Recents in Beach

ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના પ્રવાહના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા|Gujarati saahityma naari chetna prvahna vikaasni rup rekha

 


પ્રશ્ન: ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નારીવાદી વલણોના થયેલા નીરુપણનો પરિચય

પ્રશ્ન: ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના પ્રવાહના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા


   પ્રસ્તાવના:


       સૃષ્ટિની ઉત્પત્તિ કુદરતની એક અકળ સર્જન લીલા છે. નર-નારી જાતિના સંયોગને પ્રતાપે ન્યાન્તરના ઉદ્ભવ સાથે સમગ્ર સૃષ્ટિ સંકળાયેલી છે. બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એ પ્રક્રિયા શાશ્વત, ગતિશીલ છે અને રહેશે. કુદરત સર્વ તત્વોને સમાન દ્રષ્ટિથી નિહાળે છે પણ પુરુષના શારીરિક બળ આગળ સમાજ રચના ધર્મગ્રંથનાં નિયમો આચાર સંહિતા સર્જાયા તે પુરુષ દ્વારા ને નારી માટે પરિણામે ‘મનુસ્મૃતિ’માં કહેવું પડ્યું કે “ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અહ્ન્તી” પુરુષ સ્ત્રીને ઘરની ચાર દીવાલો વચ્ચે પૂરી, ઉપભોક્તા બની સંતાન સર્જનના મશીન તરીકે ભોગવી અને શિક્ષણથી વંચિત રાખી. પણ ઈશ્વરે સ્ત્રીમાં કોઠા સૂઝ મુકેલી છે. તેના પ્રતાપે તેણે ગૃહલક્ષ્મી તરીકે, સંતાનના ઘડતર ચણતર અને સંસ્કાર સિંચનનું કામ કરી ભવિષ્યને તેજોમય બનાવ્યું છે.


    આપણા સંસ્કૃત નાટક ‘વિક્રમોર્વશીયમ’માં કે ‘શાંકુતલમ’માં કે પછી ‘કુમારસંભવ’ માં નારીએ પુરુષમાં મુકેલ વિશ્વાસ પર પુરુષે કરેલા પ્રારની કરુણ ગાથા સમાયેલી જ છે. પુરુષની લોલુપ વૃત્તિ ‘રામાયણ’માં સીતા હરણના પ્રસંગમાં નિહિત છે. નારીના આંતર બાવોનું, સંવેદનાઓનું પુરુષ માત્ર સ્વાર્થ માટે જ ઉપયોગ કર્યો છે. અને તેની સ્તુતિ કે દેવી રૂપ પણ પુરુષે માત્ર સ્વહિત કાજે ઉભું કર્યું છે. પરંતુ નારીના અનેક વિધ રૂપ છે. તે સ્વયં ખંડમાં પ્રેયસી છે તો ભોજનમાં માતૃરૂપે છે. તે પુરુષની સમસ્યાનો ઉકેલ આપ મેળે સૂઝથી આપે છે. ત્યાં તે મંત્રી કે માર્ગદર્શક બને છે. છતાં પુરુષ તેનો આત્મા કે મનને પારખી શક્યો નથી. તેણે તો માત્ર શારીરિક બળથી નારીને દબાવી, કચડી છે. જેને આજે નારીવાદ તરીકે ભલે ઓળખાવી પણ આ વેદના તો સૃષ્ટિના સર્જન સાથે નારી સંહીતી આવી છે.


   ગુજરાતી સાહિત્યમાં નારીવાદની ચર્ચા અદ્યતન કાળમાં આપણે કરીએ, પરંતુ તેનું આલેખન- ગાન- રજૂઆત તો મધ્યકાલીન સાહિત્યથી જોવા મળે છે. એ નારીવાદની અભિવ્યક્તિ સાહિત્યમાં બે રીતે થઇ છે: (૧) નારી દ્વારા નારીનું ચિત્રણ, (૨) પુરુષ દ્વારા નારીનું આલેખન.



*મધ્યકાલીન યુગમાં નારીનું ચિત્રણ:-

    હેમચન્દ્રાચાર્યનાં દોહાઓમાં રાજપુતાણી તેની સખીને કહે છે કે, ‘હે સખી ! યુદ્ધ ભૂમિ પર મારો પતિ મૃત્યુ પામ્યો તે સારું થયું. જો તે ત્યાંથી પીઠ બતાવી ભાગીને ઘરે આવત તો સખીઓમાં હું લાજી મારત.’ અહીં એ રાજપુતાણીનો માતૃભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ અને પતિ પ્રત્યેનો આદર દેખાય આવે છે. તત્કાલીન રાજપુત  નારીના મનોભાવને જ તે વાચા આપે છે. તે જ રીતે ‘કાન્હ્ડે પ્રબંધ’માં બાદશાહ મોડાસા પર આક્રમણ કરે છેવ, ત્યારે કાન્હ્ડે નો ભાઈ મૃત્યુ પામે છે. અને વિર્મ્દેના મસ્તકને શાહજાદી પીરોજા સમક્ષ લઇ આવવામાં આવે છે ત્યારે આ હિંદુ રાજપૂતને મસ્તક મો ફેરવી લે છે. અહીં મુસ્લિમ શાહજાદીનો પ્રેમ અને હિંદુ રાજપૂતની ખુમારી છે, તો ‘નેમિનાથ ચતુષ્પદિકા’ અને શીરીથુલીભદ્ર ફાગુ’માં રાજકુમાર અને ગણિકાનાં પ્રેમનો ઉદ્ભવ ગમન દર્શાવાયો છે. જે તેમને વાસનાથી પરમાત્મા પ્રતિ ગતિ કરાવે છે. સોરાષ્ટ્રની લોકકથાઓ અને લોકગીતોમાં નારી જીવનનો કરુણભાનો વાસ્તવિક ચિતાર પડેલો છે.


     મધ્યયુગમાં નારીના સ્વતંત્ર અસ્તિત્વની વિચારણા થઇ નહિ. નારીને કુટુંબ અને પતિની મિલકત માનવામાં આવતી. નારી એટલે ‘નારીનો દેહ’ એવી સમજ પ્રવર્તતી હતી. મધ્યકાળમાં નારીમુખે નારી જીવનનું કામ કરનારા કવિઓમાં સૌપ્રથમ દર્દ દીવાની મીરાંબાઈ છે. મેડતાની રાજકુમારીના લગ્ન મેવાડના રાણા (કુંભ) સાથે થયા. પણ ગિરિધરવરને વરેલી મીરાંને તાવવા રાણાએ તથા સમાજએ અઓછો ત્રાસ ગુજાર્યો ન હતો. આથી તો મીરાં મેવાડ છોડી ગુજરાતમાં દ્વારકામાં આવીને વસી હતી અને સાધુ સંતમાં જ લીન થઇ રહેતી હતી. દુન્યવી વ્યવહાર તેને સ્પર્શતા નહોતા. મીરાંબાઈ પછી લગભગ ૨૦૦ વર્ષે ગુજરાતીમાં કાવ્ય સર્જન કરનાર સ્ત્રીઓનો ઉલ્લેખ ૧૮માં સેકામાં થાય છે. આ કવિઓમાં દીવાળીબાઈ, ગોરીબાઈ, રાધાબાઈ વગેરેનો સમાવેશ થાય છે.


   આ ઉપરાંત કંઠસ્થ લોકસાહિત્યમાં લગ્નગીતો, હાલરડાં, વ્રતકથાઓ વગેરે અનેક અનામી સ્ત્રીઓ વડે પુષ્ટ થાય છે. આ સાહિત્યમાં અન્યાયની સામે ચઢેલા બહારવટિયાઓને બિરદાવતા પ્રસસ્તી ગીતો પણ મળે છે. સ્ત્રી એ સંસારનો પાયો છે. એના જીવનની વિવિધ અવસ્થાઓનું ગાન લોક સાહિત્યમાં વિવિધ રૂપે થયેલું જોવા મળે છે.


  શેરીઓમાં રમતી કિશોર વયની કન્યાઓના રમત ગીતો અને વ્રત ગીતો, લગ્નગીતો, શ્રીમંતગીતો, જનોઈ વગેરે શુભ અવસરોના ગીતો ઉપરાંત રાસડા, નવરાત્રીમાના ગરબા, રાજિયો ને મરસીયા જેવા મૃત્યુ પછીના વિદાય ગીતો આ સર્વ ગીત પ્રકારોનું વૈવિધ્ય નારી અંગેના લોક સાહિત્યમાં આપણને જોવા મળે છે.


    લોકગીતોમાં કુટુંબ જીવનને સર્વોત્તમ ચિત્ર હોય તો તે હેતનું છે. સાસરીયા લોકોથી ત્રાસેલી બહેન જો પિયર આવે તો માં-બાપ કે ભાભી ‘હાં અરે દીકરી- વગર તેડાવ્યા આવ્યા જો.’ એમ કંઈ પણ સમાચાર જાણ્યા વિના પૂછે છે. પણ જ્યારે બહેન ભાઈ પાસે જાય છે ત્યારે ભાઈ તો કહે છે: ‘ભલે રે બેની વગર- તેડાવ્યા આવ્યા જો.’


    નર્મદયુગ પહેલા મધ્યકાળમાં શામળે પોતાની પદ્યાત્મક વાર્તાઓમાં સાહસિક અને અત્યંત મુક્ત એવા નારીપાત્રોનું નિરૂપણ કર્યું હતું. તો પ્રેમાનંદે પણ નાગરી ન્યાતના રીવાજોના સંદર્ભમાં અલ્પ પ્રમાણમાં નારી જીવનને આલેખ્યું. તો મીરાંએ ભક્તિ અને ઈશ્વર પ્રાપ્તિના સ્ત્રીના અધિકારની સ્થાપના એ રીતે કરી કે તે આજ દિન સુધી અદ્વિત્ય રહી છે. મધ્યકાલીન સાહિત્ય પરલોક પારાયણ હતું, ધર્મ પ્રધાન, વૈરાગ્ય પ્રધાન હતું. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય જેવા વિષયો જ આ કાળની કૃતિઓના કેન્દ્ર સ્થાને હતા. ‘માનવ’ સાહિત્યનો વિષય બન્યો ન હતો. માનવીય ગોરવની કથા કહેવાનું તે કાળના કવિઓને રુચ્યું નહિ તેથી કહેવાયું કે “દયારામ સુધી માનવીય ગોરવની વાત આપણા સાહિત્યમાં ઉપડી કે ચર્ચાઈ ન હોત તો પછી નારી ગોરવની વાત તેમાં આવે જ ક્યાંથી?” જે થોડા નારીપાત્રોનું નિરૂપણ થયું છે તે પ્રાકૃત કક્ષાનું અને અવાસ્તવિક છે.


ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નારીવાદી વલણોના થયેલા નીરુપણનો પરિચય



*અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નારી નિરૂપણ:-


    ૧) સુધારા યુગ/નર્મદયુગ/નર્મદ+દલપતયુગ(૧૮૫૦થી ૧૮૮૫)

          નર્મદયુગમાં સ્ત્રી ઉન્નતી ઉપરાંત સ્ત્રી-પુરુષના સબંધને નવી દ્રષ્ટિથી વિચારવાનો પ્રારંભ થયો. અર્વાચીન કાળમાં પાશ્ચાત્ય શિક્ષણ અને સાહિત્યના સંપર્કને કારને ‘અર્વાચીનોમાં આદ્ય’ નર્મદે તેના ‘ડાંડિયો’માં નારીજીવન વિષયક ‘પુનઃવિવાહ’, ‘સુખ’, ‘રણમાં પાછા પગલા ન કરવા’ વગરેમાં તત્કાલીન નારીની દુર્દશાનો ચિતાર આપ્યો છે. એની વિધવા અવસ્થા દરમિયાનના વિત્ત્કો આલેખી સમાજને જાગ્રત કર્યો છે.


    દલપતરામે ‘માંગલિક ગીતાવલી’માં નારી જીવનના નાના-મોટા અવસરોને આવરી લેતા ગીતોનો સમૂહ આપ્યો છે. વેવીસાળથી માંડીને સંસાર વિદાય સુધીના પ્રસંગો પર સુંદર ગરબીઓ રચાઈ છે. ભાવની ઉત્કટતા, ચિત્રાત્મકતા, રસાત્મકતા અને કલ્પના બળ- આ બધી દ્રષ્ટિએ દલપતરામની આ કવિતાઓ ઉત્તમ, ઉન્મેશ સમાન બની રહે છે.


‘દીકરી! એક વાર ને’ થી નિહાળતું,

તારો ટળવળે છે સહિયરોને સાથ રે!’


જેવી પંક્તિઓમાં અસરકારક કરુણ રસ અનુભવાય છે. સ્વસ્થ ને સંયમી દલપતરામ સ્ત્રીના વિધવાપણું કે કજોડાની વાત વેળા લાગણી સભર થયા વિના રહી શક્યા નથી.


    દલપતરામ કૃત ‘વેન ચરિત’ આખ્યાન સ્વરૂપે વિધવા વિવાહની હિમાયત કરતી કૃતિ છે. અને વિવેચકોએ તેને ‘સુધારાનું પરોઢ’ કહીને બિરદાવી હતી.


  તો આજ સમયના નવલરામ પાસેથી ‘બાળલગ્ન બત્રીસી’ અને ‘બાળગરબાવલી’ મળે છે. આમ મુખ્ય વિષય બાળ લગ્નના અનિષ્ઠને અને તેમાંથી જન્મતા કરુણ પરિણામો ને બતાવવામાં આવે છે. અહીં બાળ લગ્નમાંથી સર્જાતા બુદ્ધી, વાય, વગેરેના ક્જોડાનું આલેખન ખુબ માર્મિક બન્યું છે. ‘સ્વ સ્ત્રી સ્વરૂપો’ કાવ્ય પણ એના ગંભીર- મધુર ભાવો માટે નોંધપાત્ર છે.


   નંદશંકર તુળજાશંકર મહેતાએ ‘કરણઘેલો’ નવલકથામાં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજાની પરસ્ત્રી ગમન વૃતિની અને વાસનાને આલેખ આપતા રાણી ચૌલાદેવીના કારુણ્યને ચિત્રિત કરેલ છે.


   રણછોડરાય ઉદયભાઈ દવેનું ‘લલીતા દુઃખ દર્શક’ નાટક વય અને ગુણના, સ્વભાવ અને ચારિત્ર્યના કજોડામાંથી જન્મતી કરુણ વિસમતાઓઆલેખન કરે છે. લલીતા નામની ગરીબ ઘરની ગુણીયલ કન્યાના લગ્ન નંદન નામના એક ધનિક, પણ બદચલન વંઠેલા યુવાન સાથે થાય છે. રાંક સ્વભાવની ગુણવાન પત્ની અને જુગારી, શરાબી, વ્યભિચારી પતિમાંથી લલીતાના માથે દુઃખના જે ડુંગરા ખડકાય છે તેનું મર્મસ્પર્શી આલેખન આ નાટકમાં થયું છે.


   મહીપતરામ નીલકંઠની ‘સાસુ-વહુની લડાઈ’માં મધ્યમ વર્ગના કુટુંબમાં સત્તા શોખીન સાસુને પનારે પડેલી વહુની સ્થિતિનું મર્મ ભેદક ચિતાર આલેખ્યો છે.


૨)પંડિતયુગ-(સાક્ષરયુગ, ગોવર્ધનયુગ, સમન્વયયુગ-૧૮૮૫-૧૯૧૫):-


      પંડિત યુગ નવ જાગૃતિનો બીજો તબક્કો હતો. દરેક પ્રશ્નને ગંભીર રીતે વિચારવાની, તપાસવાની તેને આ યુગના વિદ્વાન સાહિત્યકારની હતી. નર્મદયુગમાં જે પ્રશ્ન અંગે મંથન થયું, તેનું નવનીત પંડિત યુગમાં પ્રાપ્ત થયું. આ યુગમાં સોપ્રથમ મણીલાલે સ્ત્રી વિષયક વિચારના કરી. સ્ત્રીની ઉન્નતી માટે સ્ત્રી કેળવણી પર પણ ભાર મુક્યો. તેમણે વિવિધ વિષયો અને ભાષાના જ્ઞાન દ્વારા સ્ત્રીના ચારિત્ર્ય ઘડતર અને સંસ્કાર ઘડતરની હિમાયત કરી. એક માત્ર વિધવા વિવાહના અપવાદ સિવાય નારી વિષયક તમામ સુધારાને આવકાર્યા. વિધવા વિવાહ વિષે તેમના વિચારો પરંપરાગત હતા. પંડિતયુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં એક તરફ કારુણ્યમૂર્તિ કુમુદ છે તો બીજી તરફ સંયુક્ત કુટુંબમાં ગુણ સુંદરી છે. આ બંને પાત્રોની સામે અલગનંદા, રૂપાળી આડી પાત્રોની નીચતા દર્શાવી કુમુદના વ્યક્તિત્વને ઉદ્વાગામી બનાવ્યું છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની પર્થમ પત્નીના અવસાન નિમિતે સંસ્કૃતમાં ‘હ્રદયદુહિત સતક’ની રચના કરી હતી. અને તેમાં શોકનું પ્રાથમિક કક્ષાએ જ નિરૂપણ થયું. ‘સ્નેહ મુદ્રા’ની રચનાનું નિમિત પણ પત્નીનું મૃત્યુ જ છે. આમાં લેખકે દામ્પત્ય જીવનના, સ્નેહ જીવનના પ્રશ્નોની ચિંતન પારાયણ મીમાંશા કરી છે.


   પ્રો.બ.ક.ઠાકોરના ‘મ્હારાં સોનેટ’માની ‘પ્રેમનો દિવસ’ સોનેટ માળામાં ‘વધામણી’ સોનેટમાં પ્રથમ પ્રસૂતિ પછી પ્રાપ્ત પુત્ર જન્મની વધામણીના સમાચાર આપતી નારીના માંનોવ્યાપારોનું કમનીય આલેખન થયેલું. કાવ્યની ખૂબી એ છે કે ચતુર નાયિકા કાવ્યની અંતિમ પંક્તિના અંતિમ શબ્દના અંતિમ અક્ષર સુધી નાયકની ને ભાવકની જિજ્ઞાસા જગાડે છે કે નાયિકાએ પુત્રી જન્મ આપ્યો છે કે પુત્ર જન્મ? અંતે તે કહે છે: ‘આવો, જોઈ, દયઇત, ઉચ્ચરો, લોચને, કોણ જેવો?’ અહીં ‘વો’ અક્ષર જ પુત્ર જન્મને સુચવી દે છે. એમના પ્રણય કાવ્યમાં પ્રણય અને વિરહની સંવેદના કલાત્મક કાવ્યાત્મક અને સુસ્લિષ્ટ પણે કંડારાયેલ છે. ‘ભણકારા, આરોહ, એક તોડેલી ડાળ, પ્રેમની ઉષા, પ્રેમનો મધ્યાહન, જુનું પિયર ઘર, મોહરો, સુખ-દુઃખ ભાગે’ વગેરે કૃતિઓ નારી જીવનના વિવિધ પાસાઓને દર્શાવતી કલાત્મક રચનાઓ છે.


   ન્હાનાલાલના ઊર્મિ કાવ્યમાં પ્રણયને મુગ્ધતાથી માંડીને પ્રસન્ન દાંપત્ય સુધીના દર્શન થાય છે. આમ વિવિધ ઊર્મિના આલેખનમાં મુગ્ધતા, ઉન્માશ, લાલિત્ય અને રસિકતા જોવા મળે છે. આથી જ કાકા સાહેબ કાલેલકર ન્હાનાલાલને ‘નારી ગોરવનો કવિ’  તરીકે યથાર્થ આલેખ આપ્યો છે. નારી હ્રદયના ભાવોની કવિએ રુજુતાથી લાડ લડાવ્યા છે. આ પ્રણય કાવ્યમાં રસિકતા છે. તો તે રસસાદરને પૂર્ણની પાળો પણ બાંધી છે. તેમાં ઇન્દ્રિય ગ્રાહ્યતા છે તો વ્યંજકતા પણ છે. કલ્પના અને અલંકારની સમૃદ્ધી છે , તો કલ્પનને ચિત્રાત્મક પણ છે. મિલનની ઝંખનાને ઉત્કટતાથી એમના ઊર્મિ કાવ્યો આલેખે છે. ‘ઝીણાં ઝરમર વરસે મેહ’, ‘એ રાત,’ ‘વસંત યોગ’ વગેરે કાવ્ય એની પ્રણય કાવ્યનો ઉન્મેશ બતાવે છે. બ.ક. ઠાકોર અને ન્હાનાલાલ પાસેથી ગુજરાતી કવિતાને દાંપત્ય પ્રેમની સુંદર, અર્થવાહી કવિતા મળી છે. ‘કુળ યોગીની’, ‘આપણી લગ્નતિથિ’ અને ‘તાદાત્મીય’ એ ન્હાનાલાલના દાંમ્પત્ય પ્રેમના સુંદર કાવ્ય છે. તો એમના નાટકો જયાજયંત અને ઇન્દુ કુમારમાં સ્નેહ લગ્ન, આત્મ લગ્ન નીભાવના સાકાર થયેલી જોવા મળે છે.


   કવિ કાન્ત પાસેથી પ્રાપ્ત ‘આપણી રાત, મૂર્તિ મનોહર, વિધુર કુરંગ’ વગેરે કાવ્યો પત્ની પ્રત્યેના ઉત્કટ સ્નેહ રાગને કલામયતાથી પ્રગટ કરે છે. તો ચક્રવાતમીથો, દેવયાની, વસંત વિજય વગેરે ખંડ કાવ્યો નારીના જીવનને કોઈ એકાદ કસોટીની ક્ષણના તીવ્ર આલેખન દ્વારા નારી જીવનની ઘેરી કરુણતાનું સચોટ દર્શન કરાવે છે.


   કલાપી મુખ્યત્વે આત્મલક્ષી પ્રણય કવિ છે. અને તેથી તેમની મોટાભાગની ઉત્તમ રચનાઓ પ્રણય કાવ્યરૂપી થયેલી છે. પ્રણયમાં કલાપીએ મિલનની મસ્તી કરતા વિરહને વધારે આદ્રતાથી ગાયો છે. હ્રદય ત્રિપુટી જેવા લાંબા આત્મકથનાત્મક કાવ્યથી માંડીને ઈશ્કનો બંદો-ગઝલ સુધીના અનેક રૂપ કલાપીની પ્રણય કવિતા પાસે છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝુલતા કલાપીના હેયાની ઉત્કટ રાગ વિરાગની ઉર્મીઓ એમની ગઝલોમાં ઝીલાયી છે. અને તેથી જ તો આપની યાદી, ઈશ્કનો બંદો કૃતિઓ આસ્વાદ્ય બની છે.


*ગાંધીયુગના સાહિત્યમાં નારી ચેતના:-

    ગાંધીજીના પ્રભાવ હેઠળ સર્જક અને સાહિત્ય આવતાં ભાવના અને આદર્શમાંથી તે વાસ્તવ જીવનમાં ડોકાવા લાગ્યું, અને સામાન્ય દિન-દલિત પીડિત. શોષિત જીવ પ્રત્યે સાહિત્ય બન્યું. તેના પ્રત્યાઘાત રૂપે નાવલિકામાં ગોરીશંકર જોશી-(ધૂમકેતુ) એ ગ્રામ્ય નારીના હ્રદય ભાવોને વાચા આપી છે તો રામનારાયણ વિશ્વનાથ પાઠક (શ્વેરવિહારી, દ્વિરેફ)-‘દ્વિરેફની વાતો’માં ‘ખેમી’ જેવી નારી પ્રધાન વાર્તાઓ આપી છે. ચુનીલાલ મડિયાએ ‘અંત:શ્રોતા’માં માતૃહ્રદયના પ્રેમને પ્રગટ કર્યો છે. તો ‘કાળી રાત’, કાળી ઓઢણી અને કાળી ચીસ’માં પશુતાનો ભોગ બનતી નારીનું ચિત્રણ છે. ઈશ્વર પેટલીકરની ‘લોહીની સગાઇ’માંની અમ્રતકાકી પોતાની પાગલ પુત્રીને ઈસ્પિતાલમાં મૂકી આવ્યા પછી એને અવિરત ચિંતામાં સ્વ પાગલ બની જાય છે. એ ચિત્ર મર્મ સ્પર્શી કહો કે હ્રદયને ચીરીનાખે તેવો છે. આ વાર્તામાં માનોવેજ્ઞાનીક પદ્ધતિનો લેખકે આશરો લીધો છે. ઈશ્વર પેટલીકરની વાર્તાઓમાં નારી જીવનની અભિવ્યક્તિ સાદી છતાં સચોટ હોય છે.


   ગુલાબદાસ બ્રોકરે ‘મઝા’, ‘સુર્યા’, ‘વસુધારા’, ‘ઉભીવાટે’ વગેરે વાર્તા-વાર્તાસંગ્રહોમા શહેરી જીવનની નારીના મનોવલણોને તાદ્રશ્ય કર્યો છે. સુન્દરમે(ત્રિશુળ) ‘ખોલકી’ વાર્તામાં રોગિષ્ટ, તામુખ, ઘરડા પતિનું પનારે પડેલી ગ્રામ યુવતીના અપૂર્ણ અરમાનોને વાંચા આપે છે તો ‘નાગરેકા’ વાર્તામાં વેદીયાનાથ (પતિને) પરણેલી કોઢીલી કન્યાને મધુરંજની કેવી વિફળ જાય છે. અને નાની નંણદનાં સંશયના મધુરંજની ગાળવાનો અણધાર્યો કેવો વિચિત્ર પ્રસંગ ઉપસ્થિત થાય છે તેનું વર્ણન છે. ઉમાશંકર જોશીની ‘મારી ચંપાનો વર’ મનોવેજ્ઞાનીક રહસ્ય-યુકત સુક્ષ્મ ધ્વની પ્રધાન નવલિકા છે. ચન્દ્રકાંત બક્ષીની વાર્તાઓમાં જાતીય જીવનની અનુભૂતિનું બળ સવિશેષ છે. શિવ કુમાર જોશીની નવલિકાઓ નારીના મનોજગતને આલેખતી કૃતિઓ છે.


    કવિતા ક્ષેત્રે ગાંધીયુગમાં ‘શેષ’ પાસેથી પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે ‘છેલું દર્શન’ સોનેટ મળે છે. આ સોનેટ કરુણના સંયમિત આલેખનથી તીવ્રતા ધારણ કરે છે. બાલમુકુન્દ દવેના ‘વળાવી બા આવી’ સોનેટમાં ગામડામાં રહેતી વિધવા અભણ વૃધાના જીવનના કારુણ્યને કવિએ હ્રદય સ્પર્શી ઉઠાવ આપ્યો છે.


    નવલકથામાં ઈશ્વર પેટલીકર કૃત ‘જનમ ટીપ’માં પ્રેમ અને વીર રસનું પ્રાબલ્ય છે. તો ‘ભવસાગર’માં હ્રદયનું ઔદાર્ય (ઉદારતા) અને શાંત રસનું પ્રાબલ્ય જોવા મળે છે. ચન્દા જેવી સ્ત્રી અપવાદરૂપ હોય, સુરજ જેવી સ્ત્રી બહુજન સમાજની પ્રતિનિધિત્વ ધરાવે છે. મનુભાઈ પંચોળી (દર્શક)એ ‘ઝેર તો પીધા જાણી જાણી’ પ્રેમના કારુણ્ય ઉજ્જવળતા અને બલિદાનને સાકાર કરેલ છે. પન્નાલાલ પટેલની- ‘માનવીની ભવાઈ’ કાળું અને રાજુના કરુણ મંગલ પ્રણય કથા છે. પ્રહલાદ પારેખનું ‘બારી બહાર’માના ‘મારા રે હેયાને એનું પારખું’, ‘માંગણી’, ‘મળ્યા ને જુદા પડ્યા, જાણીતી અજાણી, વાંચ્છા, આકાશે અબોલા, એક ફૂલ ખીલ્યું છે, (કાવ્ય)  વગેરેમાં નારી હ્રદયના ખૂણામાં અંકુરાયેલા ભાવક અતિ નાજુક અવસ્થા ધારણ કરીને વહ્યા છે.


*અનુંગાંધીયુગ સાહિત્યમાં નારી ચેતના:-

    રાવજી પટેલના ‘અંગત’ પ્રણય અને માતૃ વિષયક કાવ્યોમાં સંવેદનને અભિવ્યક્ત કરનારી ભાષા પણ સત્વવંતી છે. ‘ઢોલીએ’, ‘સબંધ’ વગેરે ઉત્તમ કાવ્ય છે. એમાંય ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યા’ તો ગુજરાતી કાવ્ય સાહિત્યનુ નાનકડું મોઘેરું ઘરેણું છે. ‘ધ્વનિ અને ‘છંદોલય’માં નારી હ્રદયના નાજુક ભાવોને અનુક્રમે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતે કલાત્મક રીતે ઉપસાવ્યો છે.


    નાટ્ય ક્ષેત્રે ચંદ્રવદન મહેતાની આગ વાળાના જીવનના કારુણ્યને નીરુપતું નાટક ‘આગગાડી’ આપણને મળે છે. તેમાં રેલ્વે અધિકારીના અત્યાચારનો ભોગ બનતા પતિ-પુત્ર અને ગાયને ગુમાવી મૃત્યુની પ્રતીક્ષા કરતી રૂખી(પાત્ર)નું વાસ્તવ નારી જીવનના કારુણ્યને નિર્દેશે છે. નાયિકા પ્રધાન નવલકથા ‘અમૃતા’માં આંતર જગતને સત્ય પ્રમાણે નાયિકા તે જ રીતે જીવે છે. તેની પ્રત્યેક ક્રિયામાંથી તેનો મનોલોક પ્રગટ થતો રહતો છે. ‘ઈલા કાવ્યો’માં ભગિની પ્રેમને રસાળ વાંચા આપી છે.


   શેષ’ ઉપનામધારી રામનારાયણ વિશ્વનાથ પાઠકની ‘સખી જો...’, ‘છેલ્લું દર્શન’ જેવા દાંમ્પત્ય પ્રેમના કાવ્યો નોંધપાત્ર છે. દ્વિરેફ ઉપનામથી તેમણે આપેલી ‘જક્ષણી’, ‘જમનાનું પુર’, ‘ખેમી’ જેવી વાર્તાઓ નીચલા ઘરની નારીના હયાની રજુ કરે છે. 


    કનેયાલાલ માણેકલાલ મુનશી એ ઈતિહાસ અને પુરાણનું આધાર લઇ આપેલી નાવ્લોમાં પાત્રના ગોરવને સાચવીને નારી જીવનને પ્રગટ કરવામાં આવ્યો છે. ‘કાકાની શશી’ જેવા નાટકોમાં આધુનિક શિક્ષિત નારીની ઠેકડી મુનશીએ ઉડાડી છે.


    સુન્દરમના ‘તે રમ્ય રાત્રે’, ‘સાનિધ્ય તારે’ વગેરે પ્રણય કાવ્યો સુકુમાર અને મધુર બાનીને કારને વિશેષ આસ્વાદ્ય બને છે. સુન્દરમે તેમની વાર્તાઓમાં જિન્સી તત્વનું નિર્ભીક આલેખન કર્યું છે. સ્થૂળ કામવાસનાથી માંડી સુક્ષ્મ, સંસ્કારી, પ્રેમ સુધીના જુદા-જુદા નારીના પ્રેમ સ્વરૂપો પોતાની વાર્તાઓમાં બે ધડક રીતે આલેખ્યા છે. ઉમાશંકર જોશીના ‘પ્રાચીના’, અને ‘મહાપ્રસ્થાન’માનું ‘કર્ણ કુંતી’ ભાવ સંવેદન કલા સિદ્ધી અને નાટ્યાત્મકતાની દ્રષ્ટિએ અત્યંત નોંધપાત્ર છે. ઉમાશંકર જોશીના ‘બારને ટકોરા’માં ગ્રામ જીવનના પરિવેશમાં પતિની પ્રતીક્ષા કરતી નારીની મૂક વેદના ચિત્રિત થયેલી જોવા મળે છે. તો ‘અર્જુન-ઉર્વશી’ અને ‘કચ’માં નારીના પ્રેમનો અસ્વીકાર કરતા તેમના દ્વારે મળેલા અભિશાપના પ્રસંગો છે.


*સાતમાં આઠમાં દાયકાની ગુજરાતી નવલકથાના નારીપાત્રો(નારી ચેતનાનું આલેખન):-

     આ દિશામાં નારી પાત્રોને પ્રવેશ આપવાનો યશ ચન્દ્રકાંત બક્ષી, મધુરાય, સુરેશ જોશી, રઘુવીર ચૌધરીને ફાળે જાય છે. અનિલા દલાલે નોધ્યું છે:- “ચન્દ્રકાંત બક્ષી જેવા અસ્તિત્વવાદી જીવન દ્રષ્ટિ અભિવ્યક્ત કરતાં નવલકથાકારોમાં નારી વિષયક વિભાવના જુદી જ રીતે પ્રગટે છે. સ્ત્રી સંદર્ભે જાતીય પ્રશ્નોમાં જે સંકોચ કથાકારો અનુભવતા હતા તે ચન્દ્રકાંત બક્ષીમાં રહેતો નથી. સ્ત્રી પુરુષ સબંધો પરત્વે જાતીય નિરપેક્ષ અભિગમ આવતો જણાય છે. પાશ્ચાત્ય નારીની જેમ લગભગ એને કોઈ નેતીક્તાના ખ્યાલો અવરોધાતા નથી.”


    ચન્દ્રકાંત બક્ષીની ‘પડઘા ડૂબી ગયા’ની અલકા અને પ્રકાશ જેવા પાત્ર જીવનના અસ્તિત્વલક્ષી વિચાર સરણીનાં એ પાત્રો ઉપર પ્રક્ષેપણ કર્યું હોય એવું વધારે લાગે છે. એવી જ પ્રતીતિ રઘુવીર ચોધરીની ‘અમૃતા’માં પણ થાય છે. તેમ છતાં ગુજરાતી નવલકથાનાં પાત્રોને વળાંક આપવાનું કામ ચન્દ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરીના નારી પાત્રો દ્વારા થયું જ છે. સુરેશ જોશીએ ‘છિન્ન પત્રો અને મરણોત્તર’ નવલકથામાં નારીનું જે પરલોકિક રૂપ દર્શાવ્યું છે તે ત્યાર પછી કોઈ ગુજરાતી સર્જકે આલેખી બતાવ્યું નથી. પુરુષ નારીના સ્વતંત્રપણાને સ્વીકારે, નારીના સ્વતંત્ર અસ્તિત્વનો આદર્શ કરે એવી ઝંખના સેવતી નારીના નિરૂપણો રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ અને પછી ધીરુબેન પટેલની ‘સીમળાનાં ફૂલ અને કાદમ્બરીની માં’ નામની નવલકથામાં જોવા મળે છે.


   નારીએ અન્યાય સામે લડવા પુરુષ સામે નહિ અને તે માટે પુનઃ ગૃહાગમન કરતી નારીને કરુણ સ્થિતિઓ વડે રજુ થતું વલણ બતાવ્યું છે. તો બિંદુ ભટ્ટની ‘ડાયરી’ અને સરોજ પાઠકની ‘મન નામે મહાસાગર’  લેરી બયન સબંધો પર આધારિત મનોવેજ્ઞાનીક અભિગમની નવલકથા છે તો કુંદનિકા કાપડીયાની ‘સાત પગલા આકાશમાં’ નવલકથામાં નારી વાળની તરફેણ છે. અહીં સુધી લેખિકાઓએ આ રીતે સ્ત્રી ચેતનામાં આવેલા પરિવર્તનોનો કલાત્મક આલેખ જણાય છે.


*આધુનિક અને અનુંઆધુનીક સાહિત્યમાં નારી ચેતના:-

    રંભાબહેન ગાંધી, સરોજ પાઠક, ધીરુબહેન પટેલ, ઈલા આરબ મહેતા, કુંદનિકા કાપડિયા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાળા, સુવર્ણા રાય, ક્રિષ્ના જોશી, તરુણતા દવે વગેરે સર્જકોએ સાહિત્યમાં વિવિધ સ્વરૂપોના આધુનિક નારીના વિવિધ પાસાઓને ચરિતાર્થ કરી આપેલ છે. અને વાસ્તવ પ્રધાન કૃતિઓ આપી છે. સરોજ પાઠકે ‘રાની પીલી વાણી જા’ વાર્તામાં એક માધ્યમ વર્ગની સ્ત્રીના મનમાં વર્ષો પહેલાના પોતાના પ્રેમ અને પ્રેમીના જાગી ઉઠતાં સ્મરણો અને સ્મરણો સાથે વર્તમાનનો તાર જોડીને એની હાલની પરિસ્થિતિને ચકાસી જોવાની પાગલ ધૂનનું અત્યંત ઝીણવટ ભર્યું આલેખન કર્યું છે.


   આજને નવી વાર્તામાં નારીના સ્વરૂપને આધુનિકતાનો ઓપ આપીને રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, રાવજી પટેલ, જ્યોતિષ જાની, કિશોર જાદવ, સરોજ પાઠક, મધુરાય વગેરે રજુ કરે છે. હિમાંશી શેલતની નારી કેન્દ્રિત વાર્તાઓમાં ‘ઇતરામ, વિલમપત, એ નામ, ચાહવું, કશું ગોપનીય, દાહ, છત્રીસમેં વર્ષે, ઘટનાની પ્રતિજ્ઞા, મુઠ્ઠીમાં સુવર્ણ ફળ વગેરે છે.’ આ વાર્તાઓમાં નારીના મનને ગતિવિધિઓનું સબળ આલેખન થયું છે. તેમાં નારી જીવનની સમસ્યાને કે તેના ઉકેલને કોઈ સીધી વાત નથી છતાં અપ્રત્યક્ષ પણે નારીવાદી વલણોનું સુચન તો કરે જ છે.


    આધુનિક નવલિકા ક્ષેત્રે જયંત ખત્રીએ નારી જીવનનું બહુ આયામી દર્શન કરાવ્યું છે. તેમણે વેશ્યાજીવનની વાર્તાઓ પણ લખી છે. ‘બંધ બારણા પાછળ અને અવાજ અજવાળા’ આ પ્રકારની વાર્તાઓ છે. એ જ રીતે લગ્નેતર સબંધની વાર્તાઓ પણ લખી છે. ‘શેર માટીની ભૂખ’ આવા વિષયનું નિરૂપણ કરતી વાર્તા છે. જયંત ખત્રીની ‘ખીચડી’ વાર્તાની લખુડીનું પાત્ર, ‘માર્ગ’ની ‘કેશી’, ‘તેજ ગતિ અને ધ્વનિ’ વાર્તાની કસ્તુર, ‘ધાડ’ વાર્તાની મોઘી અને ‘લોહીનું ટીપું’ની નાયિકા જેવા યાદગાર સ્ત્રી પાત્રો સવાયા છે. સરીફાબહેન વીજળીવાળા એમણે અનુદિત કૃતિઓમાં નારીનું શોષણ થયાની વાત વારંવાર લાવે છે.


     સુરેશ જોશી ‘ગૃહ પ્રવેશ’ની ઘણી બધી વાર્તાઓમાં સ્ત્રી-પુરુષના સબંધોની સંકુતલાનું આલેખન પ્રતીકાત્મક રીતે કર્યું છે. ગૃહ પ્રવેશમાં ‘નળ દમયંતી’ વાર્તામાં પતિની બેદરકારીથી જન્મતી આર્થિક લાચારી ચિત્રાની પર પુરુષ સાથે ચલચિત્ર જોવા દોરી જાય- વાર્તાનો પ્રધાન શો આર્થિક લાચારી સામે સ્ત્રીની વિવશતાનો છે. ‘ગૃહપ્રવેશ’થી ‘એકાદ ને ની શારણ્યે’ સુધી આવતા સુરેશ જોશીની વાર્તાઓ વધુને વધુ સંપૂર્ણ અને પ્રતીકાત્મક બનતી ગઈ છે. અને તેની ચરમ સીમા એમની વાર્તાઓમાં જોવા મળે છે. ‘એક મુલાકાત’ વાર્તામાં યુવતીનું વર્ણન સાપની આસપાસ ઉડતા પતંગિયા રૂપે કરવામાં આવ્યો છે.


    કિશોર જાદવ, મહેશ દવે, મુકુન્દ દવે, પ્રબોધ પરીખ જેવા વાર્તાકારોની વાર્તાઓમાં ટેકનીકને આધારે વધારે મહત્વ આપાતું જોવા મળે છે. આ વાર્તાકારો ઘટનાના નિરૂપણમાં રસ ધરાવતા નથી. નાયક-નાયિકાની રેખાઓ ઉપસાવી આપવાની પણો જણ  પડતા નથી તો બીજી બાજુ વર્તમાન તંત્ર, સંસ્કૃતિ સાથે બદલાયેલી જીવન શેલી, અસ્તિત્વ ટકાવવાની ચિંતા, હતાશા, એકલતા જેવા મનોભાવ અનુભવતો માનવી તેમજ નારીવાદી વલણોને વરેલી કેટલીક લેખિકાઓ કેટલીક વાર્તાઓમાં નારીને નારીની આંખે જોવા- બતાવવાનું ઉપક્રમ સેવ્યો છે.


   વર્ષા અડાલજાએ એમની ‘ખેલાડી’ વાર્તામાં સ્ત્રીઓની લાગણી સાથે રમત રમતા, સ્ત્રીઓનું શોષણ કરતા પુરુષ પ્રધાન સમાજ સાથે પ્રતીઘાત્મક અભિગમ દાખવતી નાયિકાનું વર્ણન કર્યું છે. એમની વાર્તાઓમાં નારી ચેતનાનું સંવેદન, સાહજિકતા અને સુક્ષ્મતાથી આલેખાયેલું છે. લેખિકા સ્વંય નારી લેખિકા હોવાને કારણે સ્ત્રીઓની વિશિષ્ટ સમસ્યાઓ તથા એમના સુક્ષ્મ સંકુલ સંવેદનોને તેમની વાર્તાઓમાં સુંદર વાચા આપી છે. શહેરી જીવનનો વિકાસ થતાં સમાજમાં જડ, સંકુચિત કોચ્રામાં પુરાયેલી નારીની સંવેદના નીરુપવાનું એમણે વિશેષ ગમ્યું છે. સ્વમાની, સ્વતંત્ર, સ્વાવલંબી, વિકાસ ઝંખતી નારીને જે સંઘર્ષ કરવો પડે છે, એમાં મળતી સફળતા, નિષ્ફળતા તથા મથામણોને આજનો વાર્તાકાર મહંદશે નારી સ્વતંત્રતાની ઝંખના કરે છે. આ નારી પાત્રો પોતાની જ નહિ સ્વતંત્રપણા રીતે જીવવા માગે છે. પુરુષ સમાજ સામે સંઘર્ષ, મથામણ કરી દુઃખ વેઠવાની સ્થિતિ સ્વીકારવાનું પડકાર ઝીલીને ખુમારી બતાવી છે. ભિન્ન ભિન્ન સ્તરની નારીએ અવનવી સમસ્યાઓ સામે જવી લે છે. એમાં ક્યાંક સબંધોની કટુતા અને વિષાદ પ્રગટે છે તો ક્યાંક સુવાસ અને મધુરતા પ્રગટી રહે છે તો જરૂર પડ્યે પતિનો આશ્રય અને સામાજિક સુરક્ષાને ત્યજીને પોતાની રીતે જીવી લેવાની મક્કમતા દર્શાવે છે. જેમ કે ઈલા આરબ મહેતાની ‘બત્રીસ પુતળીની વાર્તા’, કુંદનિકા કાપડીયાની ‘સાત પગલા આકાશમાં’ ધીરુબહેન પટેલની ‘કાદમ્બરીની માં’.  


*ઉપસંહાર:-

    પુરુષ પ્રધાન સમાજમાની સર્વ નારીને પ્રત્યેક યુગમાં સર્જકોએ સમભાવ રૂપે નિહાળી છે અને તેના સંવેદનોના સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કલાત્મક રીતે નીરુપવાનો પ્રયત્ન કર્યો છે. આમાં નારી સ્વયં નારીની સમસ્યા રજુ કરે છે. નારી નારીની આંતર ચેતનાને સમજી શકે છે, સ્પર્શી શકે છે.

    

        

         

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ