશંકર ધ્રુવે તેને ‘વસંત’માસિકમાં છ હપ્તા સુધી પ્રગટ કરી હતી. ડૉ. ધીરુભાઈ ઠાકરે ઈ.સ.૧૯૭૯માં એ આત્મકથાને પુસ્તક રૂપે પુસ્તકકારે પ્રગટ કરી.



     મણિલાલ ન. દ્રિવેદી પ્રસ્તાવનામાં પોતાનો અભિગમ સ્પષ્ટ કરતાં લખે છે: “ગુણ વિષે કાંઈ ન બોલતા હકીકત માત્ર જ આપવી પણ દોષ વિશે તો યથાર્થ વર્ણન આપી જે હોય તે જરા પણ સંકોચ વિના જાહેર કરવું.” ડૉ. સતીશ વ્યાસ આ આત્મકથા વિષે નોંધે છે કે “ ચરિત્ર લેખન કલાની અપેક્ષા સાથે આ કૃતિ પાસે જનાર વ્યક્તિને નિરાશા ન થાય બલકે અત્યંત સમૃદ્ધિનો અનુભવ થાય એવી સામગ્રી આ આત્મવૃતાંતમાં પડેલી છે.



     મણિલાલ ન. દ્રિવેદીના આત્મવૃતાંત પછી આપણને નારાયણ હેમચંદ્રની ‘હું પોતે’(૧૯૦૦), દલપતરામ ભટ્ટની ‘મારો વૃતાંત’(૧૯૦૭), ભાઈ શંકર ભટ્ટની ‘મારા અનુભવની હું’(૧૯૧૨) જેવી કૃતિઓ  આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ વાસ્તવમાં આ બધી કૃતિઓ સંપૂર્ણ આત્મકથાનું રૂપ લેતા અટકી ગયેલી કૃતિઓ છે. જેમ કે ‘હું પોતે’ (નારાયણ હેમચંદ્ર) નારાયણ હેમચંદ્ર આ આત્મકથામાં પોતાના જીવનમાં પ્રથમ ૩૪ વર્ષના સંસ્મરણો આલેખાયેલા છે. પોતાના જન્મથી માંડીને પોતે ઇંગ્લેન્ડ મુસાફરી કરી ત્યાં સુધીની હકીકતો તેમાય રસિક અને સાદી શેલીમાં વણી લીધી છે. એમની શેલી ઘણે અંશે ગાંધી શેલીને મળતી આવે છે. કારણ કે ગાંધીજીના સાનિધ્યમાં રહેવાનો યોગ એમને સાંપડ્યો હતો. આ આત્મકથામાં નથી ડોળ કે નથી આડંબર, નથી બનાવટ કે નથી ખોટી આત્મ શ્લાધા, હું પણ નથી જેમ સરિતાનો પ્રવાહ શાંત રીતે વહી જાય છે તેમ તેમની કથાનો પ્રવાહ એક સરખો વહી જાય છે. સત્સંગ, સાદગી, ઈશ્વર નિષ્ઠા અને નિખાલસતા જેવા એમના વ્યક્તિત્વના ગુણોનો પરિચય આ આત્મકથામાંથી થાય છે.




૩) ગાંધીજી ‘સત્યના પ્રયોગો’ આત્મકથા:-

    ગુજરાતી સાહિત્યની સર્વ શ્રેષ્ઠ, સર્વોતમ અને સાહિત્યિક આત્મકથા તરીકે સત્યના પ્રયોગોનું સ્થાન મોખરાનું છે. જગતના આત્મકથા સાહિત્યમાં પણ જેણે આકર્ષક જમાવ્યું એવી આ ગાંધીજીની આ આત્મકથા સાહિત્યની એક માતબર કલાકૃતિ બને છે. એમાં ગાંધીજીનું પારદર્શક વ્યક્તિત્વ જોવા મળે છે.



    આ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પણ બહુ જ અર્થ સૂચક છે. ગાંધીજી પોતે જ કહે છે કે “ મારે ક્યાં આત્મકથા લખવી છે ? મારે તો આત્મકથાને બહાને મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.” આમ ગાંધીજી આ પ્રયોગોને ગોણ સ્વરૂપે આત્મકથા તરીકે ઓળખાવે છે. ગાંધીજી ટોલ્સટોયને અનુસરીને સત્યને પોતાની કથાનું નાયક બનાવ્યો છે. સત્ય નિષ્ઠા અને નિખાલસ અભિવ્યક્તિ એ આ આત્મકથાના નોંધનીય ગુણો છે. આ બે ગુણો પછીથી તો આત્મકથાના પાયાના સિદ્ધાંતો જેવા બની જાય છે.



      ગાંધીજીની આત્મકથા આપણા આત્મકથા સાહિત્યની શ્રેષ્ઠ નમુનો છે. સમગ્ર આત્મકથા પાંચ ખંડોમાં વિભક્ત હોવા છતાં એનું કદ સમતોલ છે. ગાંધીજી આત્મકથાની પ્રસ્તાવનામાં લખે છે: “સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પુજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે. એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો જય થાવો. અલ્પાતમાંને માપવાને સારું સત્યને ગજ કદી ટૂંકો ન બને.”




    ‘આત્મકથા’ સમતોલ બનવા પછવાડે ગાંધીજીની કરકસર યુકત શબ્દ કલા પણ છે. ગાંધીજી સભાનતા પૂર્વક કેટલુંક છોડી પણ દે છે. તે ઓ લખે છે: “સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલંન બધુય હું નથી જ આપતો, એ હું જાણું છું.” ગાંધીજીની ઘટનાઓ પસંદગીના આ પ્રકારનો વિવેક જ સમગ્ર આત્મકથાની સુગ્રંથિત કરી આપે છે. કેટલીક ઘટનાઓ છોડી દેવા છતાં પોતાના દુર્ગુણોની રજુઆતમાં ગાંધીજીએ કોઈ કસર રાખી નથી. ચોરી, ધુમ્રપાન, માંસાહાર જેવી કુટેવોનો એમણે નિખાલસ પણે એકરાર કર્યો છે. આ આત્મકથામાં ગાંધીજીના ૧૮૬૯ થી ૧૯૨૦ સુધીના જીવનનો સમયગાળો વર્ણવાયો છે. ગાંધીજીને સંક્ષિપ્તતા ફાવે છે અને એથી જ કશું મહત્વનું ન રહી જાય એની તકેદારી રાખીને તેઓ ક્રમબદ્ધ રીતે પોતાના માતા-પિતા, કુંટુબ, શેશવ, શાળા જીવન, કોલેજ જીવન, વિલાયત ગમન, હિંદમાં પુનરાગમન, પરિચયો, સત્યાગ્રહ, સ્વાતંત્ર્ય સંગ્રામનો સુભારંભ આડી પ્રસંગોનું નિરૂપણ કરે છે. શરૂઆતના પ્રકરણોમાં જ ગાંધીજી પોતાના દોષોનો સ્વીકાર કરીને આત્મશુદ્ધીના આદર્શને પ્રસ્થાપિત કરી દે છે. 




   દક્ષિણ આફ્રિકાના પોતાના નિવાસ કાળ દરમિયાન ગાંધીજીને અહીસા અને સત્યાગ્રહના આંદોલનનું શસ્ત્ર પ્રાપ્ત થાય છે. ભારત આવીને એ શસ્ત્ર મોટા પાયા પર તેઓ અજમાવે છે. ભારતના સ્વાતંત્ર સંગ્રામનો આખો એક તબક્કો ગાંધીજીના એક પ્રતિભા સારું કસોટીરૂપ હતો. છતાં કોઈ પણ જગ્યાએ આપણને ગાંધીજીના આંતર સંઘર્ષોનો પરિચય સાંપડતો નથી. વિચાર અને કાર્યો વચ્ચે જે ચિત્ત સંચલનો ચાલતા હોય છે, તે અહીં ક્યાંય ચાલતા નથી. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન એવા અનેક નિર્ણયો લીધા પણ હશે. પરંતુ એ નિર્ણયો લેતા એમણે કેવા પ્રકારના વિચાર સંક્રમણમાંથી પસાર થવું પડે એની સાચી છબી એમની આત્મકથામાં ઉપલબ્ધ નથી.


   ‘આત્મબળ’ પ્રાપ્તિ માટેની આખી પ્રક્રિયા આત્મકથામાં ઘણી જગ્યાએ નીરુપાયેલી છે. આ આત્મકથામાં બીજી વ્યક્તિઓમાં તટસ્થ અને તાદ્રશ્ય પ્રાપ્ત થાય છે. (રાજચંદ્ર, નારાયણ હેમચન્દ્ર, ગોપાલ કૃષ્ણ ગોખલે, રાજેન્દ્રબાબુ, શેખ અબ્દુલ્લા, વ્રજ કિશોરબાબુ, કૃપલાણી) વગેરે રેખા ચિત્ર ક્યાંક ટૂંકા તો ક્યાંક વિગતે પ્રાપ્ત થાય છે.



    આ આત્મકથા મુલ્યવાન દસ્તાવેજ બની રહે છે. તત્કાલીન ગુજરાત, ભારત, આફ્રિકા, બ્રહ્મદેશ અને યુરોપના દેશોની એતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક વિગતો ગાંધીજી જ્યારે આલેખે છે ત્યારે સૂક્ષ્મ અવલોકન કરીને જ આલેખે છે. સરળતાની સાથે વેધકતા એ આ આત્મની ભાષા શેલીનો પ્રમુખ ગુણ છે. એમ છતાં નોંધવું જોઈએ કે ગાંધીજી જેવા સોંદર્ય દર્શનની ઈચ્છા પણ છે એનો પારદર્શક, સરળ, વેધક શબ્દ પ્રયોગને કારણે જ સત્યના પ્રયોગો આત્મકથા એ આગવો  પ્રભાવ આજ દિન સુધી આપણા આત્મકથા સાહિત્યના ક્ષેત્રે દાખવી રહી છે, એટલું જ નહિ પણ એકંદરે આ આત્મકથાના દોષો એના ગુણોની નીચે ઢંકાય જાય છે. કારણ કે દોષો કરતા ગુણોનું પલ્લું નમતું છે. વળી સાહિત્યક આત્મકથા તરીકે પણ તેનું મુલ્ય ઊંચું છે. ટૂંકમાં કહેવું હોય તો સત્યના પ્રયોગો આપણા આત્મકથા સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ બને છે.


    આ સમયગાળામાં નન્હાલાલે’ અર્ધસતાબ્દીનાં અનુભવ બોલ (૧૯૭૨) સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ‘અનુભવ વિનોદ’૧૯૯૩.




૪) કાકાસાહેબ કાલેલકરની સ્મરણયાત્રા:- 

     ગુજરાતી સાહિત્યમાં લખાયેલી આ આત્મકથામાં બાળપણથી માંડીને કિશોરાવસ્થા સુધીના સસ્મરણો હળવી વિનોદી શેલીમાં આલેખ્યા છે. એમની શેલી પણ એમના જેવી સાદી અને સરળ છતાં ગાંધીજીએ આંકી આપેલા કિનારા વચ્ચે વહે છે. એમની શેલી ઉપર ગાંધીજીની શેલી પ્રત્યક્ષ અસર છે એ આત્મકથામાં તત્કાલીન મહારાષ્ટ્રની ભોગોલીક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ શેક્ષણિક પરિસ્થિતિના સમ્યક નિરૂપણનાં કારણે ધ્યાન ખેંચે છે. આ કૃતિનું જમા પાસું હાસ્ય રસ છે. ‘વાઘની માસી’, ‘ટાચકા ખોડિયા’ કે ‘કપાળ યુદ્ધ’ જેવા પ્રકરણોને હાસ્ય રસ ને આપણને જોવા મળે છે. 


    દત્તાતરે બાલકૃષ્ણ કાલેલકરને ગાંધીજી ‘સવાઈ ગુજરાતી’ તરીકે બીરદાવેલા છે. આ સસ્મરણ કથામાં ‘નાગર વેલની વાડી’ સરુનાં ઝાડ જેવા પ્રકરણોમાં પ્રકૃતિના રુદ્ર અને રમ્ય સ્વરૂપનો અનુભવ કરાવે છે.



     આ આત્મકથા અંગે કાકા સાહેબનું કહેવું છે કે – “આ તો મારા સસ્મરણોની યાત્રા છે, આત્મકથા નથી.” ‘રખડવાનો આનંદ’, ‘બ્રહ્મ દેશનો પ્રવાસ’, ‘હિમાલયનો પ્રવાસ’ જેવા પુસ્તકોમાં સંસ્કૃતિના પરિવ્રાજક અને રખડવાના અજબ શોખીન-પ્રવાસ પ્રિય કાકાસાહેબના દર્શન થાય છે.


    સત્ય નિષ્ઠા અને નિખાલસ કથન એ આ આત્મકથાના નોંધનીય ગુણો છે. ગાંધીજીની જેમ જ કાકાસાહેબ ચોરી કર્યા પછી પશ્ચાતાપ કરે છે અને એ રીતે પાપનો પ્રાયશ્ચિત કરીને પણ પવિત્ર થવાનો પ્રયાસ કરે છે.




   સ્વભાવે ચિંતનશીલ કાકાસાહેબ આ આત્મકથામાં વિનોદ પૂર્ણ શેલીમાં આલેખન કરે છે. કેટલાંક પ્રસંગોમાં બાળ સહજ કુતુહલ વૃતિ પણ જોવા મળે છે તો કેટલાક પ્રસંગો અડવીત્રો સ્વભાવ પણ પ્રતિક થયા વિના રહેતો નથી. તો ત્યારે સાઈકલ ઉપર જાન લઇ જાય તો શું થાય ? એવી તરંગ કલ્પનામાં પણ કાકાસાહેબ સૌ કોઈને વિહાર કરાવે છે, હસાવે છે, અને એ જ તો એમની વિરોધી શેલીનું આગવું લક્ષણ છે. ડૉ. ઉપેન્દ્ર ભટ્ટ નોંધે છે કે “બાળકો અને કિશોરો માટે આ સંસ્મરણો લખ્યા હોત તો ભાષા અને ચિંતન કેટલે અંશે સમજી શકાશે એનો ખ્યાલ રાખવાનો એ વિસરી ગયા છે એમ ક્યારેક આપણને લાગે છે.” સ્મરણયાત્રાની શિશુ સહજ મુગ્ધતા, રમતિયાળ પણું જેવી સૌથી મોટી અને અત્યંત મહત્વની સિદ્ધિઓ નોંધપાત્ર છે. આ આત્મકથાનું બીજું આકર્ષક તત્વ એમાંના કાવ્યમય વર્ણન, પ્રકૃતિના પરમ ઉપાસક કાકા સાહેબ આ ગદ્ય કવિતામાં પોતાના જીવનના અતીતને શબ્દ દેહે ખાડો કરી દીધો છે. ચિંતનનો ભાર ન લાગે તેવા ચિત્રાત્મક વર્ણન વધુ આસ્વાદ્ય બન્યા છે. ‘અડધે રસ્તે’ થી ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ રંગદર્શી પ્રકૃતિના મુનશી આત્મકથાથી આપણા આત્મકથા સાહિત્યમાં નવો વળાંક લાગે છે. માનવી દિવસે પોતાના જીવન તરફ જોતો ગયો અને અહમ કેન્દ્રી વલણ અપનાવતો ગયો. પરિણામે ગાંધીજી કે કાકા સાહેબની આત્મકથામાં જે ભ્રમણાનો અનુભવ થાય છે. તેવું મુનશીની આત્મકથામાં બનતું નથી. વિશ્વનાથ ભટ્ટ કહે છે કે ‘મુનશીની આત્મકથા સર્જનાત્મક છે.’



    એક સિદ્ધ હસ્ત જ્યારે પોતાની અંગત કથની આલેખે ત્યારે સર્જકતાની દ્રષ્ટિએ કેવું રૂડું પરિણામ આવે તે મુનશીની આત્મકથાના ત્રણ ગ્રંથો દર્શાવે છે. મુનશીની સર્જક હોવા છતાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પણ અગ્રેસર હતા. બંધારણ સભાના સદસ્ય પણ રહી ચુકેલા એટલું જ નહિ પણ ઉત્તરપ્રદેશના ગવર્નર પણ હતા. ભારતીય સ્થાપત્ય અને ગુજરાતની અસ્મિતાના સ્વપ્નો સેવીને એમણે સાકાર રૂપ આપવા મથનાર તરકે મુનશીનું વ્યક્તિત્વ અત્યંત જાણીતું હતું.



    કનેયાલાલ મુનશીએ ‘અડધેરસ્તે’(૧૯૪૨), સીધા ચઢાણ પુસ્તક પહેલું(૧૯૪૩) અને સીધા ચઢાણ પુસ્તક બીજું (૧૯૪૩), સ્વપ્ન સિદ્ધિની શોધમાં(૧૯૫૩) આમ ચાર પુસ્તકોમાં ઈ.સ.૧૮૮૭ થી ૧૯૨૬ સુધીના તેમના ૨૯ વર્ષનું આત્મવૃતાંત આશરે ૧૧૦૦ પાનામાં આપેલું છે. ‘અડધેરસ્તે’(૧૮૮૭-૧૯૦૬) મુનશી પિતૃ ભક્તિને એક સંસ્કારી તાકાત આત્મ શ્રદ્ધા પ્રેરતી એક મહત્વકાંક્ષા, એક પ્રેરકબળ અને તેથી જીવન સમૃદ્ધી માને છે. એટલે અડધે રસ્તે’ ના પહેલા ખંડ ટેકરાના મુનશીમાં પોતાના વંશનો ઈતિહાસ આપતા તેમના શીઘ્રતા, ટેકીલા અભિમાની અને આડંબરી બાહોશ અને બોલકણા નટખટ અને નાટકીય તેમજ કોઈવાર બાળક જેવા પૂર્વજો મુનશી-નિષ્પક્ષ પરિચય કરાવે છે.




     બીજો ખંડ ‘બાલ્યકાંડ’માં મુનશી તેમના જન્મકાળથી શરુ કરી મેટ્રીકની પરીક્ષામાં તે સફળ થયા ત્યાં સુધીનો વૃતાંત આપે છે. અહીં તેમના વિલક્ષણ શિક્ષકો સહઅધ્યાયીઓ તેમનામાં આત્મશ્રદ્ધા પ્રેરનારા શિક્ષક ઉત્તમરામ, સરળ સ્નેહાળ મિત્ર દલપતરામ કાર્યદક્ષ, પ્રામાણિક માણેકલાલ મુનશી(પિતા) અને વિશુદ્ધ કર્તવ્ય પરાયણ માધુર્ય મૂર્તિ માતા તાપી ગોરી જીજીમાં વગેરેનો પરિચય મળે છે. આજ અરસામાં યજ્ઞોપતી અપાયો અને અતિલક્ષ્મી સાથે લગ્ન પણ થયું. તાપીબાએ બાળપણમાં કહેલી પુરાણની કથાઓ માણભટ્ટનીકથાનું સ્મરણ, વાંકાનેર નાટક મંડળીના નાટકોની અસર ‘અરેબિયન નાઈટ્સ’ જેવી વાર્તાઓનું વાંચન બાળક કનેયાલાલની કલ્પનાને ઉશ્કેરી મુકે છે.


    અડધે રસ્તે’નો ત્રીજો ભાગ વડોદરા કોલેજમાં (૧૯૦૨ થી ૧૯૪૬) સુધીનાં વર્ષનો મુનશી મુંબઈ યુનીવર્સીટીમાં ગ્રેજ્યુએટ થયા સુધીનો અહેવાલ છે. અહીં મુનશીની મંડળીએ કરેલા તોફાન તેમના ભવિષ્યના જીવન ઉપર સચોટ અને સ્થાયી પ્રભાવ પાડનાર પ્રાધ્યાપક જગ જીવન વલ્લભજી શાહ અને અરવિંદ ઘોષ એમણે કરેલું વાચન અન્ય પુસ્તકોની તેમના પર અસર વગેરે.




   અડધે રસ્તે’ના અનુંસંધાનમાની કૃતિ ‘સીધા ચઢાણ’ના મુંબઈની શેરીઓમાં’ નામના પ્રથમ ( ૧૯૦૭)માં મુનશી આર્થિક સંકળામણો વચ્ચે અભ્યાસ શરુ કરી (૧૯૩૩)માં એડવોકેટ થયા ત્યાં સુધીનાં સ્મરણો છે. મુંબઈના ખર્ચને પહોંચી વળવા મુનશીને અઘરું પડે છે. અને તેથી તેમને બી.એ. માં મળેલું ઇનામ વેચી દેવું પડે છે. દામ્પત્ય જીવનમાં પણ તેમને અપૂર્ણતા લાગે છે. સચિનની સસ્મરણ મૂર્તિ એમની સતોની કાલ્પનિક સહચરણ બની જાય છે. મિત્ર મનુંકાકા અને કાર્લાઈલ પાસેથી મુનશીને સારી પ્રેરણા મળે છે.


    બીજા ખંડમાં હાઈકોર્ટ (૧૯૧૩ થી ૧૯૨૨)માં મુનશી અદાલતના અનુભવો વર્ણવે છે તે ઉપરાંત તેમના મિત્રો સ્નેહી સબંધીજનો, એડવોકેટો અને ન્યાય મૂર્તિઓ, રેખા ચિત્રો મુનશી દોરે છે.



    (સીધા ચઢાણનાં ત્રીજા ખંડને મુનશી ‘મધ્ય રણય’ કહે છે, કેમકે એમના જીવનના મધુરમાં મધુર અનુભવ એમણે આ ‘માથેરણ’- ‘મીઠાઅરણે’માં જ થયા હતા અને ત્યાં આ પુસ્તક પણ લખાયું હતું.) અહીં કનેયાલાલ મુનશીએ સાહિત્યિક પ્રવૃતિનું સવિસ્તાર ઈતિહાસ મળે છે અને એટલે જ સાહિત્યના ઇતિહાસના અભ્યાસની દ્રષ્ટિએ આ ખંડ મહત્વનો બને છે. આ ખંડ લખવા માટે એમને ચન્દ્રકાન્ત પંડ્યા, કાંતિલાલ પંડ્યા અને મનસુખલાલ માસ્તરે પ્રેરણા આપી છે.




    ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ આત્મકથાની અંદર વર્ણવાયેલો ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીનો સમય મુનશીના જીવનમાં વિશેષ સર્જનાત્મક અને એમની દ્રષ્ટિએ ઘણો મહત્વનો છે. લીલાવતી અને કનેયાલાલ મુનશી પરસ્પર મેત્રીનો સ્વીકાર કરે છે. બંને એકબીજામાં અપૂર્વ આત્મીયતાનો અનુભવ કરે છે. પત્રો દ્વારા તેઓ એકબીજાનાં દુઃખ રડે છે. તેમને માટે હવે ભાવનામયતાને કર્તવ્યની કસોટી પર ચઢાવવાનો સમય આવે છે. નાનકડી વીરાંગના અતિ લક્ષી ઓદાર્યથી અદભૂત આત્મ સમર્પણ કરે છે અને પછી લીલાવતી, અતિલક્ષ્મી અને મુનશી યુરોપનો પ્રવાસ કરે છે. લીલાવતી અને મુનશીની દ્રષ્ટિએ સંયોગોનું સુખદ પરિવર્તન થાય છે. અંત:રાયોનો અણધાર્યો ઉકેલ આવે છે. યુરોપથી પાછા આવ્યા પછી પ્રસ્તુતિ પછીની માંડી અતિલક્ષ્મી અવસાન પામે છે. મુનશીના કુટુંબમાં લીલાવતી ઓતપ્રોત થઈને બધો ભાર ઉપાડી લે છે. મુનશીના બાળકોના હ્રદયમાં પણ તે પ્રવેશ કરે છે. લીલાવતીના પતિ લાલભાઈનું પણ ઓચિંતું અવસાન થાય છે. આખરે જીજીમાની અનુમતિથી લીલાવતી સાથે મુનશી લગ્ન કરે છે અને આમ એની ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ની શોધ પૂરી થાય છે. બીજી બાજુ સ્વપ્ન-ગુજરાતની અસ્મિતાની ભાવનાનો ઉદય થયો અને તેનો વિકાસ પણ સાહિત્ય પ્રવૃતિ અને સાહિત્ય પરિસદ દ્વારા સિદ્ધ થાય છે.



   મુનશીની આ કૃતિઓ વાંચતા ચરિત્ર નિરશ ઈતિહાસ, શાસ્ત્રમટી સર્જનાત્મક, સાહિત્ય રચના કેવી રીતે બની શકે તેની પ્રતીતિ થાય છે. આ કૃતિઓમાં વાસ્તવિક જીવનમાં રસલક્ષી, વિનોદમય અને વેગીલી શેલીની સહાયથી વિવિધ પ્રસંગો અને પાત્રોનું ચિત્રાત્મક શેલીમાં છટાયુગ નિરૂપણ કરે છે.



     પ્રસંગ ચિત્રો અને વર્ણનો ઉપરાંત મુનશીની આ આત્મકથાઓ સ્મરણીય અંગ તેમાં આવતી અનેક વ્યક્તિઓના વિશેષત: કેટલાંક જ્ઞાત, અજ્ઞાત ગુજરાતી નાર-નારીઓનો પહેલી જ વાર ગુજરાતી સાહિત્યમાં નીરુપાતા સુક્ષ્મ અને સુરેખ, ચેતનવંતા અને ચમકદાર, યથા પ્રસંગ વ્યંગ્યાત્મક વ્યક્તિ ચિત્રો છે. ચારે કૃતિઓમાં આવા અસંખ્ય રેખા ચિત્રો વેરાયેલા પડ્યા છે. જેમકે સંગીત પ્રવીણ એવા તાપીઓ, કપડાંના શોખીન નરભેરાવ મુનશી જીવનને નાટક માનનાર જીવનના રસિયા કલાકાર અધુભાઈ સરકાર, અધુભાઈનાં પ્રિય સંગાથી જીવનને એક મોટી મજાક સમજનાર ધીરજ. લાલ, ચારિત્ર્યશીલ, માયાળુ માણેકલાલ મુનશી વગેરે, આ વ્યક્તિ ચિત્રોની પરંપરા ‘સીધા ચઢાણ’ અને ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ પણ ચાલુ છે. એમાં એમના અંગત, અદાવત વિષયક, સાહિત્યિક અને રાજકીય જીવનમાં પ્રવેશ કરતી વિવિધ વ્યક્તિઓનો પરિચય કરાવે છે.



    જેમકે કોટુંબિક પરિચિત વ્યક્તિઓમાં કનેયાલાલ મુનશીની ત્રણ જીવન ધાત્રીઓ- જીજીમાં, અતિલક્ષ્મી અને લીલાવતી, મમતાળુ મનુકાકા, જીવન કલાકાર છોટુભાઈ, અંબાશંકર મલજી, દલપતરામ, દુર્ગાશંકર, લક્ષ્મીબહેન અને શ્રીમતી ઈચ્છાબહેન દેસાઈ મુખ્ય છે. અહીં મંગલ મૂર્તિ માણેકલાલ મુનશીનું પાત્ર અને જીજીમાનું પાત્ર અતિ ભક્તિ પૂર્વક આલેખાયેલું છે. આ ઉપરાંત મુનશીના અદાલતના પરિચિતોમાં નટુભાઈ અને જોઈતારામ વગેરે એડમીનીસ્ટરો છે. ભુલાભાઈ, સનાતન યુવક સર ચીમનલાલ, સર દિનશામુલ્લા વગેરે. ન્યાય મૂર્તિઓમાં સ્કોટ, બેચલર, રસઈ વગેરે.


    સાહિત્ય ક્ષેત્રે કનેયાલાલ મુનશીના પરીચીતમાં ચન્દ્ર શંકર પંડ્યા, રણજીતરામ વાવાભાઈ મહેતા, નરસિંહરાવ દિવેટિયા, બ.ક.ઠાકોર, ન્હાનાલાલ, બટુભાઈ ઉમરવાડીયા, ગોકુલદાસ રાયચુડા વગેરેને ગણાવી શકાય.



૫) ચંદ્રવદન મહેતાની ‘ગઠરિયા’:

     મીરાંબાઈની પ્રસિદ્ધ પદ પંક્તિ ‘બાંધ ગઠરિયા મેં તો ચાલી’ એવા અનુકૂળ શીર્ષકો યોજી ચં.ચી મહેતાની ‘બાંધ ગઠરિયા’ ભાગ ૧,૨(૧૯૫૪), છોડ ગઠરિયા’(૧૯૫૫), ‘સફર ગઠરિયા(૧૯૫૬) અને રંગ ગઠરિયા(૧૯૬૫) ઉપરાંત રૂપ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, અંતર ગઠરિયા અને ધ્રુવ ગઠરિયા આમ ૧૦ ભાગમાં વહેચાયેલી ગુજરાતી સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ નાટ્યકાર તથા કવિ અને વિવેચક શ્રી મહેતાની આ આત્મકથા આપણા સમયની એક અત્યંત સુદીર્ઘ આત્મકથા છે. એની ખાસિયત એ છે કે આત્મકથામાંથી આ કૃતિ ક્રમશઃ પ્રવાસ કથામાં પ્રવેશે છે. આ આત્મકથાઓ વાંચતા એમાં નાત્ય્કારને અજબ શક્તિના દર્શન થયા વિના રહેતા નથી. જાણે કે ભાવક સાથે સીધી વાત કરતાં હોય એવું સંવાદ તત્વ એમની ભાષાઓ જોવા મળે છે. શ્રી મોહનભાઈ પટેલ નોંધે છે ‘સંતુલિત ચંચલિતતા’ એમના ગદ્યનું એક આગવું લક્ષણ છે.’ શેલી એ આત્મનું જમા પાસું છે. તળપદી, સરળ, સુગઢ ભાષા અને રજૂઆતની એક આગવી રીતિ આત્મકથા ભલે પ્રવાસ કથા બની હોય છતાં રમણીય અને સ્મરણીય બની છે.



૬) જીવનનું પરોઢ (પ્રભુદાસ ગાંધી):-

     ઉમાશંકર કહે છે કે જીવનના પરોઢથી ગાંધીજી વિષયક સાહિત્યમાં એક અગત્યનો ઉમેરો થાય છે. જીવનનું પરોઢનું કલા વિધાન એવું છે કે એને આત્મકથા તેમજ જીવનકથા બંને કહેવું જોઈએ. લેખકના બાળપણના ચારથી બાર વર્ષના સંસ્મરણો અહીં ગુંથાયા છે. એ અર્થમાં જીવનનું પરોઢમાં લેખકના બાળપણ અંગેની કેટલીક માહિતીઓ સૌપ્રથમ વાર રજુ કરવામાં આવી છે એ રીતે પણ ગુજરાતી સાહિત્યમાં એનું મુલ્ય સવિશેષ છે. પ્રભુદાસ ગાંધીનું સમગ્ર જીવન ગાંધીજી અસર જીવીને પલ્લવિત બન્યું છે. એમના આચાર-વિચાર અને વર્તન પર ગાંધીજીને સ્પષ્ટ છાપ અંકિત થયેલી છે. આ ઉપરાંત ‘જીવન પંથ’, ‘જીવન રંગ’, અને ‘જીવન સ્વપ્ન (ધૂમકેતુ)




૭) આત્મકથા ભાગ-૧,૨,૩,૪(ઇન્દુલાલ યાજ્ઞિક):-

     ઇન્દુચાચા તરીકે સમગ્ર ગુજરાતમાં ખ્યાતી પ્રાપ્ત કરનાર શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાની આત્મકથાની એક જગ્યાએ ‘અંતર્મુખીની આત્મકથા’ તરીકે ઓળખાવે છે. પોતાના જાહેર જીવનની તેમજ પોતાના અંગત જીવન વિષે ઇન્દુચાચા નિર્ભય પણે સત્ય વક્તા બની બધી વિગતો એમાં આલેખે છે. આત્મકથાની પ્રસ્તાવનામાં એમણે ઓછી વાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે:- “આદિથી અંત સુધી તેમાં ઝડપતા અને સુગંધીદાર અનેક માનવ પુષ્પો નિર્જીવ હું તો એક સૂત્ર રૂપે ઢંકાય જાઉં છું.”



    પ્રથમ ભાગ ‘જીવન વિકાસ’માં લેખકે પોતાના જીવનના પચ્ચીસ વર્ષોની ગાથા આલેખી છે. વતન નડિયાદની વાસ્તવિક છબી આલેખીને એમણે વાંચકોને પણ નડિયાદની ગલીએ ગલીએ ફેરવી લાવે છે. એમનો બીજો ભાગ ‘ગુજરાતમાં નવજીવન’ લેખકના જીવન ઉત્કર્ષમાં ગુજરાતે સો-સો ભાગ ભજવ્યો તેની કથા આલેખે છે. ગુજરાત લેખકની માતૃભુમી અને કર્મભૂમિ બની ગઈ. આત્મકથાનો ત્રીજો ભાગ ‘કારાવાસ’માં લેખકે અનુભવેલા જેલ જીવનના સંસ્મરણો નિરૂપ્યા છે અને ચોથા ભાગ ‘જીવનસંગ્રામ’માં લેખકે અનુભવેલી અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિનો અહેવાલ બની ગયો છે. ઉપરાંત આત્મકથાનો પાંચમો ભાગ ‘કિસાન સભા’ અને છઠ્ઠો ભાગ ‘છેલ્લા વહેણ’ અપ્રગટ છે. ‘આત્મકથા’, ‘સત્યના પ્રયોગો’, પછીની ઉલ્લેખ પાત્ર કૃતિ છે.



   ત્યાર પછી ચાપસી ઉદેશીએ ‘સ્મૃતિ સંવેદન’, જય શંકર સુંદરીએ ‘થોડા આંસુ થોડા ફૂલ’ વગેરે આત્મકથાઓ આપી છે. આ ઉપરાંત આ સમયગાળામાં ‘મારી દુનિયા’ સ્નેહરશ્મિએ પોતાના જન્મથી માંડીને પોતે મેટ્રિક થયા. ત્યાં સુધીના સંસ્મરણો આલેખ્યા છે. આ આત્મકથામાં કાકાસાહેબની ‘સ્મરણયાત્રા’નું અનુસંધાન અહીં જોવા મળે છે.



    ‘અલપ ઝલપ’ પન્નાલાલ પટેલ આપણા સિદ્ધ હસ્ત નવલકથા. આપણા પન્નાલાલે પોતાના શેશ્વના સંસ્મરણો અલપ-ઝલપમાં રજુ કર્યા છે. ધૂમકેતુએ ‘જીવનપંથ’. રસિક ઝવેરી રચિત કૃતિ અલગારી રસિક ઝવેરી ૧૯૭૪, ગુલાબદાસ બ્રોકરની અમૃત દીક્ષા, ફાધર વાલેસ ‘આત્મકથાના ટુકડા’, પંડિત સુખલાલની ‘મારું જીવન વૃતાંત’૧૯૮૦, શ્રી બબલભાઈ મહેતાની ‘મારી જીવનયાત્રા’૧૯૮૨, ક્રાંતિકારી ચિંતક અને સંત સ્વામી સચ્ચિદાનંદ કૃત ‘મારા અનુભવો’ એ તેમની આત્મકથા છે. પરંતુ એક સંતની આત્મકથા તરીકે તે અનેરી ભાત પાડે છે. ગુજરાતી સાહિત્યની ‘સત્યના પ્રયોગો’થી શરુ થતી ઉત્તમ આત્મકથા પરંપરામાં છેલ્લો ગણના પાત્ર સીમા સ્તંભ છે.



   આ બધી આત્મકથાઓ જોતા એક બાબત સ્પષ્ટ થાય છે કે ભલે થોડી સંખ્યામાં પરંતુ આત્મકથામાં સાહિત્ય પ્રકાર ગુણવત્તાની પુરેપુરી સભાનતા સાથે ખેડાયો છે. આત્મકથાનો લેખક જે સમયમાં જનમ્યો, ઉછર્યો અને એનું જીવન ઘડતર થયું તે સમયનું ચિત્રણ એટલે કે ગુજરાતના છેલ્લા સેકાની સાંસ્કારિક, સામાજિક પરિસ્થિતિનું દસ્તાવેજ રજુ કરે છે.


   ન્હાનાલાલ- અર્ધ સતાબ્દીના અનુભવો

   જયંત પાઠક- વનાંચલ

   છોટાલાલ નાભે- આત્મકથા નાભેદ

   શારદાબહેન મહેતા- જીવન સંભારણા

   કનુબહેન દવે- મારી જીવન સ્મૃતિ તથા નોંધપોથી

   રાવજીભાઈ પટેલ- જીવની સંભારણા ભાગ-૧,૨

   ધનસુખલાલ મહેતા- આથમતે 

   પ્રભુદાસ – જીવનનું પરોઢ 

   રમણલાલ વ. દેસાઈ- ગઈકાલ અને મધ્યાહના, મૃગજળ 

  ન્હાનાભાઈ ભટ્ટ- ઘડતર અને ચણતર ભાગ-૧,૨

  ડૉ.હરિપ્રસાદ પંડ્યા- જ્વાળા અને જ્યોત

  બ.ક.ઠાકોર- પંચોતેરમે આત્મકથા  


   ઉશનસ;- સદમાતાનો ખાંચો ૧૯૮૮ના ડીસેમ્બરમાં પ્રગટ થયેલી આત્મકથાની કે જેને ઉશનસ આત્મકથા નહિ પણ સ્મૃતિ તરીકે જ ઓળખાવે છે. આ સ્મૃતિ કથામાં ઈ.સ.૧૯૩૦ થી ઈ.સ.૧૯૬૮ સુધીના ૩૮ વર્ષની આત્મકથા જ આલેખવા પામી છે. આ આત્મકથામાં બે નાગર પાત્રો છે. સિદ્ધપુર અને સાવલી. એક માં છે રુદ્રમાળનો ખાંચો અને બીજામાં છે સદમાતાનો ખાંચો.   




   FAQ/ટૂંકા સવાલ-જવાબ 



૧. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કયા યુગમાં લખાઈ? કઈ? તેના સર્જકનું નામ જણાવો>

-> ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા અર્વાચીન યુગમાં લખાઈ, જેનું નામ છે “મારી હકીકત” અને એના સર્જક છે નર્મદ.

 


૨. ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ આત્મકથા ક્યારે લખાઈ?

-> ૧૯૪૫ માં કાશ્મીરના પહેલ ગામમાં લખવાની શરૂઆત કરી હતી.

 


૩. “આત્મકથા એના લેખકના સંકુલ અંતરંગનો આવિષ્કાર છે.” આ વ્યાખ્યા કોણે આપી છે?

-> ડૉ.સતીશ વ્યાસ.

 


૪. ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ આત્મકથાનો કાલખંડ જણાવો.

-> ૧૯૨૩ થી ૧૯૨૬

 


૫. ‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ આત્મકથા ખંડ શિવાયના બીજા બે ખંડોના નામ જણાવો.

-> ‘અડધેરસ્તે’, ‘સીધાં ચઢાણ’

 


૬. ‘પૂર્ણ સત્ય’નાં લેખકનું નામ જણાવો.

-> બી.કેશર શિવમ

 


૭. ‘પૂર્ણ સત્ય’નાં લેખક પર વિશેષ કોનો પ્રભાવ છે?

-> ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ