Recents in Beach

ras aetle su? samjavi ras nishpati vishe vividh aacharyona mantvyo

 


પ્રશ્ન:- રસ  એટલે શું? તે સમજાવી રસ નિષ્પત્તિ વિશેના વિવિધ આચાર્યોનાં મંતવ્ય સ્પષ્ટ કરો.


પ્રશ્ન:-રસ નિષ્પત્તિની પ્રક્રિયા અને એ અંગેના વિવિધ આચાર્યોના મતો જણાવો.


પ્રશ્ન:-ભરતનું રસ સૂત્ર સમજાવી ભારતીય વિદ્વાનોના રસ અંગેના વિવિધ વાદોની સમજ આપો.


 

      ગુરુ તો મંત્ર બોલીને ચાલ્યા ગયા ને ચેલાઓ વર્ષો સુધી મંત્રની ચર્ચા કરતા રહ્યાં, એવું ભરતના રસ સુત્રનું થયું છે.


      ‘નાટકનાં નટની કૃત્રિમ ભૂમિકાની ભાવકને રસાસ્વાદ કેમ થાય છે?’ અને ‘વિભાવ, અનુભાવ તથા વ્યભિચારી ભાવોના સંયોગથી રસ નિષ્પતિ કેવી રીતે થાય છે?’- આ બે પ્રશ્નોની ચર્ચામાં ભરત પછીના સર્વ રસ મિમાંસકોએ બુદ્ધી કસી છે.


      ‘નાટ્યશાસ્ત્ર’ પરની અભિનવ ગુપ્તની ‘અભિનવ ભારતી’ જ એ પ્રાપ્ત ટીકા છે, જે ને આધારે જ રસ વિષયક વિવિધ મતોનો પરિચય મળે છે. ભરતથી અભિનવ સુધીનાં ૭૦૦-૮૦૦ વર્ષ સુધીના ભામાં, દંડી, લોલટ, સંકુક, આનંદ વર્ધક, ભટ્ટ નાયક જેવા રસ મિમાંસકોનાં મતો રજુ થાય છે. પૂરોગામીના રસનું પરિક્ષણ કરીને પોતાનો મત રજુ કરવાની પરિપાટી તે સમયે હતી. તે મુજબ રસ પ્રક્રિયાના મુખ્ય મત નીચે મુજબ છે:
૧) ભટ્ટ લોલટનો ઉત્પત્તિવાદ:

      ભટ્ટ લોલટનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. ફક્ત અભિનવ ગુપ્તના ‘અભિનવ ભારતી’ અને આનંદ વર્ધનના ‘ધ્વન્યાલોક લોચન’ નામનાં ગ્રંથમાં તેમ જ મમ્મટના ‘કાવ્ય પ્રકાશ’માં તેમના સિદ્ધાંતના અવતરણોના આધારે જ ભટ્ટ લોલટનાં રસ વિષયક મતનું પરીક્ષણ કર્યું છે. જેનાં નોંધ પાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે:


(૧) રસ ચર્ચાનાં ઇતિહાસમાં લોલટનો રસ વિચાર ‘ઉત્પત્તીવાદ’ તરીકે જાણીતો છે. કેટલાંક વિદ્વાનો તેને ‘ઉપચયવાદ’ કે ઉપચિતીવાદ તરીકે ઓળખાવે છે. અહીં ઉપચય એટલે ક્રમશઃ એકત્ર થવું તે, ક્રમશઃ સંવર્ધન પામવું તે, ક્રમશઃ પરિપોષ પામવું તે એવો થાય છે.


(૨) લોલટનો રસ વિચાર એના જે મૂળ ગ્રંથમાં રજુ થયેલો એ અત્યારે ઉપલબ્ધ નથી, પણ અભિનવ એ પોતાના ગ્રંથ ‘અભિનવ ભારતી’માં લોલટના મતને સંક્ષેપમાં પણ સ્પષ્ટ રીતે મૂકી આપેલો છે. એ જ રીતે મમ્મટે ‘કાવ્ય પ્રકાશમાં રસ ચર્ચા કરતાં લોલટનાં મતને પોતાની રીતે સંક્ષેપમાં રજુ કર્યો છે. આમ, લોલટની વિચારણાના બે મહત્વના સ્ત્રોત આપણી સામે છે, પણ બંનેની રજુઆતમાં થોડી વિગતોનો ફેરફાર છે.


(૩) લોલટનાં માટે ‘રસ’ મુખ્યત્વે કરીને નાટકના પાત્રોમાં ઉત્પન્ન થાય છે. કાલિદાસના પ્રસિદ્ધ નાટક અભિજ્ઞાન શાકુંતલમનું દ્રષ્ટાંત લઈએ તો તેના પાત્રો દુષ્યંત, શકુંતલા આદિમાં રસ ઉત્પન્ન થાય છે. એમ લોલટનો અભિમત જણાય છે. વળી રંગ ભૂમિ પણ અભિનેતા અને અભિનેત્રી દ્વારા આ શાકુંતલ નાટકના પાત્રો રજુ થાય છે. ત્યારે ગોણ ભાવે રસ નટ નટીમાં દેખા દે છે. જરા જુદી રીતે કહીએ તો રસ તત્વની ઉપસ્થિતિ મૂળ પાત્રોમાં સ્વીકારવાની રહે છે. જ્યારે નટ નટીઓમાં તો કેવળ એનું પ્રતિબિંબ ઝીલાય છે. અથવા પ્રતિ ફલન થાય છે.રસ નિષ્પત્તિની પ્રક્રિયા


(૪) ભટ્ટ લોલટના રસ વિચારનું તાત્પર્ય જોતાં એમ લાગે છે કે સ્થાયી ભાવ અને રસ વચ્ચે તેઓ વાસ્તવિક ભેદ કરતાં નથી અર્થાત મૂળ પાત્રોમાં ઉત્કટ બનેલો- પ્રબળ બનેલો એવો સ્થાયીભાવ પોતે જ રસ છે. આ રીતે લોલટમાં સ્થાયીભાવ અને રસ વચ્ચે કોઈ રીતે ભેદ કરવાનું વલણ દેખાતું નથી.


(૫) લોલટનાં મત પ્રમાણે મૂળ પાત્રમાં વિભાવ અનુભાવ અને વ્યભિચારી એ ત્રણેયનું સંયોગ થાય છે. અને ત્યાં રસ ઉત્પન્ન થાય છે. ભરતના રસ સૂત્રમાં સંયોગ અને રસ નિષ્પત્તિ એવી બે સંજ્ઞાઓ છે. એને અનુલક્ષીને લોલટ એમ કહે છે કે અહીં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવનો દુષ્યંત કે શકુંતલા જેવા પાત્રના સ્થાયી ભાવ જોડેનો સંયોગ સમજવાનો છે. નિષ્પત્તિ એટલે જ ઉત્પત્તિ એમ એ સમજાવે છે. પણ લોલટની આ મૂળભૂત ભૂમિકા જ પાછળથી બીજા વિદ્વાનોનું આક્રમણ સ્થાન બને છે.


(૬) લોલટનાં મતને મમ્મટે જરા જુદી રીતે મુકેલો છે. મમ્મટ લોલટનાં મતને સમજાવતાં કહે છે કે વિભાવથી સ્થાયી ભાવ ઉત્પન્ન થાય છે. અનુભાવથી એ સ્થાયી ભાવ ઇન્દ્રિય પ્રત્યક્ષ બને છે. અને વ્યભિચારી ભાવથી એનું પોષણ થાય છે.


*લોલટની વિચારણા સામેના વાંધો:-


    લોલટએ રસનો અનુભવ કરતાં પ્રેક્ષક એટલે કે સામાંજીક્તાનો ખ્યાલ કર્યો હોય એમ જણાતું નથી એટલે એમ કહી શકાય કે નાટ્ય ગૃહમાં બેઠેલો પ્રેક્ષક રંગમંચ પરનું નાટક કેવી રીતે પ્રમાણે છે તે આખી પ્રક્રિયાને લોલટ એ લક્ષમાં લીધી નથી. લોલટએ દુષ્યંત, શકુંતલા આદિ મૂળ ઇતિહાસમાં પ્રસિદ્ધ પાત્રોમાં જ રસની ઉત્પતિ સ્વીકારી છે. મુખ્યત્વે દુષ્યંત, શકુંતલા વગેરે પાત્રોમાં વિભાવ આદિના પોતાના સ્થાયી પ્રભાવ (પ્રબળ થયેલો સ્થાયીભાવ એજ રસ) ઉત્પન્ન થાય છે. પણ આ રીતે તો રસની ઉત્પતી વ્યવહાર જીવનનાં કાર્ય કારણમાં સમુહથી સમજાવવાનો પ્રયત્ન થયો છે. એમ લાગે અર્થાત સંસારમાં કોઈ પણ માણસ જે રીતે પ્રેમ, શોક, ક્રોધ આદિ ભાવો અનુભવે એ જ રીતે અને એજ ભૂમિકાની દુષ્યંત, શકુંતલાના ભાવો પણ સમજવા પડે. તાત્પર્ય એ જ કે ‘રસ’ એ લોકિક ભાવ જેવો જ ભાવ છે, પણ તો તો એક મોટી મુશ્કેલી ઉભી થાય. વ્યવહાર જગતના સુખ, દુઃખ આપણને રસાનુભવ કરાવતા વ્યવહાર જગતનાં દુઃખના પ્રસંગો આપણી માટે પણ દુઃખનું કારણ બને છે, અને બીજાઓનાં પ્રસંગો પણ આપણી માટે ઈર્ષ્યા અદેખાયનું કે દુઃખનું કારણ બને છે.    ખરી વાત એ છે કે નાટકનું જગત એક અલગ સ્વતંત્ર અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ છે અને એમાં પ્રેક્ષકને હંમેશા આનંદ આવે છે. જીવનના કરુણમાં કરુણ પ્રસંગો પણ નાટકમાં રજુ થાય ત્યારે એ આનંદનું નિમિત બને છે. નાટકના જગતની એ જ તો વિશેષતા છે કે સુખ, દુઃખ રૂપી આખું જગત સૌ પ્રેક્ષકો માટે આનંદનો વિષય બને છે, પણ લોલટ આ જાતનો વિચાર સ્થાપી શકતા નથી.૨) ભટ્ટ સંકુક ( અનુંમિતીવાદ કે અનુકરણવાદ):-


    રસની વિચારસરણીમાં લોલટના અનુગામી તરીકે શ્રી સંકુકનું સ્થાન જાણીતું છે. તેનો રસ વિચાર અનુકરણ કે અનુંમીતિવાદ તરીકે જાણીતો થયેલો છે. સંકુકે પુરોગામી આચાર્ય લોલટની ટીકા કરી અને પોતાનાં વિચારો સ્પષ્ટ કર્યા. સંકુકની રસ વિચારણામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રસ નિર્માણમાં એણે નાટ્ય પ્રયોગનો સ્વીકાર કરેલો છે. નાટકમાં પ્રયોગ શિવાય રસ નિષ્પત્તિને અવકાશ નથી, એમ તેઓ કહે છે. શ્રી સંકુકના અનુકરણવાદના કેટલાંક નોંધનીય મુદ્દાઓ નીચે મુજબ છે:


(૧) રસ ચર્ચાના ઇતિહાસમાં શ્રી સંકુકનો મત અનુકૃતિ, અનુકરણ કે અનુંમીતીવાદ તરીકે જાણીતો છે.


(૨) શ્રી સંકુકએ તેની પૂર્વેના આચાર્ય લોલટના મતની ટીકા કરી અને તેના સીધાંતમાં રહેલા વાંધાઓ બતાવ્યા છે. તે પછી તેણે પોતાનો વિચાર રજુ કર્યો.


(૩) શ્રી સંકુકનો મૂળ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી, પણ પાછળનાં વિદ્વાનોએ તેના સિદ્ધાંત વિચારની ટૂંકી નોંધ લીધી છે તે પરથી તેનો સિદ્ધાંત સમજાય છે.*ભટ્ટ સંકુકનો અનુકરણ વાદ:-


    ભટ્ટ સંકુકની મહત્વની ભૂમિકા એ છે કે નટ નટીઓ તખ્તાવર આવીને અનુકાર્યની અનુકૃતિ કરે છે. તેથી અભિનયની પ્રવૃત્તિ એ રીતે અનુકૃતીની પ્રવૃત્તિ છે. આ અનુકૃતિ તે અનુમાનનો વિષય છે. શ્રી સંકુકના અનુકરણવાદના કેટલાંક નોંધનીય મુદ્દાઓ નીચે મુજબ છે:


(૧) રસ ચર્ચાના ઇતિહાસમાં શ્રી સંકુકનો મત અનુકૃતિ, અનુકરણ કે અનુંમિતિ વાદ તરીકે જાણીતો છે.


(૨) શ્રી સંકુકએ તેની પૂર્વેના આચાર્ય લોલટના મતની ટીકા કરી અને તેનાં સિધાંતમાં રહેલાં વાંધાઓ બતાવ્યા તે પછી તેણે પોતાનો વિચાર રજુ કર્યો.


(૩) શ્રી સંકુકનો મૂળ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી, પણ પાછળનાં વિદ્વાનોએ તેનાં સિધાંત વિચારની ટૂંકી નોંધ લીધી છે, તે પરથી તેનો સિધાંત સમજાય છે.


(૪) મમ્મટે પોતાના ‘કાવ્ય પ્રકાશ’માં અને અભિનવ ગુપ્તે પોતાનો ગ્રંથ ‘અભિનવ ભારતી’માં શ્રી સંકુકના વિચારો મુક્યા છે. અભિનવએ તો શ્રી સંકુકના મતની ટીકા પણ કરેલી છે.


(૫) શ્રી સંકુક પોતાની રસ વિષયક ભૂમિકા ઘણી સરળ રીતે સમજાવે છે. તેમાં રંગ મંચ પર રજૂ થતાં નાટકને જ ચર્ચાની ભૂમિકા તરીકે સ્વીકારે છે.


      શ્રી સંકુકએ અનુકરણ અને અનુમાન એવા બે મહત્વના વ્યાપારો સ્વીકાર્યા છે. રંગમંચના નટ નટીઓ દ્વારા અનુકરણ વ્યાપાર ચાલે છે, તો સામાજિકો દ્વારા અનુમાન વ્યાપાર ચાલે છે. આ બે વસ્તુઓને સમજાવવા માટે જ તેનો રસ વિચાર અનુકૃતિ કે અનુકરણ વાદ તરીકે જાણીતો થયેલો છે.


(૬) શ્રી સંકુકના રસ વિચારમાં રહેલી કળા વિવેચનની દ્રષ્ટિ અને અત્યંત મહત્વની ભૂમિકા પ્રાપ્ત કરાવે છે, આ માટે તેમને એક ઉદાહરણ આપ્યું છે જે નીચે મુજબ છે:


      શ્રી સંકુકએ પ્રેક્ષકોના અનુમાન વ્યાપારને સમજાવવા માટે ‘ચિત્રતુરગ ન્યાય’નો સિધાંત રજુ કરેલો છે. દીવાલો પર ચીતરેલી ઘોડાની આકૃતિમાં જ્ઞાન વિશેનો સિધાંત શ્રી સંકુકએ બતાવ્યો કે સામાજીકને નાટકના પાત્રો વિષે થતું જ્ઞાન પણ લોકિક જ્ઞાન કરતાં જુદા પ્રકારનું છે. એ વાતને એમણે નીચે મુજબ મૂકી આપી છે. દા.ત.:- ‘ચિત્રતુરગ ન્યાય’માં એમણે ચાર પ્રકારના જ્ઞાનની વાત કરી છે.અ) સમ્યક જ્ઞાન:-


      કોઈ પણ વ્યક્તિ કે પદાર્થને માટે ઇન્દ્રિયો દ્વારા આપણને જે વાસ્તવિક અને યથાર્થ જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન કહેવાય છે.


દા.ત.- તબેલામાં બાંધેલા ઘોડાને બતાવીને આપણે કહીએ કે આ ઘોડો છે. ત્યારે એ સમ્યક જ્ઞાન થયું કહેવાય. કેમ કે તબેલામાં બાંધેલો ઘોડો એ ખરેખર વાસ્તવિકતા છે. કારણ કે એને અડકી શકાય, એના પર સવારી કરી શકાય માટે જ એ સાચો ઘોડો છે એમ કહેવાય. તેથી ઘોડા વિશેનું આ જ્ઞાન સમ્યક્ જ્ઞાન છે એમ કહેવાય.બ) મિથ્યા જ્ઞાન:-


     આપણા અનુભવ જગતમાં આપણને અનેક પ્રસંગે મિથ્યા જ્ઞાન થતું હોય છે.


દા.ત.:- અંધારી રાતે ભીનું દોરડું પગમાં અટવાય તો આપણે સાપ છે એમ માનીને એકદમ બી જઈએ છે, પણ પછી દીવો લાવીને તપાસતા જણાય છે કે આ તો દોરડું છે સાપ નથી. અહીં દોરડા વિષે આપણને પાછળથી વાસ્તવિક જ્ઞાન થાય પણ પહેલાં તો એમાં સાપ હોવાની ભ્રાંતિ જ થઇ તેથી એને મિથ્યા જ્ઞાન કહેવાય છે.ક) સંશય જ્ઞાન:-


     આપણા વ્યવહાર જગતમાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ વિષે આપણા મનમાં દ્વિધા ઉત્પન્ન થાય છે.


દા.ત.- રસ્તા પર ચાલતા દૂર એક માણસને જોઇને આપણને લાગે કે એ વ્યક્તિ આપણો મિત્ર છે. પણ દૂરથી જોયેલી આકૃતિ પરથી આપણા મનમાં કોઈ ચોક્કસ અને પાકી ખાતરી ન થાય. આ પ્રકારના જ્ઞાનને સંશય જ્ઞાન કહે છે.ડ) સાદ્ર્શ્ય જ્ઞાન:-


     જ્ઞાન વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સાવ અપરિચિત કે અજાણી વસ્તુ માટે પરિચય આપવા આપણે પરિચિત વસ્તુની ઉપમાં આપતા હોઈએ છે. એટલે કે અપરિચિત વસ્તુની ઓળખાણ આપવા પરિચિત વસ્તુનો નિર્દેશ કરીએ છીએ.દા.ત.- સાઈબીરીયાના પ્રદેશમાં એસ્કીમો રેડીયર નામનાં પ્રાણીનો ઉપયોગ કરે છે. એ પ્રાણીને આપણે જોયું નથી તેથી આપણા માટે એ અપરિચિત છે. પણ એ પ્રાણીનો ખ્યાલ આપવા માટે આપણે એમ કહીએ કે આપણા પ્રદેશના ‘સાંબર’ જેવું એ હોય છે. સાંબર આપણા માટે પરિચિત છે, તેથી ‘રેડીયર’નો ખ્યાલ આપવા માટે આપણે સાબરનું ઉદાહરણ લઈએ છીએ. આમ, સાદ્ર્શ્યના વેપારથી સાબરનાં ઉદાહરણ દ્વારા રેડીયર પ્રાણીનો બોધ થાય છે. આવી રીતે જે વસ્તુનું જ્ઞાન મેળવતાં હોઈએ તેને સાદ્ર્શ્ય જ્ઞાન કહેવાય છે.    ઉપરના ઉદાહરણ દ્વારા શ્રી સંકુક તખ્તા પરનાં નાટ્ય જગતને અનુલક્ષીને એમ કહેવા માગે છે કે પ્રેક્ષકો માટે નાટકની ભાવ સૃષ્ટિનું જ્ઞાન, આચાર પેકીના કોઈ પણ લોકિક જ્ઞાનની પ્રક્રિયાથી પ્રાપ્ત થતું નથી. દીવાલ પરનો ઘોડો પણ આજ રીતે સમ્યક્, મિથ્યા, સંશ્ય અને સાદ્ર્શ્ય એ ચાર પ્રકારના જ્ઞાનથી ભિન્ન પ્રકારનું જ્ઞાન છે. એણે વિલક્ષણ પ્રતીતિ તરીકે ઓળખવામાં આવી છે.દા.ત.- રામાયણ નાટક ભજવાતું હોય તો રામના પાત્ર વિષે આપણે મનમાં વિચારીએ- શું એ રામ છે? નાં, એ ખરેખરા ઈતિહાસ પ્રસિદ્ધ રામ નથી જ પરંતુ નાટ્ય પ્રયોગમાં તલ્લીન થતાં પ્રેક્ષકને રામના પાત્રમાં રામના વેશને જોતા એ રામ છે એવી પ્રતીતિ થાય છે. તે ઉપર બતાવેલી ચાર પ્રતીતિ કરતાં જુદી છે.


    આમ. શ્રી સંકુકની રસ ચર્ચામાં અનુકરણ અને અનુમાન એ બંને સીધાંતો પાછળનાં વિદ્વાનો દ્વારા ઊંડી સમીક્ષા પામ્યા. એટલું જ નહિ પાછળના વિદ્વાનો માટે એ સમીક્ષા જ નવ પ્રસ્થાન માટે પ્રેરક બળ બન્યું.૩) ભટ્ટ નાયક (ભુક્તિ વાદ અથવા ભોગ વાદ):-

     ભટ્ટ નાયકનું એ મહત્વનું પ્રતિપાદન રહ્યું છે કે પ્રેક્ષકોના હ્રદયમાં રસની અવસ્થિતિ હોય છે. તેમને સાધારણી કરણની કલ્પના કરીને મોલિક વિચાર રજુકરીને રસ નિષ્પત્તિની પ્રક્રિયા પર તદ્દન નવી રીતે પ્રકાશ ફેંક્યો છે.    ભટ્ટ નાયક સાંખ્ય દર્શનનાં મતના અનુયાયી હતાં તેથી તેમની વ્યાખ્યા પર દર્શનશાસ્ત્રનો પ્રભાવ છે. તેમનાં મત મુજબ ‘સંયોગનો’ અર્થ છે. ‘ભોજ્ય ભોજક ભાવ’ અને ‘નિષ્પત્તિ’નું તાત્પર્ય છે. ‘ભુક્તિ’ તેમણે સ્થાયી ભાવ માંથી રસ બનવાની સ્થિતિ સુધીની પ્રક્રિયાને ત્રણ અવસ્થામાં વિભાજીત કરી છે.

(૧) અભિધા

(૨) ભાવક્ત્વ

(૩) ભોજકત્વ


      * અભિધા વડે પ્રેક્ષક અથવા સહ્રદય શબ્દાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સમગ્ર સ્થિતિઓ વાતાવરણ અને અવસ્થાઓનું જ્ઞાન અભિધા વડે થાય છે.


      * ભાવકત્વ રસ નિષ્પત્તિનો બીજો કાર્ય-વ્યાપાર છે. જેના વડે વિભાવ આદિ અને સ્થાયી ભાવ સાધારણી કૃત થઈને પોતા- પરાયાપણું શત્રુ-મિત્રના ભેદભાવથી વિભિન્ન થઈને ઉપભોગ્ય બની જાય છે.


     * સીતા જનકની પુત્રી અથવા રામની પત્ની મટીને માત્ર સ્ત્રી બની જાય છે. સાધારણી કૃત ભાવનો ઉપભોગ તે ભોજકત્વમાં રજો ગુણ અને તમો ગુણનો નાશ થઇ જાય છે. અને શુદ્ધ સત્ય ગુણની વૃદ્ધિ થવા લાગે છે. ચિત્ત વૃત્તિઓ અને મનો વિકારો શાંત થઇ જાય છે. પાઠક અથવા પ્રેક્ષકને જે આનંદની અનુભૂતિ થાય છે તે જ રસની અનુભૂતિ છે.


   ભટ્ટ નાયકના રસ સિદ્ધાંતની વિશેષતા એ છે કે તેમણે ભાવકત્વ અને ભોજકત્વને રસ પ્રક્રિયાની બે નવી ક્રિયાઓ માની છે. તેમનાં વિચારોની બીજી મોટી શોધ એ છે કે રસની અનુભૂતિ અવ્યક્ત છે. આ આનંદ બ્રહ્માનંદ સહોદર છે.*ભટ્ટ નાયકનાં મત્તની સમીક્ષા:-


        ભટ્ટ નાયકનાં ભુક્તિવાળ વિરુદ્ધ પણ કેટલીક દલીલો કરવામાં આવી છે. જે નીચે મુજબ છે:


(૧) એમનાં આ વાદનો પહેલો વાંધો એ છે કે ભટ્ટ નાયકે દર્શાવેલી ત્રણ શક્તિઓ માટે કોઈ આધાર કે પ્રમાણ નથી.


(૨) ભટ્ટ નાયકનો મત આકર્ષક હોવા છતાં દાર્શનિક બતાવે છે. અહીં રસની પ્રક્રિયામાં શરીર અને માંસ વ્યાપારમાં કાવ્ય વ્યાપારનો તિરસ્કાર કર્યો છે.


    આ મતના સૌથી મોટા આલોચક અભિનવ હતાં. તેમણે ભટ્ટ નાયકનાં ભાવકત્વ અને ભોજકત્વ વ્યાપારનો સ્વીકાર કર્યો ન હતો. પરંતુ એટલું નિશ્ચિત છે કે સાધારણીકરણના સિધાંત પ્રતિપાદનમાં ભટ્ટ નાયક એ જે મોલિક શોધ કરી છે તેનો જ વિસ્તાર પાછળથી અભિનવ ગુપ્તે કર્યો છે.૪) અભિનવ ગુપ્તનો અભિવ્યંજના વાદ(અભિવ્યક્તીવાદ):-


      ભરત સુત્રના ચોથા વ્યાખ્યાતા અભિનવ ગુપ્ત ભારતીય રસ ચર્ચાની લાંબી પરંપરાના અપૂર્વ સ્થાન ધરાવે છે. તેની રસ ચર્ચા એ સમગ્ર રસ ચર્ચાના ઇતિહાસમાં ઘણું મોટું પ્રસ્થાન બની રહે છે. તેમણે શિર દર્શનનાં આધાર પર પોતાનાં વિચારો રજૂ કરેલ છે. તેમનો મત અભિવ્યક્તીવાદ તરીકે જાણીતો છે.


      અભિનવ ગુપ્ત વ્યંજનાવાદી તથા ધ્વનિવાદી અલંકારી છે. રસ નિષ્પત્તિની પ્રક્રિયા સમજાવતા તેઓ કહે છે: ‘સંયોગાત’ એટલે ‘વ્યંગ્ય, વ્યંજક ભાવરુપાત’નિષ્પત્તિ એટલે અભિવ્યક્તિ તેઓ રસને વ્યંગ્ય માને છે. તે અભિધા કે લક્ષણા દ્વારા પ્રતિત થાય છે, એવું ન માનતા વ્યંજના વૃત્તિ દ્વારા અભિવ્યક્ત થાય છે એવું જણાવે છે.એમણે ભાવકત્વ અને ભોજકત્વને જુદા માન્યા નથી. કારણ કે રસમાં ભોગનો ભાવ પહેલેથી જ રહેલો હોય છે. તેમનાં મતનો સાર એ છે કે રતિ, સ્થાયીભાવ, સહ્રદય અથવા સામાજિકો (ભાવક) ના હ્રદયમાં વાસના અથવા સંસ્કાર રૂપે અવ્યક્ત દશામાં રહેલા જ હોય છે. કાવ્યમાં વર્ણવેલા વિભાવ આદિના પઠન કે શ્રવણથી અથવા નાટકનાં દર્શનથી તે સંસ્કારજન્ય સ્થાયીભાવ ઉદ્દબુધ અવસ્થા પ્રાપ્ત કરીને અથવા અભિવ્યક્ત કરીને સહ્રદયોના આનંદનું કારણ બને છે. સત્વ ગુણના પ્રભાવને અભિનવ ગુપ્તે પણ સ્વીકાર્યો છે. ટૂંકમાં આ મત મુજબ સામાજિકોના હ્રદયમાં વાસના રૂપે સ્થિત સ્થાયી ભાવ વિભાવ આદિ વડે વ્યંગ્ય-વ્યંજક ભાવથી અભિવ્યક્ત થાય છે.


દા.ત.:- સૂકી માટીમાં રહેલી અવ્યક્ત ગંધ પાણીનાં પડવાથી અભિવ્યક્ત થઇ જાય છે. તે જ રીતે સામાજિકના હ્રદયમાં રહેલો સ્થાયી ભાવ વિભાવ આદિના સંયોગથી અભિવ્યક્ત થઇ જાય છે. આથી અભિનવ ગુપ્તનો મત અભીવ્યક્તીવાદ તરીકે ઓળખાય છે.    ટૂંકમાં રસ નિષ્પત્તિનો સાર આ પ્રમાણે છે:-


    “સ્થાયી ભાવ જ્યારે વિભાવ અનુભાવ અને સંચારી ભાવો સહીત ચમત્કૃત થઈને મનુષ્યોના હ્રદયમાં અલોકિક અથવા વિલક્ષણ આનંદનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે તે રસ કહેવાય છે.”*ભાવકની અનુભૂતિ (સાધારણીકરણ)-


    અભિનવ ગુપ્તનો રસ વિચાર રસ સમીક્ષામાં વધુ સ્વીકૃત અને પૂર્ણ મત મનાયો છે. પ્રેક્ષકના ચિત્તગત ભાવની પ્રતિતી વ્યંજનાથી થાય છે. એવો મત અભિનવ ગુપ્ત સ્વીકારે છે. તેમણે ભટ્ટ નાયકનાં સાધારણીકરણનો સ્વીકાર કર્યો છે પણ તેણે કલ્પેલા ભાવકત્વ અને ભોજકત્વ વ્યાપારને એ આવશ્યક ગણતો નથી. કેમ કે તે ગોરવ દુષિત છે, એમ તે માને છે. લોલટ એ રસની ઉત્પતિ માણી, સમૂહ કે નટમાં સ્થાયી ભાવનું અનુમાન કરી પણ પ્રેક્ષકને રસાનુભવ કેવી રીતે થાય ? નટ ગત રતીભાવ પ્રેક્ષકના ચિત્તમાં રસાનુભવ શી રીતે બને એનો પર્યાપ્ત ખુલાસો આ બંનેમાં થતો નથી. જ્યારે અભિનવ ગુપ્તમાં એ સ્પષ્ટ થાય છે. અભિનવ ગુપ્ત રસ ચર્ચાના આરંભમાં જ કહે છે, કે રસનો અનુભવ કરનાર સામાજિક છે. સહ્રદય રસના ભુકતા છે. સહ્રદય હોવું એટલે રસનો અનુભવ કરવા માટેની સજ્જતા પ્રાપ્ત કરવી આમ, તેઓ રસ ચર્ચામાં સહ્ર્દયને જ કેન્દ્રમાં રાખે છે. એમના મતના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે:(૧) અભિનવ ગુપ્ત સામાજિકના રસના અનુભવને જુદી જ તાખદ્દી ભૂમિકાએ રજુ કરે છે. અભિનવ ગુપ્ત કહે છે કે સામાજિક માટે કાવ્ય કે નાટક એ ‘નિમિત’ છે. એ નિમિત મળતાં સામાજિક પોતાના ચિત્તમાં ઉદ્ભતા સાધારણી કૃત સ્થાયી ભાવને આસ્વાદે છે. અભિનવની આ ભૂમિકા બરોબર લક્ષ્યમાં લેવી જોઈએ. ભટ્ટ નાયકે તખ્તા પરના પાત્રો અને એનાં ભાવો વગેરે સાધારણીકરણ પામે છે. એમ કહી એ વાત અભિનવ ગુપ્ત પણ સ્વીકારે છે.  પરંતુ અભિનવ ગુપ્ત એક ડગલું આગળ ચાલે છે, અને એમ કહે છે, કે સામાજિક ખરેખરતો કાવ્ય, નાટક આદિના સંયોગ એ પોતાનામાં જાગૃત થતાં સ્થાયીભાવ આસ્વાદે છે. પણ એ સ્થાયી ભાવ અલોકિક કોટિનો ભાવ છે. અભિનવ ગુપ્ત આ વાત ભાર પૂર્વક બતાવવા ચાહે છે.(૨) અભિનવની રસ ચર્ચામાં સાધારણીકરણનો સિધાંત આ રીતે વધુ વ્યાપક બનતો દેખાય છે. એક બાજુ નાટકના પાત્રો અને તેના ભિન્ન ભિન્ન ભાવો એ એના સ્થળકાળ અને વ્યક્તિત્વ શિષ્ટ સબંધોથી મુકત થાય છે. અભિનવની આ વિચારણા પાછળ તેમની વિશિષ્ટ, દાર્શનિક દ્રષ્ટિ રહેલી છે. ખરે ખર તો તખ્તા પર રજુ થતું પાત્ર જગત જાણે પોતાની ચેતનાનાં કેન્દ્રમાંથી જ વિસ્તર્યું હોય તેમ લાગે છે. આ માટે તેઓ નીચેનું ઉદાહરણ આપે છે.


દા.ત.:- મોરના શરીર રૂપ તેના પીંછાઓનું જે કઈ સોંદર્ય છે, તેમાં વિવિધ રંગોની જે ચાંત છે તે ઈંડાના ગર્ભમાં જ સંચિત રૂપે પડ્યા હત. માત્ર કોચલું તોડીને એ બહાર આવ્યું ત્યારે એ બધા રંગો વ્યક્ત થયા, તે જ રીતે અનંત વિશ્વ રૂપે જે જગત આપણે જોઈએ છીએ તે મૂળ પરમ ચેતનામાં સુક્ષ્મ રીતે સંચિત હતું જ પણ પ્રસંગ મળતા તે વ્યક્ત થાય છે.(૩) અભિનવ બીજી એક વાત પણ સમજાવે છે કે રસ એ કોઈ ‘પૂર્વ સિદ્ધ આસ્વાદ્ય’ સામગ્રી નથી. તખ્તા પરનાં પાત્રોને જોઇને, કવિતાની ભાવ સૃષ્ટિ સાથે જોડાઈને સામાજિકના ચિત્તમાં રસાનુભૂતિ પ્રક્રિયા શરુ થઈ જાય છે, અથવા એમ કહો કે પાત્ર અને ભાવ આદિનું અનુસંધાન થતા સામાજિક પોતાનામાં જાગૃત થતા ભાવને ચિતવાનું શરુ કરી દે છે, અને માટે અભિનવ ગુપ્ત ‘ચર્વણા’ શબ્દ આપે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જ સામાજિકને એમાં આનંદ આવે છે. પાત્રનાં ભાવ જોડેનો સબંધ તુટ્યો કે રસની એ પ્રક્રિયા પડી જાય છે.*અભિનવ ગુપ્ત રસની બે કક્ષા માને છે:

(૧) પ્રથમ કક્ષાએ સાધારણીકરણ વિભાવ આદિ દ્વરા પ્રેક્ષક સ્થાયી ભાવનો આસ્વાદ કરે છે, સ્થાયી ભાવનો આસ્વાદ રસ રૂપે પ્રતિત થાય છે. એ કક્ષાએ રસ સ્થાયી ભાવથી રંગાયેલો હોય છે. આ કક્ષાને અનુલક્ષીને રસ આસ્વાદ છે એ શબ્દ પ્રયોગ કરી શકાય છે.


(૨) બીજી ઉચ્ચતર કક્ષાને સ્થાયીભાવ પ્રેક્ષકના ચિત્તને સપાટી પરથી ઊંડો ઉતરી જાય છે અને પ્રેક્ષક અંતર્મુખ બને છે. તે પોતાનાં આત્મામાં જ વિશ્રાંતિ પામીને કેવળ આનંદનો અનુભવ કરે છે. આ કક્ષાએ રસ કેવળ આસ્વાદ રૂપ, આહલાદ રૂપ આનંદ સ્વરૂપ બની રહે છે.

   આમ, અભિનવ ગુપ્તએ રસાનુંભુતીમાં ચાર સ્થિતિઓની કલ્પના કરી છે.(૧) પહેલી સ્થિતિમાં સામાજિક (ભાવક) વિશેષ કે સ્થિતિ વિશેષને જુવે છે. આ સમયે કેવળ એની ચક્ષેઇન્દ્રિય જ કાર્ય કરે છે.


(૨) બીજી સ્થિતિમાં સંગીત વાદ્ય તથા રંગમંચના વાતાવરણના પ્રભાવની સામાજિક પાત્ર કે વ્યક્તિ વિશેષને ભૂલી જઈને એના સામાન્ય રૂપને ગ્રહણ કરે છે.


(૩) ત્રીજી સ્થિતિમાં વાસના રૂપમાં સ્થિતિ સ્થાયી ભાવ ઉત્પન્ન થવા લાગે અને સાધારણીકરણની સ્થિતિ ઉપલબ્ધ થઈ જાય છે.


(૪) ચોથી સ્થિતિમાં સાધારણી કૃત ભાવ આસ્વાદરૂપ અને આનંદમાય બની જાય છે. ચિત્તને એક વિશેષ વિશ્રાંતિનો અનુભવ થાય છે. આ રસ દશા છે.*અભિનવ ગુપ્તના વાદનું મહત્વ:-


(૧) અભિનવ ગુપ્તના અભીવ્યક્તીવાદની વિશેષતા એ છે કે એમણે રસની નિષ્પત્તિ સામાજિકમાં બતાવી છે. સામાજિકમાં સ્થાયી ભાવ વાસનારૂપે સ્થિત હોય છે અને જે રીતે પાણીના પડવાથી માટીમાં અવ્યક્ત ગંધ વ્યક્ત થાય છે. એ રીતે વિભાવ આદિના સંયોગથી વાસના રૂપમાં અવ્યક્ત સ્થાયીભાવ અભિવ્યક્ત થાય છે. કાવ્ય, નાટક વગેરેના અભ્યાસ તથા વિભાવ આદિ સહ્ર્દયના સ્થાયી ભાવને ઉત્પન્ન કરવાનું સાધન છે. અન્યથા સામાજિકનો પોતાનો જ ભાવ રસ રૂપ બની બ્રહ્માનંદ સહોદર આનંદ પામે છે.


(૨) એમણે ભટ્ટ નાયકના જ મતને વધારે વ્યવસ્થિત કર્યો, અને એણે મનોવિજ્ઞાનીકતા પ્રદાન કરી. આ બંનેમાં મતોમાં અંતર એ છે કે ભટ્ટ નાયકે રસા સ્વાદનું સમસ્ત શ્રેય કેવળ કાવ્ય શક્તિઓને જ આપ્યો છે. પરંતુ અભિનવ ગુપ્તે સામાજિકના વાસનારૂપ સંસ્કારોને આ શ્રેય પ્રધાન કર્યો છે. ભટ્ટ નાયકે રસાનુંભુતીનું પ્રધાન સાધન અમુક કર્તાને માન્યું છે. જ્યારે અભિનવ ગુપ્તે લોકિક અનુભવ, કાવ્યભાસ, સહ્રદયતા અને વેરાગ્યના અભાવ આદિને પ્રધાનતા આપી છે.*મર્યાદા:-


      અભિનવ ગુપ્તના આ મત વિષે પણ આલોચકોએ કેટલીક મર્યાદા બતાવી છે. જે નીચે મુજબ છે:


(૧) રસની અભિવ્યક્તિનો અર્થ એને પૂર્વ સ્થિતિ માનવી કેમકે જેનું પહેલેથી અસ્તિત્વ ન હોય એની અભિવ્યક્તિ કેવી?


      આના ઉત્તરમાં અભિનવ ગુપ્ત કહે છે કે પાક્કા ચોખાને ભાત કહેવામાં જે વાંધો ન હોય તો એનાં પર પણ ન હોય શકે.


(૨) વિભાવ આદિ તથા રસમાં જે કાર્ય કારણનું સબંધ માનવામાં આવે તો તેમાં પૂર્વ અને અપરનો સબંધ રહેવો જોઈએ પરંતુ એમાં તો સહચર્યનો સબંધ હોય છે.


      આના જવાબમાં અભિનવ ગુપ્ત ‘દીપઘટ ન્યાય’નું ઉદાહરણ આપે છે. અંધારામાં રાખેલા ઘડા દીપકનો પ્રકાશ અને એનું જોવું એ બંને ક્રિયાઓ એક સાથે થાય છે. તેમ વિભાવ આદિ કારણ અને રસકાર્ય બંને એક સાથે યોજાય છે.


     આમ, રસ વિચારણાના સિધાંતમાં અભિનવગુપ્તનો અભિવ્યક્તિ દ્વારા મહત્વનું રહેલું છે.

  FAQ/ ટૂંકા પ્રશ્ન અને ઉત્તર :-

 

૧) રસ ચર્ચાનાં ઇતિહાસમાં લોલટનો રસવિચાર કયા નામથી જાણીતો છે?

-> ઉત્પત્તિવાદ

 

૨) લોલટનાં મતે ‘રસ’ મુખ્યત્વે કરીને ક્યાં ઉત્પન્ન થાય છે?

-> નાટકના પાત્રોમાં

 

૩) રસ ચર્ચાનાં ઇતિહાસમાં શ્રી ભટ્ટ સંકુકનો મત કયા નામે જાણીતો છે?

-> અનુકૃતિ, અનુકરણ કે અનુંમિતિવાદ

 

 

૪) રસ વિષયક મમ્મટે ક્યાં વિચાર રજૂ કર્યા છે?

-> ‘કાવ્ય પ્રકાશ’માં

 

 

૫) અભિનવ ગુપ્તે રસ વિષયક કયો ગ્રંથ આપ્યો છે?

-> અભિનવ ભારતી

 

 

૬) ભટ્ટ સંકુકએ પ્રેક્ષકોનાં અનુમાન વ્યાપારને સમજાવવા માટે કયા ન્યાયનો સિધાંત રજૂ કર્યો છે?

-> ચિત્ર તુરંગ ન્યાય

 

 

૭) કોઈ પણ વ્યક્તિ કે પદાર્થને માટે ઇન્દ્રિયો દ્વારા આપણને જે વાસ્તવિક અને યથાર્થ જ્ઞાન થાય છે તે કયું જ્ઞાન કહેવાય?

-> સમ્યક જ્ઞાન

 

૮) અપરિચિત વસ્તુની ઓળખાણ આપવા પરિચિત વસ્તુનો નિર્દેશ થાય છે. ત્યારે કયું જ્ઞાન થયું કહેવાય?

-> સાદ્ર્શ્ય જ્ઞાન


 

૯) ભટ્ટ નાયકે રસ વિષયક કયો વાદ આપ્યો છે?

-> ભુક્તિવાદ કે ભોગવાદ

 


૧૦) અભિનવ ગુપ્તએ રસ વિષયક કયો વાદ આપ્યો છે?

->અભિવ્યક્તિવાદ

 


૧૧) કોનો રસ વિચાર રસ સમીક્ષામાં વધુ સ્વીકૃત અને પૂર્ણ મત મનાયો છે?

->અભિનવ ગુપ્ત

 


૧૨) અભિનવ ગુપ્તના મત પ્રમાણે રસનો અનુભવ કરનાર કોણ છે?

->સામાજિક/ સમાજ

 


૧૩) અભિનવ ગુપ્ત રસની કેટલી કક્ષા માને છે? કઈ કઈ?

->રસની બે કક્ષા માને છે ૧.સાધારણી કરણ અને ૨. સ્થાયી ભાવ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ